ઉત્પત્તિ 13

13
ઇબ્રામ કનાન પાછો ફર્યો
1ઇબ્રામે મિસર છોડયું. તે પોતાની પત્ની અને પોતાનો બધો સામાંન સાથે લઈને મિસરથી નેગેબ તરફ પાછો ગયો. લોત પણ તેની સાથે હતો. 2તે સમયે ઇબ્રામ ઘણો ધનવાન હતો. તેની પાસે ઘણાં પશુઓ, પુષ્કળ રૂપું તથા સોનુ હતું.
3ઇબ્રામ બધી બાજુ પ્રવાસ કરતો રહ્યો. તે નેગેબથી મજલ કરતાં કરતાં બેથેલ નજીક, જે સ્થળે એમણે શરૂઆતમાં બેથેલ અને આય વચ્ચે મુકામ કર્યો હતો. 4એ એ જ જગ્યા હતી જયાં ઇબ્રામે પહેલાં વેદી બાંધી હતી. ત્યાં સુધી તેઓ ગયા અને ત્યાં તેમણે યહોવાની પ્રાર્થના કરી.
ઇબ્રામ અને લોત જુદા થયા
5તે સમય દરમ્યાન લોત પણ ઇબ્રામ સાથે પ્રવાસ કરી રહ્યો હતો. લોત પાસે પણ મોટી સંખ્યામાં ઢોરઢાંખર ઘેટાંબકરાં તથા તંબુઓ હતા. 6ઇબ્રામ અને લોતની પાસે એટલા બધાં ઢોરઢાંખર હતાં કે, તે ભૂમિ એક સાથે તે બધાને ઘાસચારો પૂરો પાડી શકે નહિ, એ પ્રદેશ એવો હતો કે, તે બંન્ને એક સાથે રહીને ગુજારો ન કરી શકે. 7ઇબ્રામ અને લોતના ગોવાળો વચ્ચે અંદરો અંદર ઝગડા ચાલતા હતા. તે દિવસો દરમ્યાન કનાનીઓ અને પરિઝીઓ એ પ્રદેશમાં રહેતા હતા.
8ઇબ્રામે લોતને કહ્યું, “માંરી અને તારી વચ્ચે તેમ જ માંરા ગોવાળ અને તારા ગોવાળ વચ્ચે ઝગડા થવા જોઈએ નહિ. આપણે બધા ભાઈઓ છીએ. 9આપણે જુદા થઈ જવું જોઇએ. તારી આગળ આખો દેશ પડેલો છે. તું જો ડાબી બાજુ જઈશ, તો હું જમણી બાજુ જઈશ અથવા જો તું જમણી બાજુ જઈશ, તો હું ડાબી બાજુ જઈશ.”
10લોતે જ્યારે નજર ફેરવી તેને દેખાયુ કે યર્દન ખીણથી સોઆર સુધીનો સમગ્ર પ્રદેશ યહોવાના બગીચા જેવો લાગતો હતો. ત્યા ઘણુંજ પાણી હતું. તે મિસર જેવો સારો પ્રદેશ હતો. યહોવાએ સદોમ અને ગમોરાહનો નાશ કર્યો તે પહેલાં તે આવો હતો. 11તેથી લોતે પોતાને રહેવા માંટે યર્દનખીણનો પ્રદેશ પસંદ કર્યો. આમ બંન્ને એકબીજાથી જુદા પડયા. અને લોતે પૂર્વ તરફ પ્રયાણ કર્યું. 12ઇબ્રામ કનાન પ્રદેશમાં રહ્યો અને લોત યર્દનખીણના નગરોમાં વસવા લાગ્યો, તેણે સદોમની દક્ષિણે મુકામ કર્યો. 13સદોમના લોકો ઘણા દુષ્ટ હતા; તેઓ હંમેશા યહોવાની વિરુધ્ધ ભયંકર પાપો આચરતા હતા.
14જયારે લોત ચાલ્યો ગયો ત્યારે યહોવાએ ઇબ્રામને કહ્યું, “તારી ચારે બાજુ જો, તું જયાં ઊભો છે ત્યાંથી ઉત્તરમાં અને દક્ષિણમાં, પૂર્વમાં અને પશ્ચિમમાં નજર કર. 15આ બધી જ ભૂમિ, જેને તું જુએ છે, તે હું તને અને તારા પછી તારા વંશજોને સદાને માંટે આપું છું. આ પ્રદેશ હમેશને માંટે હવે તમાંરો છે. 16હું તારા વંશજોની સંખ્યા પૃથ્વીની રજ જેટલી અસંખ્ય બનાવી દઈશ. જો કોઈ વ્યકિત પૃથ્વીની રજને ગણી શકે તો જ તારા વંશજોને ગણી શકે. 17એટલા માંટે ઊઠ, તારા પ્રદેશમાં એક છેડેથી બીજા છેડા સુધી ફરી વળ, કારણ કે હું એ પ્રદેશ તને આપી દેનાર છું.”
18તેથી ઇબ્રામે પોતાનો તંબુ ખસેડ્યો અને તે હેબ્રોનમાં આવેલા માંમરેનાં વિશાળ એલોન વૃક્ષો પાસે રહેવા ગયો. ત્યાં ઇબ્રામે યહોવા માંટે એક વેદી બાંધી.

ハイライト

シェア

コピー

None

すべてのデバイスで、ハイライト箇所を保存したいですか? サインアップまたはサインインしてください。

ઉત્પત્તિ 13のビデオ