YouVersion
Pictograma căutare

લૂક 11

11
પ્રાર્થના વિશે ઈસુનું શિક્ષણ
(માથ. ૬:૯-૧૩; ૭:૭-૧૧)
1તે એક સ્થળે પ્રાર્થના કરતા હતા. તે કરી રહ્યા પછી તેમના શિષ્યોમાંના એકે તેમને કહ્યું, “પ્રભુ, યોહાને પોતાના શિષ્યોને પ્રાર્થના કરતાં શીખવ્યું તેમ તમે પણ અમને શીખવો.”
2તેમણે તેઓને કહ્યું, “તમે પ્રાર્થના કરો, ત્યારે કહો કે,
ઓ [આકાશમાંના અમારા] પિતા,
તમારું નામ પવિત્ર મનાઓ;
તમારું રાજ્ય આવો;
[જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી
ઇચ્છા પૂરી થાઓ;]
3દિવસની અમારી રોટલી રોજ રોજ
અમને આપો;
4અને અમારાં પાપ અમને માફ કરો,
કેમ કે અમે પોતે પણ અમારા દરેક
ઋણીને માફ કરીએ છીએ.
અને અમને પરીક્ષણમાં ન લાવો;
[પણ ભૂંડાઈથી અમારો છૂટકો કરો.] ”
5તેમણે તેઓને કહ્યું, “તમારામાંના કોઈને મિત્ર હોય, અને મધરાતે તે તેની પાસે જઈને તેને એવું કહે કે, ‘મિત્ર, મને ત્રણ રોટલી ઉછીની આપ; 6કેમ કે મારો એક મિત્ર મુસાફરીએથી મારે ત્યાં આવ્યો છે, અને તેની આગળ પીરસવાનું મારી પાસે કંઈ નથી.’ 7તો શું, તે અંદરથી ઉત્તર આપતાં એમ કહેશે કે, ‘મને તસ્દી ન દે, હમણાં બારણું બંધ છે, અને મારાં છોકરાં મારી પાસે ખાટલામાં છે. હું તો ઊઠીને તને આપી શકતો નથી?” 8હું તમને કહું છે કે, તે તેનો મિત્ર છે, તેને લીધે તે ઊઠીને તેને નહિ આપે, તોપણ તેના આગ્રહને લીધે તે ઊઠશે, અને જોઈએ તેટલી [રોટલી] તેને આપશે. 9હું તમને કહું છે કે, માગો, તો તમને આપવામાં આવશે; શોધો, તો તમને જડશે; ખટખટાવો, તો તમારે માટે ઉઘાડવામાં આવશે, 10કેમ કે જે કોઈ માગે છે તે પામે છે; જે શોધે છે તેને જડે છે; અને જે ખટખટાવે છે તેને માટે ઉઘાડવામાં આવશે. 11વળી તમારામાંના કોઈ પિતાની પાસેથી જો તેનો છોકરો રોટલી માગે તો શું તે તેને પથ્થર આપશે? અથવા જો માછલી [માગે] તો શું માછલીને બદલે તે તેને સાપ આપશે? 12અથવા તે ઈંડું માગે તો તેને શું તે તેને વીંછું આપશે? 13માટે જો તમે ભૂંડા છતાં તમારાં છોકરાંને સારાં દાન આપી જાણો છો, તો આકાશમાંના પિતાની પાસેથી જેઓ માગે, તેમને તે પવિત્ર આત્મા આપશે, તે કેટલું વિશેષ ખાતરીપૂર્વક‌ છે?”
બાલઝબૂલ વિષે
(માથ. ૧૨:૨૨-૩૦; માર્ક ૩:૨૦-૨૭)
