યોહાન 13

13
સેવાનો ઉત્તમ નમૂનો
1પાસ્ખાપર્વની આગળનો દિવસ હતો. આ દુનિયા છોડીને પિતા પાસે જવાનો સમય આવી પહોંચ્યો છે એવું જાણીને આ દુનિયામાં જેમના પર ઈસુ પ્રેમ રાખતા હતા તેઓ પર તેમણે અંત સુધી પ્રેમ રાખ્યો.
2ઈસુ અને તેમના શિષ્યો જમતા હતા. સિમોનનો દીકરો યહૂદા ઈશ્કારિયોત ઈસુને પકડાવી દે એવી શેતાને તેના મનમાં અગાઉથી પ્રેરણા કરી હતી,#13:2 વૈકલ્પિક અનુવાદ: એવું શેતાને કાયારનુંય નકાકી કરી નાખ્યું હતું. 3ઈસુ જાણતા હતા કે પિતાએ બધો જ અધિકાર તેમના હાથમાં સોંપ્યો છે; અને પોતે ઈશ્વર પાસેથી આવ્યા છે અને ઈશ્વર પાસે પાછા જાય છે. 4એટલે ઈસુએ ભોજન પરથી ઊઠીને પોતાનો ઝભ્ભો ઉતાર્યો અને પોતાની કમરે રૂમાલ વીંટાળ્યો. 5પછી એક વાસણમાં પાણી લઈને શિષ્યોના પગ ધોયા અને કમરે વીંટાળેલા રૂમાલથી લૂછવા લાગ્યા. 6તે સિમોન પિતરની પાસે આવ્યા ત્યારે તે બોલી ઊઠયો, “પ્રભુ, શું તમે મારા પગ ધૂઓ છો?”
7ઈસુએ જવાબ આપ્યો, “હું જે કરું છું તે તું હમણાં સમજતો નથી, પણ હવે પછી તને સમજાશે.”
8પિતરે કહ્યું, “હું કદી મારા પગ તમને ધોવા દઈશ નહિ!”
ઈસુએ જવાબ આપ્યો, “જો હું તારા પગ ન ધોઉં, તો મારે ને તારે કંઈ સંબંધ નથી.”
9સિમોન પિતરે જવાબ આપ્યો, “તો પ્રભુ, ફક્ત મારા પગ જ નહિ, મારા હાથ અને માથું પણ ધૂઓ.”
10ઈસુએ કહ્યું, “જેણે સ્નાન કર્યું છે, તેના પગ સિવાય બીજું કંઈ ધોવાની જરૂર નથી; કારણ, તે શુદ્ધ છે. તમે શુદ્ધ છો, પરંતુ બધા નહિ.” 11ઈસુને ખબર હતી કે કોણ તેમને પકડાવી દેવાનો છે. તેથી જ તેમણે કહ્યું હતું, “તમે બધા શુદ્ધ નથી.”
12બધાના પગ ધોયા પછી પોતાનો ઝભ્ભો પહેરીને ઈસુ પોતાને સ્થાને જઈને બેઠા અને પૂછયું, “મેં તમને શું કર્યું તેની સમજ પડી? 13તમે મને ગુરુ અને પ્રભુ કહો છો, અને તે યોગ્ય જ છે; કારણ, હું એ જ છું. 14હું તમારો પ્રભુ અને ગુરુ હોવા છતાં પણ મેં તમારા પગ ધોયા છે. તો પછી તમારે પણ એકબીજાના પગ ધોવા જોઈએ. 15મેં તમને નમૂનો આપ્યો છે; જેથી તમારે માટે મેં જે કર્યું, તે તમે પણ કરો. 16હું તમને સાચે જ કહું છું: નોકર પોતાના શેઠ કરતાં મોટો નથી અને સંદેશ લાવનાર પોતાના મોકલનાર કરતાં મોટો નથી. 17હવે તમે આ સત્ય તો જાણો છો; તેથી જો તમે તેને અમલમાં મૂકો તો તમને ધન્ય છે!
18“હું તમારા બધાના વિષે આ કહેતો નથી; જેમને મેં પસંદ કર્યા છે, તેમને હું ઓળખું છું. પણ ‘જે મારી સાથે જમે છે તેણે મારી સામે લાત ઉગામી છે,’ એવું ધર્મશાસ્ત્ર જે કહે છે તે સાચું પડવું જ જોઈએ. 19એવું બને તે પહેલાં હું તમને આ જણાવું છું; જેથી તેમ બને ત્યારે તમે વિશ્વાસ કરો કે હું તે જ છું. 20હું તમને સાચે જ કહું છું: હું જેને મોકલું છું તેનો જે સ્વીકાર કરે છે, તે મારો સ્વીકાર કરે છે; અને જે કોઈ મારો સ્વીકાર કરે છે, તે મને મોકલનારનો પણ સ્વીકાર કરે છે.”
