લૂક 12

12
દંભી ન બનો
(માથ. 10:26-27)
1તે સમયે એકત્ર થયેલા હજારો લોકો એકબીજા પર પડાપડી કરી પગ કચરતા હતા, ત્યારે ઈસુએ ખાસ કરીને પોતાના શિષ્યોને કહ્યું, “ફરોશીઓના ખમીરથી, એટલે કે તેમના દંભથી સાવધ રહો. 2જે કંઈ ઢંક્યેલું છે તે ખુલ્લું કરવામાં આવશે, અને બધાં રહસ્યો જાહેર કરવામાં આવશે. 3તેથી તમે જે રાતના અંધકારમાં બોલ્યા છો, તે દિવસના પ્રકાશમાં જાહેર રીતે સંભળાશે. અને તમે માણસોના કાનમાં જે બંધબારણે ગણગણ્યા છો, તે ઘરના છાપરા પરથી પોકારાશે.
કોનાથી ડરવું?
(માથ. 10:28-31)
4“મિત્રો, હું તમને કહું છું કે જેઓ શરીરને મારી નાખે છે પણ તે પછી બીજું કંઈ નુક્સાન કરી શક્તા નથી તેમનાથી ડરશો નહિ. 5તમારે કોનાથી ડરવું તે હું તમને બતાવું છું: મારી નાખ્યા પછી નરકમાં નાખી દેવાની જેમને સત્તા છે તે ઈશ્વરથી ડરો. હું તમને કહું છું કે, માત્ર તેમનાથી ડરો!
6“શું પાંચ ચકલીઓ બે પૈસામાં વેચાતી નથી? છતાં એમાંની એકપણ ઈશ્વરના ધ્યાન બહાર નથી. 7અરે, તમારા માથાના બધા વાળ પણ ગણેલા છે. તેથી ગભરાશો નહિ; ઘણી ચકલીઓ કરતાં તમે વધુ મૂલ્યવાન છો!
એકરાર કે ઇનકાર
(માથ. 10:32-33; 12:32; 10:19-20)
8“હું તમને કહું છું: જે કોઈ જાહેરમાં એવું કબૂલ કરે કે, હું ખ્રિસ્તનો છું, તો માનવપુત્ર પણ ઈશ્વરના દૂતો સમક્ષ તેનો સ્વીકાર કરશે; 9પણ જે કોઈ જાહેરમાં એવું કબૂલ કરે કે, હું ખ્રિસ્તનો નથી, તો માનવપુત્ર પણ ઈશ્વરના દૂતો સમક્ષ તેનો ઇનકાર કરશે. 10જો કોઈ માનવપુત્રની નિંદા કરે તો તેને ક્ષમા મળી શકે છે; પણ પવિત્ર આત્માની નિંદા કરે તો તેને ક્ષમા કરવામાં આવશે નહિ.
11“જ્યારે તેઓ તમને યહૂદીઓનાં ભજનસ્થાનોમાં અથવા રાજ્યપાલો કે શાસકો આગળ ન્યાયચુકાદા માટે બળજબરીથી લઈ જાય, ત્યારે સ્વબચાવ કરવા કેવી રીતે જવાબ આપશો અથવા શું કહેશો તે અંગે ચિંતા કરશો નહિ; 12કારણ, તમારે શું કહેવું તે પવિત્ર આત્મા તમને તે જ ઘડીએ શીખવશે.”
મૂર્ખ ધનવાનનું ઉદાહરણ
13ટોળામાંથી કોઈકે ઈસુને કહ્યું, “ગુરુજી, મારા ભાઈને કહો કે, વારસામાં મળતી મિલક્તમાંનો મારો ભાગ મને આપી દે.” 14ઈસુએ તેને કહ્યું, “અરે મિત્ર, ન્યાય કરવાનો અથવા તમારા બે વચ્ચે મિલક્ત વહેંચી આપવાનો અધિકાર મને કોણે આપ્યો?” 15પછી તેમણે બધાને કહ્યું, “જાગૃત રહો, અને સર્વ પ્રકારના લોભથી પોતાને સંભાળો, કારણ, કોઈ માણસ પાસે ગમે તેટલી અઢળક સંપત્તિ હોય તોપણ એ સંપતિ કંઈ એનું જીવન નથી.”
