ઉત્પત્તિ 4

4
કાઈન અને હાબેલ
1અને આદમે પોતાની પત્ની હવાને જાણી, અને તે ગર્ભવતી થઈ, ને કાઈનને જાણી, અને તે ગર્ભવતી થઈ, ને કાઈનને જન્મ આપ્યો, ને તેણે કહ્યું, “યહોવા [ની કૃપા] થી મને પુત્ર મળ્યો છે.” 2પછી તેણે તેના ભાઈ હાબેલને જન્મ આપ્યો. અને હાબેલ ઘેટાંપાળક હતો, પણ કાઈન ખેડૂત હતો. 3અને આગળ જતાં એમ થયું કે, કાઈન યહોવાને માટે ભૂમિનાં ફળમાંથી કંઇક અર્પણ લાવ્યો. 4અને #હિબ. ૧૧:૪. હાબેલ પણ પોતાનાં ઘેટાંબકરાંમાંનાં પહેલા જન્મેલાં તથા પુષ્ટ લાવ્યો. અને યહોવાએ હાબેલને તથા તેના અર્પણને માન્‍ય કર્યા. 5પણ કાઈનને તથા તેના અર્પણને માન્ય કર્યા નહિ. માટે કાઈનને બહુ રોષ ચઢયો, ને તેનું મોં ઊતરી ગયું. 6અને યહોવાએ કાઈનને કહ્યું, “તને કેમ રોષ ચઢયો છે? અને તારું મોં કેમ ઊતરી ગયું છે? 7જો તું સારું કરે, તો તું માન્ય નહિ થશે શું? પણ જો સારું ન કરે, તો પાપ તારે દ્વારે સંતાઈ રહે છે. અને તારી તરફ તેની ઇચ્છા થશે, ને તે પર તું ધણીપણું કરશે.”
8અને કાઈને પોતાના ભાઈ હાબેલને કહ્યું, “આપણે ખેતરમાં જઈએ. અને તેઓ ખેતરમાં હતા ત્યારે એમ થયું કે #માથ. ૨૩:૩૫; લૂ. ૧૧:૫૧; ૧ યોહ. ૩:૧૨. કાઈને પોતાના ભાઈ હાબેલ સામે ઊઠીને તેને મારી નાખ્યો. 9અને યહોવાએ કાઈનને કહ્યું, “તારો ભાઈ હાબેલ ક્યાં છે?” અને તેણે કહ્યું, “હું જાણતો નથી; શું હું મારા ભાઈનો રખેવાળ છું?” 10અને તેમણે કહ્યું, “આ તેં શું કર્યું છે? તારા #હિબ. ૧૨:૨૪. ભાઈનું રક્ત ભૂમિમાંથી મને હાંક મારે છે. 11અને હવે તારા ભાઈનું રક્ત તારા હાથથી લેવાને જે ભૂમિએ પોતાનું મોં ઉઘાડયું છે, તેથી જ તું શાપિત થયો છે. 12હવે પછી જયારે તું ભૂમિને ખેડશે, ત્યારે તે પોતાનું બળ તને આપનાર નથી; અને તું પૃથ્વી પર ભટકતો તથા નાસતો ફરીશ.” 13અને કાઈને યહોવાને કહ્યું, “હું સહી શકું તે કરતાં મારી સજા વધારે છે. 14જો, આજે તમે પૃથ્વીથી મને હાંકી કાઢયો છે. અને તમારા મોં આગળથી હું સતાઇશ, ને પૃથ્વી પર ભટકતો અને નાસતો ફરીશ; અને એમ થશે કે જે કોઈ મને દેખશે તે મને મારી નાખશે.” 15ત્યારે યહોવાએ તેને કહ્યું, “જે કોઈ કાઈનને મારી નાખશે, તેને સાતગણી સજા થશે.” 16અને યહોવા આગળથી કાઈન નીકળી ગયો, ને એદનની પૂર્વ બાજુ #૪:૧૬નોદ:“ભટકવું.” નોદ દેશમાં રહ્યો.
કાઈનના વંશજ
17અને કાઈને પોતાની પત્નીને જાણી; અને તે ગર્ભવતી થઈ, ને હનોખને જન્મ આપ્યો; અને કોઈને એક નગર બાંધ્યું, ને તે નગરનું નામ પોતાના દિકરાના નામ ઉપરથી હનોખ પાડયું. 18અને હનોખથી ઇરાદ જન્મ્યો; અને ઇરાદાથી મહૂયાએલ થયો; અને મહૂયાએલથી મથૂશાએલ થયો; અને મથૂશાએલથી લામેખ થયો. 19અને લામેખે પોતાને માટે બે સ્‍ત્રી લીધી:એકનું નામ આદા ને બીજીનું નામ સિલ્લા હતું. 20આદાએ યાબાલને જન્મ આપ્યો. તે તંબુઓમાં રહેનારાઓનો તથા ઢોર રાખનારાઓનો પૂર્વ જ હતો. 21અને તેના ભાઈનું નામ યૂબાલ હતું; તે સર્વ તારનાં તથા પવનનાં વાજાં વગાડનારાઓનો પૂર્વ જ હતો. 22અને સિલ્લાએ પણ તૂબાલ-કાઈનને જન્મ આપ્યો. તે સર્વ તાંબા તથા લોઢાનાં હથિયાર ઘડનારાઓનો શીખવનાર હતો. અને તૂબાલ-કાઈનની બહેન નઅમા હતી.
23ત્યારે લામેખે પોતાની પત્નીઓને કહ્યું,
“આદા તથા સિલ્લા,
તમે મારી વાણી સાંભળો.
લામેખની સ્‍ત્રીઓ,
મારી વાતને કાન ધરો.
કેમ કે મને ઘાયલ કરવાના
બદલામાં માણસને, તથા
મને વ્યથા કરવાના બદલામાં જુવાનને
મેં મારી નાખ્યો છે.
24જો કાઈનને [મારવાનો] બદલો
સાતગણો લેવાય,
તો જરૂર લામેખનો
સિત્તોત્તેરગણો લેવાશે.”
25અને આદમે ફરી પોતાની પત્નીને જાણી. અને હવાએ દિકરાને જન્મ આપ્યો, ને તેનું નામ શેથ પાડયું; કેમ કે, તેણે કહ્યું, “હાબેલ જેને કાઈને મારી નાખ્યો તેને ઠેકાણે ઈશ્વરે મને બીજો દીકરો આપ્યો છે.” 26શેથને પણ દીકરો થયો; અને તેનું નામ તેણે અનોશ પાડયું; ત્યારે લોક યહોવાને નામે પ્રાર્થના કરવા લાગ્યા.

தற்சமயம் தேர்ந்தெடுக்கப்பட்டது:

ઉત્પત્તિ 4: GUJOVBSI

சிறப்புக்கூறு

பகிர்

நகல்

None

உங்கள் எல்லா சாதனங்களிலும் உங்கள் சிறப்பம்சங்கள் சேமிக்கப்பட வேண்டுமா? பதிவு செய்யவும் அல்லது உள்நுழையவும்