ઉત્પત્તિ 20

20
અબ્રાહામ અને અબિમેલેખ
1ત્યાંથી અબ્રાહામ નેગેબ પ્રદેશ તરફ ગયો અને કાદેશ તથા શૂરની વચ્ચે વસ્યો. થોડો સમય તે ગેરારમાં રહેવા ગયો. 2અબ્રાહામે પોતાની પત્ની સારા વિષે કહ્યું કે તે મારી બહેન છે. તેથી ગેરારના રાજા અબિમેલેખે સારાને બોલાવડાવીને રાખી લીધી.#ઉત. 12:13; 26:7. 3પણ રાત્રે ઈશ્વરે અબિમેલેખને સ્વપ્નમાં દર્શન દઈને કહ્યું, “જો, તારા ઘરમાં તેં જે સ્ત્રી રાખી છે તેને લીધે તારું મોત આવી લાગ્યું છે. કારણ, તે પરણેલી સ્ત્રી છે.” 4અબિમેલેખ હજી સારા પાસે ગયો પણ નહોતો. તેથી તેણે કહ્યું, “પ્રભુ, તમે મારા નિર્દોષ લોકોનો નાશ કરશો? 5એ માણસે પોતે મને નહોતું કહ્યું કે, ‘તે મારી બહેન છે?’ વળી, તે સ્ત્રીએ પણ કહ્યું હતું કે, ‘તે મારો ભાઈ છે.’ મેં તો નિષ્કપટ અંત:કરણથી અને શુદ્ધ હાથે એ કર્યું છે.” 6ત્યારે ઈશ્વરે તેને સ્વપ્નમાં કહ્યું, “હા, મને ખબર છે કે તેં નિષ્કપટપણે એ કામ કર્યું છે. તેથી તો મેં તને મારી વિરુદ્ધ પાપ કરતો અટકાવ્યો છે અને એટલે જ મેં તને સારાને અડકવા પણ દીધો નથી. 7તેથી હવે તું તે માણસને તેની પત્ની પાછી સોંપી દે, કારણ, તે ઈશ્વરનો સંદેશવાહક છે. તે તારે માટે પ્રાર્થના કરશે એટલે તું જીવતો રહેશે. પણ જો તું તેને પાછી નહિ સોંપે તો સમજી લેજે કે તારું તથા તારા સર્વ લોકનું મોત નિશ્ર્વિત છે.”
8તેથી અબિમેલેખે વહેલી સવારે ઊઠીને પોતાના બધા નોકરોને બોલાવ્યા અને તેમને બધી વાતો કહી સંભળાવી એટલે તેઓ પણ ખૂબ ગભરાયા. 9પછી અબિમેલેખે અબ્રાહામને બોલાવીને કહ્યું, “તેં અમારી સાથે આવો વર્તાવ કેમ કર્યો? મેં તારો શો ગુનો કર્યો છે કે તેં મને અને મારા લોકને ભયંકર પાપમાં નાખ્યા? તેં મારી સાથે નહિ કરવા જેવો વર્તાવ કર્યો છે. 10તેં કેવા વિચારથી એવું કર્યું?” 11અબ્રાહામે કહ્યું, “મને થયું કે આ દેશમાં ઈશ્વરનો ડર નથી અને મારી પત્નીને લીધે આ લોકો મને મારી નાખશે. 12વળી, તે મારી બહેન પણ છે. કારણ, તે મારા પિતાની પુત્રી છે, પણ મારી માતાની પુત્રી નથી; અને તે મારી પત્ની બની. 13મારા પિતાનું ઘર મૂકી દઈને એક સ્થળેથી બીજે સ્થળે પ્રવાસ કરવા ઈશ્વરે મને આજ્ઞા આપી ત્યારે મેં સારાને કહ્યું હતું: ‘તારે મારા પર આટલી કૃપા કરવી પડશે; એટલે, આપણે જ્યાં જ્યાં જઈએ ત્યાં ત્યાં તારે એમ કહેવું કે હું તારો ભાઈ છું!”
14પછી અબિમેલેખે અબ્રાહામને ઘેટાં, ઢોર તેમ જ નોકરચાકર આપ્યાં અને તેની પત્ની સારા પણ તેને પાછી સોંપી. 15અબિમેલેખે તેને કહ્યું, “જો, મારો આખો દેશ તારી આગળ છે. તારી ઇચ્છા હોય ત્યાં રહે.” 16સારાને તેણે કહ્યું, “જો, હું તારા ભાઈને ચાંદીના હજાર સિક્કા આપું છું. તારી સાથેના સર્વ લોકો સમક્ષ એ તારા બચાવને અર્થે સાબિતીરૂપ છે. કારણ, તું સૌની સમક્ષ નિર્દોષ ઠરેલી છે.” 17પછી અબ્રાહામે ઈશ્વરને પ્રાર્થના કરી એટલે ઈશ્વરે અબિમેલેખને તેમ જ તેની પત્ની તથા દાસીઓને સાજાં કર્યાં અને તેમનું વંધ્યત્વ દૂર કર્યું. 18કારણ, અબ્રાહામની પત્ની સારાને લીધે ઈશ્વરે અબિમેલેખના ઘરની બધી સ્ત્રીઓને વંધ્યા બનાવી દીધી હતી.

Markering

Deel

Kopiëren

None

Wil je jouw markerkingen op al je apparaten opslaan? Meld je aan of log in

Video voor ઉત્પત્તિ 20