યોહાન 4

4
ઈસુ અને સમરૂની સ્ત્રી
1ફરોશીઓએ સાંભળ્યું કે ઈસુ યોહાનના કરતાં વધારે શિષ્યો બનાવે છે અને તેમને બાપ્તિસ્મા આપે છે. 2હકીક્તમાં ઈસુ જાતે નહિ, પણ તેમના શિષ્યો બાપ્તિસ્મા આપતા હતા. 3ઈસુ એ સાંભળીને યહૂદિયા મૂકીને પાછા ગાલીલમાં ચાલ્યા ગયા. 4તેમને સમરૂનના પ્રદેશમાં થઈને પસાર થવું પડયું.
5તે સમરૂનના સૂખાર નગરમાં આવ્યા. યાકોબે પોતાના પુત્ર યોસેફને જે ખેતર આપ્યું હતું ત્યાંથી તે નગર નજીક હતું. 6ત્યાં યાકોબનો કૂવો હતો અને મુસાફરીથી થાકેલા ઈસુ ત્યાં જ બેસી ગયા. ત્યારે બપોરનો સમય હતો.
7એક સમરૂની સ્ત્રી પાણી ભરવા આવી. ઈસુએ તેને કહ્યું, “મને પાણી આપીશ?” 8તેમના શિષ્યો ખોરાક ખરીદવા નગરમાં ગયા હતા.
9તે સ્ત્રીએ જવાબ આપ્યો, “તમે યહૂદી છો અને હું સમરૂની છું, તો તમે મારી પાસે પાણી કેમ માગો છો?” કારણ, યહૂદીઓ સમરૂનીઓ સાથે કંઈ વ્યવહાર રાખતા નથી.
10ઈસુએ જવાબ આપ્યો, “ઈશ્વર કેવું દાન આપી શકે છે અને તારી પાસે પાણી માગનાર વ્યક્તિ કોણ છે તેની તને ખબર હોત તો તેં તેની પાસે માગણી કરી હોત અને તેણે તને જીવનનું પાણી આપ્યું હોત.”
11તે સ્ત્રીએ કહ્યું, “સાહેબ, તમારી પાસે પાણી કાઢવા માટે તો કશું નથી અને કૂવો તો ઊંડો છે. તમે જીવનનું પાણી કેવી રીતે કાઢી શકો? 12અમારા પૂર્વજ યાકોબે આ કૂવો અમને આપ્યો. તેણે, તેના પુત્રોએ અને તેનાં ઢોરઢાંકે તેમાંથી જ પાણી પીધું હતું. તમે તેના કરતાં પણ શું મહાન છો?”
13ઈસુએ કહ્યું, “જે કોઈ આ પાણી પીએ તેને ફરીથી તરસ લાગવાની, પરંતુ જે કોઈ મેં આપેલું પાણી પીએ, તેને કદી તરસ લાગશે નહિ. 14જે પાણી હું આપીશ તે તેના અંતરમાં ફૂટી નીકળતું ઝરણું બની રહેશે અને તેને સાર્વકાલિક જીવન આપશે.”
15સ્ત્રીએ કહ્યું, “સાહેબ, એ જ પાણી મને આપો, જેથી મને ફરી તરસ લાગે નહિ, અને અહીં આવીને મારે પાણી ખેંચવું પડે નહિ.”
16ઈસુએ કહ્યું, “જા, તારા પતિને બોલાવી લાવ.”
17સ્ત્રીએ કહ્યું, “મારે પતિ નથી.”
18ઈસુએ કહ્યું, “વાત તારી સાચી; તારે પતિ નથી. તું પાંચ પુરુષો સાથે રહી છે અને અત્યારે જેની સાથે રહે છે તે તારો પતિ નથી. તારું કહેવું તદ્ન ખરું છે.”
19તે સ્ત્રીએ કહ્યું, “સાહેબ, તમે તો ઈશ્વરના સંદેશવાહક લાગો છો. 20અમારા પૂર્વજો આ પર્વત#4:20 ગેરીઝીમ પર્વત: ત્યાં સમરૂનીઓનું ભજનસ્થાન હતું. પર ઈશ્વરનું ભજન કરતા, પરંતુ તમે યહૂદીઓ કહો છો કે ઈશ્વરનું ભજન માત્ર યરુશાલેમમાં જ કરવું જોઈએ.”
21ઈસુએ તેને કહ્યું, “બહેન, મારી વાત માન, એવો સમય આવી રહ્યો છે, જ્યારે માણસો ઈશ્વરપિતાનું ભજન આ પર્વત પર કે યરુશાલેમમાં કરશે નહિ. 22તમે સમરૂનીઓ કોનું ભજન કરો છો તે તમે જાણતા નથી, પણ અમે યહૂદીઓ કોનું ભજન કરીએ છીએ તે અમે જાણીએ છીએ; કારણ, ઉદ્ધાર યહૂદીઓમાંથી આવવાનો છે. 23પરંતુ એવો સમય આવી રહ્યો છે, અરે, હાલ આવી ચૂક્યો છે, કે જ્યારે સાચા ભજનિકો પવિત્ર આત્માથી પ્રેરાઈને ઈશ્વરપિતાની સચ્ચાઈપૂર્વક ભક્તિ કરશે. ઈશ્વરપિતા એવા જ ભાવિકોની ઝંખના રાખે છે. 24ઈશ્વર આત્માસ્વરૂપ છે અને તેમના ભજનિકોએ આત્માથી પ્રેરાઈને સચ્ચાઈપૂર્વક ભક્તિ કરવી જોઈએ.”
25તે સ્ત્રીએ કહ્યું, “હું જાણું છું કે મસીહ (જે ખ્રિસ્ત કહેવાય છે) આવશે; અને જ્યારે તે આવશે ત્યારે અમને બધું જ કહી બતાવશે.”
26ઈસુએ જવાબ આપ્યો, “તારી સાથે વાત કરનાર હું તે જ છું.”
27તે જ વખતે ઈસુના શિષ્યો પાછા આવ્યા. ઈસુને સ્ત્રી સાથે વાત કરતા જોઈને તેમને ખૂબ નવાઈ લાગી, પણ “તમારે શું જોઈએ છે?” અને “તમે તેની સાથે શા માટે વાત કરો છો?” એવું તેમને કોઈએ પૂછયું નહિ.
28પછી તે સ્ત્રી પોતાની ગાગર ત્યાં જ મૂકીને નગરમાં પાછી ગઈ અને તેણે લોકોને કહ્યું, 29“આવો, અને અત્યાર સુધી મેં જે જે કર્યું તે બધું જ જેણે કહી દેખાડયું તે માણસને જુઓ. શું તે મસીહ હોઈ શકે?” 30તેથી તેઓ નગર બહાર ઈસુની પાસે ગયા.
31તે દરમિયાન શિષ્યોએ ઈસુને વિનંતી કરી, “ગુરુજી, થોડું જમી લો!”
32પરંતુ તેમણે જવાબ આપ્યો, “મારી પાસે જે ખોરાક છે તેની તમને જરા પણ ખબર નથી.”
33તેથી શિષ્યો અંદરોઅંદર પૂછવા લાગ્યા, “શું કોઈ તેમને માટે ખોરાક લાવ્યું હશે?”
34ઈસુએ કહ્યું, “જેમણે મને મોકલ્યો છે તેની ઇચ્છા પૂરી કરવી અને જે ક્મ તેમણે મને સોંપ્યું છે તે પૂરું કરવું એ જ મારો ખોરાક છે. 35શું તમે નથી કહેતા કે, ‘ચાર મહિના પછી કાપણીની મોસમ આવશે?’ હું તમને કહું છું: ખેતરો તરફ તમારી દૃષ્ટિ ફેરવો, તેઓ કાપણીને માટે પાકી ચૂક્યાં છે. 36જે માણસ ફસલ કાપે છે તેને બદલો મળે છે અને સાર્વકાલિક જીવન માટે તે સંગ્રહ કરે છે. તેથી જે માણસ વાવે છે અને જે માણસ કાપે છે તેઓ બંને સાથે આનંદ પામશે. 37“‘વાવે કોઈ અને લણે કોઈ’ એ કહેવત સાચી પડે છે. 38જે ખેતરમાં તમે મહેનત કરી નથી, ત્યાં કાપણી કરવા મેં તમને મોકલ્યા છે. બીજાઓએ ત્યાં મહેનત કરી છે અને તમે તેનો લાભ ઉઠાવો છો.”
