લૂક 10

10
શિષ્યોનું સેવાકાર્ય
1એ પછી પ્રભુએ બીજા સિત્તેર શિષ્યોને પસંદ કર્યા અને પોતે જે જે શહેર કે ગામ જવાના હતા, ત્યાં તેમણે પોતાની અગાઉ તેમને બબ્બેની જોડીમાં મોકલી આપ્યા. 2તેમણે તેમને કહ્યું, “ફસલ તો મબલક છે, પણ તે લણનારા મજૂરો થોડા જ છે. તમે ફસલના માલિકને પ્રાર્થના કરો કે તે તેની ફસલ લણવા માટે મજૂરો મોકલે. 3જાઓ, હું તમને વરુઓ મયે ઘેટાંના જેવા મોકલું છું. 4પૈસાની કોથળી, ઝોળી અથવા બુટ લેતા નહિ; રસ્તે જતાં કોઈને શુભેચ્છા પાઠવવા પણ થોભતા નહિ. 5જે ઘરમાં તમે જાઓ ત્યાં સૌથી પ્રથમ કહો: ‘આ ઘર પર શાંતિ થાઓ.’ 6જો કોઈ શાંતિપ્રિય માણસ ત્યાં રહેતો હશે તો તમારી શાંતિની શુભેચ્છા તેમના પર રહેશે; નહિ તો તમારી શાંતિની શુભેચ્છા તમારી પાસે પાછી આવશે. 7એના એ જ ઘરમાં રહો, અને તમને જે કંઈ આપવામાં આવે તે ખાઓપીઓ. કારણ, મજૂરને પોતાનો પગાર મળવો જોઈએ. 8એક ઘેરથી બીજા ઘેર જતા નહિ. તમે કોઈ નગરમાં જાઓ અને તમારો આવકાર થાય, તો તમને જે કંઈ પીરસવામાં આવે તે ખાઓ. 9એ નગરના બીમારોને સાજા કરો અને ત્યાંના લોકોને કહો, ‘ઈશ્વરનું રાજ તમારી પાસે આવી પહોંચ્યું છે.’ 10પણ જ્યારે તમે કોઈ નગરમાં જાઓ અને ત્યાં તમારો આવકાર ન થાય, તો ત્યાંની શેરીઓમાં જઈને કહો, 11‘અમારે પગે ચોંટેલી તમારા નગરની ધૂળ પણ અમે તમારી વિરુદ્ધ ખંખેરી નાખીએ છીએ; પણ એટલું યાદ રાખજો કે ઈશ્વરનું રાજ તમારી પાસે આવી પહોચ્યું છે.’ 12હું તમને કહું છું કે ન્યાયના દિવસે ઈશ્વર એ નગર કરતાં સદોમ પર વધુ દયા દર્શાવશે.”
અવિશ્વાસુ શહેરો
(માથ. 11:20-24)
13“હાય રે ખોરાજીન, હાય હાય! હાય રે બેથસૈદા, હાય હાય! તમારે ત્યાં જે અદ્‍ભુત કાર્યો કરવામાં આવ્યાં તે જો તૂર અને સિદોનમાં કરાયાં હોત, તો ત્યાંના લોકો પોતાનાં પાપથી પાછા ફર્યા છે એમ દર્શાવવાને ક્યારનાય ટાટનાં વસ્ત્ર પહેરીને અને રાખ ચોળીને બેઠા હોત. 14ન્યાયને દિવસે ત્યાંના લોકો કરતાં તૂર અને સિદોનના લોકોની દશા વધુ સારી હશે. 15અને ઓ કાપરનાહૂમ તું પોતાને આકાશ સુધી ઊંચું કરવા માગતું હતું ને? અરે, તું ઊંડાણમાં ફેંકાશે!”
