યોહાન 2
2
કાના ગામમાં લગ્ન
1ત્રીજે દિવસે ગાલીલના કાના ગામમાં લગ્નપ્રસંગ હતો. ઈસુનાં મા ત્યાં હતાં, 2અને ઈસુ તથા તેમના શિષ્યોને પણ લગ્નમાં નિમંત્રણ આપવામાં આવ્યું હતું. 3બધોય દ્રાક્ષાસવ પીવાઈ ગયો એટલે ઈસુને તેમનાં માએ કહ્યું, “દ્રાક્ષાસવ ખલાસ થઈ ગયો છે.”
4ઈસુએ કહ્યું, “બાઈ, એમાં તમારે કે મારે શું? મારો સમય હજુ પાક્યો નથી.”
5પછી ઈસુનાં માએ નોકરોને કહ્યું, “તે જે કંઈ કહે તે કરો.”
6શુદ્ધિકરણ સંબંધી યહૂદી લોકોના ધાર્મિક નિયમો છે, અને એ હેતુ માટે આશરે સો લિટરની એક એવી પથ્થરની છ કોઠીઓ ત્યાં પડેલી હતી. 7ઈસુએ નોકરોને કહ્યું, “આ કોઠીઓમાં પાણી ભરો.” તેમણે તે કોઠીઓ છલોછલ ભરી. 8પછી ઈસુએ તેમને કહ્યું, “હવે તેમાંથી થોડું ભોજનના વ્યવસ્થાપક પાસે લઈ જાઓ.” તેઓ તે તેની પાસે લઈ ગયા. 9તેણે દ્રાક્ષાસવમાં ફેરવાઈ ગયેલું પાણી ચાખ્યું. આ દ્રાક્ષાસવ ક્યાંથી આવ્યો તેની તેને ખબર ન હતી. પરંતુ જે નોકરોએ પાણી કાઢયું હતું તેમને ખબર હતી. ત્યારે તેણે વરરાજાને બોલાવીને કહ્યું, 10“બધા પ્રથમ ઉત્તમ દ્રાક્ષાસવ પીરસે છે અને મહેમાનો સારી પેઠે પી રહે પછી હલકો દ્રાક્ષાસવ પીરસે છે. પરંતુ તમે તો અત્યાર સુધી ઉત્તમ દ્રાક્ષાસવ રાખી મૂક્યો છે!”
11ઈસુએ પોતાનાં અદ્ભુત કાર્યોની શરૂઆત ગાલીલના કાના ગામથી કરી અને ત્યાં તેમણે પોતાનો મહિમા પ્રગટ કર્યો અને તેમના શિષ્યોએ તેમના પર વિશ્વાસ કર્યો.
12આ પછી ઈસુ અને તેમનાં મા, તેમના ભાઈઓ અને શિષ્યો કાપરનાહૂમ ગયાં અને થોડા દિવસ ત્યાં રહ્યાં.
મંદિર કે બજાર!
(માથ. 21:12-13; માર્ક. 11:15-17; લૂક. 19:45-46)
13યહૂદીઓના પાસ્ખા પર્વનો સમય પાસે આવ્યો હતો, તેથી ઈસુ યરુશાલેમ ગયા. 14મંદિરમાં તેમણે પશુઓ, ઘેટાં અને કબૂતર વેચનારાઓને અને શરાફોને પોતાના ગલ્લે બેઠેલા જોયા. 15તેમણે ઝીણી દોરીઓનો ચાબુક બનાવ્યો અને ઘેટાં અને પશુઓ સાથે બધાંને મંદિરમાંથી હાંકી કાઢયા, શરાફોના ગલ્લા ઊથલાવી પાડયા અને તેમના સિક્કા વેરવિખેર કરી નાખ્યા.
16કબૂતર વેચનારાઓને તેમણે આજ્ઞા કરી, “આ બધું અહીંથી બહાર લઈ જાઓ! મારા પિતાના ઘરને તમે બજાર ન બનાવો!” 17તેમના શિષ્યોને ધર્મશાસ્ત્રમાં લખેલું યાદ આવ્યું, “હું તો તમારા ઘર પ્રત્યેના આવેશથી જલી ઊઠયો છું.”
18યહૂદી અધિકારીઓએ તેમની પાસે પાછા આવીને પૂછયું, “આ બધું કરવાનો અધિકાર તમે કયા અદ્ભુત કાર્યથી પુરવાર કરી શકો છો?”
19ઈસુએ જવાબ આપ્યો, “આ મંદિરને તોડી પાડો; હું તેને ત્રણ દિવસમાં ફરી ઊભું કરી દઈશ.”
20તેમણે પૂછયું, “શું ત્રણ દિવસમાં તમે તેને ફરી બાંધી દેશો? તેને બાંધતાં તો છેંતાળીસ વર્ષ લાગ્યાં છે!”
21પરંતુ ઈસુ તો પોતાના શરીરરૂપી મંદિર વિષે કહેતા હતા. 22તેથી જ્યારે તેમને મૃત્યુમાંથી સજીવન કરવામાં આવ્યા, ત્યારે તેમના શિષ્યોને આ વાત યાદ આવી. અને તેમણે ધર્મશાસ્ત્ર પર અને ઈસુએ જે કહ્યું હતું તે પર વિશ્વાસ કર્યો.
ઈસુનું જ્ઞાન
23હવે પાસ્ખાપર્વ દરમિયાન ઈસુ યરુશાલેમમાં હતા ત્યારે જે અદ્ભુત કાર્યો તેમણે કર્યાં હતાં તે જોઈને ઘણાંએ તેમના પર વિશ્વાસ કર્યો. 24પરંતુ ઈસુએ તેમના પર વિશ્વાસ કર્યો નહિ, 25કારણ, તે બધા માણસોને સારી રીતે જાણતા હતા. માણસો વિષે કોઈ તેમને કંઈ કહે એવી જરૂર નહોતી, કારણ, માણસના હૃદયમાં શું છે તે તે જાણતા હતા.
Currently Selected:
યોહાન 2: GUJCL-BSI
Tya elembo
Share
Copy
Olingi kobomba makomi na yo wapi otye elembo na baapareyi na yo nyonso? Kota to mpe Komisa nkombo
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide