લૂક 20

20
ઈસુના અધિકારનો પ્રશ્ર્ન
(માથ. 21:23-27; માર્ક. 11:27-33)
1એક દિવસે ઈસુ મંદિરમાં લોકોને શીખવતા હતા અને શુભસંદેશનો પ્રચાર કરતા હતા, ત્યારે મુખ્ય યજ્ઞકારો અને નિયમશાસ્ત્રના શિક્ષકો, આગેવાનો સહિત તેમની પાસે આવ્યા. 2અને તેમણે કહ્યું, “કયા અધિકારથી તમે આ બધું કરો છો? તમને એ અધિકાર કોણે આપ્યો?”
3ઈસુએ જવાબ આપ્યો, “હું પણ તમને એક પ્રશ્ર્ન પૂછીશ; કહો જોઈએ, 4બાપ્તિસ્મા કરવાનો અધિકાર યોહાનને ઈશ્વર તરફથી મળ્યો હતો કે માણસો તરફથી?”
5તેઓ અંદરોઅંદર ચર્ચા કરવા લાગ્યા. “આપણે કેવો જવાબ આપીએ? જો આપણે કહીએ, ‘ઈશ્વર તરફથી’ તો તે કહેશે, ‘તો પછી તમે યોહાનનું કેમ ન માન્યું?’ 6પણ જો આપણે કહીએ, ‘માણસો તરફથી,’ તો આ આખું ટોળું આપણને પથ્થરે મારશે.” કારણ, યોહાન ઈશ્વરનો સંદેશવાહક હતો એવી લોકોને ખાતરી થઈ ચૂકી હતી. 7તેથી તેમણે જવાબ આપ્યો, “તેને એ અધિકાર કોના તરફથી મળ્યો તેની અમને ખબર નથી.”
8અને ઈસુએ તેમને કહ્યું, “ત્યારે હું પણ કયા અધિકારથી એ કાર્યો કરું છું તે તમને કહેવાનો નથી.”
દ્રાક્ષવાડીના ખેડૂતોનું ઉદાહરણ
(માથ. 21:33-46; માર્ક. 12:1-12)
9ઈસુએ લોકોને આ ઉદાહરણ કહી સંભળાવ્યું: “એક માણસે દ્રાક્ષવાડી બનાવી, ખેડૂતોને ભાગે આપી અને પછી લાંબા સમય માટે દૂર દેશમાં જતો રહ્યો. 10દ્રાક્ષ ઉતારવાનો સમય આવ્યો એટલે તેણે કમાણીનો પોતાનો હિસ્સો મેળવવા માટે એક નોકરને પેલા ખેડૂતો પાસે મોકલ્યો. પણ ખેડૂતોએ નોકરને માર્યો અને ખાલી હાથે પાછો મોકલ્યો. 11તેથી તેણે બીજા એક નોકરને મોકલ્યો; પણ ખેડૂતોએ તેને પણ માર્યો અને અપમાન કરીને ખાલી હાથે પાછો મોકલ્યો. 12પછી તેણે ત્રીજા નોકરને મોકલ્યો; ખેડૂતોએ તેને પણ ઘાયલ કર્યો અને બહાર ફેંકી દીધો. 13પછી દ્રાક્ષવાડીના માલિકે કહ્યું, ‘હવે શું કરવું? હું મારા પોતાના પ્રિય પુત્રને મોકલીશ; 14તેઓ તેનું માન તો જરૂર રાખશે!’ પણ ખેડૂતોએ તેને જોઈને એકબીજાને કહ્યું, ‘આ તો માલિકનો પુત્ર છે. ચાલો, તેને મારી નાખીએ, એટલે બધી મિલક્ત આપણી થઈ જાય!’ 15તેથી તેમણે તેને દ્રાક્ષવાડીની બહાર ફેંકી દીધો અને મારી નાખ્યો.”
