યોહાન 1
1
જીવનનો શબ્દ
1આરંભે શબ્દ હતો, અને શબ્દ ઈશ્વરની સંઘાતે હતો. અને શબ્દ ઈશ્વર હતો. 2તે જ આરંભે ઈશ્વરની સંઘાતે હતો. 3તેનાથી સર્વ ઉત્પન્ન થયું, એટલે જે કંઈ થયું છે તે તેના વિના ઉત્પન્ન થયું નહિ. 4તેનામાં જીવન હતું. તે જીવન માણસોનું અજવાળું હતું. 5તે અજવાળું અંધારામાં પ્રકાશે છે. પણ અંધારાએ તેને સ્વીકાર્યું નહિ. 6ઈશ્વરે મોકલેલો એક માણસ આવ્યો. તેનું નામ #માથ. ૩:૧; માર્ક ૧:૪; લૂ. ૩:૧૨. યોહાન હતું. 7તે સાક્ષીને માટે આવ્યો કે અજવાળા વિષે તે સાક્ષી આપે, એ માટે કે સર્વ તેનાથી વિશ્વાસ કરે. 8તે [યોહાન] તો તે અજવાળું ન હતો, પણ તે અજવાળા વિષે સાક્ષી આપવાને [તે આવ્યો હતો]. 9ખરું અજવાળું તે હતું કે, જે જગતમાં આવીને દરેક માણસને પ્રકાશ આપે છે. 10તે જગતમાં હતો, અને જગત તેનાથી ઉત્પન્ન થયું હતું, તોપણ જગતે તેને ઓળખ્યો નહિ. 11તે પોતાનાંની પાસે આવ્યો, પણ પોતાના [લોકો] એ તેનો અંગીકાર કર્યો નહિ. 12પણ જેટલાંએ તેનો અંગીકાર કર્યો, એટલે જેટલાં તેના નામ પર વિશ્વાસ કરે છે, તેટલાંને તેણે ઈશ્વરના છોકરાં થવાનો અધિકાર આપ્યો. 13તેઓ લોહીથી નહિ કે, દેહની ઇચ્છાથી નહિ કે, માણસની ઇચ્છાથી નહિ, પણ ઈશ્વરની ઇચ્છાથી જન્મ પામ્યાં. 14શબ્દ સદેહ થઈને આપણામાં વસ્યો (અને પિતાના એકાકીજનિત દીકરાના મહિમા જેવો તેનો મહિમા અમે જોયો). તે કૃપા તથા સત્યતાથી ભરપૂર હતો. 15યોહાન તેમના વિષે સાક્ષી આપે છે અને પોકારીને કહે છે, “જેમના વિષે મેં કહ્યું છે કે, મારી પાછળ જે આવે છે તે મારી આગળ થયા છે, કેમ કે તે મારી અગાઉ હતા, તે એ જ છે. 16કેમ કે અમે સર્વ તેમના ભરપૂરીપણામાંથી કૃપા પર કૃપા પામ્યા. 17કેમ કે નિયમશાસ્ત્ર મૂસાની મારફતે આપવામાં આવ્યું; પણ કૃપા તથા સત્યતા ઈસુ ખ્રિસ્તની મારફતે આવી. 18ઈશ્વરને કોઈ માણસે કદી જોયા નથી. એકાકીજનિત દીકરો કે, જે પિતાની ગોદમાં છે, તેમણે તેમને પ્રગટ કર્યા છે.