16પછી ઈસુએ તેમને ઉદાહરણ આપ્યું, “એકવાર એક ધનવાન માણસના ખેતરમાં મબલક પાક ઊતર્યો. 17તે પોતાના મનમાં વિચારવા લાગ્યો, ‘મારું બધું અનાજ ભરી રાખવાને મારી પાસે જગ્યા નથી. હવે કરવું શું?’ તેણે પોતાના મનમાં વિચાર્યું, ‘હું આમ કરીશ: 18મારા કોઠાર તોડી નંખાવીશ અને એથી વધારે મોટા કોઠાર બંધાવીશ, અને ત્યાં અનાજ અને માલમિલક્ત રાખીશ. 19પછી મારી જાતને કહીશ: હે જીવ! ઘણાં વર્ષો માટે તારે જે વસ્તુઓની જરૂર છે તે તારી પાસે સંગ્રહ કરેલી છે. હવે એશઆરામ કર, અને ખાઈપીને મજા કર!’ 20પણ ઈશ્વરે તેને કહ્યું, ‘અરે મૂર્ખ! આજે રાત્રે જ તું મરી જઈશ, તો આ જે બધી વસ્તુઓ તેં તારે માટે સંઘરી રાખી છે, તે કોને મળશે?”
21ઈસુએ અંતમાં કહ્યું, “જે કોઈ પોતાને માટે સંપત્તિ એકઠી કરે છે, પણ ઈશ્વરની દૃષ્ટિમાં સંપત્તિવાન નથી, તેની આવી જ દશા થાય છે.”
ચિંતા ન કરો
(માથ. 6:25-34)
22પછી ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, “એટલા જ માટે હું તમને કહું છું કે તમારું જીવન ટકાવવા જરૂરી ખોરાકની અથવા તમારા શરીરને માટે જોઈતાં વસ્ત્રોની ચિંતા ન કરો. 23જીવન ખોરાક કરતાં અને શરીર વસ્ત્રો કરતાં વધુ મૂલ્યવાન છે. 24કાગડાઓનો વિચાર કરો! તે નથી વાવતા કે નથી કાપણી કરતા; તેમની પાસે નથી કોઠાર કે ભંડાર; છતાં ઈશ્વર તેમને ખોરાક પૂરો પાડે છે! પંખીઓ કરતાં તમારું મૂલ્ય ઘણું મોટું છે! 25ચિંતા કરીને તમારામાંનો કોણ થોડીક ક્ષણો પણ વધુ જીવી શકે છે? 26જો તમે આવી નજીવી બાબત પણ કરી શક્તા નથી, તો પછી બીજી બાબતોની ચિંતા શા માટે કરો છો? 27વનવગડામાં ફૂલઝાડ કેવાં વધે છે તેનો વિચાર કરો. તેઓ નથી ખેતીક્મ કરતાં કે નથી પોતાને માટે વસ્ત્રો બનાવતાં. હું તમને કહું છું કે શલોમોન જેવા વૈભવી રાજા પાસે પણ આ એક ફૂલને હોય છે એવાં સુંદર વસ્ત્રો ન હતાં. 28એ માટે જે ઘાસ આજે ખેતરમાં છે અને કાલે ચૂલામાં બાળી નંખાય છે તેને જો ઈશ્વર આટલું સજાવે છે, તો પછી ઓ અલ્પવિશ્વાસીઓ, તે તમને વસ્ત્રો પહેરાવવાની એથી પણ વિશેષ કાળજી નહિ રાખે? 29તમે શું ખાશો કે પીશો એ બાબતની ચિંતા કર્યા કરશો નહિ. 30કારણ, દુન્યવી લોકો એ બધી વસ્તુઓની ચિંતા કર્યા કરે છે. તમને એ બધી વસ્તુઓની જરૂર છે એ તો તમારા ઈશ્વરપિતા જાણે છે. 31તેથી પ્રથમ ઈશ્વરના રાજની શોધ કરો એટલે ઈશ્વર તમને એ બધી વસ્તુઓ પૂરી પાડશે.