ઈસુએ પૂછયું, “તો પછી દ્રાક્ષવાડીનો માલિક ઇજારદારોને શું કરશે! 16તે આવીને એ માણસોને મારી નાખશે, અને દ્રાક્ષવાડી બીજા ખેડૂતોને સોંપશે.”
લોકોએ એ સાંભળીને કહ્યું, “એવું તો ન થવું જોઈએ.”
17ઈસુએ તેમની તરફ તાકીને પૂછયું, “તો પછી આ શાસ્ત્રવચનનો શો અર્થ થાય છે?
‘બાંધક્મ કરનારાઓએ જે પથ્થરને નકામો ગણીને ફેંકી દીધો હતો તે જ મથાળાની આધારશિલા બન્યો છે. 18જે કોઈ તે પથ્થર પર પડશે તેના ટુકડેટુકડા થઈ જશે; અને એ પથ્થર જો કોઈની ઉપર પડે, તો પથ્થર તેમનો ભૂકો કરી નાખશે.”
કરવેરા ભરી દો
(માથ. 22:15-22; માર્ક. 12:13-17)
19નિયમશાસ્ત્રના શિક્ષકો અને મુખ્ય યજ્ઞકારોને ખબર પડી ગઈ કે ઈસુએ એ ઉદાહરણ તેમની વિરુદ્ધમાં કહ્યું હતું. તેથી તેમણે તે જ સ્થળે ઈસુની ધરપકડ કરવાનો પ્રયત્ન કર્યો; પણ તેઓ લોકોથી ડરતા હતા. 20તેથી તેઓ લાગ શોધતા હતા અને ઈસુને તેમના શબ્દોમાં પકડી પાડીને રાજ્યપાલને સોંપી દેવાના ઇરાદાથી તેમણે નિખાલસ હોવાનો ઢોંગ કરતા કેટલાક જાસૂસોને મોકલી આપ્યા. 21આ જાસૂસોએ ઈસુને કહ્યું, “ગુરુજી, અમે જાણીએ છીએ કે તમે જે કહો છો અને શીખવો છો તે સાચું હોય છે. અમે જાણીએ છીએ કે તમે પક્ષપાત રાખ્યા વગર માણસ માટેની ઈશ્વરની ઇચ્છાનું સત્ય શીખવો છો. 22આપણે પરદેશી રોમન સમ્રાટને કરવેરા ભરવા તે યોગ્ય છે કે નહિ?”
23પણ ઈસુ તેમની ચાલાકી સમજી ગયા, અને તેમને કહ્યું, “મને ચાંદીનો એક સિક્કો બતાવો. 24એના પર કોની છાપ અને કોનું નામ છે?”
તેમણે જવાબ આપ્યો, “પરદેશી રોમન સમ્રાટનાં.”
25તેથી ઈસુએ કહ્યું, “તો પછી જે રોમન સમ્રાટનું હોય તે રોમન સમ્રાટને અને જે ઈશ્વરનું હોય તે ઈશ્વરને ભરી દો.”
26લોકો સમક્ષ તેઓ તેમને એક પણ બાબતમાં પકડી શક્યા નહિ. તેઓ ઈસુના જવાબથી અવાકા બની ગયા.
મરણમાંથી સજીવન થવા અંગેનો પ્રશ્ર્ન
(માથ. 22:23-33; માર્ક. 12:18-27)
27કેટલાક સાદૂકીપંથીઓ ઈસુ પાસે આવ્યા. તેઓ એવું માનતા હતા કે લોકો મરણમાંથી સજીવન થવાના નથી. 28તેમણે તેમને પૂછયું, “ગુરુજી, આપણે માટે મોશેએ આવો નિયમ લખેલો છે: ‘જો કોઈ માણસ મરી જાય અને તેની પત્ની હોય, પણ બાળકો ન હોય, તો એ માણસના ભાઈએ એ વિધવાની સાથે લગ્ન કરવું; જેથી મરી ગયેલા માણસનો વંશવેલો ચાલુ રહે.’ 29એકવાર સાત ભાઈઓ હતા; સૌથી મોટા ભાઈનું લગ્ન થયું અને તે નિ:સંતાન મરી ગયો. પછી બીજા ભાઈએ તે સ્ત્રી સાથે લગ્ન કર્યું. 30અને પછી ત્રીજાએ પણ. 31સાતેયના સંબંધમાં એવું જ બન્યું એટલે તેઓ બધા નિ:સંતાન મરી ગયા. 32છેલ્લે, એ સ્ત્રી પણ મરી ગઈ. 33હવે, મરી ગયેલાંઓના સજીવન થવાના દિવસે તે કોની પત્ની થશે? કારણ, તે સાતેય જણની પત્ની થઈ હતી!”
