ઉત્પત્તિ 8

8
જળપ્રલયનો અંત
1પરંતુ દેવ નૂહને ભૂલ્યા નહિ. દેવે નૂહ અને વહાણમાં તેની સાથે રહેનારાં બધાં જ પશુઓ અને પ્રાણીઓને યાદ રાખ્યા. દેવે પૃથ્વી પર પવન વહેતો કર્યો અને પાણી ઊતરી ગયાં.
2આકાશમાંથી વરસતો વરસાદ બંધ થઈ ગયો. અને જમીનમાંથી નીચેથી વહેતાં પાણી પણ બંધ થઈ ગયાં. 3પૃથ્વીને ડૂબાડનારાં પાણી પણ બરાબર પાછા હઠવાં લાગ્યાં. 150 દિવસ પછી પાણી ઓસરી ગયાં અને વહાણ પાછું જમીન પર આવી ગયું. 4સાતમાં મહિનાના સત્તરમેં દિવસે વહાણ અરારાટના પર્વતો પર સ્થિર થઈ ગયું. 5દશમાં મહિના સુધી પાણી ઓસરતાં ગયાં અને દશમાં મહિનાના પહેલા દિવસે પર્વતોનાં શિખરો દેખાવા લાગ્યાં.
6વહાણમાં બનાવેલી બારીઓ નૂહે 40 દિવસ પછી ઉઘાડી. 7અને નૂહે એક કાગડાને બહાર ઉડાડી મૂકયો. તે કાગડો જમીન પૂરી ન સુકાઈ ત્યાં સુધી આવજા કરતો રહ્યો. 8ત્યારપછી નૂહે પૃથ્વી પરથી પાણી ઉતરી ગયાં છે કે, કેમ તે જોવા માંટે એક કબૂતરને મોકલ્યું.
9કબૂતરને કયાંય આરામ કરવાની જગ્યા મળી નહિ કારણકે પૃથ્વી પર હજુ પાણી પથરાયેલું હતું. તેથી તે નૂહની પાસે વહાણમાં ઉડીને પાછું ફર્યું. નૂહે હાથ લંબાવ્યો તેને પકડયું અને વહાણમાં પાછું લાવ્યો.
10તેણે બીજા સાત દિવસ પછી ફરીથી પેલા કબૂતરને વહાણની બહાર મોકલ્યું. 11તે દિવસે બપોરે તે કબૂતર તેની પાસે પાછું આવ્યું, ત્યારે તેની ચાંચમાં જૈતૂનનું તાજુ પાંદડું હતું. એટલે નૂહ સમજી ગયો કે, પાણી પૃથ્વી પરથી ઓસરી ગયાં છે. 12નૂહે સાત દિવસ પછી ફરીવાર કબૂતરને બહાર મોકલ્યું, પણ તે પાછું આવ્યું નહિ.
13તે પછી નૂહે વહાણના દરવાજા ઉઘાડયા. ને જોયું કે, ધરતી કોરી હતી. નૂહના આયુષ્યના 601 વર્ષમાં પહેલા મહિનાની પહેલી તારીખે પૃથ્વી પરથી પાણી સુકાઈ ગયાં. 14બીજા મહિનાની 27મી તારીખે પૃથ્વી કોરી થઈ ગઈ.
15ત્યારે દેવે નૂહને કહ્યું: 16“હવે, વહાણને છોડો. તું, તારી પત્ની, તારા છોકરાઓ અને તારા છોકરાઓની પત્નીઓ સાથે વહાણમાંથી બહાર નીકળો. 17તારી સાથે જે બધી જાતના જીવો, પંખીઓ અને પશુઓ તથા પૃથ્વી પર પેટે ચાલનારાં પ્રાણીઓ છે તે બધાંને પણ તારી સાથે બહાર લઈ આવ. જેથી તેઓ તેમનો વંશ વધારે અને પૃથ્વી પર વૃદ્વિ પામે.”
18તેથી નૂહ, પોતાના પુત્રો, પત્ની, પુત્રવધૂઓ વગેરેની સાથે બહાર આવ્યો. 19બધાં જ પ્રાણીઓ, બધાં જ પેટે ચાલનારા જીવો અને બધાં જ પક્ષીઓ વહાણ છોડી બહાર આવ્યાં. બધાં જ પ્રાણીઓ નર અને માંદાનાં જોડાંમાંજ બહાર આવ્યાં.
20પછી નૂહે યહોવા માંટે એક વેદી બાંધી. તેણે કેટલાંક શુદ્ધ પક્ષીઓ અને કેટલાંક શુદ્ધ પ્રાણીઓમાંથી અમુક અમુક લઈને વેદી પર આહુતિ આપી.
21યહોવા બલિની સુવાસથી પ્રસન્ન થયા તે મનોમન બોલી ઊઠયા કે, “મનુષ્ય નાનપણથી જ દુષ્ટ હોય છે, તેથી હું કદી મનુષ્યને કારણે ધરતીને શ્રાપ આપીશ નહિ, અને હું કદી પણ બધા જીવોનો અત્યારે કર્યો તેવો નાશ કરીશ નહિ. 22જયાં સુધી આ પૃથ્વી રહેશે ત્યાં સુધી વાવણી અને લણણી, ઠંડી અને ગરમી, ઉનાળો અને શિયાળો અને દિવસ અને રાત ચાલુ જ રહેશે.”

Jelenleg kiválasztva:

ઉત્પત્તિ 8: GERV

Kiemelés

Megosztás

Másolás

None

Szeretnéd, hogy a kiemeléseid minden eszközödön megjelenjenek? Regisztrálj vagy jelentkezz be