યોહાન 15
15
ઈસુ ખરો દ્રાક્ષાવેલો
1હું ખરો દ્રાક્ષાવેલો છું, અને મારા પિતા માળી છે. 2મારામાંની પ્રત્યેક ડાળી જેને ફળ આવતાં નથી, તેને તે કાપી નાખે છે; અને પ્રત્યેક [ડાળી] જેને ફળ આવે છે, તેને વધારે ફળ આવે માટે તે તેને શુદ્ધ કરે છે. 3જે વચનો મેં તમને કહ્યાં છે, તે વડે તમે હવે શુદ્ધ થઈ ગયા છો. 4તમે મારામાં રહો, ને હું તમારામાં [રહીશ]. જેમ ડાળી વેલામાં રહ્યા વિના પોતાની જાતે ફળ આપી નથી શકતી, તેમ તમે પણ મારામાં રહ્યા વિના [ફળ] આપી શક્તા નથી.
5હું તો દ્રાક્ષાવેલો છું, ને તમે ડાળીઓ છો. જે મારામાં રહે છે, અને હું તેનામાં, તે જ ઘણાં ફળ આપે છે; કેમ કે મારાથી નિરાળા રહીને તમે કંઈ કરી શકતા નથી. 6જો કોઈ મારામાં રહેતો નથી, તો ડાળીની જેમ તેને બહાર ફેંકી દેવામાં આવે છે, અને તે સુકાઈ જાય છે. પછી લોકો તેઓને એકઠી કરીને અગ્નિમાં નાખે છે, ને તેઓ બળી જાય છે. 7જો તમે મારામાં રહો, અને મારાં વચન તમારામાં રહે, તો જે કંઈ તમે ચાહો તે માગો, એટલે તે તમને મળશે. 8તમે બહુ ફળ આપો, એમાં મારા પિતાને મહિમા મળે છે; અને [એથી] તમે મારા શિષ્યો થશો. 9જેમ પિતાએ મારા પર પ્રેમ રાખ્યો છે, તેમ મેં પણ તમારા પર પ્રેમ રાખ્યો છે, તમે મારા પ્રેમમાં રહો. 10જેમ હું મારા પિતાની આજ્ઞાઓ પાળીને તેમના પ્રેમમાં રહું છું, તેમ જો તમે મારી આજ્ઞાઓ પાળો તો તમે મારા પ્રેમમાં રહેશો.
11તમારામાં મારો આનંદ રહે, અને તમારો આનંદ સંપૂર્ણ થાય, એ માટે મેં તમને એ વચનો કહ્યાં છે. 12મારી આજ્ઞાઓ એ છે કે, જેમ મેં તમારા પર પ્રેમ રાખ્યો છે, તેમ #યોહ. ૧૩:૩૪; ૧૫:૧૭; ૧ યોહ. ૩:૨૩; ૨ યોહ. ૫. તમે એકબીજા પર પ્રેમ રાખો. 13પોતાના મિત્રોને માટે જીવ આપવો, તે કરતાં મોટો પ્રેમ કોઈનો નથી. 14જે આજ્ઞાઓ હું તમને આપું છું તે જો તમે પાળો તો તમે મારા મિત્ર છો. 15હવેથી હું તમને દાસ કહેતો નથી; કેમ કે પોતાનો શેઠ જે કરે છે તે દાસ જાણતો નથી. પણ મેં તમને મિત્ર ક્હ્યા છે; કેમ કે જે વાતો મેં મારા પિતા પાસેથી સાંભળી હતી તે બધી મેં તમને જણાવી છે. 16તમે મને પસંદ કર્યો નથી, પણ મેં તમને પસંદ કર્યા છે, ને તમને નીમ્યા છે કે, તમે જઈને ફળ આપો, અને તમારાં ફળ કાયમ રહે, જેથી તમે મારે નામે જે કંઈ પિતાની પાસે માગો તે તમને તે આપે.
17તમે એકબીજા પર પ્રેમ રાખો માટે હું તમને એ આજ્ઞાઓ આપું છું.
દુનિયાનો તિરસ્કાર
18જો જગત તમારા પર દ્વેષ રાખે છે તો તમારા અગાઉ તેણે મારા પર દ્વેષ રાખ્યો છે, એ તમે જાણો છો. 19જો તમે જગતના હોત તો જગત પોતાનાંના ઉપર પ્રેમ રાખત! પરંતુ તમે જગતના નથી, પણ મેં તમને જગતમાંથી પસંદ કર્યા છે, તે માટે જગત તમારા પર દ્વેષ રાખે છે. 20#માથ. ૧૦:૨૪; લૂ. ૬:૪૦; યોહ. ૧૩:૧૬. દાસ પોતાના શેઠથી મોટો નથી, એવી જે વાત મેં તમને કહી તે યાદ રાખો. જો તેઓ મારી પાછળ પડયા, તો તેઓ તમારી પાછળ પણ પડશે. જો તેઓએ મારાં વચન પાળ્યાં, તો તેઓ તમારાં પણ પાળશે. 21પણ એ બધું મારા નામની ખાતર તેઓ તમને કરશે, કેમ કે તેઓ મારા મોકલનારને ઓળખતા નથી. 22જો હું આવ્યો ન હોત, અને તેઓને કહ્યું ન હોત, તો તેઓને પાપ ન લાગત; પણ હવે તેઓનાં પાપ સંબંધી તેઓને કંઈ બહાનું રહ્યું નથી. 23જે મારા પર દ્વેષ રાખે છે, તે મારા પિતા પર પણ દ્વેષ રાખે છે. 24જે કામો બીજા કોઈએ કર્યાં નથી, તે જો મેં તેઓ મધ્યે ન કર્યાં હોત, તો તેઓને પાપ ન લાગત. પણ હવે તેઓએ મને તથા મારા પિતાને પણ જોયા છે, અને દ્વેષ રાખ્યો છે. 25પણ તેઓના નિયમશાસ્ત્રમાં લખ્યું છે કે, #ગી.શા. ૩૫:૧૯; ૬૯:૪. ‘તેઓએ વિનાકારણ મારાં પર દ્વેષ રાખ્યો છે, ’ તે પૂર્ણ થવા માટે [એમ થયું]. 26પણ સંબોધક, એટલે સત્યનો આત્મા, જે પિતાની પાસેથી નીકળે છે, તેને હું પિતાની પાસેથી તમારી પાસે મોકલી દઈશ. તે જ્યારે આવશે, ત્યારે તે મારા સંબંધી સાક્ષી આપશે. 27અને તમે પણ સાક્ષી આપશો, કેમ કે તમે આરંભથી મારી સાથે છો.
தற்சமயம் தேர்ந்தெடுக்கப்பட்டது:
યોહાન 15: GUJOVBSI
சிறப்புக்கூறு
பகிர்
நகல்
உங்கள் எல்லா சாதனங்களிலும் உங்கள் சிறப்பம்சங்கள் சேமிக்கப்பட வேண்டுமா? பதிவு செய்யவும் அல்லது உள்நுழையவும்
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.