યોહાન 5

5
આડત્રીસ વર્ષથી માંદો માણસ સાજો કરાયો
1તે પછી યહૂદીઓનું એક ધાર્મિક પર્વ હતું એટલે ઈસુ યરુશાલેમ ગયા. 2યરુશાલેમમાં ‘ઘેટા દરવાજા’ આગળ પાંચ વરંડાવાળું એક સ્નાનાગાર છે. હિબ્રૂ ભાષામાં એને બેથઝાથા કહે છે. 3માંદા માણસોનો મોટો સમુદાય એ વરંડાઓમાં પડયો રહેતો હતો. તેઓમાં આંધળાં, લંગડાં, લકવાવાળાં વગેરે હતાં. [તેઓ પાણીમાં હલચલ થાય તેની રાહ જોતાં; 4કારણ, કોઈ કોઈ વાર પ્રભુનો દૂત આવીને સ્નાનાગારમાં ઊતરતો અને પાણીને હલાવતો. પાણી હલાવ્યા પછી જે માંદો માણસ પાણીમાં પ્રથમ ઊતરતો તેની ગમે તેવી બીમારી દૂર થતી].
5ત્યાં એક માણસ આડત્રીસ વર્ષથી માંદો હતો. 6ઈસુએ તેને ત્યાં પડેલો જોયો અને તેમને ખબર પડી કે આ માણસ લાંબા સમયથી બીમાર છે. તેથી તેમણે તેને પૂછયું, “તારે સાજા થવું છે?”
7માંદા માણસે જવાબ આપ્યો, “સાહેબ, જ્યારે પાણી હલાવવામાં આવે છે, ત્યારે મને સ્નાનાગારમાં ઉતારવા કોઈ હોતું નથી, અને જ્યારે હું જાતે જ અંદર ઊતરવા કોશિશ કરું છું, ત્યારે બીજો જ કોઈ મારી પહેલાં ઊતરી પડે છે.”
8ઈસુએ તેને કહ્યું, “ઊઠ, તારું બિછાનું ઊંચકીને ચાલતો થા.” 9તે માણસ તરત જ સાજો થયો, અને પોતાનું બિછાનું ઉપાડીને ચાલવા લાગ્યો. વિશ્રામવારે એ બન્યું.
10તેથી યહૂદી અધિકારીઓએ સાજા થયેલા માણસને કહ્યું, “આજે વિશ્રામવારે તારે તારું બિછાનું ઊંચકવું ગેરક્યદેસર છે.”
11તેણે જવાબ આપ્યો, “મને જેણે સાજો કર્યો તેણે જ કહ્યું કે, ‘તારું બિછાનું ઊંચકીને ચાલ.”
12તેમણે તેને પૂછયું, “કોણે તને બિછાનું ઊંચકીને ચાલવાનું કહ્યું?”
13પરંતુ સાજા કરાયેલા માણસને ખબર ન હતી કે તે કોણ છે; કારણ, એ જગ્યાએ ભારે ભીડ જામી હતી અને ઈસુ ચુપકીદીથી ખસી ગયા હતા.
14પછી ઈસુએ તેને મંદિરમાં મળીને કહ્યું, “જો, હવે તું સાજો થયો છે. હવેથી પાપ કરતો નહિ, નહિ તો તારી હાલત વધારે ખરાબ થશે.”
15પછી તે માણસે જઈને યહૂદી અધિકારીઓને કહ્યું કે મને સાજો કરનાર તો ઈસુ છે. 16ઈસુએ એ કામો વિશ્રામવારે કર્યાં હતાં માટે યહૂદીઓ તેમને સતાવવા લાગ્યા.
17ઈસુએ તેમને જવાબ આપ્યો, “મારા પિતા હંમેશાં કાર્યરત રહે છે અને હું પણ કાર્ય કરું છું.”
18આથી યહૂદી અધિકારીઓ વધારે ગુસ્સે ભરાયા અને તેમને મારી નાખવા તત્પર બન્યા. કારણ, ઈસુ વિશ્રામવારનો ભંગ કરતા હતા એટલું જ નહિ, પરંતુ ઈશ્વર તેમના પિતા છે એમ કહીને પોતાને ઈશ્વર સમાન ગણાવતા હતા.
પુત્રનો અધિકાર
19તેથી ઈસુએ તેમને કહ્યું, “હું તમને સાચે જ કહું છું: પુત્ર પિતાને જે કરતા જુએ છે તે સિવાય પુત્ર પોતે કશું જ કરી શક્તો નથી. જે પિતા કરે છે, તે પુત્ર પણ કરે છે. 20કારણ, પિતા પુત્રને ચાહે છે અને પોતે જે કંઈ કરે છે તે બધું તે તેને બતાવે છે. તે તેને એના કરતાં પણ મોટાં કાર્યો બતાવશે, તેથી તમે બધા અચંબામાં પડશો. 21પિતા જેમ મૃત્યુ પામેલાંને ઉઠાડે છે અને જીવન આપે છે, તે જ પ્રમાણે પુત્ર પણ પોતાની મરજી પ્રમાણે તેમને જીવન બક્ષે છે. 22વળી, પિતા પોતે કોઈનો ન્યાય કરતા નથી. તેમણે ન્યાય કરવાનો સર્વ અધિકાર પોતાના પુત્રને સોંપ્યો છે; 23જેથી જેમ પિતાનું તેમ પુત્રનું પણ બધા સન્માન કરે. જે કોઈ પુત્રનું સન્માન કરતો નથી તે તેને મોકલનાર પિતાનું પણ સન્માન કરતો નથી.
