ઉત્પત્તિ 23
23
સારાનું મૃત્યુ અને દફન
1સારા એક્સો સત્તાવીસ વર્ષ જીવી; એટલું તેનું આયુષ્ય હતું. 2સારા કનાન દેશમાં આવેલા કિર્યાથ-આર્બા એટલે હેબ્રોનમાં અવસાન પામી અને અબ્રાહામ સારા માટે શોક કરવા તથા રુદન કરવા આવ્યો.
35છી પોતાની મૃત પત્ની પાસેથી ઊઠીને અબ્રાહામે હિત્તીઓને કહ્યું, 4“હું તમારી વચમાં પરદેશી તથા પ્રવાસી છું. મને તમારા વિસ્તારમાં કબર માટે કોઈ જગ્યા આપો કે હું મારી મૃત પત્નીને દફનાવું.”#હિબ્રૂ. 11:9,13; પ્રે.કા. 7:16. 5-6હિત્તીઓએ અબ્રાહામને જવાબ આપ્યો, “સાહેબ, અમારી વાત સાંભળો; તમે તો અમારી વચમાં મોટા આગેવાન છો. અમારી કબરોમાંથી તમને પસંદ પડે તેમાં તમે તમારી મૃત પત્નીને દફનાવો. અમારામાંથી કોઈ પોતાની માલિકીની કબરમાં તમારી મૃત પત્નીને દફનાવવાની ના પાડવાનું નથી.” 7અબ્રાહામે ઊભા થઈને તે પ્રદેશના લોકો એટલે હિત્તીઓને પ્રણામ કર્યા. 8-9અને કહ્યું, “હું મારી મૃત પત્નીને અહીં દફનાવું એ માટે તમે સંમત હો તો મારું સાંભળો, ને મારે માટે સોહારના પુત્ર એફ્રોનને વિનંતી કરો કે માખ્પેલામાં તેના ખેતરના છેડે આવેલી તેની માલિકીની ગુફા તે મને વેચાતી આપે. હું તેની પૂરી કિંમત આપીશ અને તે મને તમારી હાજરીમાં તેનો કબર તરીકે ઉપયોગ કરવા કબજો સોંપે.”
10એફ્રોન હિત્તીઓની સાથે જ બેઠો હતો. 11તેણે નગરના પ્રવેશદ્વારે એકઠા મળેલા આગેવાનોના સાંભળતા કહ્યું, “ના સાહેબ, મારી વાત સાંભળો. હું તમને એ ખેતર અને તેમાં આવેલી ગુફા એ બન્ને આપી દઉં છું. હું તમને એ તમારા લોકોની સાક્ષીમાં આપી દઉં છું; તેમાં તમે તમારી મૃત પત્નીને દફનાવો.” 12અબ્રાહામે તે દેશના લોકોને પ્રણામ કર્યા, 13અને તેમના સાંભળતા એફ્રોનને કહ્યું, “તમે તે આપવા રાજી હો તો મારી વાત સાંભળો. હું એ ખેતરની કિંમત આપીશ. તમે એ મારી પાસેથી લો તો હું મારી મૃત પત્નીને ત્યાં દફનાવું.” 14એફ્રોને અબ્રાહામને જવાબ આપ્યો, 15“સાહેબ, મારી વાત સાંભળો. તમારી અને મારી વચ્ચે 4.5 કિલો ચાંદીના ચારસો સિક્કાની જમીનની શી કિંમત? તમે તમારી મૃત પત્નીને દફનાવો.” 16એટલે, અબ્રાહામે એફ્રોનની વાત સાંભળીને હિત્તીઓના સાંભળતાં એફ્રોને કહેલી રકમ એટલે 4.5 કિલો ચાંદી વેપારીઓના ચલણમાં હોય એવા તોલમાપ પ્રમાણે તોલીને એફ્રોનને આપી.
17-18આમ, અબ્રાહામને નગરના પ્રવેશદ્વારે એકઠા મળેલા બધા હિત્તી લોકોની સાક્ષીએ એફ્રોનના ખેતરનો કબજો તેમાં મામરેની પૂર્વે માખ્પેલામાં આવેલી ગુફા તેમજ આખા ખેતરમાં આવેલાં બધાં વૃક્ષો સહિત મળ્યો. 19એ પછી અબ્રાહામે પોતાની પત્ની સારાને કનાન દેશના હેબ્રોનમાં એટલે મામરેની પૂર્વમાં આવેલા માખ્પેલાની ગુફામાં દફનાવી. 20આમ, એ ખેતર અને તેમાંની ગુફાનો કબ્રસ્તાન તરીકે ઉપયોગ કરવા હિત્તીઓએ તેનો કબજો અબ્રાહામને સોંપી દીધો.
Atualmente selecionado:
ઉત્પત્તિ 23: GUJCL-BSI
Destaque
Partilhar
Copiar
Quer salvar os seus destaques em todos os seus dispositivos? Faça o seu registo ou inicie sessão
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide