Logo YouVersion
Ikona Hľadať

ઉત્પત્તિ 3

3
માણસનો આજ્ઞાભંગ
1હવે યહોવા ઈશ્વરનાં બનાવેલાં ખેતરનાં સર્વ જાનવરો કરતાં #પ્રક. ૧૨:૯; ૨૦:૨. સર્પ ધૂર્ત હતો. અને તેણે સ્‍ત્રીને કહ્યું, “શું ઈશ્વરે તમને ખરેખર એવું કહ્યું છે કે વાડીના હરેક વૃક્ષનું ફળ તમારે ન ખાવું?” 2સ્‍ત્રીએ સર્પને કહ્યું, “વાડીના વૃક્ષનાં ફળ ખાવાની અમને રજા છે; 3પણ ઈશ્વરે કહ્યું છે, ‘વાડીની વચ્ચેના વૃક્ષના ફળને તમારે ખાવું કે અડકવું નહિ, ’ રખેને તમે મરો.” 4અને સર્પે સ્‍ત્રીને કહ્યું, “તમે નહિ જ મરશો; 5કેમ કે ઈશ્વર જાણે છે કે તમે ખાશો તે જ દિવસે તમારી આંખો ઊઘડી જશે, ને તમે ઈશ્વરના જેવાં ભલુંભૂડું જાણનારાં થશો.” 6અને તે વૃક્ષનું ફળ ખાવાને માટે સારું, ને જોવામાં સુંદર, ને જ્ઞાન આપવાને ઇચ્છવાજોગ એવું એ વૃક્ષ છે, તે જોઈને સ્‍ત્રીએ ફળ તોડીને ખાધું; અને તેની સાથે પોતાનો પતિ હતો તેને પણ આપ્યું, ને તેણે ખાધું. 7ત્યારે તે બન્‍નેની આંખો ઊઘડી ગઈ, અને તેઓએ જાણ્યું કે “અમે નગ્ન છીએ. અને અંજીરીના પાતરાં સીવીને તેઓએ પોતાને માટે આચ્છાદાન બનાવ્યાં. 8અને દિવસને ઠંડે પહોરે યહોવા ઈશ્વર વાડીમાં ફરતા હતા, તેમનો અવાજ તેઓએ સાંભળ્યો, અને તે માણસ તથા તેની પત્ની યહોવા ઈશ્વરની દષ્ટિથી વાડીનાં વૃક્ષોમાં સંતાઈ ગયાં. 9અને યહોવા ઈશ્વરે આદમને હાંક મારીને કહ્યું, “તું ક્યાં છે?” 10અને તેણે કહ્યું, “મેં વાડીમાં તમારો અવાજ સાંભળ્યો, ને હું નગ્ન હતો તે માટે બીધો; અને હું સંતાઈ ગયો.” 11અને ઈશ્વરે કહ્યું, “તને કોણે કહ્યું કે, તું નગ્ન છે? જે વૃક્ષનું ફળ ખાવાની મના મેં તને કરી હતી, તે તેં ખાધું છે શું?” 12અને આદમે કહ્યું, “મારી સાથે રહેવા માટે જે સ્‍ત્રી તમે મને આપી છે તેણે મને તે વૃક્ષનું ફળ આપ્યું, ને મેં ખાધું. 13અને યહોવા ઈશ્વરે સ્‍ત્રીને કહ્યું, “આ તેં શું કર્યું છે?” અને સ્‍ત્રીએ કહ્યું, #૨ કોરીં. ૧૧:૩; ૧ તિમ. ૨:૧૪. “સર્પે મને ભુલાવી, ને મેં ખાધું.”
ઈશ્વર ન્યાયદંડ ફરમાવે છે
14અને યહોવા ઈશ્વરે સર્પને કહ્યું, “તેં એ કર્યું છે, તે માટે તું સર્વ ગ્રામ્યપશુઓ તથા વનપશુઓ કરતાં શાપિત હો. તું પેટે ચાલશે, ને પોતના સર્વ દિવસ સુધી ધૂળ ખાશે. 15અને #પ્રક. ૧૨:૧૭. તારી ને સ્‍ત્રીની વચ્ચે, તથા તારાં સંતાનની ને તેનાં સંતાનની વચ્ચે હું વેર કરાવીશ. તે તારું માથું છૂંદશે, ને તું તેની એડી છૂંદશે.” 16સ્‍ત્રીને તેણે કહ્યું, “હું તારો શોક તથા તારી ગર્ભાવસ્થાનું દુ:ખ ઘણું જ વધારીશ. તું દુ:ખે બાળકને જન્મ આપશે, અને તું તારા ઘણીને આધીન થશે, ને તે તારા પર ધણીપણું કરશે.” 17અને આદમને તેમણે કહ્યું, “તેં તારી પત્નીની વાત માની, ને જે સંબંધી મેં તને આજ્ઞા આપી કે, તારે ન ખાવું, તે વૃક્ષનું ફળ તેં ખાધું, #હિબ. ૬:૮. એ માટે તારે લીધે ભૂમિ શાપિત થઈ છે. તેમાંથી તું તારા આયુષ્યના સર્વ દિવસોમાં દુ:ખે ખાશે. 18તે કાંટા તથા કંટાળી તારે માટે ઉગાવશે, અને તું ખેતરનું શાક ખાશે. 19તું ભૂમિમાં પાછો જશે ત્યાં સુધી તું તારા મોંનો પરસેવો ઉતારીને રોટલી ખાશે, કેમ કે તું તેમાંથી લેવાયો હતો; અને તું ધૂળ છે, ને પાછો ધૂળમાં મળી જશે.” 20અને તે માણસે પોતાની પત્નીનું નામ હવા [એટલે સજીવ] પાડયું; કેમ કે તે સર્વ સજીવની મા હતી. 21અને યહોવા ઈશ્વરે આદમ તથા તેની પત્નીને માટે ચામડાનાં વસ્‍ત્ર બનાવ્યાં, ને તેઓને પહેરાવ્યાં.
આદમ અને હવાને એદન બાગમાંથી ખદેડી મૂકવામાં આવ્યાં
22અને યહોવા ઈશ્વરે કહ્યું, “જુઓ, તે માણસ આપણામાંના એકના સરખો ભલુંભૂડું જાણનાર થયો છે; અને હવે રખેને તે હાથ લાંબો કરીને #પ્રક. ૨૨:૧૪. જીવનના વૃક્ષનું ફળ તોડીને ખાય ને સદા જીવતો રહે.” 23માટે જે ભૂમિમાંથી તેને લીધો હતો તે ખેડવાને યહોવા ઈશ્વરે એદન વાડીમાંથી તેને કાઢી મૂક્યો 24અને તે માણસને હાંકી કાઢીને જીવનનાં વૃક્ષની વાટને સાચવવા માટે યહોવાએ કરૂબો તથા ચોતરફ ફરનારી અગ્નિરૂપી તરવાર એદન વાડીની પૂર્વે બાજુએ મૂકી.

Zvýraznenie

Zdieľať

Kopírovať

None

Chceš mať svoje zvýraznenia uložené vo všetkých zariadeniach? Zaregistruj sa alebo sa prihlás