ઉત્પત્તિ 19

19
સદોમનો ભ્રષ્ટાચાર
1સંધ્યા સમયે પેલા બે દૂતો સદોમ આવી પહોંચ્યા. લોત ત્યારે સદોમના દરવાજે બેઠો હતો. તેમને જોઈને લોત મળવા ઊભો થયો અને ભૂમિ સુધી માથું નમાવીને તેમને પ્રણામ કરતાં કહ્યું, 2“મારા સ્વામીઓ, કૃપા કરીને તમારા સેવકને ઘેર પધારો. તમારા પગ ધૂઓ અને ત્યાં જ રાતવાસો કરો. પછી મળસ્કે ઊઠીને તમારે રસ્તે પડજો.” તેમણે કહ્યું, “ના, અમે તો નગરના ચોકમાં જ રાત ગાળીશું.” 3છતાં તેના અતિ આગ્રહને વશ થઈને તેઓ તેની સાથે ગયા અને તેના ઘરમાં રહ્યા. લોતે તેમને માટે જમણની વ્યવસ્થા કરી. તેણે ખમીરરહિત રોટલી બનાવડાવી. પછી તેમણે ભોજન લીધું. 4પણ તેઓ સૂઈ જાય તે પહેલાં જ સદોમના વૃદ્ધ અને જુવાન સર્વ લોકો આવ્યા અને તેમણે તે ઘરને ઘેરી લીધું. 5તેમણે લોતને હાંક મારીને કહ્યું, “આજે રાત્રે તારે ત્યાં આવેલા માણસો કયાં છે? તેમને અમારી પાસે બહાર લાવ કે જેથી અમે તેમની ઝડતી લઈએ.”
6લોત લોકોને મળવા ઘર બહાર આવ્યો અને પોતાની પાછળ બારણું બંધ કર્યું. 7તેણે કહ્યું, “મારા ભાઈઓ, મારી તમને વિનંતી છે કે તમે એવું દુષ્ટ કામ ન કરો. 8જુઓ, મારે બે પુત્રીઓ છે. તેમણે કોઈ પુરુષ સાથે સમાગમ કર્યો નથી. હું તેમને તમારી સમક્ષ લઈ આવું. તમારે તેમને જે કરવું હોય તે કરો. પણ આ માણસોને કંઈ કરશો નહિ; કારણ, તેઓ મારા છાપરાના આશ્રય નીચે આવ્યા છે.”#ન્યાયા. 19:22-24.
9પણ લોકોએ કહ્યું, “તું તો અમારી મધ્યે આવેલો પરદેશી છે અને હવે અમારો ન્યાયાધીશ થઈ બેઠો છે! વચમાંથી ખસી જા. નહિ તો, અમે તેમના કરતાં પણ તને વધારે દુ:ખ દઈશું. પછી તેમણે લોત પર ધક્કાધક્કી કરી અને બારણું તોડી નાખવા નજીક આવ્યા. 10પણ પેલા બે પુરુષોએ હાથ લંબાવીને લોતને ઘરમાં પાછો ખેંચી લીધો અને બારણું બંધ કરી દીધું. 11પછી તેમણે બારણા આગળ એકઠા થયેલા નાનામોટા બધા લોકોને આંધળા બનાવી દીધા, જેથી તેઓ બારણું શોધી શકાયા નહિ.#૨ રાજા. 6:18.
સદોમમાંથી લોતની વિદાય
12પછી પેલા માણસોએ લોતને કહ્યું, “અહીં તારાં કોઈ બીજાં સગાં છે? તારા જમાઈઓ, દીકરા અથવા બીજાં કોઈ સગાં છે? જો હોય તો તેમને સૌને લઈને શહેર બહાર જતો રહે. 13અમે આ સ્થળનો નાશ કરવાના છીએ, કારણ, પ્રભુની આગળ આ લોકો વિરુદ્ધ મોટી ફરિયાદ પહોંચી છે. એટલે તો પ્રભુએ અમને આ શહેરનો નાશ કરવા મોકલ્યા છે.” 14તેથી લોત બહાર ગયો અને પોતાના ભાવિ જમાઈઓને કહ્યું, “જલદી કરો, આ શહેરમાંથી બહાર નીકળી જાઓ; કારણ, પ્રભુ આ શહેરનો નાશ કરવાના છે.” પણ તેના જમાઈઓને લાગ્યું કે લોત માત્ર મજાક ઉડાવે છે. 15વહેલી સવારે દૂતોએ લોતને ચેતવણી આપતાં કહ્યું, “ઊઠ, તારી પત્નીને અને તારી બે દીકરીઓ જે અહીં છે, તેમને લઈને જલદી જતો રહે, નહિ તો આ શહેરનો નાશ થાય, ત્યારે તેની સાથે તમે પણ નાશ પામશો.” 16લોત જતાં ખચકાતો હતો, પણ ઈશ્વર તેના પર દયાળુ હોવાથી પેલા બે પુરુષો તેને, તેની પત્નીને અને તેની બે દીકરીઓને હાથ પકડીને શહેર બહાર લઈ ગયા.#૨ પિત. 2:7. 17તેમને બહાર લાવ્યા પછી એક દૂતે તેમને કહ્યું, “તમારો જીવ લઈને નાસો, પાછા વળીને જોશો નહિ અને ખીણપ્રદેશમાં કોઈ જગ્યાએ ન રોકાતાં પર્વત પર નાસી જાઓ, નહિ તો તમારો પણ નાશ થઈ જશે.” 18લોતે તેમને કહ્યું, “ના, મારા સ્વામી, તમારા આ સેવક પર તમારી રહેમનજર થઈ છે. 