16ઈસુએ શિષ્યોને કહ્યું, “જે તમારું સાંભળે છે, તે મારું સાંભળે છે; જે તમારો અસ્વીકાર કરે છે, તે મારો અસ્વીકાર કરે છે, અને જે મારો અસ્વીકાર કરે છે, તે મને મોકલનારનો અસ્વીકાર કરે છે.” 17સિત્તેર શિષ્યો આનંદ કરતા કરતા પાછા આવ્યા અને બોલી ઊઠયા, “પ્રભુ, અમે તમારે નામે દુષ્ટાત્માઓને આજ્ઞા કરી અને તેઓ પણ અમને આધીન થયા.”
18ઈસુએ તેમને કહ્યું, આકાશમાંથી પડતી વીજળીની માફક મેં શેતાનને પડતો જોયો. 19જુઓ, તમને મેં સાપ અને વીંછુઓ પર ચાલવાનો તેમ જ શત્રુની બધી સત્તા પર અધિકાર આપ્યો છે, અને તમને કોઈ કંઈ નુક્સાન કરી શકશે નહિ. 20પણ દુષ્ટાત્માઓ તમને આધીન થયા એટલા માટે જ હરખાશો નહિ; પણ એથી વિશેષ, આકાશમાં તમારાં નામ લખેલાં છે તેથી હરખાઓ.”
ગુપ્ત સત્યનું પ્રકટીકરણ
(માથ. 11:25-27; 13:16-17)
21એ જ સમયે ઈસુએ પવિત્ર આત્મા દ્વારા આનંદિત થઈને કહ્યું, “હે પિતા, આકાશ અને પૃથ્વીના પ્રભુ! હું તમારી સ્તુતિ કરું છું કે જ્ઞાનીઓ અને વિદ્વાનો તમે જે ગુપ્ત રાખ્યું હતું, તે તમે સાવ અબુધોને પ્રગટ કર્યું છે. હા, પિતા, તમે એ તમારી પોતાની પસંદગી અને રાજીખુશીથી કર્યું છે.”
22મારા પિતાએ મને સર્વસ્વ આપ્યું છે. ઈશ્વરપિતા સિવાય ઈશ્વરપુત્ર કોણ છે તે કોઈ જાણતું નથી, અને ઈશ્વરપુત્ર સિવાય તથા તે જેને પ્રગટ કરે તે સિવાય ઈશ્વરપિતા કોણ છે તે કોઈ જાણતું નથી.”
23પછી શિષ્યો તરફ ફરીને ઈસુએ તેમને ખાનગીમાં કહ્યું, “તમે જે જોઈ રહ્યા છો, તે જોનારી આંખોને ધન્ય છે. 24હું તમને કહું છું કે, તમે જે જોઈ રહ્યા છો તે જોવા ઈશ્વરના ઘણા સંદેશવાહકો તથા રાજવીઓ આતુર હતા, પણ તેઓ જોઈ શક્યા નહિ; અને તમે જે સાંભળી રહ્યા છો તે સાંભળવા તેઓ ઉત્સુક હતા, પણ સાંભળી શક્યા નહિ.”
દયાળુ સમરૂની
25નિયમશાસ્ત્રના એક શિક્ષકે આવીને ઈસુની પરીક્ષા કરવાનો પ્રયત્ન કર્યો. તેણે પૂછયું, “ગુરુજી, સાર્વકાલિક જીવન મેળવવા માટે મારે શું કરવું જોઈએ?”
26ઈસુએ જવાબ આપ્યો, “ધર્મશાસ્ત્ર શું કહે છે? તું તેનો શો અર્થ ઘટાવે છે?”
27એ માણસે જવાબ આપ્યો, “તારે પ્રભુ તારા ઈશ્વર પર તારા પૂરા દયથી, તારા પૂરા જીવથી, તારી પૂરી તાક્તથી, અને તારા પૂરા મનથી પ્રેમ રાખવો; અને તારા માનવબધું પ્રત્યે તારી જાત પર કરે છે તેટલો પ્રેમ કરવો.”
28ઈસુએ કહ્યું, “તારો જવાબ સાચો છે, તે પ્રમાણે વર્ત એટલે તું સાર્વકાલિક જીવન મેળવશે.”
29પરંતુ નિયમશાસ્ત્રના શિક્ષકે પોતાને યથાર્થ ઠેરવવા ફરીથી ઈસુને પૂછયું, “મારો માનવબધું કોણ?”
