પ્રેષિતોનાં કાર્યો 3
3
ઈસુના નામનું સામર્થ્ય
1એક દિવસ પિતર તથા યોહાન બપોરે ત્રણ વાગે પ્રાર્થનાના સમયે મંદિરમાં જતા હતા. 2ત્યાં “સુંદર” નામના દરવાજે એક જન્મથી લંગડો માણસ બેઠો હતો. મંદિરમાં જતા લોકો પાસેથી ભીખ માગવા માટે તેને ઊંચકી લાવીને એ દરવાજે બેસાડવામાં આવતો. 3પિતર અને યોહાનને અંદર પ્રવેશતા જોઈને તેણે ભીખ માગી. 4પિતર અને યોહાને તેની સામે તાકીને જોયું, અને પિતરે કહ્યું, “અમારા તરફ જો!” 5તેથી કંઈક મળશે તેવી આશાએ તેણે તેમની તરફ જોયું. 6પિતરે તેને કહ્યું, “મારી પાસે સોનુંરૂપું તો નથી. પણ મારી પાસે જે છે તે હું તને આપીશ: નાઝારેથના ઈસુ ખ્રિસ્તને નામે હું તને કહું છું કે ચાલ.”
7પછી તેણે તેનો જમણો હાથ પકડીને તેને ઊભો કર્યો. તે માણસના પગ અને ધૂંટણો તરત જ મજબૂત થઈ ગયા; 8તે કૂદીને તેના પગ પર ઊભો રહ્યો અને ચાલવા લાગ્યો. પછી તે તેમની સાથે ચાલતો અને કૂદતો તેમજ ઈશ્વરની પ્રશંસા કરતો મંદિરમાં ગયો. 9સર્વ લોકોએ તેને ચાલતો અને ઈશ્વરની પ્રશંસા કરતો જોયો. 10જ્યારે તેમણે તેને ઓળખ્યો કે એ તો મંદિરના “સુંદર” નામના દરવાજે બેસી રહેનાર ભિખારી છે, ત્યારે તેને જે થયું હતું તે જોઈને તેઓ આશ્ર્વર્યચકિત થઈ ગયા.
મંદિરમાં પિતરનો સંદેશ
11એ ભિખારી પિતર અને યોહાનની સાથે હતો ત્યારે બધા લોકો આશ્ર્વર્યમાં ગરકાવ થઈ ગયા અને ‘શલોમોનની પરસાળ’ નામે ઓળખાતી જગ્યાએ એમની પાસે આવ્યા. 12લોકોને જોઈને પિતરે કહ્યું, “ઓ ઇઝરાયલના માણસો, તમે આ બાબતથી કેમ આશ્ર્વર્યમાં ગરકાવ થઈ ગયા છો? તમે અમારી તરફ કેમ તાકી રહ્યા છો? તમે એમ માનો છો કે અમે અમારી પોતાની શક્તિ કે સિદ્ધિથી આ માણસને ચાલતો કર્યો છે? 13અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબના ઈશ્વરે, એટલે આપણા પૂર્વજોના ઈશ્વરે પોતાના સેવક ઈસુને મહિમાવાન કર્યા છે. તમે તેમને મૃત્યુદંડ માટે પકાડાવી દીધા અને પિલાતે તેમને મુક્ત કરવાનો નિર્ણય કર્યા પછી પણ તમે પિલાતની હાજરીમાં તેમનો તિરસ્કાર કર્યો. 14તે પવિત્ર અને ભલા હતા, પણ તમે તેમનો તિરસ્કાર કર્યો અને તેમને બદલે તમે ખૂનીને મુક્ત કરવા પિલાત સમક્ષ માગણી કરી. 15એમ તમે જીવનદાતાને મારી નાખ્યા, પણ ઈશ્વરે તેમને મરેલાંઓમાંથી સજીવન કર્યા અને અમે તે બાબતના સાક્ષી છીએ. એ ઈસુના નામને પ્રતાપે જ આ લંગડા માણસને ચાલવાની શક્તિ મળી છે. 16તમે જે જોઈ રહ્યા છો અને જાણો છો તે તો તેમના નામ પરના વિશ્વાસ દ્વારા જ બન્યું છે. ઈસુ પરના વિશ્વાસે જ તમ સર્વ સમક્ષ તે આ રીતે સંપૂર્ણ સાજો કરાયો છે.
17“હવે ભાઈઓ, હું જાણું છું કે તમે અને તમારા આગેવાનોએ એ ક્મ અજ્ઞાનતાને કારણે કર્યું હતું. 18ઈશ્વરે ઘણા સમય અગાઉ સદેશવાહક દ્વારા જાહેર કર્યું હતું કે મસીહે દુ:ખ સહન કરવું પડશે, અને તેમણે એ રીતે તે પરિપૂર્ણ કર્યું છે. 19તો પછી હવે પાપથી પાછા ફરો અને ઈશ્વર તરફ ફરો કે જેથી તમારાં પાપ ભૂંસી નાખવામાં આવે, 20તો પ્રભુની હાજરીમાંથી આત્મિક તાજગીના સમયો આવશે અને મસીહ તરીકે પસંદ કરવામાં આવેલ ઈસુને ઈશ્વર મોકલી આપશે. 21ઈશ્વરે પોતાના પવિત્ર સંદેશવાહકો દ્વારા ઘણા સમય અગાઉ જાહેર કર્યું હતું તેમ સમસ્ત સૃષ્ટિનું નવનિર્માણ કરવામાં આવે ત્યાં સુધી ઈસુએ આકાશમાં રહેવું જોઈએ. 22કારણ, મોશેએ આમ કહ્યું હતું: ‘પ્રભુ આપણા ઈશ્વરે મને જેમ તમારી પાસે મોકલ્યો તેમ તે એક સંદેશવાહક મોકલશે; તે તમારા પોતાના લોકમાંથી જ ઊભો થશે. તે જે કહે તે બધું તમારે સાંભળવું. 23જે કોઈ એ સંદેશવાહકનું નહિ સાંભળે, તે ઈશ્વરના લોકમાંથી અલગ કરાશે અને તેનો નાશ કરવામાં આવશે.’ 24શમુએલ અને તેના પછી થઈ ગયેલા બધા સંદેશવાહકો, જેમની પાસે સંદેશો હતો, તે બધાએ વર્તમાન દિવસો અંગે ભવિષ્યકથન કર્યું હતું.
25ઈશ્વરે પોતાના સંદેશવાહકો દ્વારા આપેલાં વચનો તમારે માટે છે અને ઈશ્વરે તમારા પૂર્વજો સાથે કરેલા કરારના તમે ભાગીદાર છો. એટલે તેમણે અબ્રાહામને કહ્યું હતું તેમ, ‘તારા વંશજ દ્વારા હું પૃથ્વી પરના સર્વ લોકોને આશિષ આપીશ.’ 26અને તેથી ઈશ્વરે પોતાના સેવકને સજીવન કરીને પ્રથમ તમારી પાસે મોકલ્યા, કે જેથી તે તમ સર્વને તમારાં દુષ્કર્મોથી ફેરવીને આશિષ આપે.”
Zvasarudzwa nguva ino
પ્રેષિતોનાં કાર્યો 3: GUJCL-BSI
Sarudza vhesi
Pakurirana nevamwe
Sarudza zvinyorwa izvi
![None](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapi.com%2F58%2Fhttps%3A%2F%2Fweb-assets.youversion.com%2Fapp-icons%2Fsn.png&w=128&q=75)
Unoda kuti zviratidziro zvako zvichengetedzwe pamidziyo yako yose? Nyoresa kana kuti pinda
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide