લૂક 21

21
વિધવાનું બે દમડીનું દાન
માર્ક 12:41-44
1ઈસુ ભક્તિસ્થાનમાં ઊંચું જોતાં હતા. ત્યાં તેમણે શ્રીમંતોને ભંડારમાં પોતાનાં દાન નાખતા જોયા. 2એક દરિદ્રી વિધવાને તેમાં નજીવા મૂલવાળા બે નાના સિક્કા નાખતા જોઈ, 3ત્યારે ઈસુએ કહ્યું કે, ‘હું તમને સાચું કહું છું કે, આ ગરીબ વિધવાએ તે સર્વ કરતાં વધારે દાન આપ્યું છે. 4કેમ કે એ સહુએ પોતાની જરૂરિયાત કરતાં વધારે હતું તેમાંથી દાન પેટીમાં કંઈક આપ્યું છે, પણ તેણે પોતાની તંગીમાંથી પોતાની પાસે જે હતું તે બધું જ આપી દીધું છે.’”
ભક્તિસ્થાનના નાશની આગાહી
માથ. 24:1-12; માર્ક 13:1-2
5સુંદર પથ્થરોથી તથા દાનોથી ભક્તિસ્થાન કેવું સુશોભિત કરાયેલું છે તે વિષે કેટલાક વાત કરતા હતા, ત્યારે ઈસુએ કહ્યું કે, 6‘આ બધું તમે જુઓ છો ખરા, પણ એવા દિવસો આવશે કે જયારે અહીં પાડી નંખાશે નહિ એવો એક પથ્થર બીજા પર રહેવા દેવાશે નહિ.’”
સંકટોની સતાવણી
માથ. 24:3-14; માર્ક 13:3-13
7તેઓએ તેમને પૂછ્યું કે, ‘ઉપદેશક, તો એ ક્યારે થશે? જયારે આ વાતો પૂરી થવાની હશે ત્યારે કઈ નિશાની દેખાશે?’” 8ઈસુએ કહ્યું કે, ‘કોઈ તમને ભુલાવે નહિ માટે સાવધાન રહો; કેમ કે મારે નામે ઘણાં આવીને કહેશે કે, તે હું છું; અને સમય પાસે આવ્યો છે; તો તમે તેઓને અનુસરશો નહિ.’” 9જયારે તમે યુદ્ધોના તથા બળવાઓના સમાચાર સાંભળો ત્યારે ગભરાશો નહિ, કેમ કે આ બધું પ્રથમ હોવું જ જોઈએ; પણ એટલેથી અંત આવવાનો નથી.
10ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે,’ પ્રજા પ્રજા વિરુદ્ધ તથા રાજ્ય રાજ્યની વિરુદ્ધ ઊઠશે; 11અને મોટા ધરતીકંપો થશે, તથા ઠેરઠેર દુષ્કાળ તથા મરકીઓ થશે; સ્વર્ગમાંથી ભયંકર ઉત્પાત તથા ભયાનક ચમત્કારિક ચિહ્નો થશે.
12 પણ એ સર્વ થયા પહેલાં મારા નામને લીધે તેઓ તમારા પર હાથ નાખશે, તમને સતાવશે અને સભાસ્થાનો તથા જેલના અધિકારીઓને હવાલે કરશે, અને રાજાઓ તથા રાજ્યપાલ સમક્ષ લઈ જશે. 13એ તમારે સારુ સુવાર્તા સંભળાવવી તે તમારે સારુ સાક્ષીરૂપ બની રહેશે.
14 માટે તમે પોતાના મનમાં નિશ્ચય કરો કે, પ્રત્યુત્તર કેવી રીતે આપવો તે વિષે અગાઉથી ચિંતા કરવી નહિ. 15કેમ કે હું તમને એવું મુખ તથા એવી બુદ્ધિ આપીશ, કે તમારો કોઈ પણ વિરોધી તમારી સાથે વાદવિવાદ કરી શકશે નહિ અને તમારી સામે થઈ શકશે નહિ.
16 માબાપથી, ભાઈઓથી, સગાંથી તથા મિત્રોથી પણ તમે પરાધીન કરાશો; તમારામાંના કેટલાકને તેઓ મારી નંખાવશે. 17મારા નામને લીધે સઘળા તમારો દ્વેષ કરશે. 18પણ તમારા માથાના એક વાળનો પણ નાશ થશે નહિ. 19તમારી ધીરજથી તમારા જીવને તમે બચાવશો.
યરુશાલેમના વિનાશ અંગે આગાહી
માથ. 24:15-21; માર્ક 13:14-19
20 પણ જયારે યરુશાલેમને લશ્કરોથી ઘેરાયેલું તમે જોશો, ત્યારે જાણજો કે તેનો નાશ થવાનો સમય પાકી ગયો છે. 21ત્યારે જેઓ યહૂદિયામાં હોય તેઓએ પહાડોમાં નાસી જવું; જેઓ શહેરમાં હોય તેઓએ બહાર નીકળી જવું; અને જેઓ ખેતરોમાં હોય તેઓએ શહેરમાં આવવું નહિ. 22કેમ કે એ વેર વાળવાના દિવસો છે, એ માટે કે જે લખેલું છે, તે બધું પૂરું થાય.
23 એ દિવસોમાં જેઓ સગર્ભા હશે તથા જેઓ સ્તનપાન કરાવતી હશે તેઓની હાલત દુઃખદાયક થશે. કેમ કે દેશ પર મોટી વિપત્તિ, અને આ લોકો પર કોપ આવી પડશે. 24તેઓ તલવારની ધારથી માર્યા જશે, અને કેટલાકને ગુલામ બનાવીને અન્ય દેશોમાં લઈ જવાશે; અને વિદેશીઓના સમયો પૂરા થશે, ત્યાં લગી યરુશાલેમ તેઓથી ખૂંદી નંખાશે.
માનવ પુત્રનું આગમન
માથ. 24:29-31; માર્ક 13:24-27
25 સૂર્ય તથા ચંદ્ર તથા તારાઓમાં ચમત્કારિક ચિહ્નો થશે; અને પૃથ્વી પર દેશજાતિઓ, સમુદ્રના મોજાંઓની ગર્જનાથી ત્રાસીને ગભરાઈ જશે. 26દુનિયા ઉપર જે આવી પડવાનું છે તેની બીકથી તથા તેની આશંકાથી માણસો બેભાન થઈ જશે; કેમ કે આકાશમાં પરાક્રમો હલાવાશે.
27 ત્યારે તેઓ માણસના દીકરાને પરાક્રમ તથા મહા મહિમા સહિત વાદળામાં આવતા જોશે. 28પણ આ વાતો થવા લાગે ત્યારે તમે નજર ઉઠાવીને તમારાં માથાં ઊંચા કરો, કેમ કે તમારો છુટકારો પાસે આવ્યો છે, એવું સમજવું.
અંજીરી પરથી મળતો બોધપાઠ
માથ. 24:32-35; માર્ક 13:28-31
29ઈસુએ તેઓને દ્રષ્ટાંત કહ્યું કે, અંજીરી તથા સર્વ વૃક્ષોને જુઓ. 30હવે તેઓ જયારે ફૂટવા માંડે છે ત્યારે તમે તે જોઈને સમજો છો કે ઉનાળો નજીક છે. 31તેમ જ તમે પણ આ સઘળું થતાં જુઓ, ત્યારે જાણજો કે ઈશ્વરનું રાજ્ય પાસે છે.
32 હું તમને નિશ્ચે કહું છું કે, તે બધાં પૂરાં નહિ થશે ત્યાં સુધી આ પેઢી મરણ પામશે નહિ. 33આકાશ તથા પૃથ્વી નાશ પામશે, પણ મારી વાતો પૂર્ણ થયા વિના રહેશે નહિ.
સાવધાન રહેવાની જરૂર
34 તમે સાવધાન રહો, રખેને અતિશય ખાવાથી કે પીવાથી તથા સંસારી ચિંતાથી તમારાં મન જડ થાય, અને તે દિવસ જાળની જેમ તમારા પર ઓચિંતો આવી પડે. 35કેમ કે તે દિવસ આખી પૃથ્વી ઉપર વસનારાં સર્વ પર ફાંદારૂપ આવી પડવાનો છે.
36 તમે સતત જાગતા રહો અને પ્રાર્થના કરો કે, આ બધું જે થવાનું છે, તેમાંથી બચી જવાને તથા માણસના દીકરાની સમક્ષ રજૂ થવા માટે તમે સક્ષમ થાઓ.’”
37ઈસુ દરરોજ દિવસે ભક્તિસ્થાનમાં બોધ કરતા હતા અને રાતવાસો જૈતૂન પહાડ પર કરતા હતા. 38બધા લોકો તેમનું સાંભળવા સારુ વહેલી સવારે તેમની પાસે ભક્તિસ્થાનમાં આવતા હતા.

선택된 구절:

લૂક 21: IRVGuj

하이라이트

공유

복사

None

모든 기기에 하이라이트를 저장하고 싶으신가요? 회원가입 혹은 로그인하세요