Chapa ya Youversion
Ikoni ya Utafutaji

યોહાન 10

10
ઘેટાંના વાડાનું ઉદાહરણ
1“હું તમને સાચે જ કહું છું: જે કોઈ દરવાજે થઈને ઘેટાંના વાડામાં આવતો નથી પરંતુ બીજા કોઈ માર્ગેથી આવે છે તે ચોર અને લૂંટારો છે. 2દરવાજે થઈને જે પ્રવેશ કરે છે તે ઘેટાંનો પાલક છે. 3દરવાન તેને માટે દરવાજો ખોલે છે. તે નામ દઈને પોતાનાં ઘેટાંને બોલાવે છે, અને ઘેટાં તેનો સાદ સાંભળે છે. તે તેમને વાડાની બહાર લઈ જાય છે. 4પોતાનાં ઘેટાંને બહાર લાવ્યા પછી તે તેમની આગળ ચાલે છે અને ઘેટાં તેમની પાછળ ચાલે છે; કારણ, ઘેટાં તેનો સાદ ઓળખે છે. 5તેઓ કોઈ અજાણ્યાની પાછળ કદી ચાલશે નહિ. એથી ઊલટું, તેનાથી દૂર ભાગશે, કારણ, તેઓ તેનો સાદ ઓળખતાં નથી.”
6ઈસુએ આ ઉદાહરણ કહ્યું, પરંતુ તે શું કહેવા માગે છે તે તેઓ સમજી શક્યા નહિ.
ઉત્તમ ઘેટાંપાલક
7તેથી ઈસુએ ફરી કહ્યું, “હું તમને સાચે જ કહું છું: ઘેટાંના વાડાનો દરવાજો હું છું. 8મારી પહેલાં જેઓ આવ્યા, તેઓ બધા ચોર અને લૂંટારા હતા. પરંતુ ઘેટાંએ તેમનું સાંભળ્યું નહિ. 9દરવાજો હું છું; જો કોઈ મારા દ્વારા પ્રવેશ કરે છે, તો તે ઉદ્ધાર પામશે. તે અંદર આવી શકશે અને બહાર લઈ જવાશે અને તેને ચારો મળશે. 10ચોર તો ફક્ત ચોરી કરવા, હત્યા અને નાશ કરવા આવે છે; પણ હું એટલા માટે આવ્યો છું કે તેમને જીવન, હા, ભરપૂર જીવન મળે.
11“હું ઉત્તમ ધેટાંપાલક છું; ઉત્તમ ઘેટાંપાલક પોતાનાં ઘેટાંને માટે પોતાનો જીવ આપી દેવા તૈયાર હોય છે. 12ભાડૂતી માણસ, જે ઘેટાંપાલક કે ઘેટાંનો માલિક નથી તે વરુને આવતું જોઈને તેમને મૂકીને નાસી જાય છે, અને વરુ તેમના પર હુમલો કરે છે અને તેમને વેરવિખેર કરી નાખે છે. 13ભાડૂતી માણસ નાસી જાય છે, કારણ, તે ભાડૂતી છે, અને તેને ઘેટાંની દરકાર નથી. 14હું ઉત્તમ ઘેટાંપાલક છું. 15જેમ પિતા મને ઓળખે અને હું પિતાને ઓળખું છું તેમ હું મારાં ઘેટાંને ઓળખું છું અને તેઓ મને ઓળખે છે અને હું તેમને માટે મારો જીવ આપું છું. 16વળી, મારાં બીજાં ઘેટાં પણ છે, જે અત્યારે આ વાડામાં નથી. તેમને પણ મારે વાડામાં લાવવાં જોઈએ. તેઓ પણ મારો સાદ સાંભળશે અને આખરે એક ટોળું અને એક ઘેટાંપાલક બનશે.
17“પિતા મને ચાહે છે, કારણ, હું મારો જીવ આપું છું; એ માટે કે હું તે પાછો લઉં. 18કોઈ મારું જીવન મારી પાસેથી લઈ શકતું નથી. હું મારી સ્વેચ્છાએ તે અર્પી દઉં છું. તે આપવાનો અને પાછું લેવાનો મને અધિકાર છે. મારા પિતાએ મને એમ કરવાનો અધિકાર આપ્યો છે.”
19ફરીથી તેમના આ શબ્દોને કારણે યહૂદીઓમાં ભાગલા પડયા. 20તેમનામાંના ઘણા કહેવા લાગ્યા, “તેને ભૂત વળગ્યું છે! તે પાગલ થઈ ગયો છે! તમે તેનું કેમ સાંભળો છો?”
21પરંતુ બીજાઓએ કહ્યું, “ભૂત વળગેલો માણસ આવા શબ્દો બોલી શકે? ભૂત આંધળાની આંખો કેવી રીતે ઉઘાડી શકે?”
ઈસુનો નકાર
22શિયાળાનો સમય હતો. યરુશાલેમના મંદિરની પ્રતિષ્ઠાનું પર્વ ઊજવવાના દિવસો આવ્યા હતા. 23ઈસુ મંદિરમાં શલોમોનની પરસાળમાં ફરતા હતા. 24યહૂદીઓ તેમને ઘેરી વળ્યા અને તેમને કહ્યું, “તું ક્યાં સુધી અમને ભ્રમમાં રાખીશ? જો તું મસીહ હોય તો અમને સાચેસાચું કહી દે.”
25ઈસુએ જવાબ આપ્યો, “મેં તો તમને સાચેસાચું કહી દીધું છે, પણ તમે માનતા નથી. મારા પિતાના અધિકારથી જે કામો હું કરું છું તે મારે વિષે સાક્ષી પૂરે છે. 26પરંતુ તમે મારું માનતા નથી; કારણ, તમે મારાં ઘેટાં નથી. 27મારાં ઘેટાં મારો સાદ સાંભળે છે અને હું તેમને ઓળખું છું અને તેઓ મારી પાછળ ચાલે છે. 28હું તેમને સાર્વકાલિક જીવન આપું છું, અને તેઓ કદી મરશે નહિ, અને મારી પાસેથી કોઈ તેમને ઝૂંટવી શકશે નહિ. 29મારા પિતાએ મને જે સોંપ્યું છે તે સૌથી મહાન છે,#10:29 અથવા: તેમની મને સોંપણી કરનાર મારા પિતા સૌથી મહાન છે. અને મારા પિતાની સંભાળમાંથી તેમને કોઈ ઝૂંટવી લઈ શકે તેમ નથી. 30હું અને પિતા એક છીએ.”
31પછી યહૂદીઓએ ફરીથી ઈસુને મારવા પથ્થર લીધા. 32ઈસુએ તેમને કહ્યું, “પિતાએ સોંપેલાં ઘણાં સારાં કાર્યો મેં તમારી આગળ કર્યાં છે. એમાંના કયા કાર્યને લીધે તમે મને પથ્થરે મારવા તૈયાર થયા છો?”
33યહૂદીઓએ જવાબ આપ્યો, “તારા કોઈ સારા કાર્યને માટે નહિ, પણ તારી ઈશ્વરનિંદાને લીધે, અને તું માનવી હોવા છતાં પોતે ઈશ્વર સમાન હોવાનો દાવો કરે છે તેને લીધે અમે તને પથ્થરે મારવા માગીએ છીએ.”
34ઈસુએ જવાબ આપ્યો, “તમારા નિયમશાસ્ત્રમાં ‘ઈશ્વરે કહ્યું: તમે દેવો છો,’ એમ લખેલું નથી? 35આપણે જાણીએ છીએ કે શાસ્ત્ર જે કહે છે તે સાચું છે. જેમને ઈશ્વરનો સંદેશ આપવામાં આવ્યો તેમને ઈશ્વરે દેવો કહ્યા. 36તો પછી પિતાએ મને અલગ કરીને આ દુનિયામાં મોકલ્યો છે ત્યારે ‘હું ઈશ્વરપુત્ર છું.’ એમ કહેવામાં હું ઈશ્વરનિંદા કરું છું એવું તમે કઈ રીતે કહી શકો? 37જો હું મારા પિતાનાં કાર્યો કરતો ન હોઉં, તો મારા પર વિશ્વાસ ન કરશો. 38હું તે કાર્યો કરું છું, તે પરથી ય તમને મારામાં વિશ્વાસ ન હોય, તો પણ મારાં કાર્યોનો પુરાવો તો માન્ય રાખો; જેથી તમે સમજો અને જાણો કે પિતા મારામાં છે અને હું પિતામાં છું.”
39ફરીવાર તેમણે તેમની ધરપકડ કરવા પ્રયત્ન કર્યો, પરંતુ તે તેમના હાથમાંથી છટકી ગયા.
40પછી યર્દનને સામે પાર જ્યાં પહેલાં યોહાન બાપ્તિસ્મા આપતો હતો તે સ્થળે ઈસુ પાછા ગયા અને ત્યાં રહ્યા. 41ઘણા લોકો તેમની પાસે આવ્યા. તેઓ કહેતા, “યોહાને કોઈ અદ્‍ભુત કાર્ય કર્યું ન હતું, પરંતુ આ માણસ વિષે તેણે જે જે કહ્યું હતું તે સાચું ઠર્યું છે.” 42અને ત્યાં ઘણા લોકોએ તેમના પર વિશ્વાસ મૂક્યો.

Kuonyesha

Shirikisha

Nakili

None

Je, ungependa vivutio vyako vihifadhiwe kwenye vifaa vyako vyote? Jisajili au ingia