લૂક 8
8
ઈસુને સેવા આપતી સ્ત્રીઓ
1થોડી મુદત પછી તે શહેરેશહેર તથા ગામેગામ ઉપદેશ કરતા તથા ઈશ્વરના રાજ્યની સુવાર્તા પ્રગટ કરતા ફર્યા, અને તેમની સાથે બાર શિષ્યો હતા. 2#માથ. ૨૭:૫૫-૫૬; માર્ક ૧૫:૪૦-૪૧; લૂ. ૨૩:૪૯. કેટલીક સ્ત્રીઓ જેઓને ભૂંડા આત્માઓથી તથા મંદવાડમાંથી સાજી કરવામાં આવી હતી, એટલે મગ્દલાની મરિયમ જેનામાંથી સાત ભૂંડા આત્મા નીકળ્યા હતા તે, 3હેરોદના કારભારી ખૂઝાની પત્ની યોહાન્ના, સુસાન્ના તથા બીજી ઘણી સ્ત્રીઓ જેઓ પોતાના પૈસામાંથી તેમની સેવા કરતી હતી તેઓ પણ [તેમની સાથે] હતી.
વાવનારનું દ્દષ્ટાંત
(માથ. ૧૩:૧-૯; માર્ક ૪:૧-૯)
4જ્યારે ઘણા લોકો એકઠા થયા, અને શહેરેશહેરના લોકો તેમની પાસે આવ્યા, ત્યારે તેમણે દ્દષ્ટાંત દ્વારા કહ્યું, 5“વાવનાર બી વાવવા ગયો. તે વાવતો હતો ત્યારે કેટલાંક [બી] માર્ગની કોરે પડ્યાં. તે પગ નીચે ખૂંદાઈ ગયાં અને આકાશનાં પક્ષીઓ તે ખાઈ ગયાં. 6બીજાં [બી] પથ્થર પર પડ્યાં; અને તેને ભીનાશ નહિ મળવાથી ઊગ્યાં તેવાં જ ચીમળાઈ ગયાં. 7બીજાં કાંટાઓમાં પડ્યાં; કાંટાઓએ તેની સાથે ઊગીને તેને દાબી નાખ્યાં. 8વળી બીજાં સારી જમીનમાં પડ્યાં, તે ઊગ્યાં, અને તેને સોગણું ફળ આવ્યું.” એ વાતો કહેતાં તેમણે મોટેથી કહ્યું, “જેને સાંભળવાને કાન છે તેણે સાંભળવું.”
દ્દષ્ટાંતનો હેતુ
(માથ. ૧૩:૧૦-૧૭; માર્ક ૪:૧૦-૧૨)
9તેમના શિષ્યોએ તેમને પૂછ્યું, “એ દ્દષ્ટાંત [નો અર્થ] શો છે?” 10તેમણે તેઓને કહ્યું, “ઈશ્વરના રાજ્યના મર્મ જાણવાનું તમને આપેલું છે, પણ બીજાઓને તો દ્દષ્ટાંતોદ્વારે; એ માટે કે #યશા. ૬:૯-૧૦. જોતાં તેઓ જુએ નહિ, ને સાંભળતાં તેઓ સમજે નહિ.
ઈસુ દ્દષ્ટાંતનો અર્થ સમજાવે છે
(માથ. ૧૩:૧૮-૨૩; માર્ક ૪:૧૩-૨૦)
11દ્દષ્ટાંત [નો અર્થ] આ છે: બી તો ઈશ્વરનું વચન છે. 12માર્ગની કોરે પડેલાં તો સાંભળનારા છે; શેતાન આવીને તેઓના મનમાંથી વચન લઈ જાય છે, રખેને તેઓ વિશ્વાસ કરીને તારણ પામે. 13પથ્થર પર પડેલાં તો એ છે કે, જેઓ વચન સાંભળીને હર્ષથી તેને માની લે છે, પણ તેઓને મૂળ ન હોવાથી તેઓ થોડીવાર સુધી વિશ્વાસ કરે છે, અને પરીક્ષણની વેળાએ પાછા હઠી જાય છે. 14જે કાંટાઓમાં પડ્યાં તે એ છે કે, જેઓએ વચન સાંભળ્યું અને પોતાને માર્ગે ચાલતાં ચાલતાં સંસારની ચિંતા, દ્રવ્ય તથા વિલાસથી દબાઈ જાય છે, અને તેઓને પાકું ફળ આવતું નથી. 15સારી જમીનમાં પડેલાં એ છે કે, જેઓ સાંભળીને ચોખ્ખા તથા રૂડા દિલથી વચન ગ્રહણ કરે છે, ને ધીરજથી ફળ આપે છે.
