પ્રેરિતોનાં કૃત્યો 4

4
પિતર અને યોહાન સાન્હેદ્રિન સભા આગળ
1તેઓ લોકોની આગળ વાત કરતા હતા એટલામાં યાજકો, મંદિરનો સરદાર, તથા સાદૂકીઓ તેઓ પર ધસી આવ્યા. 2કેમ કે તેઓ લોકોને બોધ કરતા હતા, અને ઈસુમાં મૂએલાંનું પુનરુત્થાન [થાય છે, એવું] પ્રગટ કરતા હતા, તે તેઓને બહુ માઠું લાગ્યું હતું. 3તેઓએ તેમના પર હાથ નાખ્યા, અને તે સમયે સાંજ પડી હતી, માટે બીજા દિવસ સુધી તેઓને બંદીખાનામાં રાખ્યા. 4તોપણ જેઓએ વાત સાંભળી હતી તેઓમાંના ઘણાએ વિશ્વાસ કર્યો, અને [વિશ્વાસ કરનારા] ની સંખ્યા આશરે પાંચ હજારની થઈ.
5બીજે દિવસે તેઓના અધિકારીઓ, વડીલો, શાસ્‍ત્રીઓ, 6તથા આન્‍નાસ પ્રમુખ યાજક, કાયાફાસ, યોહાન, એલેકઝાન્ડર તથા પ્રમુખ યાજકના સર્વ સગા યરુશાલેમમાં એકત્ર થયા. 7તેઓએ તેઓને વચમાં ઊભા રાખીને પૂછયું, “કેવા પરાક્રમથી કે, કેવા નામથી તમે એ કર્યું છે?”
8ત્યારે પિતરે પવિત્ર આત્માથી ભરપૂર થઈને તેઓને કહ્યું, “ઓ લોકોના અધિકારીઓ તથા વડીલો, 9જે સારું કામ એક અશક્ત માણસના હકમાં થયું છે કે, તે શાથી સાજો થયો છે, તે વિષે જો આજે અમારી તપાસ થાય છે. 10તો તમો સર્વને તથા સર્વ ઇઝરાયલી લોકોને માલૂમ થાય કે, ઈસુ‍ ખ્રિસ્ત નાઝારી, જેમને તમે વધસ્તંભ પર મારી નાખ્યા, અને જેમને ઈશ્વરે મૂએલાંમાંથી ઉઠાડ્યા, તેમના નામથી આ માણસ સાજો થઈને અહીં તમારી આગળ ઊભો રહ્યો છે.
11 # ગી.શા. ૧૧૮:૨૨. જે પથ્થર તમો બાંધનારાઓએ બાતલ
કર્યો હતો તે એ જ છે,
તે ખૂણાનો મુખ્ય પથ્થર થયો છે.
12બીજા કોઈથી તારણ નથી, કેમ કે જેથી આપણું તારણ થાય એવું બીજું કોઈ નામ આકાશ નીચે માણસોમાં આપેલું નથી.”
13ત્યારે પિતર તથા યોહાનની હિંમત જોઈને તથા તેઓ અભણ તથા અજ્ઞાન માણસો છે, એ ધ્યાનમાં લઈને તેઓ આશ્ચર્ય પામ્યા; અને તેઓને ઓળખ્યા કે તેઓ ઈસુની સાથે હતા. 14તે સાજા થયેલા માણસને તેઓની સાથે ઊભો રહેલો જોઈને તેઓથી કંઈ વિરુદ્ધ બોલી શકાયું નહિ. 15પણ તેઓને સભામાંથી બહાર જવાનો હુકમ કર્યા પછી તેઓએ અંદરોઅંદર વિચાર કરીને કહ્યું, “આ માણસોને આપણે શું કરીએ? 16કેમ કે તેઓની મારફતે એક પ્રસિદ્ધ ચમત્કાર થયો છે, એ તો યરુશાલેમના બધા રહેવાસીઓને માલૂમ છે; અને આપણે તેનો નકાર કરી શકતા નથી. 17પણ લોકોમાં તે વધારે ફેલાય નહિ, માટે આપણે તેઓને એવી ધમકી આપીએ કે હવે પછી તમારે કોઈ પણ માણસની સાથે વાત કરતા એ નામ લેવું નહિ.”
18પછી તેઓએ તેઓને બોલાવીને ફરમાવ્યું, “વાત કરતાં તેમ જ બોધ કરતાં પણ તમારે ઈસુનું નામ બિલકુલ લેવું નહિ.” 19પણ પિતર તથા યોહાને ઉત્તર આપ્યો, “ઈશ્વરના કરતાં તમારું સાંભળવું ઈશ્વરની નજરમાં યોગ્ય છે કે નહિ, એ તમે જ નક્કી કરો. 20કેમ કે અમે જે જે જોયું તથા સાંભળ્યું, તે કહ્યા વિના અમારાથી રહેવાય એમ નથી.” 21તેઓને શિક્ષા કરવાનું કંઈ કારણ ન જડવાથી તેઓએ લોકોને લીધે તેમને ફરીથી ધમકી આપીને છોડી દીધા. કેમ કે જે થયું હતું તેને લીધે સર્વ [લોકો] ઈશ્વરને મહિમા આપતા હતા. 22કેમ કે જે માણસના હકમાં આ સાજો કરવાનો ચમત્કાર થયો હતો તે ચાળીસ વરસથી વધારે વયનો હતો.
