ઉત્પત્તિ 1

1
સૃષ્ટિનું સર્જન
1આરંભમાં ઈશ્વરે આકાશ તથા પૃથ્વી ઉત્પન્‍ન કર્યાં.#1:1 ‘આરંભમાં...કર્યાં’: અથવા આરંભમાં ઈશ્વરે આકાશ તથા પૃથ્વી ઉત્પન્‍ન કરવાનું શરૂ કર્યું, ત્યારે 2ત્યારે પૃથ્વી આકારરહિત અને ખાલી હતી. જલનિધિ પર અંધકાર હતો. પાણીની સપાટી પર ઈશ્વરનો આત્મા#1:2 ઈશ્વરનો આત્મા અથવા ઈશ્વરનું સામર્થ્ય અથવા ઈશ્વર તરફથી આવતો વાયુ અથવા અતિ શકાતિશાળી વાયુ. ધુમરાઈ રહ્યો હતો. 3ત્યારે ઈશ્વરે કહ્યું, “પ્રકાશ થાઓ,” એટલે પ્રકાશ થયો.#૨ કોરીં. 4:6. 4ઈશ્વરે તે પ્રકાશ જોયો અને તે તેમને સારો લાગ્યો. પછી ઈશ્વરે પ્રકાશ અને અંધકારને જુદા પાડયા. 5ઈશ્વરે પ્રકાશને દિવસ કહ્યો અને અંધકારને રાત કહી. સાંજ પડી અને સવાર થયું. આ પહેલો દિવસ હતો.
6પછી ઈશ્વરે કહ્યું, “પાણીની વચમાં ધુમ્મટ થાઓ અને પાણીને બે ભાગમાં જુદાં કરો.” એટલે એમ થયું. 7ઈશ્વરે ધુમ્મટ બનાવ્યો અને ધુમ્મટથી તેની નીચેનાં પાણી અને તેની ઉપરનાં પાણી જુદાં પડયાં. 8ઈશ્વરે તે ધુમ્મટને આકાશ કહ્યું. સાંજ પડી અને સવાર થયું. આ બીજો દિવસ હતો.#૨ પિત. 3:4.
9પછી ઈશ્વરે કહ્યું, “આકાશ નીચેનાં પાણી એક સ્થળે એકઠાં થાઓ અને કોરી ભૂમિ દેખાઓ.” એટલે તે પ્રમાણે થયું. 10ઈશ્વરે કોરી ભૂમિને ‘પૃથ્વી’ કહી અને એકઠાં થયેલાં પાણીને સમુદ્રો કહ્યા. ઈશ્વરે તે જોયું અને તે તેમને સારું લાગ્યું. 11પછી તેમણે કહ્યું, “ભૂમિ સર્વ પ્રકારની વનસ્પતિ એટલે જેમાં પોતપોતાની જાત પ્રમાણેનાં બીજ હોય એવા અનાજના છોડ તથા વિવિધ ફળાઉ વૃક્ષો ઉગાડો.” એટલે તે પ્રમાણે થયું. 12ભૂમિએ સર્વ પ્રકારની વનસ્પતિ એટલે જેમાં પોતપોતાની જાત પ્રમાણેનાં બીજ હોય એવા અનાજના છોડ તથા ફળાઉ વૃક્ષો ઉગાવ્યાં. ઈશ્વરે તે જોયું અને તે તેમને સારું લાગ્યું. 13સાંજ પડી અને સવાર થયું. આ ત્રીજો દિવસ હતો.
14પછી ઈશ્વરે કહ્યું, “રાત અને દિવસને જુદાં પાડવા માટે આકાશના ધુમ્મટમાં જ્યોતિઓ થાઓ. એ જ્યોતિઓ દિવસો, વર્ષો અને ઋતુઓનો સમય#1:14 ઋતુઓના સમય અથવા ધાર્મિક પર્વો. સૂચવવા ચિહ્નરૂપ બની રહો. 15પૃથ્વીને પ્રકાશ આપવા આ જ્યોતિઓ આકાશમાં પ્રકાશિત થાઓ.” એટલે એમ થયું. 16આમ, ઈશ્વરે બે મોટી જ્યોતિઓ ઉત્પન્‍ન કરી: દિવસ પર અમલ ચલાવવા સૂર્ય અને રાત પર અમલ ચલાવવા ચંદ્ર. વળી, તેમણે તારાઓ પણ ઉત્પન્‍ન કર્યા. 17-18ઈશ્વરે એ જ્યોતિઓને પૃથ્વી પર પ્રકાશ આપવા, દિવસ તથા રાત પર અમલ ચલાવવા અને પ્રકાશ તથા અંધકારને અલગ પાડવા આકાશના ધુમ્મટમાં મૂકી. ઈશ્વરે તે જોયું અને તે તેમને સારું લાગ્યું. 19સાંજ પડી અને સવાર થયું. આ ચોથો દિવસ હતો.
