ઉત્પત્તિ 22
22
અબ્રાહામની ક્સોટી
1થોડા સમય પછી ઈશ્વરે અબ્રાહામની ક્સોટી કરી. તેમણે તેને કહ્યું, “અબ્રાહામ!” અબ્રાહામે જવાબ આપ્યો, “હા પ્રભુ.”#હિબ્રૂ. 11:17-19. 2ઈશ્વરે કહ્યું, “તારો પુત્ર, તારો એકનોએક પુત્ર ઇસ્હાક, જેના પર તું અત્યંત પ્રેમ રાખે છે તેને લઈને મોરિયા પ્રદેશમાં જા, અને ત્યાં હું દેખાડું તે પર્વત પર તેનું મને દહનબલિ તરીકે અર્પણ ચડાવ.”#૨ કાળ. 3:1.
3બીજે દિવસે વહેલી સવારે અબ્રાહામે દહનબલિ માટે લાકડાં કાપ્યાં, ગધેડાં પર બાંધ્યાં અને ઇસ્હાક તથા પોતાના બે નોકરોને સાથે લઈને પ્રભુએ તેને જે સ્થળે જવા આજ્ઞા કરી હતી તે તરફ ચાલી નીકળ્યો.
4ત્રીજે દિવસે અબ્રાહામે નજર ઉઠાવીને દૂરથી તે સ્થળ જોયું. 5પછી તેણે પોતાના નોકરોને કહ્યું, “તમે અહીં ગધેડાની સાથે રહો. હું અને છોકરો ત્યાં જઈએ છીએ. ભજન કર્યા પછી અમે તમારી પાસે પાછા આવીશું.”
6અબ્રાહામે ઇસ્હાકની પાસે બલિદાન માટેનાં લાકડાં ઉપડાવ્યાં અને પોતાના હાથમાં અગ્નિ તથા છરો લઈ લીધાં. 7તેઓ જતા હતા ત્યારે ઇસ્હાક બોલી ઊઠયો, “પિતાજી!” અબ્રાહામે કહ્યું, “શું છે દીકરા?” ઇસ્હાકે પૂછયું, “આપણી પાસે અગ્નિ અને લાકડાં તો છે, પરંતુ બલિદાનને માટે ઘેટું ક્યાં છે? 8અબ્રાહામે જવાબ આપ્યો, “દીકરા, એ તો ઈશ્વર પોતે દહનબલિ માટે ઘેટું પૂરું પાડશે.” એમ તેઓ બન્ને સાથે ગયા.
9પ્રભુએ જે સ્થળ વિષે કહ્યું હતું ત્યાં તેઓ આવ્યા ત્યારે અબ્રાહામે એક વેદી બાંધી અને તેના પર લાકડાં ગોઠવ્યાં. પછી તેણે પોતાના દીકરા ઇસ્હાકને બાંધીને વેદી ઉપરનાં લાકડાં પર મૂક્યો.#યાકો. 2:21. 10પછી અબ્રાહામે પોતાના પુત્રને મારવા હાથમાં છરો ઉપાડયો. 11પરંતુ આકાશમાંથી પ્રભુના દૂતે તેને હાંક મારી, “અબ્રાહામ, અબ્રાહામ!” તેણે જવાબ આપ્યો, “હું આ રહ્યો.” 12તેણે કહ્યું, “છોકરા પર તારો હાથ નાખીશ નહિ કે તેને કંઈ ઈજા કરીશ નહિ. હવે હું જાણું છું કે તું ઈશ્વરનો ડર રાખે છે. કારણ, તેં તારો એકનોએક પુત્ર પણ મારાથી પાછો રાખ્યો નથી.” 13અબ્રાહામે આસપાસ જોયું તો ઝાડીમાં શિંગડાથી ભરાઈ પડેલા એક ઘેટાને જોયો. અબ્રાહામ ત્યાં જઈને ઘેટાને લઈ આવ્યો અને તેણે પોતાના દીકરાને બદલે એ ઘેટાનું બલિદાન ચડાવ્યું. 14અબ્રાહામે તે સ્થળનું નામ યાહવે-યિરેહ (પ્રભુ પૂરું પાડે છે)#22:14 ‘પૂરું પાડે છે’: અથવા, ‘જુએ છે.’ પાડયું. આજ સુધી લોકોમાં કહેવાય છે કે પ્રભુના પહાડ પર પૂરું પાડવામાં આવશે.#22:14 અથવા, ‘જોવામાં આવશે.’
15પ્રભુના દૂતે આકાશમાંથી બીજીવાર હાંક મારીને કહ્યું, 16“પ્રભુ કહે છે: હું મારા પોતાના નામના સોગંદ લઉં છું કે હું તને ખૂબ આશિષ આપીશ. કારણ, તેં આ કામ કર્યું છે અને મારાથી તારા પુત્રને પાછો રાખ્યો નથી. 17હું વચન આપું છું કે આકાશના તારા અને સમુદ્રકિનારાની રેતીના કણ જેટલા તારા વંશજો થશે. તારાં સંતાન તેમના શત્રુઓને જીતી લેશે.#હિબ્રૂ. 11:12. 18તારા વંશ દ્વારા પૃથ્વી પરની બધી પ્રજાઓ આશિષ પામશે. કારણ, તેં મારી આજ્ઞા પાળી છે.”#પ્રે.કા. 3:25.
19અબ્રાહામ પોતાના નોકરોની પાસે પાછો આવ્યો અને બેરશેબા જ્યાં તેઓ રહેતા હતા તે સ્થળે પાછા ફર્યા.
નાહોરના વંશજો
20આ બનાવો બન્યા પછી અબ્રાહામને ખબર મળી કે તેના ભાઈ નાહોરથી મિલ્કાએ પણ પુત્રોને જ જન્મ આપ્યો છે: 21સૌથી મોટો પુત્ર ઉઝ, તેનો ભાઈ બુઝ, અરામનો પિતા કમુએલ, 22કેસેદ, હઝો, પિલ્દાશ, યિદલાફ અને બથુએલ. 23બથુએલ રિબકાનો પિતા હતો. આ આઠ પુત્રો અબ્રાહામના ભાઈ નાહોરથી મિલ્કાને પેટે જન્મ્યા હતા. 24નાહોરને તેની ઉપપત્ની રેઉમા દ્વારા પણ આ પુત્રો થયા: રેબા, ગાહામ, તાહાશ અને માકા.
Terpilih Sekarang Ini:
ઉત્પત્તિ 22: GUJCL-BSI
Highlight
Kongsi
Salin
Ingin menyimpan sorotan merentas semua peranti anda? Mendaftar atau log masuk
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide