યોહાન 7

7
ઈસુ અને તેના ભાઈઓ
1આ પછી, ઈસુએ ગાલીલના પ્રદેશની આજુબાજુ મુસાફરી કરી. ઈસુ યહૂદિયામાં મુસાફરી કરવા ઈચ્છતો નહોતો, કારણ કે ત્યાંના યહૂદિઓ તેને મારી નાખવા ઈચ્છતા હતાં. 2તે યહૂદિઓના માંડવાપર્વનો સમય પાસે હતો. 3તેથી ઈસુના ભાઈઓએ તેને કહ્યું, “તારે અહીંથી નીકળી જવું જોઈએ અને યહૂદિયાના ઉત્સવમાં જવું જોઈએ. પછી ત્યાં તારા શિષ્યો તું જે ચમત્કારો કરે છે તે જોઈ શકશે. 4જો કોઈ વ્યક્તિ, લોકો તેને ઓળખે તેમ ઈચ્છતી હોય તો પછી તે વ્યક્તિએ તે જે કામ કરે તે છુપાવવા જોઈએ નહિ. તારી જાતને જગત સમક્ષ જાહેર કર. તું જે ચમત્કારો કરે તે તેઓને જોવા દે.” 5(ઈસુના ભાઈઓએ પણ તેનામાં વિશ્વાસ કર્યો નહિ.)
6ઈસુએ તેના ભાઈઓને કહ્યું, “મારા માટેનો યોગ્ય સમય હજુ આવ્યો નથી. પરંતુ તમારા જવા માટે કોઈ પણ સમય યોગ્ય છે. 7જગત તમને ધિક્કારી શકશે નહિ. પરંતુ જગત મને ધિક્કારે છે. શા માટે? કારણ કે હું જગતમાં લોકોને કહું છું કે તેઓ ભૂંડા કામો કરે છે. 8તેથી તમે પર્વમાં જાઓ. હવે હું પર્વમાં જઈશ નહિ. મારા માટેનો યોગ્ય સમય હજુ આવ્યો નથી.” 9ઈસુ આમ કહ્યા પછી ગાલીલમાં રહ્યો.
10તેથી ઈસુના ભાઈઓ પર્વમાં જવા વિદાય થયા. તેઓના વિદાય થયા પછી ઈસુ પણ ગયો. પરંતુ લોકો તેને ન જુએ તે રીતે ગયો. 11યહૂદિઓ પર્વમાં ઈસુને શોધતા હતા. યહૂદિઓએ કહ્યું, “તે માણસ ક્યાં છે?”
12ત્યાં લોકોનો મોટો સમૂહ હતો. આ લોકોમાંના ઘણા એકબીજા સાથે અંદરોઅંદર ઈસુ વિષે ગુપ્ત રીતે વાતો કરતા હતા. કેટલાક લોકોએ કહ્યું, “તે એક સારો માણસ છે,” પણ બીજા લોકોએ કહ્યું, “ના, તે લોકોને મૂર્ખ બનાવે છે.” 13પરંતુ લોકોમાંથી કોઈની પણ જાહેરમાં ઈસુ વિષે બોલવાની હિંમત ન હતી. લોકો યહૂદિ આગેવાનોથી ડરતા હતા.
ઈસુનો યરૂશાલેમમાં બોધ
14પર્વ લગભગ અડધુ પૂરું થયુ હતુ. પછી ઈસુ મંદિરમાં ગયો અને બોધ શરું કર્યો. 15યહૂદિઓ આશ્ચર્ય પામ્યા. તેઓએ કહ્યું, “આ માણસે શાળામાં કદી અભ્યાસ કર્યો નથી. આટલી બધી વિધા તે કેવી રીતે શીખ્યો?”
16ઈસુએ ઉત્તર આપ્યો, “હું જે બોધ આપું છું તે મારો પોતાનો નથી પણ જેણે મને મોકલ્યો છે તેનો (દેવ) છે. 17જો કોઈ માણસ દેવ જે ઈચ્છે છે તે કરવા ઈચ્છે તો પછી તે વ્યક્તિ જાણશે કે મારો બોધ દેવ પાસેથી આવે છે. અથવા 18કોઈ વ્યક્તિ તેના વિચારનો બોધ આપે છે તેના પોતાના માટે માન મેળવવાનો પ્રયત્ન કરે છે. પરંતુ જે વ્યક્તિ તેને મોકલનાર માટે માન મેળવવા પ્રયત્ન કરે છે તે વ્યક્તિ સાચું કહે છે. તેનામાં કશું ખોટું હોતું નથી. 19તમને નિયમશાસ્ત્ર આપ્યુ. ખરું ને? પરંતુ તમારામાંના કોઈએ તેનું પાલન કર્યુ નથી. તમે શા માટે મને મારી નાખવા પ્રયત્ન કરો છો?”
20લોકોએ ઉત્તર આપ્યો, “તારામાં અશુદ્ધ આત્મા પ્રવેશેલો છે અને તને ગાંડો બનાવ્યો છે! અમે તને મારી નાખવાનો પ્રયત્ન કરતા નથી.”
21ઈસુએ તેઓને કહ્યું, “મેં એક ચમત્કાર કર્યો અને તમે બધા અચરજ પામ્યા. 22મૂસાએ તમને સુન્નતનો નિયમ આપ્યો છે. (પરંતુ ખરેખર મૂસાએ તમને સુન્નતનો નિયમ આપ્યો નથી. મૂસાના પહેલા જે લોકો જીવી ગયા તેઓની પાસેથી સુન્નતનો નિયમ આવ્યો છે.) તેથી કેટલીક વાર વિશ્રામવારે શિશુની સુન્નત કરવામાં આવે છે. 23આ બતાવે છે કે વ્યક્તિ વિશ્રામવારે મૂસાના નિયમનું પાલન કરવા સુન્નત કરાવી શકે છે. તેથી વિશ્રામવારના દિવસે માણસના આખા શરીરને સાજા કરવા માટે મારા પર શા માટે ગુસ્સે થયા છો? 24વસ્તુઓ જે રીતે દેખાય છે તેના આધારે ન્યાય કરવાનું બંધ કરો. ન્યાયી બનો અને જે સાચું છે તેનો યથાર્થ ન્યાય કરો.”
લોકો નવાઈ પામે છે કે ઈસુ જ ખ્રિસ્ત છે
25પછી કેટલાક લોકો જે યરૂશાલેમમાં રહે છે તેઓએ કહ્યું, “આ તે માણસ છે જેને તેઓ મારી નાખવાનો પ્રયત્ન કરે છે. 26પરંતુ તે જ્યાં બધા જોઈ શકે અને તેને સાંભળી શકે ત્યાં બોધ આપે છે. અને કોઈ પણ વ્યક્તિ તેને બોધ આપતા અટકાવવાનો પ્રયત્ન કરતા નથી. અધિકારીઓએ શું ખરેખર નિર્ણય કર્યો હશે કે તે ખરેખર ખ્રિસ્ત જ છે? 27પણ અમે જાણીએ છીએ કે આ માણસનું ઘર ક્યાં છે. પણ ખરેખર ખ્રિસ્ત જ્યારે આવશે ત્યારે કોઈ વ્યક્તિ જાણશે નહિ કે તે ક્યાંથી આવે છે?”
28ઈસુ હજી મંદિરમાં શીખવતો હતો. ઈસુએ કહ્યું, “હા, તમે મને જાણો છો અને હું ક્યાંનો છું એ પણ તમે જાણો છો. પણ હું મારી પોતાની સત્તાથી આવ્યો નથી. જેણે મોકલ્યો છે તે (દેવ) સત્ય છે. તમે તેને ઓળખતા નથી. 29પણ હું તેને ઓળખું છું અને હું તેની પાસેથી આવ્યો છું. તેણે મને મોકલ્યો છે.”
30જ્યારે ઈસુએ આ કહ્યું, લોકોએ તેની ધરપકડ કરવા પ્રયત્ન કર્યો. પણ કોઈ વ્યક્તિએ ઈસુ પર હાથ નાખ્યો નહિ. હજુ ઈસુને મારી નાખવા માટેનો યોગ્ય સમય ન હતો. 31પરંતુ લોકોમાંના ઘણા ઈસુમાં વિશ્વાસ રાખતા હતા. લોકોએ કહ્યું, “અમે ખ્રિસ્તની આવવાની રાહ જોઈએ છીએ. જ્યારે ખ્રિસ્ત આવશે, ત્યારે તે શું આ માણસ (ઈસુ) કરતા વધારે ચમત્કારો કરશે? ના! આથી આ માણસ જ ખ્રિસ્ત હોવો જોઈએ.”
યહૂદિઓ ઈસુને પકડવાનો પ્રયત્ન કરે છે
32ઈસુ વિષે લોકો જે ગણગણાટ કરતા હતા તે ફરોશીઓએ સાંભળ્યું. તેથી મુખ્ય યાજકો અને ફરોશીઓએ કેટલાક મંદિરના ભાલદારોને ઈસુની ધરપકડ કરવા મોકલ્યા. 33પછી ઈસુએ કહ્યું, “હજુ થોડો સમય હું તમારી સાથે રહીશ. પછી હું જેણે (દેવ) મને મોકલ્યો છે તેની પાસે પાછો જઈશ. 34તમે મારી શોધ કરશો, પણ તમે મને શોધી શકશો નહિ. અને જ્યાં હું છું ત્યાં તમે આવી શકશો નહિ.”
35યહૂદિઓએ એકબીજાને કહ્યું, “આ માણસ ક્યાં જશે કે આપણે શોધી શકીશું નહિ. જ્યાં આપણા લોકો રહે છે તે ગ્રીક શહેરમાં તે જશે? શું તે ગ્રીક લોકોને ત્યાં બોધ આપશે? 36માણસ (ઈસુ) કહે છે, ‘તમે મને શોધશો પણ તમે મને શોધી શકશો નહિ.’ અને તે એમ પણ કહે છે, ‘હું જ્યાં છું ત્યાં તમે આવી શકશો નહિ’ તેનો અર્થ શો?”
