લૂક 13
13
પાપથી ફરો યા મરો
1હવે તે જ સમયે ત્યાં કેટલાક હાજર હતા કે જેઓએ પિલાતે જે ગાલીલીઓનું લોહી તેઓના યજ્ઞો સાથે ભેળવી દીધું હતું. તેઓ વિષે તેમને કહી જણાવ્યું. 2તેમણે તેઓને ઉત્તર આપ્યો, “એ ગાલીલીઓ પર એવી [વિપત્તિઓ] પડી તેથી તેઓ બીજા બધા ગાલીલીઓ કરતાં વિશેષ પાપી હતા, એમ તમે ધારો છો શું? 3હું તમને કહું છું કે, ના; પણ જો તમે પસ્તાવો કરશો નહિ, તો તમે સર્વ તે જ પ્રમાણે નાશ પામશો.” 4અથવા શિલોઆહમાં જે અઢાર માણસ પર બુરજ પડ્યો, ને તેઓને મારી નાખ્યા, તેઓ યરુશાલેમમાંના બીજા સર્વ રહેવાસીઓ કરતાં વિશેષ ગુનેગાર હતા, એમ તમે ધારો છો શું? 5હું તમને કહું છું કે, ના; પણ જો તમે પસ્તાવો કરશો નહિ, તો તમે સર્વ તેમ જ નાશ પામશો.”
ફળહીન અંજીરીનું દ્દષ્ટાંત
6વળી તેમણે આ દ્દષ્ટાંત કહ્યું, કોઈએક માણસની દ્રાક્ષાવાડીમાં એક અંજીરી રોપેલી હતી. તે તેના પરથી ફળ શોધતો આવ્યો, પણ એકે જડ્યું નહિ. 7ત્યારે તેણે દ્રાક્ષાવાડીના માળીને કહ્યું, ‘જો, આ ત્રણ વરસથી આ અંજીરી પરથી હું ફળ શોધતો આવ્યો છું, અને એકે જડતું નથી. તેને કાપી નાખ. તે વળી જમીન કેમ નકામી રોકે છે?’ 8તેણે તેમને ઉત્તર આપ્યો, ‘સાહેબ, તેને આ વરસ પણ રહેવા દો. એટલામાં હું તેની આસપાસ ખોદું, ને ખાતર નાખું. 9જો ત્યાર પછી તેને ફળ આવે તો ઠીક; અને નહિ આવે, તો તેને કાપી નાખજો.’”
ઈસુ વિશ્રામવારે સ્ત્રીને સાજી કરે છે
10વિશ્રામવારે તે એક સભાસ્થાનમાં બોધ કરતાં હતા. 11જુઓ, જેને અઢાર વરસથી મંદવાડનો આત્મા વળગેલો હતો એવી એક સ્ત્રી ત્યાં હતી. તે વાંકી વળી ગઈ હતી, અને કોઈ પણ રીતે સીધી ઊભી થઈ શકતી નહિ. 12તેને જોઈને ઈસુએ તેને બોલાવીને કહ્યું, “બાઈ, તારા મંદવાડથી તું છૂટી થઈ છે.” 13તેમણે તેના પર હાથ મૂક્યા કે, તરત તે ટટાર થઈ, અને ઈશ્વરની સ્તુતિ કરી.
14વિશ્રામવારે ઈસુએ તેને સાજી કરી, માટે સભાસ્થાનના અધિકારીએ ગુસ્સે થઈને લોકોને કહ્યું, #નિ. ૨૦:૯-૧૦; પુન. ૫:૧૩-૧૪. “છ દિવસ છે કે જેમાં માણસોએ કામ કરવું જોઈએ. એ માટે તે [દિવસો] એ તમે આવીને સાજા થાઓ, પણ વિશ્રામવારે નહિ.” 15પણ પ્રભુએ તેને ઉત્તર આપ્યો, “ઓ ઢોંગીઓ, તમારામાંનો દરેક પોતપોતાના બળદને તથા ગધેડાને કોઢમાંથી છોડીને વિશ્રામવારે પાવા માટે લઈ જતો નથી શું? 16આ સ્ત્રી જે ઇબ્રાહીમની દીકરી છે, અને જેને શેતાને અઢાર વરસથી બાંધી રાખી હતી, તેને વિશ્રામવારે બંધનમાંથી છોડાવવી જોઈતી નહોતી શું?” 17તેમણે એ વાતો કહી ત્યારે તેમના બધા સામાવાળા લજવાયા; અને જે બધાં મહિમાંવત કામો તેમણે કર્યાં તેને લીધે બધા લોકો હર્ષ પામ્યા.
રાઈના બીનું દ્દષ્ટાંત
(માથ. ૧૩:૩૧-૩૨; માર્ક ૪:૩૦-૩૨)
18એ પછી તેમણે કહ્યું, “ઈશ્વરનું રાજ્ય શાના જેવું છે? અને હું તેને શાની ઉપમા આપું? 19તે રાઈના બી જેવું છે, જેને એક જણે લઈને પોતાની વાડીમાં નાખ્યું. તે વધીને મોટું ઝાડ થયું, અને આકાશનાં પક્ષીઓએ તેની ડાળીઓ પર વાસો કર્યો.”
ખમીરનું દ્દષ્ટાંત
(માથ. ૧૩:૩૩)
20વળી તેમણે કહ્યું, “હું ઈશ્વરના રાજ્યને શાની ઉપમા આપું? 21તે ખમીર જેવું છે, તેને એક સ્ત્રીએ લઈને ત્રણ માપ લોટમાં મેળવ્યું, અને પરિણામે તે બધો ખમીરવાળો થયો.”
ઉદ્ધારનું સાંકડું બારણું
(માથ. ૭:૧૩-૧૪,૨૧-૨૩)
22તે યરુશાલેમ તરફ મુસાફરી કરતાં શહેરેશહેર તથા ગામેગામ બોધ કરતા ગયા. 23એક જણે તેમને પૂછ્યું, “પ્રભુ, ઉદ્ધાર પામનાર થોડા છે શું?”
તેમણે તેઓને કહ્યું કે, 24સાંકડા બારણામાં થઈને પેસવાનો યત્ન કરો; કેમ કે હું તમને કહું છું કે, ઘણા પેસવા ચાહશે, પણ [પેસી] શકશે નહિ. 25જ્યારે ઘરધણી ઊઠીને બારણું બંધ કરશે, અને તમે બહાર ઊભા રહીને બારણું ખટખટાવવા માંડશો, અને કહેશો કે, પ્રભુ, અમારે માટે ઉઘાડો’; અને તે તમને ઉત્તર આપશે કે, ‘તમે ક્યાંના છો એ હું જાણતો નથી.’ 26ત્યારે તમે કહેવા લાગશો કે ‘અમે તમારી સમક્ષ ખાધુંપીધું હતું, અને તમે અમારા રસ્તાઓમાં બોધ કર્યો હતો.’ 27તે તમને કહેશે કે, ‘હું તમને કહું છું કે, તમે ક્યાંના છો એ હું જાણતો નથી રે અન્યાય કરનારા, #ગી.શા. ૬:૮. તમે સર્વ મારી પાસેથી જાઓ.’ 28#માથ. ૮:૧૧-૧૨. જ્યારે તમે ઇબ્રાહિમને, ઇસહાકને, યાકૂબને તથા બધા પ્રબોધકોને ઈશ્વરના રાજ્યમાં જોશો, અને પોતાને બહાર કાઢી મૂકેલા [જોશો] , #માથ. ૨૨:૧૩; ૨૫:૩૦. ત્યારે તમે રડશો તથા દાંત પીસશો. 29તેઓ પૂર્વ તથા પશ્ચિમથી ઉત્તર તથા દક્ષિણથી આવીને ઈશ્વરના રાજ્યમાં બેસશે. 30જુઓ, [કેટલાક] #માથ. ૧૯:૩૦; ૨૦:૧૬; ૧૦:૩૧. જેઓ છેલ્લા છે તેઓ પહેલા થશે, અને [કેટલાક] જેઓ પહેલા છે તેઓ છેલ્લા થશે.”
યરુશાલેમ પ્રત્યે ઈસુનો પ્રેમ
(માથ. ૨૩:૩૭-૩૯)
31તે જ ઘડીએ કેટલાક ફરોશીઓએ તેમની પાસે આવીને કહ્યું, “અહીંથી નીકળી જાઓ; કેમ કે હેરોદ તમને મારી નાખવા ચાહે છે.”
32તેઓને તેમણે કહ્યું, “તમે જઈને તે લોંકડાને કહો, જુઓ, આજકાલ, હું દુષ્ટાત્માઓને કાઢું છું, અને રોગ મટાડું છું. ને ત્રીજે દિવસે હું સંપૂર્ણ કરાઈશ. 33તોપણ આજે, કાલે તથા પરમ દિવસે મારે ચાલવું જોઈએ, કેમ કે કોઈ પ્રબોધક યરુશાલેમની બહાર નાશ પામે એવું બની શકતું નથી.
34ઓ યરુશાલેમ, યરુશાલેમ, પ્રબોધકોને મારી નાખનાર તથા તારી પાસે મોકલેલાઓને પથ્થરે મારનાર! જેમ મરધી પોતાનાં બચ્ચાંને પાંખો નીચે એકત્ર કરે છે, તેમ મેં કેટલીવાર તારાં છોકરાંને એકત્ર કરવાનું ચાહ્યું, પણ તમે ચાહ્યું નહિ! 35જુઓ, તમારું ઘર તમારે માટે [ઉજ્જડ કરી] મૂકવામાં આવ્યું છે; હું તમને કહું છું કે, તમે કહેશો કે, #ગી.શા. ૧૧૮:૨૬. ‘પ્રભુને નામે જે આવે છે તેને ધન્ય છે’, ત્યાં સુધી તમે મને ફરી જોનાર નથી.”
தற்சமயம் தேர்ந்தெடுக்கப்பட்டது:
લૂક 13: GUJOVBSI
சிறப்புக்கூறு
பகிர்
நகல்
உங்கள் எல்லா சாதனங்களிலும் உங்கள் சிறப்பம்சங்கள் சேமிக்கப்பட வேண்டுமா? பதிவு செய்யவும் அல்லது உள்நுழையவும்
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.