Chapa ya Youversion
Ikoni ya Utafutaji

પ્રેષિતોનાં કાર્યો પ્રસ્તાવના

પ્રસ્તાવના
‘પ્રેષિતોનાં કાર્યો’એ લૂક. આલેખિત શુભસંદેશની પુરવણી છે. ગ્રીક ભાષામાં ‘એપોસ્ટોલોસ’ અર્થાત્ ‘મોકલવામાં આવેલા’ એ માટે અહીં પ્રેષિતો શબ્દપ્રયોગ કર્યો છે. કાર્યો માટેનો ગ્રીકમાં ‘પ્રેક્ષ્સીસ’ શબ્દ અનન્ય વ્યક્તિઓ દ્વારા કરાતી અસાધારણ સિદ્ધિઓનું સૂચન કરે છે. ‘આખી દુનિયામાં જાઓ અને શુભસંદેશ પ્રગટ કરો’ એ પ્રભુ ઈસુના મહાન આદેશને ઉપાડી લઈ પ્રેષિતોએ એ સેવાકાર્યનું મંડાણ કર્યું. પ્રભુ ઈસુના આરંભના અનુયાયીઓએ પવિત્ર આત્માના સામર્થ્ય દ્વારા “યરુશાલેમમાં, આખા યહૂદિયામાં, સમરૂનમાં અને પૃથ્વીના છેડા સુધી” શુભસંદેશ કેવી રીતે ફેલાવ્યો તે જણાવવાનો આ પુસ્તકનો હેતુ છે. (૧:૮) ખ્રિસ્તી માર્ગની ચળવળની આમાં વાત આવેલી છે. એ ચળવળ પ્રથમ યહૂદિયામાં શરૂ થઈ, અને પ્રસરી ગઈ. લેખકે પુસ્તકમાં વાચકને એક વાતની ખાતરી આપવાનું ધ્યાનમાં રાખે છે કે ખ્રિસ્તી માર્ગ એ રોમન સલ્તનતને ઉથલાવી પાડનારી રાજકીય ધમકી નથી, અને બીજું કે, ખ્રિસ્તી માર્ગ એ યહૂદી ધર્મની પરિપૂર્ણતા છે.
શુભસંદેશના પ્રચારનો વિસ્તાર વધતો જ ગયો, અને મંડળી વધુ ને વધુ વિસ્તૃત બનતી ગઈ, એ જોતાં ‘પ્રેષિતોનાં કાર્યો’ના પુસ્તકને ત્રણ મુખ્ય ભાગમાં વહેંચી શકાય:
(૧) પ્રભુ ઈસુના સ્વર્ગારોહણ પછી ખ્રિસ્તી ચળવળ યરુશાલેમમાં પ્રસરવા લાગી; (૨) પેલેસ્ટાઈનના અન્ય વિસ્તારોમાં આ ચળવળ ફેલાવો પામી;અને (૩) આ ચળવળનો વધુ ફેલાવો ભૂમધ્ય સમુદ્રની આસપાસની દુનિયામાં છેક રોમ સુધી થવા પામ્યો.
‘પ્રેષિતોનાં કાર્યો’માં સૌથી મહત્ત્વની બાબત તો પવિત્ર આત્માની પ્રવૃત્તિ છે. પવિત્ર આત્મા પચાસમાના પર્વના દિવસે યરુશાલેમના વિશ્વાસીઓ ઉપર ઊતર્યો, અને ત્યારથી માંડીને એ પવિત્ર આત્મા મંડળીને તથા મંડળીના આગેવાનોને, પુસ્તકમાં નોંધેલા સર્વ બનાવોને દોરતો ગયો અને સામર્થ્ય આપતો રહ્યો છે. પુસ્તકના પ્રારંભિક ભાગમાં આપેલા કેટલાક ઉપદેશોમાં ખ્રિસ્તી સંદેશ સંક્ષિપ્તમાં સમાયેલો છે અને આ પુસ્તકમાં નોંધેલી ઘટનાઓ એ સંદેશનું સામર્થ્ય વિશ્વાસીઓના જીવનમાં અને મંડળીની સંગતમાં પ્રદર્શિત કરે છે. પ્રેષિતોએ નાખેલા પાયા પર ખ્રિસ્તની મંડળી કેવી રીતે બંધાતી અને વૃદ્ધિ પામતી ગઈ તેની પણ રજૂઆત થઈ છે.
રૂપરેખા
સાક્ષીને માટે પૂર્વતૈયારી ૧:૧-૨૬
ક. ઈસુનો આખરી આદેશ અને આપેલું વચન ૧:૧-૧૪
ખ. યહૂદાનો અનુગામી ૧:૧૫-૨૬
યરુશાલેમમાં સાક્ષી ૨:૧—૮:૩
યહૂદિયા અને સમરૂનમાં સાક્ષી ૮:૪—૧૨:૨૫
પાઉલની ધર્મસેવા ૧૩:૧—૨૮:૩૧
ક. પ્રથમ મિશનેરી મુસાફરી ૧૩:૧—૧૪:૨૮
ખ. યરુશાલેમમાં પરિષદ ૧૫:૧-૩૫
ગ. બીજી મિશનેરી મુસાફરી ૧૫:૩૬—૧૮:૨૨
ઘ. ત્રીજી મિશનેરી મુસાફરી ૧૮:૨૩—૨૧:૧૬
ચ. બંદીવાન પાઉલ યરુશાલેમમાં, કાઈસારિયામાં, અને રોમમાં ૨૧:૧૭—૨૮:૩૧

Kuonyesha

Shirikisha

Nakili

None

Je, ungependa vivutio vyako vihifadhiwe kwenye vifaa vyako vyote? Jisajili au ingia