ધરપકડની આગાહી
(માથ. 26:20-25; માર્ક. 14:17-21; લૂક. 22:21-23)
21એમ કહ્યા પછી ઈસુને મનમાં ઊંડું દુ:ખ થયું અને તેમણે સ્પષ્ટ કહી દીધું, “હું તમને સાચે જ કહું છું: તમારામાંનો એક મને દગો દેશે.”
22તેમણે કોના સંબંધી એ કહ્યું તે અંગે શિષ્યો એકબીજાની તરફ જોવા લાગ્યા. 23શિષ્યોમાંનો એક જેના પર ઈસુ પ્રેમ રાખતા હતા તે તેમની પડખે અડીને જ બેઠો હતો. 24સિમોન પિતરે તેને ઇશારો કરીને કહ્યું, “તે કોના સંબંધી વાત કરે છે તે પૂછી જો.”
25તેથી તે શિષ્યે ઈસુની છાતીને અઢેલીને પૂછયું, “પ્રભુ, તે કોણ છે?”
26ઈસુએ જવાબ આપ્યો, “જેને હું રોટલીનો ટુકડો બોળીને આપીશ તે જ.” પછી તેમણે રોટલીનો એક ટુકડો લીધો, રસામાં બોળ્યો અને સિમોનના પુત્ર યહૂદા ઈશ્કારિયોતને આપ્યો. 27જેવો તેણે રોટલીનો ટુકડો લીધો કે તરત તેનામાં શેતાને પ્રવેશ કર્યો. ઈસુએ તેને કહ્યું, “જે કરવાનો હોય તે જલદી કર.” 28ઈસુએ તેને શા માટે એવું કહ્યું એ જમવા બેઠેલામાંથી કોઈ સમજ્યો નહિ. 29યહૂદા પૈસાની થેલી રાખતો હોવાથી કેટલાક શિષ્યોએ વિચાર્યું કે ઈસુએ તેને પર્વને માટે કંઈક ખરીદી કરવાનું અથવા ગરીબોને કંઈક આપવાનું કહ્યું.
30એટલે યહૂદા રોટલીનો ટુકડો લઈને તરત જ બહાર ગયો. તે વખતે રાત હતી.
નવીન આજ્ઞા
31યહૂદાના બહાર ગયા પછી, ઈસુએ કહ્યું, “હવે માનવપુત્રનો મહિમા પ્રગટ થાય છે અને તેના દ્વારા ઈશ્વરનો મહિમા પ્રગટ થાય છે. 32જો તેના દ્વારા ઈશ્વરનો મહિમા પ્રગટ થાય છે તો પછી ઈશ્વર પોતાનામાં માનવપુત્રનો મહિમા પ્રગટ કરશે, અને તે ટૂંક સમયમાં જ કરશે. 33મારાં બાળકો, હવે હું તમારી સાથે લાંબો સમય રહેવાનો નથી. તમે મને શોધશો; પરંતુ યહૂદી લોકોને મેં જે કહ્યું હતું તે તમને પણ કહું છું: જ્યાં હું જાઉં છું ત્યાં તમે આવી શક્તા નથી. 34હવે એક નવીન આજ્ઞા હું તમને આપું છું: એકબીજા પર પ્રેમ રાખો. જેમ મેં તમારા પર પ્રેમ રાખ્યો છે, તેમ તમે એકબીજા પર પ્રેમ રાખો. 35જો તમે એકબીજા પર પ્રેમ રાખશો તો સૌ જાણશે કે તમે મારા શિષ્યો છો.”
પિતરના નકારની આગાહી
(માથ. 26:31-35; માર્ક. 14:27-31; લૂક. 22:31-34)
36સિમોન પિતરે તેમને પૂછયું, “પ્રભુ, તમે ક્યાં જાઓ છો?”
ઈસુએ જવાબ આપ્યો, “હું જ્યાં જાઉં છું, ત્યાં તું હમણાં આવી શક્તો નથી. પરંતુ પાછળથી તું આવશે.”
37પિતરે પૂછયું, “પ્રભુ, શા માટે હું હમણાં તમારી પાછળ ન આવી શકું? હું તમારે માટે મરવા પણ તૈયાર છું!”
38ઈસુએ જવાબ આપ્યો, “શું તું મારે માટે મરવા તૈયાર છે! હું તને સાચે જ કહું છું: કૂકડો બોલ્યા પહેલાં તું ત્રણવાર કહીશ કે તું મને ઓળખતો નથી.”

Marker

Del

Kopier

None

Vil du ha høydepunktene lagret på alle enhetene dine? Registrer deg eller logg på