દીવો સળગાવીને ક્યાં મૂકવાનો?
(માર્ક ૪:૨૧-૨૫)
16વળી #માથ. ૫:૧૫; લૂ. ૧૧:૩૩. કોઈ માણસ દીવો સળગાવીને તેને વાસણ નીચે ઢાંકતો નથી, અથવા ખાટલા નીચે મૂકતો નથી, પણ અંદર આવનારાઓને અજવાળું મળે માટે દીવી પર મૂકે છે. 17કેમ કે #માથ. ૧૦:૨૬; લૂ. ૧૨:૨. પ્રગટ નહિ કરાશે, એવું કંઈ છાનું નથી, અને જણાશે નહિ, તથા ઉઘાડું થશે નહિ, એવું કંઈ ગુપ્ત પણ નથી. 18માટે તમે કેવી રીતે સાંભળો છો તે વિષે સાવધાન રહો; કેમ કે #માથ. ૨૫:૨૯; લૂ. ૧૯:૨૬. જેની પાસે છે તેને આપવામાં આવશે; અને જેની પાસે નથી તેની પાસેથી તેના ધારવા પ્રમાણે તેનું જે છે તે પણ લઈ લેવાશે.”
ઈસુનાં મા અને ભાઈઓ
(માથ. ૧૨:૪૬-૫૦; માર્ક 3:૩૧-૩૫)
19તેમની મા તથા તેમના ભાઈઓ તેમને મળવા આવ્યાં, પણ લોકોની ભીડને લીધે તેઓ તેમની નજીક જઈ શક્યાં નહિ. 20તેમને [કોઈએ] ખબર આપી કે, તમારાં મા તથા તમારા ભાઈઓ બહાર ઊભાં રહ્યાં છે, તેઓ તમને મળવા ચાહે છે. 21પણ તેમણે તેઓને ઉત્તર આપ્યો. “આ જેઓ ઈશ્વરની વાત સાંભળે છે, તથા પાળે છે તેઓ મારાં મા તથા મારા ભાઈઓ છે.”
ઈસુ તોફાન શાંત પાડે છે
(માથ. ૮:૨૩-૨૭; માર્ક ૪:૩૫-૪૧)
22એ અરસામાં એક દિવસ તે પોતાના શિષ્યોની સાથે હોડી પર ચઢયા; ત્યારે તેમણે તેઓને કહ્યું, “આપણે સરોવરને પેલે પાર જઈએ.” અને તેઓ નીકળ્યા. 23તેઓ હંકારતા હતા એટલામાં તે ઊંઘી ગયા; સરોવર પર પવનનું તોફાન થયું. જેથી હોડીમાં પાણી ભરાઈ જવા લાગ્યું, અને તેઓ જોખમમાં આવી પડ્યા. 24તેઓએ તેમની પાસે આવીને તેમને જગાડીને કહ્યું, “ હે સ્વામી, સ્વામી, અમારો નાશ થાય છે.” પછી તેમણે ઊઠીને પવનને તથા પાણીનાં મોજાંને ધમકાવ્યાં, એટલે તેઓ બંધ પડ્યાં, ને શાંતિ થઈ. 25તેમણે તેઓને પૂછ્યું, “તમારો વિશ્વાસ ક્યાં છે?” તેઓ બીને આશ્ચર્ય પામ્યા, અને અંદરોઅંદર કહ્યું, “આ તે કોણ છે કે પવનને તથા પાણીને પણ આજ્ઞા કરે છે, અને તેઓ તેમનું માને છે?”
