યોહાન 13

13
ઈસુ શિષ્યોના પગ ધૂએ છે
1હવે પાસ્ખાપર્વ અગાઉ પોતાનો આ જગતમાંથી પિતાની પાસે જવાનો સમય આવ્યો છે એ જાણીને ઈસુએ જગતમાં પોતાના લોકો, જેઓના ઉપર તે પ્રેમ રાખતા હતા, તેઓ પર અંત સુધી પ્રેમ રાખ્યો.
2હવે શેતાને અગાઉથી સિમોનના દીકરા યહૂદા ઇશ્કારિયોતના મનમાં તેમને પરસ્વાધીન કરવાની પ્રેરણા કરી હતી. તેઓ જમતા હતા તેવામાં, 3પિતાએ બધો અધિકાર મારા હાથમાં સોંપ્યો છે, અને હું ઈશ્વરની પાસેથી આવ્યો છું, અને ઈશ્વરની પાસે જાઉં છું, એ જાણીને 4[ઈસુ] જમણ પરથી ઊઠે છે, અને પોતાનો ઝભ્ભો ઉતારીને તેમણે રૂમાલ લીધો, અને તેને પોતાની કમરે બાંધ્યો. 5ત્યાર પછી વાસણમાં પાણી રેડીને શિષ્યોના પગ ધોવા તથા કમરે બાંધેલા રૂમાલથી તે લૂછવા લાગ્યા. 6એ પ્રમાણે તે સિમોન પિતરની પાસે આવે છે. તે તેમને કહે છે, “પ્રભુ, શું તમે મારા પગ ધૂઓ છો?”
7ઈસુએ ઉત્તર આપ્યો, “હું જે કરું છું, તે તું હમણાં જાણતો નથી. પણ હવે પછી તું સમજશે.” 8પિતર તેમને કહે છે “હું તમને કદી મારા પગ ધોવા દઈશ નહિ.” ઈસુએ તેને ઉત્તર આપ્યો, “જો હું તને ન ઘોઉં, તો મારી સાથે તારો કંઈ લાગભાગ નથી.” 9સિમોન પિતર તેમને કહે છે, “પ્રભુ એકલા મારા પગ જ નહિ, પણ મારા હાથ તથા માથું પણ ધૂઓ.” 10ઈસુ તેને કહે છે, “જે નાહેલો છે, તેના પગ સિવાય બીજું કંઈ ધોવાની અગત્ય નથી, તે પૂરો શુદ્ધ છે; અને તમે શુદ્ધ છો, પણ બધા નહિ.” 11કેમ કે પોતાને પરસ્વાધીન કરનારને તે જાણતા હતા. માટે તેમણે કહ્યું, “તમે બધા શુદ્ધ નથી.”
12 # લૂ. ૨૨:૨૭. એ પ્રમાણે તેઓના પગ ધોઈ રહ્યા પછી તેમણે પોતાનો ઝભ્ભો પહેર્યોં, અને ફરીથી બેસીને તેઓને કહ્યું “મેં તમને શું કર્યું છે, તે તમે સમજ્યા છો?” 13તમે મને ગુરુ તથા પ્રભુ કહો છો એ તમે ખરું જ કહો છો, કેમ કે હું એ જ છું. 14માટે મેં પ્રભુએ તથા ગુરુએ જો તમારા પગ ધોયા, તો તમારે પણ એકબીજાના પગ ધોવા જોઈએ. 15કેમ કે જેવું મેં તમને કર્યું, તેવું તમે પણ કરો, એ માટે મેં તમને નમૂનો આપ્યો છે. 16હું તમને ખચીત ખચીત કહું છું કે, #માથ. ૧૦:૨૪; લૂ. ૬:૪૦; યોહ. ૧૫. ચાકર પોતાના શેઠ કરતાં મોટો નથી, અને જે મોકલાયેલો તે પોતાના મોકલનાર કરતાં મોટો નથી. 17જો તમે એ વાતો જાણીને તેઓને પાળો, તો તમને ધન્ય છે. 18આ હું તમારા સર્વના સંબંધમાં નથી કહેતો. જેઓને મેં પસંદ કર્યા છે તેઓને હું ઓળખું છું. પણ #ગી.શા. ૪૧:૯. ‘જે મારી [સાથે] રોટલી ખાય છે, તેણે મારી સામે લાત ઉગામી છે, ’ એ [શાસ્‍ત્ર] લેખ પૂરો થવા માટે [એમ થવું જોઈએ.] 19જયારે એ થાય, ત્યારે તમે વિશ્વાસ કરો કે, હું તે છું, એ માટે અત્યારથી તે થયાની અગાઉ હું તમને એ કહું છું. 20#માથ. ૧૦:૪૦; માર્ક ૯:૩૭; લૂ. ૯:૪૮; ૧૦:૧૬. હું તમને ખચીત ખચીત કહું છું કે, જે કોઈને હું મોકલું છું તેનો અંગીકાર જે કરે છે તે મારો અંગીકાર કરે છે; અને જે મારો અંગીકાર કરે છે તે મારા મોકલનારનો અંગીકાર કરે છે.”