યોહાન બાપ્તિસ્તનો સંદેશ
(માથ. ૩:૧-૧૨; માર્ક ૧:૧-૮; લૂ. ૩:૧-૧૮)
19જયારે યહૂદીઓએ યરુશાલેમથી યાજકોને તથા લેવીઓને યોહાન પાસે એવું પૂછવા માટે મોકલ્યા કે, “તમે કોણ છો?” ત્યારે તેની સાક્ષી આ હતી: 20એટલે તેણે કબૂલ કર્યું, અને નકાર કર્યો નહિ; પણ કબૂલ કર્યું, “હું તો ખ્રિસ્ત નથી.” 21તેઓએ તેને પૂછયું, “તો શું? તમે #માલ. ૪:૫. એલિયા છો?” તે કહે છે, “હું તે નથી.” “શું તમે તે [આવનાર] #પુન. ૧૮:૧૫,૧૮. પ્રબોધક છો?” તેણે તેઓને ઉત્તર આપ્યો, “ના.” 22માટે તેઓએ તેને પૂછયું, “તમે કોણ છો? કે જેઓએ અમને મોકલ્યા તેઓને અમે ઉત્તર આપીએ. તમે પોતાના વિષે શું કહો છો?” 23તેણે કહ્યું, #યશા. ૪૦:૩. “યશાયા પ્રબોધકે જે કહ્યું,
‘પ્રભુનો માર્ગ સીધો કરો, ’
તે પ્રમાણે અરણ્યમાં પોકારનારની
વાણી હું છું”
24ફરોશીઓ પાસેથી તેઓને મોકલવામાં આવ્યા હતા. 25તેઓએ તેને પૂછયું, “જો તમે ખ્રિસ્ત નથી, અથવા એલિયા નથી, અથવા તે [આવનાર] પ્રબોધક નથી, તો તમે બાપ્તિસ્મા શા માટે કરો છો?” 26યોહાને તેઓને ઉત્તર આપ્યો, “હું પાણીથી બાપ્તિસ્મા કરું છું. પણ તમારી મધ્યે એક ઊભા રહેલા છે, તેમને તમે ઓળખતા નથી. 27તે જ મારી પાછળ આવે છે અને તેમના ચંપલની વાધરી છોડવા હું યોગ્ય નથી.” 28યર્દનને પેલે પાર બેથાનિયામાં જ્યાં યોહાન બાપ્તિસ્મા કરતો હતો, ત્યાં એ વાતો બની.
ઈશ્વરનું હલવાન
29બીજે દિવસે યોહાન પોતાની પાસે ઈસુને આવતા જોઈને કહે છે, જુઓ, ઈશ્વરનું હલવાન, જે જગતનું પાપ દૂર કરે છે! 30જેના વિષે મેં કહ્યું કે, મારી પાછળ એવા એક પુરુષ આવે છે કે જે મારી આગળ થયા છે; કેમ કે તે મારી અગાઉ હતા, તે એ જ છે. 31મેં તેમને ઓળખ્યા ન હતા; પણ ઇઝરાયલની આગળ તે પ્રગટ થાય, એ માટે હું પાણીથી બાપ્તિસ્મા કરતો આવ્યો છું.” 32યોહાને સાક્ષી આપી કે, “આત્માને કબૂતરની જેમ આકાશથી ઊતરતો મેં જોયો; તે તેમના પર રહ્યો. 33મેં તેમને ઓળખ્યા ન હતા; પણ જેમણે મને પાણીથી બાપ્તિસ્મા કરવાને મોકલ્યો, તેમણે જ મને કહ્યું કે, ‘જેમના પર તું આત્માને ઊતરતો તથા રહેતો જોશે, તે જ પવિત્ર આત્માથી બાપ્તિસ્મા કરનાર છે.’ 34મેં જોયું છે, અને સાક્ષી આપી છે કે એ જ ઈશ્વરના દીકરા છે.”
ઈસુના પ્રથમ શિષ્યો
35બીજે દિવસે યોહાન તેના બે શિષ્યોની સાથે ફરી ઊભો રહેલો હતો. 36તેણે ઈસુને ચાલતા જોઈને કહ્યું, “જુઓ ઈશ્વરનું હલવાન!” 37તે બે શિષ્યો તેનું બોલવું સાંભળીને ઈસુની પાછળ ગયા. 38તેઓને પાછળ આવતા જોઈને ઈસુએ ફરીને તેઓને પૂછયું, “તમે શું શોધો છો?” તેઓએ તેમને કહ્યું, “રાબ્બી (જેનો અર્થ ગુરુ થાય છે), તમે કયાં રહો છો?” 39તેમણે તેઓને કહ્યું, “આવીને જુઓ.” માટે તેઓ ગયા, અને તે જ્યાં રહેતા હતા તે સ્થળ જોયું; અને તે દિવસે તેઓ તેમની સાથે રહ્યા. તે વખતે આશરે દશમી હોરા થઈ હતી. (એટલે બપોર પછી ચાર વાગ્યા હતા.) 40જે બે [શિષ્યો] યોહાનનું બોલવું સાંભળીને તેમની પાછળ ગયા, તેઓમાંનો એક સિમોન પિતરનો ભાઈ આન્દ્રિયા હતો. 41તે પ્રથમ પોતાના ભાઈ સિમોનને મળીને તેને કહે છે, “મસીહ (જેનો અર્થ ખ્રિસ્ત છે તે) અમને મળ્યા છે.” 42તે તેને ઈસુની પાસે લઈ આવ્યો. ઈસુએ તેની સામે જોઈને કહ્યું, “તું યોનાનો દીકરો સિમોન છે. તું કેફા કહેવાશે (જેનો અર્થ પથ્થર છે).”
ઈસુ ફિલિપ અને નથાનિયેલને તેડે છે
43બીજે દિવસે ઈસુને ગાલીલમાં જવાની ઇચ્છા થઈ, અને ફિલિપને મળીને તેમણે તેને કહ્યું, “મારી પાછળ આવ.” 44હવે ફિલિપ તો બેથસાઈદાનો, એટલે આન્દ્રિયા તથા પિતરના શહેરનો, હતો. 45ફિલિપે નથાનિયેલને મળીને કહ્યું, “નિયમશાસ્ત્રમાં જેમના સંબંધી મૂસાએ તથા પ્રબોધકોએ લખેલું તે, એટલે નાસરેથના ઈસુ, યૂસફના દીકરા, અમને મળ્યા છે.” 46ત્યારે નથાનિયેલે તેને પૂછ્યું, “શું નાઝરેથમાંથી કંઈ સારું નીકળી શકે?” ફિલિપ તેને કહે છે, “આવીને જો.” 47ઈસુ નથાનિયેલને પોતાની પાસે આવતો જોઈને તેને વિષે કહે છે, “જુઓ આ ખરેખરો ઇઝરાયલી છે, એનામાં કંઈ પણ કપટ નથી!” 48નથાનિયેલ તેમને કહે છે, “તમે મને કયાંથી ઓળખો છો?” ઈસુએ તેને ઉત્તર આપ્યો, “ફિલિપે તને બોલાવ્યો ત્યાર ૫હેલાં, તું અંજીરી નીચે હતો, ત્યારે મેં તને જોયો.” 49નથાનિયેલે તેમને ઉત્તર આપ્યો, “રાબ્બી, તમે ઈશ્વરના દીકરા છો; તમે ઇઝરાયલના રાજા છો.” 50ઈસુએ તેને કહ્યું, “મેં તને અંજીરી નીચે જોયો, એવું મેં તને કહ્યું તેથી શું તું વિશ્વાસ કરે છે? એ કરતાં તું મોટી વાતો જોશે.” 51તે તેને કહે છે, “હું તમને ખચીત કહું છું કે, તમે આકાશ ઊઘડેલું અને #ઉત. ૨૮:૧૨. ઈશ્વરના દૂતોને માણસના દીકરા ઉપર ચઢતા અને ઊતરતા જોશો.”
Aktualisht i përzgjedhur:
યોહાન 1: GUJOVBSI
Thekso
Ndaje
Copy
A doni që theksimet tuaja të jenë të ruajtura në të gjitha pajisjet që keni? Regjistrohu ose hyr
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.