20પછી ઈશ્વરે કહ્યું, “પાણી અસંખ્ય જળચરોથી ભરપૂર થાઓ અને પૃથ્વી પર આકાશમાં પક્ષીઓ ઊડો.” એટલે તે પ્રમાણે થયું. 21ઈશ્વરે મહાકાય માછલાં, પોતપોતાની જાત પ્રમાણે બધી જાતનાં જળચરો અને પોતપોતાની જાત પ્રમાણે બધી જાતનાં પક્ષીઓનું સર્જન કર્યું. ઈશ્વરે તે જોયું અને તે તેમને સારું લાગ્યું. 22પછી ઈશ્વરે તેમને આશિષ આપતાં કહ્યું, “ફળવંત થાઓ, વૃદ્ધિ પામો અને સમુદ્રનાં પાણીને ભરપૂર કરો. પક્ષીઓ પણ પૃથ્વી પર પુષ્કળ પ્રમાણમાં વધો.” 23સાંજ પડી અને સવાર થયું. આ પાંચમો દિવસ હતો.
24પછી ઈશ્વરે કહ્યું, “ભૂમિ પોતપોતાની જાત પ્રમાણેનાં સજીવ પ્રાણીઓ એટલે બધી જાતનાં પાળવાનાં પ્રાણીઓ, બધી જાતનાં પેટે ચાલતાં પ્રાણીઓ તથા વન્યપશુઓ ઉપજાવો.” એટલે એમ થયું. 25આમ, ઈશ્વરે પોતપોતાની જાત પ્રમાણેનાં બધી જાતનાં પાળવાનાં પ્રાણીઓ, બધી જાતનાં પેટે ચાલતાં પ્રાણીઓ તથા વન્યપશુઓ ઉત્પન્‍ન કર્યાં. ઈશ્વરે તે જોયું અને તે તેમને સારું લાગ્યું.
26પછી ઈશ્વરે કહ્યું, “હવે આપણે આપણી પ્રતિમા અને સ્વરૂપ પ્રમાણે માનવજાત બનાવીએ. જેથી તેઓ સમુદ્રનાં માછલાં પર, આકાશમાંના પક્ષીઓ પર અને આખી પૃથ્વીનાં પાલતુ પ્રાણીઓ, પેટે ચાલનાર પ્રાણીઓ અને વન્યપશુઓ પર અધિકાર ચલાવે.”#૧ કોરીં. 11:7. 27ઈશ્વરે પોતાના સ્વરૂપ પ્રમાણે જ માનવજાતનું સર્જન કર્યું. તેમણે પોતાના સ્વરૂપ પ્રમાણે માનવજાતનું પુરુષ અને સ્ત્રી તરીકે સર્જન કર્યું.#માથ. 19:4; માર્ક. 10:4. 28ઈશ્વરે તેમને આશિષ આપતાં કહ્યું, “ફળવંત થાઓ, વૃદ્ધિ પામો અને પૃથ્વીને ભરપૂર કરો તથા તેને વશ કરો. સમુદ્રનાં માછલાં પર, આકાશનાં પક્ષીઓ પર તથા પૃથ્વી પર ચાલનારાં બધાં પ્રાણીઓ પર અધિકાર ચલાવો.”#ઉત. 5:1-2.
29વળી, ઈશ્વરે તેમને કહ્યું, “મેં તમને હરેક પ્રકારના બીજદાયક ધાન્યના છોડ તેમ જ હરેક પ્રકારના બીજદાયક ફળનાં વૃક્ષો ખોરાક માટે આપ્યાં છે. 30પરંતુ જેમનામાં જીવનનો શ્વાસ છે એવાં પૃથ્વી પરનાં સર્વ પ્રાણીઓ, આકાશમાંનાં સર્વ પક્ષીઓ અને પૃથ્વી પર પેટે ચાલતાં સર્વ પ્રાણીઓ માટે મેં સઘળી વનસ્પતિ આપી છે.” અને એમ જ થયું. 31ઈશ્વરને પોતે બનાવેલું બધું ખૂબ સારું લાગ્યું. સાંજ પડી અને સવાર થયું. આ છઠ્ઠો દિવસ હતો.

Áherslumerki

Deildu

Afrita

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in