ઈસુ દુષ્ટાત્મા વળગેલાને સાજો કરે છે
(માથ. ૮:૨૮-૩૪; માર્ક ૫:૧-૨૦)
26ગાલીલની સામેના ગેરાસીનીઓના દેશમાં તેઓ જઈ પહોંચ્યા. 27તે કાંઠે ઊતર્યા, ત્યારે શહેરમાંથી એક માણસ તેમને મળ્યો, જેને દુષ્ટાત્માઓ વળગેલા હતા; તે ઘણી મુદતથી લૂગડાં પહેરતો ન હતો, ને ઘરમાં નહિ, પણ કબરોમાં રહેતો હતો. 28તેણે ઈસુને જોયા ત્યારે તે બૂમ પાડીને તેમની આગળ પડ્યો, ને મોટેથી કહ્યું, “ઓ ઈસુ, પરાત્પર ઈશ્વરના દીકરા, મારે ને તમારે શું છે? હું તમને વિનંતી કરું છું કે, મને પીડા ન દો.” 29કારણ કે તેમણે તે માણસમાંથી અશુદ્ધ આત્માને નીકળવાનો હુકમ કર્યો હતો, કેમ કે તે વારે વારે તેને વળગતો હતો:અને સાંકળોથી તથા બેડીઓથી તેઓ તેને બાંધી રાખતા હતા, પણ બંધનો તોડી નાખીને તે દુષ્ટાત્મા તેને રાનમાં હાંકી જતો હતો. 30ઈસુએ તેને પૂછ્યું, “તારું નામ શું છે?” તેણે કહ્યું, “સેના;” (કેમ કે તેમાં ઘણા દુષ્ટાત્માઓ પેઠા હતા.)
31[દુષ્ટાત્માઓએ] તેમને વિનંતી કરી, “અમને નીકળીને ઊંડાણમાં જવાનો હુકમ ન કરો.”
32હવે ત્યાં ઘણાં ભૂંડોનું એક ટોળું પહાડ પર ચરતું હતું. તેઓએ તેમને વિનંતી કરી, “અમને તેઓમાં પેસવાની રજા આપો.” ઈસુએ તેઓને રજા આપી. 33દુષ્ટાત્માઓ તે માણસમાંથી નીકળીને ભૂંડોમાં પેઠા. તે ટોળું ભેખડ પરથી સરોવરમાં ધસી પડીને ડૂબી ગયું.
34જે થયું તે જોઈને ચરાવનારા નાસી ગયા, અને શહેરમાં તથા ગામડામાં તે જાહેર કર્યું. 35જે થયું તે જોવા માટે લોકો નીકળ્યા, અને ઈસુની પાસે આવ્યા. ત્યારે જે માણસમાંથી દુષ્ટાત્મા નીકળ્યા હતા તેને તેઓએ [વસ્ત્ર] પહેરેલો તથા શુદ્ધિમાં આવેલો ઈસુના પગ આગળ બેઠેલો જોયો. અને તેઓ બીધા. 36દુષ્ટાત્મા વળગેલો માણસ શી રીતે સાજો થયો, તે જેઓએ જોયું હતું તેઓએ તેમને કહ્યું. 37ગેરાસીનીઓનાં આસપાસના દેશમાંના સર્વ લોકોએ તેમને વિનંતી કરી કે, અમારી પાસેથી ચાલ્યા જાઓ; કેમ કે તેઓ ઘણા ગભરાઈ ગયા હતા. પછી હોડી પર ચઢીને તે પાછા ગયા. 38પણ જે માણસમાંથી દુષ્ટાત્માઓ નીકળ્યા હતા તેણે [ઈસુની] સાથે રહેવાની વિનંતી કરી. પણ તેમણે તેને વિદાય કરીને કહ્યું, 39“તારે ઘેર પાછો જા, અને ઈશ્વરે તારે માટે કેવાં મોટાં કામ કર્યાં છે તે કહી જણાવ.” તેણે જઈને ઈસુએ કેવાં મોટાં કામ તેને માટે કર્યાં હતાં, તે આખા શહેરમાં પ્રગટ કર્યું.
યાઈરસની દીકરી તેમ જ લોહીવાવાળી સ્ત્રી
(માથ. ૯:૧૮-૨૬; માર્ક ૫:૨૧-૪૩)
40ઈસુ પાછા આવ્યા, ત્યારે લોકોએ તેમનો આવકાર કર્યો; કેમ કે બધા તેમની રાહ જોતા હતા. 41જુઓ, યાઈરસ નામે એક માણસ આવ્યો, તે સભાસ્થાનનો અધિકારી હતો. તેણે ઈસુને પગે પડીને તેમને વિનંતી કરી, “મારે ઘેર આવો;” 42કેમ કે તેને આશરે બાર વરસની એકની એક દીકરી હતી, તે મરવા પડી હતી. તે જતા હતા તે દરમિયાન ઘણા લોકોએ તેમના પર પડાપડી કરી.
43એક સ્ત્રીને બાર વરસથી લોહીવા હતો, તેણે પોતાનો બધો પૈસો વૈદો પાછળ ખરચી નાખ્યો હતો, પણ કોઈ તેને સાજી કરી શક્યું નહોતું. 44તે તેમની પાછળ આવીને તેમના વસ્ત્રની કોરને અડકી, અને તરત તેનો લોહીવા બંધ થયો. 45ત્યારે ઈસુએ પૂછ્યું, “મને કોણ અડક્યું?” બધાએ ના પાડી, ત્યારે પિતર તથા જેઓ તેમની સાથે હતા તેઓએ તેમને કહ્યું, ” સ્વામી, તમારા ઉપર ઘણા લોકો પડાપડી કરે છે, અને [તમને] ચગદી નાખે છે!” 46પણ ઈસુએ તેઓને કહ્યું, “કોઈ મને અડક્યું ખરું; કેમ કે મારામાંથી પરાક્રમ નીકળ્યું એવી મને ખબર પડી.” 47જ્યારે તે સ્ત્રીએ જાણ્યું, ‘હું ગુપ્ત રહી નથી, ’ ત્યારે તે ધ્રૂજતી ધ્રૂજતી આવી, અને તેમના પગ આગળ પડીને શા કારણથી તે તેમને અડકી હતી, અને શી રીતે તરત સાજી થઈ હતી, તે તેણે બધા લોકોની આગળ તેમને કહી સંભળાવ્યું. 48તેમણે તેને કહ્યું, “દીકરી, તારા વિશ્વાસે તને સાજી કરી છે; શાંતિથી જા.”
49તે હજી બોલતા હતા એટલામાં સભાસ્થાનના અધિકારીને ત્યાંથી એક જણે આવીને તેને કહ્યું, “તારી દીકરી મરી ગઈ; [હવે] ઉપદેશકને તસ્દી ન આપ.” 50પણ તે સાંભળીને ઈસુએ તેને ઉત્તર આપ્યો, “ગભરાઈશ નહિ. માત્ર વિશ્વાસ કર, એટલે તે સાજી થશે.” 51તે ઘરમાં આવ્યા, ત્યારે પિતર, યાકૂબ, યોહાન તથા છોકરીનાં માતાપિતા સિવાય તેમણે કોઈને પોતાની સાથે અંદર આવવા દીધું નહિ. 52છોકરીને માટે બધાં રડતાં તથા વિલાપ કરતાં હતાં. પણ તેમણે તેઓને કહ્યું, “રડો નહિ; કેમ કે તે મરી ગઈ નથી, પણ ઊંઘે છે.”
53તે મરી ગઈ છે એમ જાણીને તેઓએ તેમને હસી કાઢ્યા. 54પણ તેમણે તેનો હાથ પકડીને મોટે અવાજે કહ્યું, “હે છોકરી, ઊઠ.” 55તેનો આત્મા પાછો આવ્યો, ને તે તરત ઊઠી. અને તેમણે તેને ખાવાનું આપવાનો હુકમ કર્યો. 56તેનાં માબાપ તો આભાં જ થઈ ગયાં! પણ તેમણે તેઓને આજ્ઞા આપી, “જે થયું તે કોઈને કહેતા ના.”
Atualmente selecionado:
લૂક 8: GUJOVBSI
Destaque
Partilhar
Copiar
Quer salvar os seus destaques em todos os seus dispositivos? Faça o seu registo ou inicie sessão
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.