ઉત્પત્તિ 15

15
અબ્રામ સાથે ઈશ્વરનો કરાર
1એ બનાવો પછી પ્રભુએ અબ્રામને સંદર્શન આપીને કહ્યું, “અબ્રામ, ગભરાઈશ નહિ, હું તારે માટે સંરક્ષક ઢાલ અને તારો મોટો પુરસ્કાર છું.” 2પરંતુ અબ્રામે કહ્યું, “હે પ્રભુ પરમેશ્વર, તમે મને શું આપશો? કારણ, હું તો નિ:સંતાન ચાલ્યો જાઉં છું! પછી તમારો પુરસ્કાર શા કામનો? આ દમાસ્ક્સ શહેરનો એલિએઝેર મારો વારસદાર થવાનો છે. 3તમે મને સંતાન આપ્યું નથી, એટલે મારો એક નોકર મારી મિલક્તનો વારસ થશે.” 4ત્યારે અબ્રામને ફરીથી પ્રભુની વાણી સંભળાઈ, “એ નોકર તારી મિલક્તનો વારસદાર થશે નહિ, પણ તારા પેટનો પુત્ર જ તારો વારસ થશે.” 5પ્રભુએ બહાર લઈ જઈને તેને કહ્યું, “આકાશ તરફ જો અને તારાથી ગણી શકાય તો તારાઓની ગણતરી કર; એટલાં તારાં સંતાન થશે.”#રોમ. 4:18; હિબ્રૂ. 11:12. 6અબ્રામે એ સંબંધી પ્રભુ પર વિશ્વાસ કર્યો અને તેથી પ્રભુએ તેના પર પ્રસન્‍ન થઈને તેનો સુમેળમાં આવેલ વ્યક્તિ તરીકે સ્વીકાર કર્યો.#રોમ. 4:3; ગલા. 3:6; યાકો. 2:23.
7પછી પ્રભુએ તેને કહ્યું, “આ દેશ તને વતન તરીકે આપવા માટે તને ખાલદીઓના ઉર નગરમાંથી કાઢી લાવનાર હું પ્રભુ યાહવે છું.” 8પણ અબ્રામે કહ્યું, “હે સર્વસત્તાધીશ પ્રભુ, હું આ દેશનો વારસો પામીશ એ હું કેવી રીતે જાણી શકું?” 9પ્રભુએ તેને કહ્યું, “તું મારી પાસે ત્રણ વર્ષની એક વાછરડી, ત્રણ વર્ષની એક બકરી, ત્રણ વર્ષનો એક ઘેટો, એક હોલો અને એક કબૂતરનું બચ્ચું લાવ.” 10અબ્રામ એ બધાં પ્રભુની પાસે લઈ આવ્યો. તેણે તેમને વચ્ચેથી ચીરીને તેમના બબ્બે ટુકડા કર્યા અને ટુકડાઓને સામસામે ગોઠવ્યા; પણ તેણે પક્ષીઓને ચીર્યાં નહિ. 11પછી તેમના મૃતદેહ પર ગીધ આવવા લાગ્યાં ત્યારે અબ્રામે તેમને ઉડાડી મૂક્યાં.
12સૂર્ય આથમતો હતો ત્યારે અબ્રામ ભરઊંઘમાં પડયો અને તેના પર ભારે આતંક અને ઘોર અંધકાર આવી પડયા.#યોબ. 4:13,14. 13પછી પ્રભુએ અબ્રામને કહ્યું, “તું ખાતરીપૂર્વક જાણી લે કે તારા વંશજો પરદેશમાં ભટકશે, ચારસો વર્ષ સુધી તેઓ ગુલામી ભોગવશે અને તેમના પર અત્યાચારો થશે;#નિર્ગ. 1:1-14; પ્રે.કા. 7:6. 14પણ જે પ્રજા તેમને ગુલામ બનાવશે તે પ્રજાને હું સજા કરીશ. પછી તેઓ ઘણી સંપત્તિ લઈને ત્યાંથી બહાર નીકળશે.#નિર્ગ. 12:40-41; પ્રે.કા. 7:7. 15પણ તું તો પાકટ વય સુધી જીવીશ અને શાંતિપૂર્વક તારું મૃત્યુ થશે અને તારું દફન પણ થશે. 16ચોથી પેઢીમાં તારા વંશજો અહીં પાછા આવશે; કારણ, અમોરીઓના પાપનો ઘડો હજી ભરાયો નથી.”
17સૂર્ય આથમી ગયો અને અંધારું થયું ત્યારે એક ધૂમાતી સગડી અને સળગતી મશાલ પેલા પ્રાણીઓના ટુકડાઓ વચ્ચે થઈને પસાર થઈ. 18એ જ દિવસે પ્રભુએ અબ્રામ સાથે કરાર કર્યો: “હું ઇજિપ્તની નાઇલ નદીથી મોટી નદી યુફ્રેટિસ સુધીનો આખો પ્રદેશ એટલે,#પ્રે.કા. 7:5. 19કેનીઓ, કનીઝીઓ, કાદમોનીઓ, 20હિત્તીઓ, પરિઝીઓ, રફીઓ, 21અમોરીઓ, કનાનીઓ, ગિર્ગાશીઓ તથા યબૂસીઓનો આખો પ્રદેશ તારા વંશજોને આપું છું.”

ハイライト

シェア

コピー

None

すべてのデバイスで、ハイライト箇所を保存したいですか? サインアップまたはサインインしてください。

ઉત્પત્તિ 15のビデオ