14તે એક મૂંગા દુષ્ટાત્માને કાઢતા હતા. તે દુષ્ટાત્મા નીકળ્યા પછી તે મૂંગો માણસ બોલ્યો, તેથી લોકો નવાઈ પામ્યા. 15પણ તેઓમાંના કેટલાકે કહ્યું, #માથ. ૯:૩૪; ૧૦:૨૫. “દુષ્ટાત્માઓના સરદાર બાલઝબૂલ [ની મદદ] થી તે દુષ્ટાત્માઓને કાઢે છે.”
16બીજાઓએ તેમનું પરીક્ષણ કરતાં #માથ. ૧૨:૩૮; ૧૬:૧; માર્ક ૮:૧૧. તેમની પાસે આકાશમાંથી નિશાની માગી. 17પણ તેઓના વિચાર જાણીને તેમણે તેઓને કહ્યું, “જે કોઈ રાજ્યમાં ફૂટ પડે તે ઉજ્જડ થાય છે. અને ઘરમાં ફૂટ પડે તો તે પડી જાય છે. 18જો શેતાન પોતાની સામો થયેલો હોય તો તેનું રાજ્ય કેમ નભે? કેમ કે તમે કહો છો કે, બાલઝબૂલ [ની મદદ] થી હું દુષ્ટાત્માઓને કાઢું છું. 19જો હું બાલઝબૂલ [ની મદદથી] દુષ્ટાત્માઓને કાઢું છું, તો તમારા દીકરાઓ કોનાથી કાઢે છે? માટે તેઓ તમારા ન્યાયાધીશ થશે. 20પણ જો હું ઈશ્વરની આંગળીથી દુષ્ટાત્માઓને કાઢું છું, તો ઈશ્વરનું રાજ્ય તમારામાં આવ્યું છે. 21બળવાન માણસ હથિયારબંધ થઈને પોતાની હવેલી સાચવી રાખે છે, ત્યારે તેનો માલ સલામત રહે છે. 22પણ જ્યારે તેના કરતાં કોઈ બળવાન માણસ તેના પર આવી પડીને તેને જીતે, ત્યારે તેનાં જે હથિયાર પર તે ભરોસો રાખતો હતો, તે સર્વ તે તેની પાસેથી લઈ લે છે, અને તેની લૂંટ વહેંચે છે. 23#માર્ક ૯:૪૦. જે મારા પક્ષનો નથી તે મારી વિરુદ્ધ છે, અને જે મારી સાથે સંગ્રહ કરતો નથી તે વેરી નાખે છે.
અશુદ્ધ આત્મા પાછો આવે છે
(માથ. ૧૨:૪૩-૪૫)
24અશુદ્ધ આત્મા માણસમાંથી નીકળ્યા પછી નિર્જન જગાઓમાં વિશ્રામસ્થાન શોધતો ફરે છે; પણ તે જડતું નથી, ત્યારે તે કહે છે, ‘મારા જે ઘરમાંથી હું નીકળ્યો તેમાં હું પાછો જઈશ.’ 25જ્યારે તે આવે છે ત્યારે તે તેને વાળેલું તથા શોભાયમાન કરેલું માલૂમ પડે છે. 26પછી તે જઈને પોતાના કરતાં ભૂંડા બીજા સાત આત્માઓને તેડી લાવે છે, અને તેઓ અંદર આવીને ત્યાં રહે છે; અને તે માણસની છેલ્લી અવસ્થા પહેલાંના કરતાં ભૂંડી થાય છે.”
ધન્ય કોને?
27તે આ વાતો કહેતા હતા, ત્યારે લોકોમાંથી એક સ્‍ત્રીએ મોટે અવાજે તેમને કહ્યું, “જે ઉદરમાં તમે રહ્યા, અને જે થાનને તમે ધાવ્યા તેઓને ધન્ય છે!” 28પણ તેમણે કહ્યું, “તે કરતાં જેઓ ઈશ્વરની વાત સાંભળે છે અને પાળે છે તેઓને ધન્ય છે!”
નિશાનીની માગણી
(માથ. ૧૨:૩૮-૪૨)
