યોહાન 1

1
જીવનનો શબ્દ
1સૃષ્ટિના આરંભ પહેલાં શબ્દ#1:1 હિબ્રૂ ભાષામાં ‘દાવાર;’ ગ્રીક ભાષામાં ‘લોગોસ;’: ઈશ્વરની સર્જનાત્મક અભિવ્યકાતિ. ગ્રીકોને સમજાવવા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સંબંધમાં યોહાન આ વિચાર રજૂ કરે છે.નું અસ્તિત્વ હતું. તે ઈશ્વરની સાથે હતો, અને જે ઈશ્વર હતા તે જ તે હતો. 2શબ્દ ઈશ્વરની સાથે આરંભથી જ હતો. 3તેના દ્વારા જ ઈશ્વરે બધાંનું સર્જન કર્યું, અને તે સર્જનમાંની કોઈપણ વસ્તુ તેના વિના બનાવવામાં આવી ન હતી. 4શબ્દ જીવનનું ઉદ્ભવસ્થાન હતો અને એ જીવન માનવી પાસે પ્રકાશ લાવ્યું. 5આ પ્રકાશ અંધકારમાં પ્રકાશે છે, અને અંધકાર તેને કદી હોલવી શક્તો નથી.
6ઈશ્વરે પોતાના સંદેશવાહક યોહાનને મોકલ્યો. 7તે લોકોને એ પ્રકાશ વિષે સાક્ષી આપવા આવ્યો; જેથી બધા માણસો એનો સંદેશો સાંભળીને વિશ્વાસ કરે. 8યોહાન પોતે એ પ્રકાશ ન હતો, પરંતુ પ્રકાશ વિષે તે સાક્ષી આપવા આવ્યો હતો. 9ખરો પ્રકાશ તો એ હતો કે જે દુનિયામાં આવે છે અને સઘળા માણસો પર પ્રકાશે છે.
10શબ્દ દુનિયામાં હતો. ઈશ્વરે તેના દ્વારા જ આ દુનિયા બનાવી; પણ દુનિયાએ તેને ઓળખ્યો નહિ. 11તે પોતાના લોકોની પાસે આવ્યો, પરંતુ તેમણે તેનો સ્વીકાર કર્યો નહિ. 12છતાં કેટલાકે તેનો સ્વીકાર કર્યો અને તેના નામ પર વિશ્વાસ મૂક્યો. તેથી તેણે તેમને ઈશ્વરનાં બાળકો થવાનો અધિકાર આપ્યો. 13તેઓ માનવી પિતા દ્વારા શારીરિક જન્મથી નહિ પણ ઈશ્વર દ્વારા જન્મ પામીને ઈશ્વરનાં બાળકો બન્યાં.
14શબ્દ માનવ તરીકે જનમ્યો અને તેણે આપણી વચ્ચે વસવાટ કર્યો. પિતાના એકનાએક પુત્રને છાજે તેવો, કૃપા તથા સત્યતાથી ભરપૂર એવો તેનો મહિમા અમે નિહાળ્યો.
15યોહાને તેના વિષે સાક્ષી આપતાં પોકાર્યું, “જેમના સંબંધી હું કહેતો હતો કે, જે મારા પછીથી આવે છે પણ મારાથી મહાન છે, અને મારા જન્મ અગાઉ હયાત હતા તે જ આ વ્યક્તિ છે.”
16તેમની કૃપાના ભરપૂરીપણામાંથી તેમણે આપણને બધાને આશિષ પર આશિષ આપી છે. 17ઈશ્વરે મોશેની મારફતે નિયમશાસ્ત્ર આપ્યું, પરંતુ કૃપા અને સત્યતા તો ઈસુ ખ્રિસ્તની મારફતે આપવામાં આવ્યાં.
18કોઈએ ઈશ્વરને કદી જોયા નથી. પુત્ર જે ઈશ્વર છે અને જે ઈશ્વરપિતાની અત્યંત નિકટ છે, માત્ર તેમણે જ ઈશ્વરને પ્રગટ કર્યા છે.
બાપ્તિસ્મા કરનાર યોહાનનો સંદેશ
(માથ. 3:1-12; માર્ક. 1:1-8; લૂક. 3:1-18)
19યરુશાલેમમાંના યહૂદી અધિકારીઓએ યજ્ઞકારોને અને લેવીઓને યોહાન પાસે મોકલીને તેને પુછાવ્યું, “તમારી ઓળખાણ આપશો?”
