પ્રેરિતોનાં કૃત્યો 6
6
સાત સેવકોની પસંદગી
1તે દિવસોમાં શિષ્યોની સંખ્યા વધતી જતી હતી, ત્યારે હિબ્રૂઓની સામે ગ્રીક યહૂદીઓએ બડબડાટ કર્યો, કેમ કે રોજ વહેંચણીમાં તેઓની વિધવાઓને પડતી મૂકવામાં આવતી હતી. 2ત્યારે બાર [પ્રેરિતોએ] બધા શિષ્યોને પોતાની પાસે બોલાવીને કહ્યું, “અમે ઈશ્વરની વાત પડતી મૂકીને ભાણાં પીરસવાની સેવા કરીએ, એ શોભતું નથી. 3માટે, ભાઈઓ, તમે પોતાનામાંથી [પવિત્ર] આત્માથી તથા જ્ઞાનથી ભરપૂર એવા સાત પ્રતિષ્ઠિત માણસોને શોધી કાઢો કે, જેઓને અમે એ કામ પર નીમીએ. 4પણ અમે તો પ્રાર્થનામાં તથા [પ્રભુની] વાતની સેવામાં લાગુ રહીશું.”
5એ વાત આખી મંડળીને સારી લાગી; અને વિશ્વાસથી તથા પવિત્ર આત્માથી ભરપૂર એવા સ્તેફન નામના એક માણસને, ફિલિપને, પ્રોખરસને, નિકાનોરને, તિમોનને, પાર્મિનાસને તથા અંત્યોખના યહૂદી થયેલા નિકોલસને તેઓએ પસંદ કર્યા. 6તેઓએ તેમને પ્રેરિતોની આગળ રજૂ કર્યા. અને તેઓએ પ્રાર્થના કરીને તેમના પર હાથ મૂક્યા.
7ઈશ્વરની વાતનો પ્રચાર થતો ગયો, અને યરુશાલેમમાં શિષ્યોની સંખ્યા ઘણી વધી ગઈ; ઘણા યાજકો પણ વિશ્વાસને આધીન થયા.
સ્તેફનની ધરપકડ
8સ્તેફન કૃપાથી તથા સામર્થ્યથી ભરપૂર હતો. તેણે લોકોમાં મોટાં અદભુત કામો તથા ચમત્કારો કર્યા. 9પણ લિબર્તીની કહેવાતી સભામાંના, કૂરેનીના, એલેકઝાન્ડ્રિયાના, કિલીકિયાના તથા આશિયાના કેટલાક આગળ આવીને સ્તેફન સાથે વાદવિવાદ કરવા લાગ્યા. 10પણ તે એવા જ્ઞાનથી તથા આત્માની પ્રેરણાથી બોલતો હતો કે તેઓ તેની સામે ટકી શક્યા નહિ. 11ત્યારે તેઓએ કેટલાક માણસોને સમજાવ્યા, જેઓએ કહ્યું કે, “અમે તેને મૂસા તથા ઈશ્વરની વિરુદ્ધ દુર્ભાષણ કરતાં સાંભળ્યો છે.” 12તેઓ લોકોને, વડીલોને તથા શાસ્ત્રીઓને ઉશ્કેરીને તેના પર તૂટી પડ્યા, અને તેને પકડીને સભામાં લાવ્યા. 13તેઓએ જૂઠા સાક્ષીઓને ઊભા કર્યા, જેઓએ કહ્યું, કે, “એ માણસ આ પવિત્ર સ્થાન તથા નિયમશાસ્ત્રની વિરુદ્ધ દુર્ભાષણ કર્યા વિના રહેતો નથી. 14કેમ કે અમે તેને એમ કહેતાં સાંભળ્યો છે કે, એ ઈસુ નાઝારી આ સ્થાનનો નાશ કરશે, અને જે રીતરિવાજો મૂસાએ આપણને ફરમાવ્યા છે તેઓને એ બદલી નાખશે.” 15જેઓ સભામાં બેઠા હતા તેઓ સર્વ તેની તરફ એકી નજરે જોઈ રહ્યા, અને તેઓને તેનું મોં ઈશ્વરદૂતોના મોં જેવું દેખાયું.
දැනට තෝරාගෙන ඇත:
પ્રેરિતોનાં કૃત્યો 6: GUJOVBSI
සළකුණු කරන්න
බෙදාගන්න
පිටපත් කරන්න
ඔබගේ සියලු උපාංග හරහා ඔබගේ සළකුණු කල පද වෙත ප්රවේශ වීමට අවශ්යද? ලියාපදිංචි වී නව ගිණුමක් සාදන්න හෝ ඔබගේ ගිණුමට ඔබගේ ගිණුමට පිවිසෙන්න
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.