29લોકો સંખ્યાબંધ તેમની પાસે ભેગા થતા હતા ત્યારે તે કહેવા લાગ્યા, #માથ. ૧૬:૪; માર્ક ૮:૧૨. “આ પેઢી તો ભૂંડી પેઢી છે; તે નિશાની માગે છે; પણ યૂનાની નિશાની વિના બીજી નિશાની તેને આપવામાં આવશે નહિ. 30કેમ કે જેમ #યૂના ૩:૪. યૂના નિનવેના લોકોને નિશાનીરૂપ થયો, તેમ માણસનો દીકરો પણ આ પેઢીને થશે. 31#૧ રા. ૧૦:૧-૧૦; ૨ કાળ. ૯:૧-૧૨. દક્ષિણની રાણી આ પેઢીનાં માણસોની સાથે ન્યાયકાળે ઊઠશે, અને તેઓને દોષિત ઠરાવશે; કેમ કે પૃથ્વીના છેડાથી તે સુલેમાનનું જ્ઞાન સાંભળવા આવી હતી; અને જુઓ સુલેમાનના કરતાં અહીં એક મોટો છે. 32નિનવેના માણસો આ પેઢીની સાથે ન્યાયકાળે ઊઠશે, અને તેને દોષિત ઠરાવશે; કેમ કે #યોએ. ૩:૫. યૂનાનો ઉપદેશ સાંભળીને તેઓએ પસ્તાવો કર્યો! અને જુઓ, યૂનાના કરતાં અહીં એક મોટો છે.
શરીરનો દીવો આંખ
(માથ. ૫:૧૫; ૬:૨૨-૨૩)
33 # માથ. ૫:૧૫; માર્ક ૪:૨૧; લૂ. ૮:૧૬. કોઈ માણસ દીવો સળગાવીને ભોંયરામાં કે માપ નીચે તેને મૂકતો નથી, પણ દીવી પર [મૂકે છે] , એ માટે કે માંહે આવનારાઓ તેનું અજવાળું જુએ. 34તારા શરીરનો દીવો તારી આંખ છે. જ્યારે તારી આંખ નિર્મળ હોય છે, ત્યારે તારું આખું શરીર પણ પ્રકાશે ભરેલું હોય છે. પણ તે ભૂંડી હોય છે, ત્યારે તારું શરીર પણ અંધકારે ભરેલું હોય છે. 35તેથી તારામાં જે અજવાળું છે તે અંધકાર ન હોય, માટે સાવધાન રહે. 36માટે જો તારું આખું શરીર પ્રકાશથી ભરેલું હોય, અને તેનો કોઈ પણ ભાગ અંધકારૂપ ન હોય, તો જેમ દીવો પોતાની રોશનીથી તને અજવાળું આપે છે તેમ [તારું શરીર] પ્રકાશથી ભરેલું થશે.”
ઈસુ ફરોશીઓ અને શાસ્‍ત્રીઓનો દોષ કાઢે છે.
(માથ. ૨૩:૧-૩૬; માર્ક ૧૨:૩૮-૪૦)
37તે બોલતા હતા ત્યારે એક ફરોશીએ પોતાની સાથે જમવાને તેમને નોતર્યા અને તે અંદર જઈને જમવા બેઠા. 38જમતા પહેલાં તે નાહ્યા નહિ, તે જોઈને ફરોશી નવાઈ પામ્યો. 39પ્રભુએ તેને કહ્યું, “તમે ફરોશીઓ તો થાળીવાટકો બહારથી શુદ્ધ કરો છો. પણ તમારું અંતર જુલમે તથા ભૂંડાઈએ ભરેલું છે. 40અરે મૂર્ખો, જેમણે બહારનું બનાવ્યું તેમણે અંદરનું પણ બનાવ્યું નથી શું? 41પરંતુ અંદરની વસ્તુઓ દાનધર્મમાં આપો. અને, જુઓ, બધું તમને શુદ્ધ છે.
