માર્ક 16

16
ઈસુ સજીવન કરાયા
(માથ. 28:1-8; લૂક. 24:1-12; યોહા. 20:1-10)
1વિશ્રામવાર પૂરો થયા પછી માગદાલાની મિર્યામ, યાકોબની મા મિર્યામ અને શાલોમી ઈસુના શબને લગાડવા માટે સુગંધી દ્રવ્યો ખરીદી લાવ્યાં. 2રવિવારની વહેલી સવારે સૂર્ય ઊગતાંમાં તેઓ કબરે ગયાં. 3રસ્તે તેઓ એકબીજાને પૂછવા લાગ્યાં, 4“કબરના પ્રવેશદ્વારનો પથ્થર આપણે માટે કોણ ખસેડશે?” એ તો બહુ મોટો પથ્થર હતો. પછી તેઓએ ધારીને જોયું તો પથ્થર ત્યાંથી ખસેડી દેવામાં આવ્યો હતો. 5તેથી તેઓ કબરમાં દાખલ થયાં. ત્યાં તેમણે સફેદ ઝભ્ભો પહેરેલા એક જુવાન માણસને જમણી તરફ બેઠેલો જોયો અને તેઓ ગભરાઈ ગયાં.
6તેણે કહ્યું, “ડરશો નહિ, હું જાણું છું કે ક્રૂસે જડવામાં આવેલા નાઝારેથના ઈસુને તમે શોધો છો. તે અહીં નથી. તેમને સજીવન કરવામાં આવ્યા છે! તેમણે તેમને જ્યાં મૂક્યા હતા તે જગ્યા જુઓ. 7હવે જાઓ, અને જઈને પિતર સહિત તેમના બીજા શિષ્યોને આ સંદેશો આપો: તે તમારી પહેલાં ગાલીલમાં જાય છે; તમને તેમણે કહ્યું હતું તેમ તમે તેમને ત્યાં જોશો.”
8પછી તેઓ ભય અને આશ્ર્વર્ય પામીને કબરમાંથી નીકળીને દોડી ગયાં. તેઓ ડરી ગયાં હોવાથી કોઈને કંઈ કહ્યું નહિ.
ઈસુનાં દર્શન
(માથ. 28:9-10; યોહા. 20:11-18)
9મરણમાંથી સજીવન કરાયા પછી ઈસુએ રવિવારની વહેલી સવારે પ્રથમ માગદાલાની મિર્યામ, જેનામાંથી તેમણે સાત દુષ્ટાત્મા કાઢયા હતા, તેને દર્શન દીધું. 10તેણે જઈને પોતાના સાથી ભાઈઓને ખબર આપી. તેઓ શોક તથા રુદન કરતા હતા, 11અને તેથી ઈસુ સજીવન થયા છે અને તેણે તેમને જોયા છે એવું તેણે તેમને કહ્યું ત્યારે તેઓ તેનું માની શક્યા નહિ.
બે શિષ્યોને દર્શન
(લૂક. 24:13-35)
12ત્યાર પછી તેમનામાંના બે જણ ચાલતાં ચાલતાં ગામડે જતા હતા. તેમને ઈસુએ જુદી રીતે દર્શન દીધું. 13તેઓ પાછા વળ્યા અને બીજા શિષ્યોને તે કહી જણાવ્યું, પણ તેમના પર કોઈએ વિશ્વાસ કર્યો નહિ.
અગિયાર શિષ્યોને દર્શન
(માથ. 28:16-20; લૂક. 24:36-49; યોહા. 20:19-23; પ્રે.કા. 1:6-8)
14એ પછી અગિયાર શિષ્યો જમતા હતા ત્યારે ઈસુએ તેમને દર્શન દીધું. તેમના અવિશ્વાસને લીધે તેમણે તેમને ઠપકો આપ્યો; કારણ, તેઓ એટલા જડ હતા કે જેમણે તેમને જીવતા થયેલા જોયા હતા તેમની પણ વાત માની નહિ. 15તેમણે તેમને કહ્યું, “આખી દુનિયામાં જાઓ, અને સમસ્ત માનવજાતને શુભસંદેશનો પ્રચાર કરો. 16જે વિશ્વાસ કરે અને બાપ્તિસ્મા લેશે તેનો ઉદ્ધાર થશે; જે વિશ્વાસ નહિ કરે, તે દોષિત ઠરશે. 17વિશ્વાસીઓને પરાક્રમી ચમત્કારો કરવાનું દાન અપાશે; તેઓ મારે નામે દુષ્ટાત્માઓને કાઢશે; તેઓ અજાણી ભાષાઓ બોલશે. 18જો તેઓ સાપ પકડી લે અથવા ઝેર પી જાય, તોપણ તેમને કંઈ ઈજા થશે નહિ; તેઓ બીમાર માણસો પર પોતાના હાથ મૂકશે, એટલે તેઓ સાજા થશે.”
ઈસુનું સ્વર્ગારોહણ
(લૂક. 24:50-53; પ્રે.કા. 1:9-11)
19શિષ્યો સાથે વાત કરી રહ્યા પછી ઈસુને સ્વર્ગમાં લઈ લેવામાં આવ્યા અને તેઓ ઈશ્વરની જમણી તરફ બિરાજમાન થયા. 20શિષ્યોએ બધી જગ્યાએ જઈને ઉપદેશ કર્યો. પ્રભુ તેમની સાથે હતા અને ચમત્કારો મારફતે શુભસંદેશની સત્યતા પુરવાર કરતા હતા.

Markering

Deel

Kopiëren

None

Wil je jouw markerkingen op al je apparaten opslaan? Meld je aan of log in