વિશ્વાસીઓ હિંમત માટે પ્રાર્થના કરે છે
23પછી તેઓ છૂટીને પોતાના સાથીઓની પાસે ગયા, અને મુખ્ય યાજકોએ તથા વડીલોએ તેમને જે કંઈ કહ્યું હતું, તે બધું તેમને કહી સંભળાવ્યું. 24તે સાંભળીને તેઓએ એકચિત્તે ઈશ્વરની આગળ મોટે સ્વરે કહ્યું, “ઓ પ્રભુ, #ગી.શા. ૨:૧-૨. આકાશ તથા પૃથ્વી તથા સમુદ્ર તથા તેઓમાંનાં સર્વને ઉત્પન્‍ન કરનાર [તમે છો]. 25તમે તમારા સેવક અમારા પૂર્વજ દાઉદના મુખદ્વારા પવિત્ર આત્માની પ્રેરણાથી કહ્યું છે કે,
‘વિદેશીઓએ કેમ તોફાન કર્યું છે,
અને લોકોએ
કેમ વ્યર્થ કલ્પના કરી છે?
26પ્રભુની વિરુદ્ધ તથા તેમના ખ્રિસ્તની
વિરુદ્ધ પૃથ્વીના રાજાઓ સજ્જ થયા,
તથા અધિકારીઓ એકત્ર થયા.’
27કેમ કે ખરેખર તમારા પવિત્ર સેવક ઈસુ જેને તમે અભિષિક્ત કર્યા, તેમની વિરુદ્ધ #લૂ. ૨૩:૭-૧૧. હેરોદ તથા #માથ. ૨૭:૧-૨; માર્ક ૧૫:૧; લૂ. ૨૩:૧; યોહ. ૧૮:૨૮-૨૯. પોંતિયસ પિલાત વિદેશીઓ તથા ઇઝરાયલી લોકો સહિત આ શહેરમાં એકત્ર થયા; 28જેથી તમારા હાથે તથા તમારી યોજના પ્રમાણે જે થવાનું આગળથી નિર્માણ થયું હતું તે બધું તેઓ કરે. 29હવે, હે પ્રભુ તમે તેઓની ધમકીઓ ધ્યાનમાં લો, અને તમારા સેવકોને તમારી વાત પૂરેપૂરી હિંમતથી કહેવાનું [સામર્થ્ય] આપો. 30તે દરમિયાન તમે લોકોને નીરોગી કરવાને તમારો હાથ લાંબો કરો. અને તમારા પવિત્ર સેવક ઈસુને નામે ચમત્કારો તથા અદભુત કામો કરાવો.”
31તેઓ પ્રાર્થના કરી રહ્યા ત્યારે જે મકાનમાં તેઓ ભેગા થયા હતા તે હાલ્યું. તેઓ સર્વ પવિત્ર આત્માથી ભરપૂર થયા, અને ઈશ્વરની વાત હિંમતથી બોલવા લાગ્યા.
સામૂહિક જીવન અને સહિયારી મિલકત
32વિશ્વાસ કરનારાઓનું મંડળ એક મનનું તથા એક જીવનું હતું, અને પોતાની જે વસ્તુઓ હતી તેમાંનું કંઈ મારું પોતાનું છે એવું કોઈ કહેતું નહિ; પણ #પ્રે.કૃ. ૨:૪૪-૪૫. બધી વસ્તુઓ તેઓ સર્વને સામાન્ય હતી. 33પ્રેરિતોએ મહા પરાક્રમથી પ્રભુ ઈસુના પુનરુત્થાનની સાક્ષી પૂરી; અને તેઓ સર્વના ઉપર ઘણી કૃપા હતી. 34તેઓમાંના કોઈને કશાની અછત નહોતી, કારણ કે જેટલાની પાસે જમીન કે ઘર હતાં તેટલાએ તે વેચી નાખ્યાં. 35તેઓ વેચેલી વસ્તુઓનું મૂલ્ય લાવીને પ્રેરિતોનાં પગ આગળ મૂકતા. અને જેની જેને અગત્ય હતી તે પ્રમાણે તેને વહેંચી આપવામાં આવતું હતું.
36યૂસફ કરીને એક લેવી હતો, તે સાયપ્રસનો વતની હતો, એની અટક પ્રેરિતોએ ‘બાર્નાબાસ’ (એટલે સુબોધનો દીકરો) પાડી હતી. 37તેની પાસે જમીન હતી. તે તેણે વેચી નાખી, અને તેનું નાણું લાવીને પ્રેરિતોના પગ આગળ મૂક્યું.

සළකුණු කරන්න

බෙදාගන්න

පිටපත් කරන්න

None

ඔබගේ සියලු උපාංග හරහා ඔබගේ සළකුණු කල පද වෙත ප්‍රවේශ වීමට අවශ්‍යද? ලියාපදිංචි වී නව ගිණුමක් සාදන්න හෝ ඔබගේ ගිණුමට ඔබගේ ගිණුමට පිවිසෙන්න