42પણ તમો ફરોશીઓને અફસોસ છે! કેમ કે #લે. ૨૭:૩૦. તમે ફુદીનાનો, સિતાબનો તથા બધી શાકભાજીનો દશાંશ આપો છો; પણ ન્યાય તથા ઈશ્વરનો પ્રેમ તમે પડતાં મૂકો છો. તમારે આ કરવાં જોઈતાં હતાં, અને એ પડતાં ન મૂકવાં જોઈતાં હતાં. 43તમો ફરોશીઓને અફસોસ છે! કેમ કે તમે સભાસ્થાનોમાં મુખ્ય આસનો તથા ચૌટાઓમાં સલામો ચાહો છો. 44તમને અફસોસ છે! કેમ કે જે કબરો દેખાતી નથી, અને જેના ઉપર માણસો અજાણતાં ચાલે છે, તેઓના જેવા તમે છો.”
45ત્યારે પંડિતોમાંના એકે તેમને કહ્યું, “ઉપદેશક, એમ કહેવાથી તમે અમને પણ મહેણાં મારો છો.”
46તેમણે કહ્યું, “ઓ પંડિતો, તમને પણ અફસોસ છે! કારણ કે તમે માણસો પર એવા બોજા ચઢાવો છો કે જે ઊંચકતાં મહા મુસીબત પડે છે, અને તમે પોતે તે બોજાઓને તમારી એક આંગળી પણ લગાડતા નથી. 47તમને અફસોસ છે! કેમ કે જે પ્રબોધકોને તમારા પૂર્વજોએ મારી નાખ્યા, તેઓની કબરો તમે બાંધો છો. 48તો તમે સાક્ષી છો, અને તમારા પૂર્વજોનાં કામોને સંમતિ આપો છો. કેમ કે તેઓએ તેમને મારી નાખ્યા હતા, અને તમે [તેમની કબરો] બાંધો છો. 49એ માટે ઈશ્વરના જ્ઞાને પણ કહ્યું, ‘હું પ્રબોધકો તથા પ્રેરિતોને તેઓની પાસે મોકલીશ. તેઓમાંના કેટલાકને તેઓ મારી નાખશે અને સતાવશે. 50જેથી જગતના આરંભથી બધા પ્રબોધકોના વહેવડાવેલા લોહીનો બદલો આ પેઢીના લોકો પાસેથી લેવામાં આવે. 51હા, હું તમને કહું છું કે #ઉત. ૪:૮. હાબેલના લોહીથી તે #૨ કાળ. ૨૪:૨૦-૨૧. ઝખાર્યા જે હોમવેદી અને પવિત્રસ્થાનની વચ્ચે માર્યો ગયો, તેના લોહી સુધી એ સર્વનો બદલો આ પેઢીના લોકો પાસેથી લેવામાં આવશે.’ 52તમો પંડિતોને અફસોસ છે! કેમ કે તમે જ્ઞાનની ચાવી લઈ લીધી છે; તમે પોતે અંદર પેઠા નથી, અને જેઓ અંદર પેસતા હતા તેઓને તમે અટકાવ્યા છે.”
53તે ત્યાંથી નીકળ્યા, તે પછી શાસ્‍ત્રીઓ તથા ફરોશીઓ ઝનૂનથી તેમની સામે થઈને તેમને ઘણી વાતો વિષે બોલવાને છંછેડવા લાગ્યા. 54તેમના મોંમાંથી કંઈ વાત પકડી લેવા માટે તેઓ ટાંપી રહ્યા.

Evidențiere

Partajează

Copiază

None

Dorești să ai evidențierile salvate pe toate dispozitivele? Înscrie-te sau conectează-te

Planuri de citire și Devoționale gratuite în legătură cu લૂક 11

YouVersion folosește cookie-uri pentru a îți personaliza experiența. Prin utilizarea site-ului nostru web, accepți utilizarea cookie-urilor așa cum este descris în Politica noastră de confidențialitate