ઈસુ પવિત્ર આત્મા વિષે કહે છે
37પર્વનો છેલ્લો દિવસ આવ્યો. તે ઘણો જ અગત્યનો દિવસ હતો. તે દિવસે ઈસુ ઊભો થયો અને મોટા સાદે કહ્યું, “જો કોઈ માણસ તરસ્યો હોય તો તે મારી પાસે આવે અને પીએ. 38જો કોઈ માણસ મારામાં વિશ્વાસ મૂકે છે તો તેના હૃદયમાંથી જીવતા પાણીની નદીઓ વહેશે. શાસ્ત્ર જે કહે છે તે એ જ છે.” 39ઈસુ પવિત્ર આત્મા વિષે કહેતો હતો. પવિત્ર આત્મા હજુ લોકોને આપવામાં આવ્યો ન હતો કારણ કે હજુ ઈસુ મૃત્યુ પામીને મહિમાવાન થયો ન હતો. પણ પાછળથી પેલા લોકો જે ઈસુમાં વિશ્વાસ રાખશે તેઓ આત્માને પ્રાપ્ત કરશે.
ઈસુની લોકો વિષે દલીલ
40લોકોએ ઈસુએ જે બધી બાબતો કહી તે સાંભળી. કેટલાક લોકોએ કહ્યું, “આ માણસ ખરેખર પ્રબોધક જ છે.”
41બીજા કેટલાક લોકોએ કહ્યું, “તે જ ખ્રિસ્ત છે.”
બીજા લોકોએ કહ્યું, “ખ્રિસ્ત ગાલીલમાંથી આવશે નહિ. 42શાસ્ત્ર કહે છે, ખ્રિસ્ત દાઉદના વંશમાંથી આવનાર છે, અને શાસ્ત્ર કહે છે કે ખ્રિસ્ત બેથલેહેમમાંથી આવનાર છે, જે શહેરમાં દાઉદ હતો.” 43તેથી લોકો ઈસુ વિષે એકબીજા સાથે સંમત થયા નહિ. 44કેટલાક લોકો ઈસુની ધરપકડ કરવા ઈચ્છતા હતા. પણ આમ કરવાનો કોઈએ પ્રયત્ન કર્યો નહિ.
યહૂદિ અધિકારીઓએ વિશ્વાસ કરવાની ના પાડી
45મંદિરના ભાલદારો મુખ્ય યાજકો અને ફરોશીઓ પાસે પાછા ગયા. યાજકો અને ફરોશીઓએ પૂછયું, “તમે ઈસુને શા માટે લાવ્યા નથી?”
46મંદિરના ભાલદારોએ ઉત્તર આપ્યો, “તે જે બાબતો કહે છે તે કોઈ પણ માણસના શબ્દો કરતા મહાન છે.”
47ફરોશીઓએ ઉત્તર આપ્યો, “ઈસુએ તમને પણ મૂર્ખ બનાવ્યા શું! 48અધિકારીઓમાંથી કોઈએ તેનામાં વિશ્વાસ કર્યો? ના! શું આપણા ફરોશીઓમાંથી કોઈને તેનામાં વિશ્વાસ હતો? ના! 49પણ પેલા લોકો બહાર છે તેઓ નિયમશાસ્ત્ર વિષે જાણતા નથી. તેઓ દેવના શાપિત છે!”
50નિકોદેમસ ત્યાં તે સમૂહમાં હતો. નિકોદેમસ તેઓમાંનો એક જે અગાઉ ઈસુ પાસે આવ્યો હતો. નિકોદેમસે કહ્યું,
51“માણસને પહેલા સાંભળ્યા વિના શું આપણું નિયમશાસ્ત્ર આપણને તેનો ન્યાય કરવા દે છે? જ્યાં સુધી તેણે શું કર્યું છે તે આપણે જાણીએ નહિ ત્યાં સુધી આપણે તેનો ન્યાય કરી શકતા નથી.”
52યહૂદિ અધિકારીઓએ ઉત્તર આપ્યો, “શું તું પણ ગાલીલનો છે? શાસ્ત્રોનો અભ્યાસ કર, તું વાંચી શકીશ કે કોઈ પ્રબોધક ગાલીલમાંથી આવનાર નથી.”
વ્યભિચારમાં પકડાયેલી સ્ત્રી
[53#7:53 યોહાનની કેટલીક પ્રાચીન નકલોમાં 7:53–8:11 કલમો ઉમેરેલ નથી. બધા યહૂદિ અધિકારીઓ તેને છોડીને ગયા.

Šiuo metu pasirinkta:

યોહાન 7: GERV

Paryškinti

Dalintis

Kopijuoti

None

Norite, kad paryškinimai būtų įrašyti visuose jūsų įrenginiuose? Prisijunkite arba registruokitės