39“જે કંઈ મેં કર્યું તે બધું જ તેમણે કહી દેખાડયું,” એવી સ્ત્રીની સાક્ષીને લીધે તે નગરના ઘણા સમરૂનીઓએ ઈસુ પર વિશ્વાસ કર્યો. 40તેથી જ્યારે સમરૂનીઓ તેમની પાસે આવ્યા, ત્યારે તેમણે તેમને પોતાની સાથે રહેવા વિનંતી કરી. તેથી ઈસુ ત્યાં બે દિવસ રહ્યા.
41બીજા ઘણાએ તેમની વાણી સાંભળીને વિશ્વાસ કર્યો. 42અને તેમણે તે સ્ત્રીને કહ્યું, “અમે માત્ર તારા કહેવાથી વિશ્વાસ કરતા નથી, પરંતુ હવે અમે પોતે તેમને સાંભળ્યા છે અને અમને ખાતરી થઈ છે કે તે જ દુનિયાના ઉદ્ધારક છે.”
અધિક્રીનો પુત્ર સાજો કરાયો
43બે દિવસ રહ્યા પછી ઈસુ ત્યાંથી નીકળીને ગાલીલ ગયા. 44ઈસુએ પોતે જ કહ્યું હતું, “ઈશ્વરના સંદેશવાહકને પોતાના વતનમાં માન મળતું નથી.” 45તે ગાલીલ આવ્યા ત્યારે ત્યાંના લોકોએ તેમનો સત્કાર કર્યો. કારણ, લોકો પાસ્ખાપર્વ સમયે યરુશાલેમ ગયા હતા અને પર્વ દરમિયાન ઈસુએ કરેલાં બધાં કામો તેમણે જોયાં હતાં.
46જ્યાં ઈસુએ પાણીને દ્રાક્ષાસવમાં ફેરવી નાખ્યું હતું તે ગાલીલના કાના ગામમાં તે ફરીવાર ગયા. ત્યાં એક સરકારી અધિકારી હતો જેનો પુત્ર કાપરનાહુમમાં માંદો પડયો હતો. 47ઈસુ યહૂદિયાથી ગાલીલ આવ્યા છે તેવું સાંભળીને તે તેમની પાસે ગયો અને તેમને વિનંતી કરી, “મારો પુત્ર મરવાની અણી પર છે; તમે આવીને તેને સાજો કરો.” 48ઈસુએ તેને કહ્યું, “અદ્‍ભુત કાર્યો અને ચમત્કારો જોયા સિવાય તમે વિશ્વાસ કરવાના નથી.”
49અધિકારીએ જવાબ આપ્યો, “પ્રભુ, મારો પુત્ર મરણ પામે તે પહેલાં મારી સાથે આવો.”
50ઈસુએ તેને કહ્યું, “જા, તારો પુત્ર જીવતો રહેશે.” તે માણસ ઈસુના શબ્દો પર વિશ્વાસ મૂકીને ગયો. 51ઘેર જતાં રસ્તામાં તેના નોકરો તેને સામા મળ્યા અને સમાચાર આપ્યા કે, “તમારો પુત્ર બચી ગયો છે!”
52તેણે તેમને પૂછયું, “ક્યારથી તેની હાલત સુધરી?” તેમણે કહ્યું, “ગઈકાલે બપોરે એક વાગે તેનો તાવ ઊતરી ગયો.” 53તેના પિતાને યાદ આવ્યું કે તે જ સમયે ઈસુએ તેને કહ્યું હતું, “તારો પુત્ર જીવતો રહેશે.” તેથી તેણે અને તેના આખા કુટુંબે વિશ્વાસ કર્યો.
54યહૂદિયાથી ગાલીલ આવ્યા પછી ઈસુએ આ બીજું અદ્‍ભુત કાર્ય કર્યું.

Currently Selected:

યોહાન 4: GUJCL-BSI

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in