24“હું તમને સાચે જ કહું છું: જે કોઈ મારો સંદેશ સાંભળે છે અને મને મોકલનાર પર વિશ્વાસ મૂકે છે તેને સાર્વકાલિક જીવન છે. તેનો ન્યાય તોળાશે નહિ, પરંતુ તે મરણમાંથી નીકળીને જીવનમાં પ્રવેશી ચૂક્યો છે. 25હું સાચે જ કહું છું: એવો સમય આવશે, અરે, હવે આવી લાગ્યો છે કે, જ્યારે મૃત્યુ પામેલાં પુત્રનો અવાજ સાંભળશે અને જેઓ સાંભળશે તેઓ જીવન પામશે. 26કારણ, જેમ પિતા પોતે જીવનનું ઉદ્ભવસ્થાન છે, તે જ રીતે તેમણે પુત્રને જીવનનું ઉદ્ભવસ્થાન બનાવ્યો છે.
27“વળી, તે માનવપુત્ર હોવાથી તેમણે તેને ન્યાય કરવાનો અધિકાર આપ્યો છે. 28તેથી આશ્ર્વર્ય ન પામશો, એવો સમય આવી રહ્યો છે કે જ્યારે કબરમાંનાં બધાં મૃત્યુ પામેલાં તેનો અવાજ સાંભળશે. 29અને તેઓ કબરની બહાર નીકળી આવશે. જેમણે સારાં કાર્યો કર્યાં હશે તેમને સાર્વકાલિક જીવન માટે ઉઠાડવામાં આવશે, અને જેમણે ભૂંડાં કાર્યો કર્યા હશે તેમને સજા માટે ઉઠાડવામાં આવશે.
પ્રભુ ઈસુના સાક્ષીઓ
30“હું મારી જાતે કશું જ કરી શક્તો નથી. પિતા મને કહે તે પ્રમાણે જ હું ન્યાય કરું છું, અને તેથી મારો ચુક્દો અદલ હોય છે. કારણ, મને જે ગમે તે કરવા હું પ્રયત્ન કરતો નથી, પરંતુ મને મોકલનારને જે ગમે તે જ હું કરું છું.
31“જો હું પોતે જ મારે વિષે સાક્ષી આપું, તો હું જે કહું તેનો પુરાવા તરીકે સ્વીકાર થાય નહિ. 32પરંતુ મારા માટે બીજી જ વ્યક્તિ સાક્ષી આપે છે, અને હું જાણું છું કે મારા વિષેની તેની સાક્ષી સાચી છે. 33તમે યોહાન પાસે માણસો મોકલીને પુછાવ્યું હતું, અને તેણે સત્ય વિષે સાક્ષી આપી છે. 34મારે કોઈ માનવી સાક્ષીની જરૂર છે એમ નહિ, પણ તમારો ઉદ્ધાર થાય માટે હું આ કહું છું. 35યોહાન તો સળગતા અને પ્રકાશતા દીવા સમાન હતો. અને તેનો પ્રકાશ તમને થોડો સમય ગમ્યો પણ ખરો, 36પરંતુ મારા પક્ષમાં એક સાક્ષી છે, જેની સાક્ષી યોહાનની સાક્ષી કરતાં વધારે સબળ છે. મને મારા પિતાએ સોંપેલાં જે કાર્યો હું કરું છું તે કાર્યો મારે પક્ષે સાક્ષી પૂરે છે કે પિતાએ મને મોકલ્યો છે. 37વળી, મને મોકલનાર પિતા પણ મારે પક્ષે સાક્ષી પૂરે છે. તમે નથી તેમની વાણી સાંભળી કે નથી તેમને જોયા, કે નથી તેમનો સંદેશો તમારા હૃદયમાં ગ્રહણ કર્યો. 38કારણ, તેમણે જેને મોકલ્યો છે તેના પર તમે વિશ્વાસ કર્યો નથી. 39તમે શાસ્ત્રનું અયયન કરો છો; કારણ, તમે એમ માનો છો કે તેમાંથી જ સાર્વકાલિક જીવન મળે છે, પરંતુ એ શાસ્ત્રો તો મારે વિષે સાક્ષી પૂરે છે. 40છતાં જીવન પામવા માટે તમે મારી પાસે આવવા ચાહતા નથી.
41“હું માણસોની પ્રશંસા શોધતો નથી. 42પરંતુ હું તમને બરાબર ઓળખું છું અને જાણું છું કે તમારા હૃદયમાં ઈશ્વર પ્રત્યે પ્રેમ નથી. 43હું મારા પિતાને નામે આવ્યો છું, છતાં તમે મારો સ્વીકાર કરતા નથી; પરંતુ જો કોઈ પોતાને નામે આવે તો તમે તેનો સ્વીકાર કરશો. 44તમે એકબીજાની પ્રશંસા ચાહો છો, પરંતુ અનન્ય એવા ઈશ્વર તરફથી મળતી પ્રશંસા મેળવવા પ્રયત્ન કરતા નથી. તો પછી તમે કઈ રીતે વિશ્વાસ કરવાના? 45એમ ધારશો નહિ કે પિતા આગળ હું તમારા પર આરોપ મૂકીશ; આરોપ તો મૂકશે મોશે કે જેના પર તમે આધાર રાખ્યો છે. 46જો તમે ખરેખર મોશેનું માનતા હોત, તો તમે મારું પણ માનત; કારણ, તેણે મારે વિષે લખેલું છે. 47પણ જો તમે તેનું લખાણ માનતા નથી, તો મારી વાતો પર કઈ રીતે વિશ્વાસ કરવાના?”

Áherslumerki

Deildu

Afrita

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in