34ઈસુએ તેમને જવાબ આપ્યો, “આ યુગનાં સ્ત્રીપુરુષો લગ્ન કરે છે. 35મરી ગયેલાંઓમાંથી સજીવન થઈને આવનાર યુગમાં જીવનારાં સ્ત્રીપુરુષો લગ્ન કરશે નહિ. 36તેઓ તો દૂતો જેવાં છે અને ફરીથી મરનાર નથી. મરણમાંથી સજીવન થતાં હોવાથી તેઓ ઈશ્વરનાં સંતાન છે. 37અને મોશે પણ સ્પષ્ટ સાબિત કરે છે કે મૂએલાંઓને સજીવન કરવામાં આવે છે. બળતા ઝાડવાના પ્રસંગવાળા શાસ્ત્રભાગમાં ઈશ્વરને અબ્રાહામના ઈશ્વર, ઇસ્હાકના ઈશ્વર અને યાકોબના ઈશ્વર તરીકે સંબોધન કરેલું છે. 38આનો અર્થ એ છે કે, ઈશ્વર કંઈ મરેલાંઓના ઈશ્વર નથી, પણ જીવતાંઓના ઈશ્વર છે; કારણ, તેમને માટે તો બધા જીવતાં જ છે.”
39નિયમશાસ્ત્રના કેટલાક શિક્ષકો બોલી ઊઠયા, “ગુરુજી, ખરો જવાબ આપ્યો!” 40કારણ, ત્યાર પછી તેમને વધુ પ્રશ્ર્નો પૂછવાની તેમની હિંમત ચાલી નહિ.
મસીહ વિષે પ્રશ્ર્ન
(માથ. 22:41-46; માર્ક. 12:35-37)
41ઈસુએ તેમને કહ્યું, “મસીહ દાવિદનો પુત્ર છે એવું કેવી રીતે બની શકે? 42કારણ, દાવિદ પોતે ગીતશાસ્ત્રના પુસ્તકમાં કહે છે,
‘પ્રભુએ મારા પ્રભુને કહ્યું,
43તારા શત્રુઓને તારા પગ નીચે આસનરૂપ કરી દઉં
ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ.’
44આમ, દાવિદ પોતે તેને ‘પ્રભુ’ કહે છે, તો પછી મસીહ દાવિદનો પુત્ર કેવી રીતે હોઈ શકે?”
ચેતવણીનો સૂર
(માથ. 23:1-36; માર્ક. 12:38-40)
45બધા લોકો ઈસુને સાંભળતા હતા ત્યારે તેમણે પોતાના શિષ્યોને કહ્યું, 46“નિયમશાસ્ત્રના શિક્ષકોથી સાવધ રહો; તેમને લાંબા ઝભ્ભા પહેરી ફરવાનું ગમે છે અને જાહેરસ્થાનોનાં વંદન ઝીલવાનું ગમે છે; તેઓ ભજનસ્થાનોમાં શ્રેષ્ઠ બેઠકો અને ભોજન સમારંભોમાં અગત્યનાં સ્થાનો પસંદ કરે છે; 47તેઓ વિધવાઓનાં ઘર લૂંટે છે, અને પછી ઢોંગ કરીને લાંબી લાંબી પ્રાર્થનાઓ કરે છે! તેમને વધારેમાં વધારે સજા થશે.”

Currently Selected:

લૂક 20: GUJCL-BSI

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in