સ્વર્ગીય સમૃદ્ધિ
(માથ. 6:19-21)
32“ઓ નાના ટોળા, તું ગભરાઈશ નહિ, કારણ, તારા પિતાની ઇચ્છા તને રાજ્ય આપવાની છે. 33તમારી સર્વ સંપત્તિ વેચી દો, અને ઊપજેલા પૈસા દાનમાં આપો. તમારે માટે ર્જીણ ન થાય તેવી નાણાંની કોથળીઓ મેળવો અને આકાશમાં તમારું ધન એકઠું કરો. ત્યાં તે ખૂટશે નહિ; કારણ, કોઈ ચોરને તે હાથ લાગતું નથી, કે નથી કીડા તેનો નાશ કરતા. 34કારણ, જ્યાં તમારું ધન છે ત્યાં જ તમારું મન પણ રહેશે.
જાગ્રત રહેજો
35“લગ્નસમારંભમાં ગયેલા શેઠની રાહ જોઈ રહેલા નોકરોની માફક તમે તમારી કમરો કાસીને અને તમારા દીવા પેટાવીને તૈયાર રહો. 36જ્યારે શેઠ આવે છે અને બારણું ખટખટાવે છે ત્યારે તેઓ તરત જ તેને માટે બારણું ખોલે છે. 37શેઠ પાછો આવે ત્યારે જાગતા હોય તેવા નોકરોને ધન્ય છે! હું તમને સાચે જ કહું છું કે શેઠ પોતે તેમનો કમરપટ્ટો બાંધશે, તેમને ભોજન કરવા બેસાડશે, અને તેમને જમાડશે. 38વળી, જો તે મધરાતે અથવા એથી પણ મોડો આવે અને છતાંય તેમને તૈયાર જુએ તો એ નોકરોને ધન્ય છે! 39યાદ રાખો, ચોર ક્યારે આવશે તે સમય જો ઘરનો માલિક જાણતો હોય, તો તે ચોરને તેના ઘરમાં ચોરી કરવા નહિ દે. 40એટલે તમે પણ તૈયાર રહો, કારણ માનવપુત્ર તમે ધારતા નહિ હો એવા સમયે આવશે.”
વિશ્વાસુ નોકર
(માથ. 24:45-51)
41પિતરે કહ્યું, “પ્રભુ, આ ઉદાહરણ તમે અમને ઉદ્દેશીને કહ્યું છે કે પછી બધાને માટે છે?”
42પ્રભુએ જવાબ આપ્યો, “વિશ્વાસુ અને સમજુ કારભારી કોણ છે? શેઠ ઘરકુટુંબ ચલાવવા અને બીજા નોકરોને યોગ્ય સમયે તેમના ખોરાકનો હિસ્સો આપવા જેની નિમણૂક કરે તે જ. 43તેનો શેઠ પાછો આવે ત્યારે તેને સોંપેલું કાર્ય કરતો જુએ તો તે નોકરને ધન્ય છે! 44હું તમને સાચે જ કહુ છું: શેઠ આ નોકરની હસ્તક પોતાની સર્વ સંપત્તિ મૂકશે. 45પણ જો તે નોકર પોતાના મનમાં કહે, ‘મારો શેઠ આવતાં વાર લગાડે છે,’ અને બીજાં નોકરો અને સ્ત્રી નોકરોને મારવા લાગે અને ખાઈપીને દારૂડિયો બને, 46તો પછી પેલો નોકર ધારતો ન હોય અને જાણતો ન હોય એવા સમયે તેનો શેઠ એક દિવસે પાછો આવશે. શેઠ તેના કાપીને ટુકડે ટુકડા કરી નાખશે; અને નાસ્તિકોના જેવા તેના હાલ કરશે.”
47“શેઠ તેની પાસે શાની અપેક્ષા રાખે છે તે જાણતો હોવા છતાં જે નોકર તૈયાર રહેતો નથી અને તેના શેઠની ઇચ્છા પ્રમાણે કરતો નથી, તેને ભારે શિક્ષા થશે. 48પણ જે નોકર પોતાનો શેઠ શું ઇચ્છે છે તે જાણતો નથી અને કંઈક શિક્ષા થાય તેવું કરી બેસે તો તેને હળવી શિક્ષા થશે. જેને વધુ આપવામાં આવે છે, તેની પાસેથી વધારેની અપેક્ષા રખાય છે. જે માણસને પુષ્કળ આપવામાં આવે છે તેની પાસેથી ઘણું માગવામાં આવશે.
પક્ષાપક્ષીનું કારણ ઈસુ
(માથ. 10:34-36)
49“હું પૃથ્વી પર આગ સળગાવવા આવ્યો છું. જો તે સળગી ચૂકી હોય તો મારે બીજું શું જોઈએ? 50મારે એક બાપ્તિસ્મા પામવાનું છે; એ પરિપૂર્ણ થાય ત્યાં સુધી હું કેવી ભીંસમાં છું! 51શું તમે એમ ધારો છો કે હું પૃથ્વી પર શાંતિ સ્થાપવા આવ્યો છું? હું તમને કહું છું કે શાંતિ સ્થાપવા તો નહિ, પણ પક્ષાપક્ષી ઊભી કરવા હું આવ્યો છું. 52હવેથી કુટુંબના પાંચ સભ્યોમાં ભાગલા પડશે; ત્રણ બેનો વિરોધ કરશે, અને બે ત્રણનો વિરોધ કરશે. 53પિતા પુત્રનો વિરોધ કરશે અને પુત્ર પિતાનો વિરોધ કરશે; મા પુત્રીનો વિરોધ કરશે અને પુત્રી માનો વિરોધ કરશે; સાસુ વહુનો વિરોધ કરશે અને વહુ સાસુનો વિરોધ કરશે.”
સમયની પારખ
(માથ. 16:2-3)
54ઈસુએ લોકોને કહ્યું, “પશ્ર્વિમમાંથી તમે વાદળ ચડતું જુઓ છો કે તરત જ કહો છો, ‘વરસાદ પડશે,’ અને એમ જ બને છે. 55વળી, દક્ષિણનો પવન વાતો જોઈને તમે કહો છો, ‘લૂ વાવાની,’ અને એમ જ બને છે. 56ઓ દંભીઓ! પૃથ્વી અને આકાશ જોઈને તેમનું સ્વરૂપ તમે પારખો છો; તો પછી તમે વર્તમાન સમયના બનાવોના અર્થ કેમ પારખી શક્તા નથી?
વિરોધીની સાથે સમાધાન
(માથ. 5:25-26)
57“સારું કરવું શું છે તેનો ન્યાય તમે પોતે જ કેમ કરતા નથી? 58જો કોઈ માણસ તમારી વિરુદ્ધ કોર્ટમાં કેસ દાખલ કરે અને તમને કોર્ટમાં લઈ જાય, તો તમે હજુ રસ્તામાં હો, ત્યાં સુધીમાં તેની સાથે સમાધાન કરી નાખવા માટે બનતું બધું કરો. કદાચ, તે તમને ન્યાયાધીશ પાસે ખેંચી જાય, ન્યાયાધીશ તમને પોલીસને સોંપે અને પોલીસ તમને જેલમાં પૂરે. 59હું તમને કહું છું કે પૂરેપૂરો દંડ ચૂકવ્યા વગર તમે ત્યાંથી નીકળી શકશો નહિ.”

தற்சமயம் தேர்ந்தெடுக்கப்பட்டது:

લૂક 12: GUJCL-BSI

சிறப்புக்கூறு

பகிர்

நகல்

None

உங்கள் எல்லா சாதனங்களிலும் உங்கள் சிறப்பம்சங்கள் சேமிக்கப்பட வேண்டுமா? பதிவு செய்யவும் அல்லது உள்நுழையவும்