20યોહાને જવાબ આપવાની ના પાડી નહિ, પરંતુ સ્પષ્ટ વાત કરી. તેમણે કહ્યું, “હું આવનાર મસીહ નથી.”
21તેમણે તેને પૂછયું, “તો તમે કોણ છો? એલિયા છો?” યોહાને જવાબ આપ્યો, “ના, હું તે પણ નથી.” વળી તેમણે પૂછયું, “શું તમે આવનાર સંદેશવાહક છો?” તેણે જવાબ આપ્યો, “ના.”
22એટલે તેમણે પૂછયું, “તો તમે છો કોણ? તમે પોતે તમારા વિષે શું કહો છો? કારણ, અમને મોકલનાર પાસે અમારે જવાબ લઈ જવાનો છે.”
23યોહાને જવાબ આપ્યો, “ઈશ્વરના સંદેશવાહક યશાયાએ કહ્યું હતું તે પ્રમાણે
હું તો ‘પ્રભુને માટે માર્ગ સરખો કરો,’
એવી વેરાનમાં બૂમ પાડનારની વાણી છું.”
24આ પૂછપરછ કરનારાઓને ફરોશીઓએ મોકલ્યા હતા.#1:24 અથવા; પૂછપરછ કરવા આવનારા ફરોશીઓ હતા. 25તેમણે યોહાનને પૂછયું, “જો, તમે આવનાર મસીહ નથી, એલિયા નથી કે આવનાર સંદેશવાહક નથી, તો તમે બાપ્તિસ્મા કેમ આપો છો?”
26યોહાને જવાબ આપ્યો, “હું પાણીથી બાપ્તિસ્મા આપું છું, પણ તમારી મયે જે એક ઊભા છે તેમને તમે ઓળખતા નથી; 27તે મારા પછીથી આવે છે, પરંતુ હું તો વાધરી છોડીને તેમનાં ચંપલ ઉતારવા જેવોય યોગ્ય નથી.”
28યર્દન નદીના પૂર્વ કિનારે આવેલા બેથાનિયામાં જ્યાં યોહાન બાપ્તિસ્મા આપતો હતો ત્યાં એ બધું બન્યું.
ઈશ્વરનું હલવાન
29બીજે દિવસે યોહાને ઈસુને પોતાની તરફ આવતા જોઈને પોકાર્યું, “જુઓ ઈશ્વરનું હલવાન! તે દુનિયાનાં પાપ દૂર કરે છે. 30જેમને વિષે હું તમને કહેતો હતો કે, ‘એક માણસ મારા પછી આવે છે, પરંતુ તે મારા કરતાં મહાન છે; કારણ, તે મારા જન્મ પહેલાં હયાતી ધરાવે છે, તે જ આ વ્યક્તિ છે. 31મને ખબર નહોતી કે તે કોણ હશે. પરંતુ ઇઝરાયલને તેમની ઓળખ થાય તે માટે હું પાણીથી બાપ્તિસ્મા આપું છું.”
32યોહાને આ પ્રમાણે સાક્ષી આપી, “મેં આત્માને કબૂતરની જેમ આકાશમાંથી ઊતરતો અને તેમના પર સ્થિર થતો જોયો. 33હું તેમને ઓળખી શક્યો નહોતો, પરંતુ મને પાણીથી બાપ્તિસ્મા કરવા મોકલનાર ઈશ્વરે મને કહ્યું હતું, ‘તું આત્માને જેના પર ઊતરતો અને સ્થિર થતો જોઈશ, તે જ પવિત્ર આત્માથી બાપ્તિસ્મા આપનાર હશે.” 34વળી, યોહાને કહ્યું, “મેં એ જોયું છે, અને હું તમને સાક્ષી આપું છું કે તે ઈશ્વરપુત્ર છે.”
ઈસુના પ્રથમ શિષ્યો
35બીજે દિવસે ફરીથી યોહાન પોતાના બે શિષ્યો સાથે ત્યાં હતો. 36તેણે ઈસુને નજીકમાં ફરતા જોઈને કહ્યું, “જુઓ, ઈશ્વરનું હલવાન!”