30ઈસુએ ઉદાહરણ આપ્યું, “એક માણસ યરુશાલેમથી યરીખો જતો હતો. ત્યારે ગુંડાઓએ તેના પર હુમલો કર્યો, તેનાં કપડાં ઉતારી લીધાં, તેને માર માર્યો અને અધમૂઓ કરીને ચાલ્યા ગયા. 31સંજોગવશાત્ એક યજ્ઞકાર એ રસ્તે થઈને જતો હતો. તેણે પેલા માણસને જોયો અને તે રસ્તાની બીજી બાજુએ ચાલતો થયો. 32એ જ પ્રમાણે એક લેવી કુળનો માણસ પણ ત્યાં થઈને પસાર થયો અને એ માણસને જોઈને તે પણ બીજી બાજુએ ચાલતો થયો. 33પણ એક સમરૂની મુસાફરી કરતો કરતો ત્યાં આવી પહોચ્યો. એ માણસને જોઈને તેને દયા આવી. 34તે તેની પાસે ગયો, તેના ઘા પર તેલ તથા દારૂ રેડીને પાટાપિંડી કરી; પછી પોતાના ગધેડા પર એ માણસને બેસાડીને તેને ઉતારામાં લઈ ગયો અને ત્યાં તેણે તેની સારવાર કરી. 35બીજે દિવસે તેણે બે દીનાર કાઢીને ધર્મશાળાના માલિકને આપ્યા અને તેને કહ્યું, ‘તમે એમની સેવાચાકરી કરજો અને હું આ રસ્તે થઈને પાછો ફરું ત્યારે તેને માટે જે કંઈ વધારે ખર્ચ થાય તે હું આપીશ.”
36અંતમાં ઈસુએ પૂછયું, “તારા અભિપ્રાય પ્રમાણે ગુંડાઓના હુમલાનો ભોગ બનેલ માણસના માનવબધું તરીકે એ ત્રણમાંથી કોણ વર્ત્યું?”
37નિયમશાસ્ત્રના શિક્ષકે કહ્યું, “જેણે તેના પર દયા કરી તે.” ઈસુએ કહ્યું, “તો પછી તું પણ જઈને એ જ પ્રમાણે કર.”
બે બહેનો સાથે મુલાકાત
38ઈસુ અને તેમના શિષ્યો મુસાફરી કરતા કરતા એક ગામમાં આવ્યા. ત્યાં માર્થા નામની એક સ્ત્રીએ ઈસુને પોતાને ઘેર આવકાર આપ્યો. 39તેની બહેનનું નામ મિર્યામ હતું. તે ઈસુના ચરણ આગળ બેસીને તેમની બોધવાણી સાંભળતી હતી. 40બધું ક્મ માર્થાને જ કરવાનું હોઈ તે હાંફળીફાંફળી થઈ ગઈ. તેથી તેણે ઈસુની પાસે આવીને કહ્યું, “પ્રભુ, મારી બહેને સરભરાનું બધું ક્મ મારે માથે નાખ્યું છે એની તમને કંઈ દરકાર નથી? તેને કહો કે, તે આવીને મને મદદ કરે!”
41પ્રભુએ તેને જવાબ આપ્યો, “માર્થા, માર્થા, તું ઘણી બાબતોની ચિંતા કરે છે અને બાવરી બની જાય છે. 42પણ એક વાત જરૂરી છે અને મિર્યામે પસંદ કરેલો એ સારો હિસ્સો તેની પાસેથી લઈ લેવામાં આવશે નહિ.”

தற்சமயம் தேர்ந்தெடுக்கப்பட்டது:

લૂક 10: GUJCL-BSI

சிறப்புக்கூறு

பகிர்

நகல்

None

உங்கள் எல்லா சாதனங்களிலும் உங்கள் சிறப்பம்சங்கள் சேமிக்கப்பட வேண்டுமா? பதிவு செய்யவும் அல்லது உள்நுழையவும்