19મારો જીવ બચાવીને તમે મારા પર અપાર દયા દર્શાવી છે. પણ હું પર્વતોમાં નાસી જઈ શકું તેમ નથી. કદાચ ત્યાં પહોંચતાં પહેલાં જ મારા પર સંકટ આવી પડે અને હું મરી જઉં. 20જુઓ, પેલું નગર નજીક હોવાથી ત્યાં નાસી જઈ શકાય તેમ છે. તે નાનું છે. મને ત્યાં નાસી જવા દો એટલે મારો જીવ બચી જશે. શું એ નાનું નથી?” 21પ્રભુએ લોતને કહ્યું, “જો મેં તારી એ વિનંતી પણ માન્ય રાખી છે. જે નગર વિષે તેં કહ્યું તેનો હું નાશ કરીશ નહિ. 22ત્યાં જલદી નાસી જા, કારણ, તું ત્યાં પહોંચે નહિ ત્યાં સુધી હું કંઈ કરી શક્તો નથી.” આથી એ નગરનું નામ ‘સોઆર’ [નાનું] પડયું.
સદોમ અને ગમોરાનો નાશ
23લોત સોઆર પહોંચ્યો ત્યારે પૃથ્વી પર સૂર્યોદય થયો હતો. 24ત્યારે પ્રભુએ સદોમ અને ગમોરા પર આકાશમાંથી ગંધક અને આગ વરસાવ્યાં. 25તેમણે તે શહેરોનો, એ ખીણપ્રદેશનો, બધા નગરવાસીઓનો અને ભૂમિ ઉપર ઊગેલી બધી વનસ્પતિનો નાશ કર્યો.#માથ. 10:15; 11:23-24; લૂક. 10:12; ૨ પિત. 2:6; યહૂ. 7. 26પણ લોતની પછવાડે ચાલતી તેની પત્નીએ પાછળ જોયું એટલે તે મીઠાનો થાંભલો થઈ ગઈ.
27વહેલી સવારે અબ્રાહામ જાગ્યો અને પોતે પ્રભુની સમક્ષ જે સ્થળે તે ઊભો રહ્યો હતો ત્યાં ગયો. 28તેણે સદોમ અને ગમોરા તરફ તેમ જ સમગ્ર ખીણપ્રદેશ તરફ જોયું તો ત્યાંથી ભઠ્ઠીના ધૂમાડાની જેમ ધૂમાડો ઉપર ચડતો હતો. 29ઈશ્વરે ખીણપ્રદેશનાં શહેરોનો નાશ કર્યો ત્યારે તેમણે અબ્રાહામને સંભાર્યો, એટલે જે શહેરમાં લોત રહેતો હતો તેનો નાશ કર્યો ત્યારે તેમણે લોતને ઉગારી લીધો.
લોતના વંશજો
30લોત સોઆરમાંથી નીકળીને પોતાની બે પુત્રીઓ સાથે પર્વતોમાં રહેવા ચાલ્યો ગયો. કારણ, સોઆરમાં રહેતાં તેને ડર લાગ્યો. તે પોતાની બે પુત્રીઓ સાથે ગુફામાં રહ્યો.
31તેની મોટી પુત્રીએ નાની પુત્રીને કહ્યું, “આપણા પિતા વૃદ્ધ થયા છે અને આ દુનિયાના રિવાજ પ્રમાણે જેની સાથે આપણે લગ્ન કરી શકીએ એવો કોઈ પુરુષ અહીં નથી. 32તેથી ચાલ, આપણે આપણા પિતાને દ્રાક્ષાસવ પીવડાવીએ અને તેમની સાથે સમાગમ કરીએ, જેથી આપણા દ્વારા આપણા પિતાનો વંશ ચાલુ રહે.” 33તેથી તેમણે તે રાત્રે પોતાના પિતાને દ્રાક્ષાસવ પીવડાવ્યો અને મોટી દીકરી અંદર જઈને તેના પિતા સાથે સૂઈ ગઈ. તે ક્યારે સૂઈ ગઈ અને ક્યારે ઊઠી તેની લોતને ખબર પડી નહિ. 34બીજે દિવસે મોટીએ નાનીને કહ્યું, “જો ગઈ કાલે રાત્રે હું આપણા પિતા સાથે સૂઈ ગઈ હતી. આજે રાત્રે પણ આપણે તેમને દ્રાક્ષાસવ પીવડાવીએ. પછી તું પણ જઈને તેમની સાથે સૂઈ જજે. જેથી આપણા દ્વારા આપણા પિતાનો વંશ ચાલુ રહે.” 35એટલે તેમણે તે રાત્રે પણ પોતાના પિતાને દ્રાક્ષાસવ પીવડાવ્યો અને નાની દીકરી અંદર જઈને તેના પિતા સાથે સૂઈ ગઈ, પણ તે ક્યારે સૂઈ ગઈ અને ક્યારે ઊઠી તેની લોતને ખબર પડી નહિ. 36આમ, લોતની બન્‍ને પુત્રીઓ પોતાના પિતાથી ગર્ભવતી થઈ. 37મોટી પુત્રીએ પુત્રને જન્મ આપ્યો. તેણે તેનું નામ મોઆબ (અર્થાત્ મારા પિતામાંથી) પાડયું. તે જ આજના મોઆબીઓનો આદિપિતા છે. 38નાની પુત્રીએ પણ પુત્રને જન્મ આપ્યો અને તેનું નામ બેન-આમ્મી (મારા લોકનો પુત્ર)#19:38 ‘બેન-આમ્મી’; હિબ્રૂ ભાષામાં ‘મારા સંબંધીનો પુત્ર’ એવો અર્થ થાય છે. પાડયું. તે જ આજના આમ્મોનીઓનો આદિપિતા છે.

Highlight

Kongsi

Salin

None

Ingin menyimpan sorotan merentas semua peranti anda? Mendaftar atau log masuk