Logo ya YouVersion
Elilingi ya Boluki

ઉત્પત્તિ 4

4
કાઈન અને હાબેલ
1પછી આદમે હવ્વા સાથે સમાગમ કર્યો; અને તે ગર્ભવતી થઈ અને તેણે કાઈન (અર્થાત્ પ્રાપ્ત થયેલો)#4:1 કાઈન: હિબ્રૂ ભાષામાં ‘કાઈન’ અને ‘મળ્યો’એ શબ્દોમાં સમાનતા છે.ને જન્મ આપ્યો. ત્યારે તે બોલી, “પ્રભુની કૃપાથી મને નરબાળક પ્રાપ્ત થયો છે. 2પછી તેણે તેના ભાઈ હાબેલને#4:2 હિબ્રૂ ભાષામાં હાબેલ અને મિથ્થા (તત્ત્વચિંતક 1:1) એ શબ્દોમાં સમાનતા છે. જન્મ આપ્યો. હાબેલ ઘેટાંપાલક બન્યો, જ્યારે કાઈન ખેડૂત બન્યો. 3કેટલાક સમય પછી કાઈન ભૂમિની ઊપજમાંથી પ્રભુ માટે કંઈક અર્પણ લાવ્યો. 4પરંતુ હાબેલે પોતાના ઘેટાં-બકરાંમાંથી પ્રથમજનિતનું ચરબીયુક્ત બલિદાન ચડાવ્યું. પ્રભુ હાબેલ તથા તેના અર્પણથી પ્રસન્‍ન થયા.#હિબ્રૂ. 11:4. 5પણ તેમણે કાઈનને તથા તેના અર્પણને સ્વીકાર્યું નહિ. તેથી કાઈનને ખૂબ ક્રોધ ચડયો અને તેનું મોં ઊતરી ગયું. 6તેથી પ્રભુએ કાઈનને કહ્યું, “તને શા માટે ક્રોધ ચડયો છે? તારું મોં કેમ ઊતરી ગયું છે? 7જો તું સારું કરે તો શું હું તારો સ્વીકાર ન કરું? પણ જો તું સારું ન કરે તો તારા હૃદયમાં પાપ છૂપાઈ રહેશે. પાપ તારા પર આધિપત્ય જમાવવા માગે છે, પણ તારે તેને અંકુશમાં લેવું જોઈએ.”
8પછી કાઈને પોતાના ભાઈ હાબેલને કહ્યું, “ચાલ, આપણે ખેતરમાં જઈએ.”#4:8 ‘ચાલ...જઈએ’: પુરાતન અનુવાદોને આધારે; હિબ્રૂ પાઠમાં આ શબ્દો નથી. તેઓ ખેતરમાં હતા ત્યારે કાઈને પોતાના ભાઈ હાબેલ પર હુમલો કરીને તેને મારી નાખ્યો.#માથ. 23:35; લૂક. 11:51; ૧ યોહા. 3:12.
9પ્રભુએ કાઈનને પૂછયું, “તારો ભાઈ હાબેલ કયાં છે?” તેણે કહ્યું, “હું જાણતો નથી; શું હું મારા ભાઈનો રખેવાળ છું?” 10પ્રભુએ કહ્યું, “તેં આ શું કર્યું છે? સાંભળ! તારા ભાઈનું રક્ત બદલો લેવા માટે મને ભૂમિમાંથી પોકારી રહ્યું છે. 11તું હવે શાપિત થયો છે અને જે ભૂમિએ તારા હાથથી વહેવડાવેલ રક્ત શોષી લીધું છે તે ભૂમિમાંથી તને હાંકી કાઢવામાં આવે છે. 12હવે પછી તું જ્યારે ખેતી કરશે ત્યારે જમીનમાંથી કંઈ પાકશે નહિ અને તું નિર્વાસિત જેવો આ પૃથ્વી પર આમતેમ ભટક્તો ફરીશ.” 13કાઈને પ્રભુને કહ્યું, “આ સજા મારે માટે અસહ્ય છે. 14આજે તમે મને તમારી સંમુખથી આ પ્રદેશમાંથી કાઢી મૂકો છો, એટલે હું પૃથ્વી પર ભટક્તો ફરીશ; અને જે કોઈ મને જોશે તે મને મારી નાખશે.” 15પ્રભુએ તેને કહ્યું, “એમ નહિ થાય. જે કોઈ વેરની વસૂલાત માટે કાઈનને મારી નાખશે તેને સાતગણી સખત સજા થશે.” કાઈનને કોઈ મારી નાખે નહિ તે માટે પ્રભુએ તેના પર ચિહ્ન મૂકાયું. 16પછી કાઈન પ્રભુની સમક્ષતામાંથી ચાલ્યો ગયો અને એદનની પૂર્વે આવેલા નોદ નામના પ્રદેશમાં રહ્યો.
કાઈનના વંશજો
17પછી કાઈને પોતાની પત્ની સાથે સમાગમ કર્યો; તે ગર્ભવતી થઈ અને તેણે હનોખને જન્મ આપ્યો. પછી કાઈને એક શહેર બાંધ્યું અને પોતાના પુત્રના નામ પરથી તે શહેરનું નામ “હનોખ” પાડયું. 18હનોખના પુત્રનું નામ ઇરાદ હતું. ઇરાદ મહૂયાએલનો પિતા હતો, મહૂયાએલ મથુશેલાનો પિતા હતો અને મથુશેલા લામેખનો પિતા હતો. 19લામેખે બે સ્ત્રીઓ સાથે લગ્ન કર્યાં; એકનું નામ આદા અને બીજીનું નામ સિલ્લા હતું.
20હવે આદાએ યાબાલને જન્મ આપ્યો. યાબાલ તંબુમાં વસનારાઓનો અને પશુપાલકોનો પૂર્વજ હતો. 21તેના ભાઈનું નામ યૂબાલ હતું. તે તારવાળાં વાજિંત્રો વગાડનારા અને ફૂંકીને વગાડવાનાં વાજિંત્રો વગાડનારાઓનો પૂર્વજ હતો. 22પછી સિલ્લાએ તૂબાલ-કાઈનને જન્મ આપ્યો. તે તાંબાનાં તથા લોખંડનાં શસ્ત્રો#4:22 ‘શસ્ત્રો’: અથવા ઓજારો. એક પુરાતન અનુવાદ: ‘સર્વ ધાતુકામ કરનારાનો પૂર્વજ.’ ઘડનાર હતો. નાઅમા તૂબાલ-કાઈનની બહેન હતી. 23લામેખે પોતાની પત્નીઓ આદા તથા સિલ્લાને કહ્યું:
“મારી પત્નીઓ, મારું સાંભળો:
મને ઘાયલ કરવાના બદલામાં
મેં એક માણસને મારી નાખ્યો;
મને ઇજા પહોંચાડવાના બદલામાં
મેં એક યુવાનને મારી નાખ્યો.
24જો કોઈ કાઈનને મારે તો તેના
વેરની વસૂલાત સાતગણી થાય,
પરંતુ જે કોઈ મને મારે તો તેના વેરની
વસૂલાત સિત્તોતેરગણી થાય.”
શેથના વંશજો
25આદમે ફરી પોતાની પત્ની સાથે સમાગમ કર્યો. તેણે પુત્રને જન્મ આપ્યો. તેણે તેનું નામ શેથ (અર્થાત્ ‘આપ્યો છે’)#4:25 શેથ: હિબ્રૂ ભાષામાં એનો અર્થ અપાયેલો કે અર્પિત. પાડયું. કારણ, તેણે કહ્યું, “કાઈને હાબેલને મારી નાખ્યો. તેથી ઈશ્વરે હાબેલના બદલામાં મને આ પુત્ર આપ્યો છે.” 26પછી શેથને પુત્ર થયો; તેણે તેનું નામ અનોશ પાડયું. એ સમયથી લોકો યાહવેના નામે પ્રાર્થના કરવા લાગ્યા.

Tya elembo

Share

Copy

None

Olingi kobomba makomi na yo wapi otye elembo na baapareyi na yo nyonso? Kota to mpe Komisa nkombo