Chapa ya Youversion
Ikoni ya Utafutaji

પ્રેષિતોનાં કાર્યો 4

4
ઈસુનું નામ લેવાની મના
1હજુ તો પિતર અને યોહાન લોકોને એ કહી રહ્યા હતા તેવામાં યજ્ઞકારો, મંદિરના સંરક્ષકોનો અધિકારી તથા સાદૂકીઓ#4:1 સાદૂકીઓ: લોકો મરણમાંથી સજીવન થવાના નથી એવું માનનાર યહૂદી ધર્મના એક પંથના લોકો. તેમની પાસે આવ્યા. 2ઈસુ મરણમાંથી સજીવન થયા છે એવું શિક્ષણ એ બે પ્રેષિતો લોકોને આપતા હોવાથી તેઓ ચિડાયા, કારણ, એથી એવું પુરવાર થતું હતું કે મરેલાં સજીવન થશે. 3તેથી તેમણે તેમની ધરપકડ કરીને તેમને બીજા દિવસ સુધી જેલમાં નાખ્યા. કારણ, તે વખતે સાંજ પડી ગઈ હતી. 4પણ સંદેશો સાંભળનારાઓમાંના ઘણાએ વિશ્વાસ કર્યો; અને વિશ્વાસ કરનાર પુરુષોની સંખ્યા આશરે પાંચ હજારની થઈ.
5બીજે દિવસે યહૂદી અધિકારીઓ, આગેવાનો અને નિયમશાસ્ત્રના શિક્ષકો યરુશાલેમમાં એકત્ર થયા. 6તેમાં પ્રમુખ યજ્ઞકાર આન્‍નાસ, ક્યાફાસ, યોહાન, એલેકઝાંડર, અને જેઓ પ્રમુખ યજ્ઞકારના કુટુંબના હતા તેઓ પણ હતા. 7તેમણે પોતાની સમક્ષ પ્રેષિતોને રજૂ કરાવીને તેમને પૂછયું, “તમે એ કાર્ય કેવી રીતે કર્યુ? તમારી પાસે કેવું સામર્થ્ય છે અથવા તમે કોના નામનો ઉપયોગ કરો છો?”
8પિતરે પવિત્ર આત્માથી પ્રેરાઈને તેમને જવાબ આપ્યો, “લોકોના આગેવાનો અને વડીલો; 9એ અપંગ માણસ સાજો થયો તે સારા કાર્ય સંબંધી તમે અમને આજે પૂછતા હો, 10તો તમારે અને ઇઝરાયલના બધા લોકોએ જાણવું જોઈએ કે જેમને તમે ક્રૂસે જડી દીધા અને જેમને ઈશ્વરે મરણમાંથી સજીવન કર્યા એ નાઝારેથના ઈસુના નામના સામર્થ્યથી આ માણસને તમે તમારી સમક્ષ પૂરેપૂરો સાજો થઈને ઊભેલો જુઓ છો. 11ઈસુ વિષે તો ધર્મશાસ્ત્ર આમ કહે છે:
‘તમે બાંધક્મ કરનારાઓએ
જે પથ્થરનો નકાર કર્યો,
તે જ મથાળાની આધારશિલા
બન્યો છે.’
12માત્ર તેમની મારફતે જ ઉદ્ધાર મળે છે. કારણ, જેનાથી આપણો ઉદ્ધાર થાય એવા બીજા કોઈનું નામ ઈશ્વરે આખી દુનિયામાં માણસોને આપ્યું નથી.”
13પિતર અને યોહાનની હિંમત જોઈને તથા તેઓ અભણ અને સામાન્ય માણસો છે એ જાણીને ન્યાયસભાના સભ્યો આભા બની ગયા. પછી તેમને ખબર પડી કે તેઓ ઈસુના સાથીદારો હતા. 14પણ તેઓ કંઈ કરી શકે તેમ ન હતું. કારણ, પિતર અને યોહાનની સાથે તેમણે પેલા સાજા કરાયેલા માણસને ઊભેલો જોયો. 15તેથી તેમણે તેમને ન્યાયસભાના ખંડમાંથી કાઢી મૂક્યા અને અંદરોઅંદર ચર્ચા કરવા લાગ્યા. 16તેમણે પૂછયું, “આ માણસોનું આપણે શું કરીશું? યરુશાલેમમાં વસનાર પ્રત્યેકને ખબર છે કે તેમણે જ આ અસાધારણ ચમત્કાર કર્યો છે, અને આપણે તેનો નકાર કરી શક્તા નથી. 17પણ આ વાત લોકોમાં વધુ પ્રસરે નહિ માટે આપણે આ માણસોને ઈસુને નામે ઉપદેશ ન કરવા ચેતવીએ.”
18તેથી તેમણે તેમને અંદર બોલાવ્યા અને તાકીદ કરી કે કોઈપણ સંજોગોમાં તેમણે ઈસુના નામમાં બોલવું નહિ કે શિક્ષણ આપવું નહિ. 19પણ પિતરે અને યોહાને તેમને જવાબ આપ્યો, “ઈશ્વરને આધીન થવા કરતાં અમે તમને આધીન થઈએ એ ઈશ્વરની નજરમાં યોગ્ય ગણાય કે કેમ તેનો નિર્ણય તમે જાતે જ કરો. 20કારણ, અમે જાતે જે જોયું છે તથા સાંભળ્યું છે તે વિષે અમારાથી બોલ્યા વિના રહેવાય તેમ નથી.” 21ન્યાયસભાએ તેમને વધારે કડક ચેતવણી આપીને છોડી મૂક્યા. તેમને શિક્ષા કરવા માટેનું કંઈ કારણ તેમને મળ્યું નહિ. કારણ, જે થયું હતું તેને લીધે લોકો ઈશ્વરની સ્તુતિ કરતા હતા. 22જે માણસના સંબંધમાં સાજાપણાનો ચમત્કાર કરાયો હતો તે ચાલીસ વર્ષ કરતાં વધારે ઉંમરનો હતો.
હિંમત માટે પ્રાર્થના
23મુક્ત થયા પછી પિતર અને યોહાન તરત જ તેમની સંગતમાં પાછા ગયા અને મુખ્ય યજ્ઞકારો અને આગેવાનોએ તેમને જે કહ્યું હતું તે જણાવ્યું. 24એ સાંભળીને પોતાના લોકો ને તેઓ બધા સાથે મળીને ઈશ્વરને પ્રાર્થના કરવા લાગ્યા: “ઓ સર્વસત્તાધીશ ઈશ્વર, આકાશ, પૃથ્વી અને સમુદ્ર તથા તેમાં જે સર્વ છે તેના સર્જનહાર! 25અમારા પૂર્વજ અને તમારા સેવક દાવિદ દ્વારા પવિત્ર આત્માથી તમે કહ્યું હતું,
‘પ્રજાઓ ક્રોધે કેમ ભરાઈ છે;
લોકો વ્યર્થ કાવતરાં કેમ ઘડે છે!
26પ્રભુ અને તેમના મસીહ વિરુદ્ધ
પૃથ્વીના રાજાઓ સજ્જ થયા છે,
અને શાસકો એક થઈ ગયા છે.’
27કારણ, હકીક્તમાં તમારા પવિત્ર સેવક ઈસુ, જેમનો તમે મસીહ તરીકે અભિષેક કર્યો તેમની વિરુદ્ધ હેરોદ અને પોંતિયસ પિલાત આ શહેરમાં બિનયહૂદીઓ અને ઇઝરાયલીઓની સાથે ભળી ગયા. 28તમારા સામર્થ્ય અને તમારી ઇચ્છા પ્રમાણે જે કંઈ થવા દેવાનું તમે નક્કી કરેલું હતું તે કરવાને તેઓ એકઠા મળ્યા. 29હવે, ઓ પ્રભુ, તેમણે આપેલી ધમકીઓ તમે ધ્યાનમાં લો, અને અમે તમારા સેવકો, તમારો સંદેશ વધુ હિંમતથી કહી શકીએ એવું થવા દો. 30સાજાપણા અર્થે તમારો હાથ લાંબો કરો, અને એવું થવા દો કે તમારા પવિત્ર સેવક ઈસુને નામે અદ્‍ભુત કાર્યો અને ચમત્કારો થાય.”
31તેઓ પ્રાર્થના કરી રહ્યા ત્યારે તેઓ મળ્યા હતા તે ઘર હાલી ઊઠયું. તેઓ પવિત્ર આત્માથી ભરપૂર થયા અને ઈશ્વરનો સંદેશ હિંમતથી બોલવા લાગ્યા.
સામૂહિક જીવન
32વિશ્વાસીઓ એક મન અને એક ચિત્તના હતા. કોઈ પોતાની માલમિલક્ત પર વ્યક્તિગત હકદાવો કરતું નહિ, પણ તેમની પાસે જે કંઈ હતું તે બધું તેઓ અંદરોઅંદર વહેંચતા. 33પ્રભુ ઈસુના મરણમાંથી સજીવન થવા અંગે પ્રેષિતોએ મહાન સામર્થ્યમાં સાક્ષી આપી, અને ઈશ્વરે તે સૌને પુષ્કળ આશિષ આપી. 34તેમનામાંથી કોઈને તંગી પડતી નહિ. જેમની પાસે જમીન કે ઘર હોય તેઓ તે વેચતા અને ઊપજેલાં નાણાં પ્રેષિતોને આપતા, 35અને દરેકને તેની જરૂરિયાત પ્રમાણે વહેંચી આપવામાં આવતું હતું.
36સાયપ્રસમાં જન્મેલો લેવી કુળનો યોસેફ, જેનું નામ પ્રેષિતોએ બાર્નાબાસ, અર્થાત્ પ્રોત્સાહનનો પુત્ર પાડયું હતું. 37તેણે પણ પોતાની જમીન વેચી દીધી અને તેમાંથી ઊપજેલા પૈસા લાવીને પ્રેષિતોને સોંપી દીધા.

Kuonyesha

Shirikisha

Nakili

None

Je, ungependa vivutio vyako vihifadhiwe kwenye vifaa vyako vyote? Jisajili au ingia

Video za પ્રેષિતોનાં કાર્યો 4