37પેલા બે શિષ્યો તેને તેમ કહેતો સાંભળીને ઈસુની પાછળ ગયા. 38ઈસુએ પાછા વળીને તેમને પોતાની પાછળ આવતા જોઈને પૂછયું, “તમે શું શોધો છો?”
તેમણે જવાબ આપ્યો, “રાબ્બી, (આ શબ્દનો અર્થ ‘ગુરુજી’ થાય છે) તમે ક્યાં વસો છો?”
39તેમણે તેમને કહ્યું, “આવીને જુઓ.” તેથી તેઓ તેમની સાથે ગયા અને તે ક્યાં વસતા હતા તે જોયું અને બાકીનો દિવસ તેમની સાથે ગાળ્યો. ત્યારે બપોરના ચારેક વાગ્યા હતા.
40યોહાનનું સાંભળીને ઈસુની પાછળ જનારામાં એક સિમોન પિતરનો ભાઈ આંદ્રિયા હતો. 41સૌ પ્રથમ આંદ્રિયાએ પોતાના ભાઈ સિમોનને શોધી કાઢયો, અને તેને કહ્યું, “અમને મસીહ#1:41 આ શબ્દનો અર્થ “ઈશ્વરનો અભિષિકાત’ થાય છે. અર્થાત્ ખ્રિસ્ત મળ્યા છે.” 42પછી તે સિમોનને ઈસુની પાસે લઈ ગયો.
ઈસુએ સિમોન પર દૃષ્ટિ ઠેરવતાં કહ્યું, “યોહાનના દીકરા સિમોન, તું ‘કેફા’ (એટલે કે ‘પિતર’ અર્થાત્ ખડક) કહેવાશે.”
અમને મસીહ મળ્યા છે
43બીજે દિવસે ઈસુએ ગાલીલના પ્રદેશમાં જવાનું વિચાર્યું. તેમણે ફિલિપને શોધી કાઢયો, અને તેને કહ્યું, “મને અનુસર!” 44ફિલિપ બેથસાઈદાનો વતની હતો; તે આંદ્રિયા તથા પિતરનું ગામ હતું. 45ફિલિપે નાથાનાએલને મળીને કહ્યું, “જેના વિષે મોશેએ નિયમશાસ્ત્રમાં અને સંદેશવાહકોનાં પુસ્તકોમાં લખેલું છે, તે અમને મળ્યા છે. તે તો યોસેફના પુત્ર, નાઝારેથના ઈસુ છે.”
46નાથાનાએલે પૂછયું, “અરે, નાઝારેથમાંથી કંઈ સારું નીપજે ખરું?”
ફિલિપે જવાબ આપ્યો, “આવીને જો.”
47ઈસુએ નાથાનાએલને પોતાની પાસે આવતો જોઈને કહ્યું, “આ ખરો ઇઝરાયલી છે! તેનામાં કંઈ કપટ નથી!”
48નાથાનાએલે તેને પૂછયું, “તમે મને કેવી રીતે ઓળખો છો?”
ઈસુએ જવાબ આપ્યો, “ફિલિપે તને બોલાવ્યો તે પહેલાં તું અંજીરી નીચે ઊભો હતો, ત્યારે મેં તને જોયેલો.”
49નાથાનાએલે જવાબ આપ્યો, “ગુરુજી, તમે ઈશ્વરના પુત્ર છો! તમે ઇઝરાયલના રાજા છો!”
50ઈસુએ કહ્યું, “તું અંજીરી નીચે ઊભો હતો ત્યારે મેં તને જોયેલો, એમ મેં તને કહ્યું એટલા પરથી જ શું તું વિશ્વાસ કરે છે? અરે, એના કરતાં પણ વધુ મહાન બાબતો તું જોઈશ!” 51તેમણે તેમને કહ્યું, “હું તમને સાચે જ કહું છું: તમે આકાશ ઊઘડી ગયેલું અને ઈશ્વરના દૂતોને આકાશમાંથી માનવપુત્ર ઉપર ઊતરતા અને આકાશમાં ચઢતા જોશો.”

தற்சமயம் தேர்ந்தெடுக்கப்பட்டது:

યોહાન 1: GUJCL-BSI

சிறப்புக்கூறு

பகிர்

நகல்

None

உங்கள் எல்லா சாதனங்களிலும் உங்கள் சிறப்பம்சங்கள் சேமிக்கப்பட வேண்டுமா? பதிவு செய்யவும் அல்லது உள்நுழையவும்