ઈસુ પોતાની ધરપકડની આગાહી આપે છે
(માથ. ૨૬:૨૦-૨૫; માર્ક ૧૪:૧૭-૨૧; લૂ. ૨૨:૨૧-૨૩)
21એમ કહ્યા પછી ઈસુ મનમાં વ્યાકુળ થયા અને ગંભીરતાથી કહ્યું, “હું તમને ખચીત ખચીત કહું છું કે, તમારામાંનો એક મને પરસ્વાધીન કરશે.”
22તે કોને વિષે એમ કહે છે, એ સંબંધી શિષ્‍યોએ શંકામાં પડીને એકબીજા તરફ જોયું. 23હવે જમતી વેળાએ તેમના શિષ્યોમાંનો એક, જેના પર ઈસુ પ્રેમ રાખતા હતા, તે ઈસુની છાતીને અઢેલીને બેઠેલો હતો. 24માટે સિમોન પિતર તેને ઇશારો કરીને કહે છે કે, “તે કોના વિષે કહે છે, તે [અમને] કહે.”
25ત્યારે તે જેમ ઈસુની છાતીને અઢેલીને બેઠો હતો, તેમ ને તેમ જ તેને પૂછે છે “પ્રભુ, તે કોણ છે?” 26માટે ઈસુ ઉત્તર આપે છે “હું કોળિયો બોળીને જેને આપીશ, તે જ તે છે.” પછી કોળિયો બોળીને તે સિમોન ઇશ્કારિયોતના દીકરા યહૂદાને આપે છે. 27અને કોળિયો [લીધા] પછી તરત તેનામાં શેતાન પ્રવેશ્યો. માટે ઈસુ તેને કહે છે “તું જે કરવાનો છે, તે જલદી કર, ” 28હવે તેણે તેને શા માટે એમ કહ્યું એ જમવા બેઠેલાઓમાંનો કોઈ સમજ્યો નહિ. 29કેમ કે કેટલાકે ધાર્યું કે, યહૂદાની પાસે થેલી છે તેથી ઈસુએ તેને પર્વને માટે આપણને જેની જેની અગત્ય છે તે ખરીદવાને અથવા ગરીબોને કંઈ આપવાને કહ્યું. 30ત્યારે કોળિયો લઈને તે તરત બહાર નીકળ્યો. તે વખતે રાત હતી.
નવી આજ્ઞા
31તેના બહાર ગયા પછી ઈસુ કહે છે, “હવે માણસનો દીકરો મહિમાવાન થયો છે, અને તેનામાં ઈશ્વર મહિમાવાન થયા છે. 32ઈશ્વર તેને પોતામાં મહિમાવાન કરશે, અને તેને વહેલો મહિમાવાન કરશે. 33ઓ નાનાં બાળકો, હવે હું થોડી જ વાર તમારી સાથે છું. તમે મને શોધશો, અને જેમ મેં યહૂદીઓને કહ્યું હતું કે, #યોહ. ૭:૩૪. જ્યાં હું જાઉં છું ત્યાં તમે આવી શકતા નથી, તેમ હું હમણાં તમને પણ કહું છું. 34#યોહ. ૧૫:૧૨,૧૭; ૧ યોહ. ૩:૨૩; ૨ યોહ. ૫. હું તમને નવી આજ્ઞા આપું છું કે, તમે એકબીજા પર પ્રેમ રાખો. જેવો મેં તમારા પર પ્રેમ રાખ્યો તેવો તમે પણ એકબીજા પર પ્રેમ રાખો. 35જો તમે એકબીજા પર પ્રેમ રાખો, તો તેથી સર્વ માણસો જાણશે કે તમે મારા શિષ્યો છો.”
પિતર નકાર કરશે એવી ઈસુની આગાહી
(માથ. ૨૬:૩૧-૩૫; માર્ક ૧૪:૨૭-૩૧; લૂ. ૨૨:૩૧-૩૪)
36સિમોન પિતર તેમને પૂછે છે, “પ્રભુ, તમે ક્યાં જાઓ છો?” ઈસુએ તેને ઉત્તર આપ્યો, “જ્યાં હું જાઉં છું, ત્યાં તું મારી પાછળ હમણાં આવી શક્તો નથી. પણ પછી તું મારી પાછળ આવીશ.” 37પિતર તેમને કહે છે “પ્રભુ, હું હમણાં જ તમારી પાછળ કેમ આવી નથી શકતો? તમારા માટે હું મારો જીવ આપીશ.” 38ઈસુ ઉત્તર આપે છે, “શું તું મારે માટે તારો જીવ આપશે? હું તને ખચીત ખચીત કહું છું કે, મરઘો બોલ્યા અગાઉ તું ત્રણ વાર મારો નકાર કરશે.”

தற்சமயம் தேர்ந்தெடுக்கப்பட்டது:

યોહાન 13: GUJOVBSI

சிறப்புக்கூறு

பகிர்

நகல்

None

உங்கள் எல்லா சாதனங்களிலும் உங்கள் சிறப்பம்சங்கள் சேமிக்கப்பட வேண்டுமா? பதிவு செய்யவும் அல்லது உள்நுழையவும்