યોહાન 11

11
લાજરસનું મૃત્યુ
1હવે #લૂ. ૧૦:૩૮-૩૯. મરિયમ તથા તેની બહેન માર્થાના ગામ બેથાનિયાનો લાજરસ નામે એક જણ માંદો હતો. 2જે મરિયમે #યોહ. ૧૨:૩. પ્રભુને અત્તર ચોળ્યું હતું, અને તેમના પગ પોતાને ચોટલે લૂછયા હતા, તેનો ભાઈ લાજરસ માંદો હતો. 3એ માટે બહેનોએ તેમને કહેવડાવી મોકલ્યું, “પ્રભુ, જેના પર તમે પ્રેમ રાખો છો, તે માંદો છે.”
4પણ ઈસુએ એ સાંભળીને કહ્યું, “જેથી મરણ થાય એવી આ માંદગી નથી. પણ તે ઈશ્વરના મહિમાને અર્થે છે કે તેથી ઈશ્વરના દીકરાનો મહિમા થાય.” 5હવે માર્થા તથા તેની બહેન તથા લાજરસ ઉપર ઈસુ પ્રેમ રાખતા હતા. 6તે માંદો છે, એવી તેમને ખબર મળી ત્યારે પોતે જ્યાં હતા, તે જ સ્થળે તે બે દિવસ રહ્યા. 7ત્યાર પછી તે તેમના શિષ્યોને કહે છે, ચાલો, આપણે ફરીથી યહૂદિયા જઈએ.”
8શિષ્યો તેમને કહે છે, “રાબ્બી, હમણાં જ યહૂદીઓ તમને પથ્થર મારવાની કોશિશ કરતા હતા; તે છતાં તમે ત્યાં પાછા જાઓ છો?” 9ઈસુએ ઉત્તર આપ્યો, “શું દિવસના બાર કલાક નથી? દિવસે જો કોઈ ચાલે, તો તે આ જગતનો પ્રકાશ જુએ છે, માટે ઠોકર ખાતો નથી. 10પણ જો કોઈ રાત્રે ચાલે, તો તેનામાં પ્રકાશ નથી, માટે તે ઠોકર ખાય છે.” 11તેમણે એ વાતો કહી, અને ત્યાર પછી તે તેઓને કહે છે, “આપણો મિત્ર લાજરસ ઊંઘી ગયો છે. પણ હું તેને ઊંઘમાંથી જગાડવા માટે જવાનો છું.”
12ત્યારે શિષ્યોએ તેમને કહ્યું, “પ્રભુ, જો તે ઊંઘી ગયો હોય તો તે સાજો થઈ જશે.” 13ઈસુએ તો તેના મરણ વિષે કહ્યું હતું; પણ તેઓને એવું લાગ્યું કે, તેમણે ઊંઘમાં વિસામો લેવા વિષે કહ્યું હતું. 14ત્યારે ઈસુએ તેઓને સ્પષ્ટ કહ્યું કે, લાજરસ મરી ગયો છે. 15અને હું ત્યાં નહોતો, માટે તમારી ખાતર હર્ષ પામું છું, એટલા માટે કે તમે વિશ્વાસ કરો. પણ ચાલો, આપણે તેની પાસે જઈએ. 16ત્યારે થોમા, જે દીદીમસ કહેવાય છે, તેણે પોતાના શિષ્યબંધુઓને કહ્યું કે, “આપણે પણ જઈએ, અને તેની સાથે મરી જઈએ.”
‘પુનરુત્થાન તથા જીવન હું છું’
17હવે જ્યારે ઈસુ [ત્યાં] આવ્યા ત્યારે તેમને માલૂમ પડયું કે, તેને કબરમાં મૂક્યાને ચાર દિવસ થઈ ગયા છે. 18હવે બેથાનિયા યરુશાલેમની નજીક, એટલે બેએક માઈલને છેટે હતું. 19માર્થા તથા મરિયમની પાસે તેમને તેઓના ભાઈ સંબંધી દિલાસો આપવા માટે ઘણા યહૂદીઓ આવ્યા હતા.
20ઈસુ આવ્યા છે, એ સાંભળીને માર્થા તેમને મળવા ગઈ. પણ મરિયમ ઘરમાં બેસી રહી. 21ત્યારે માર્થાએ ઈસુને કહ્યું, “પ્રભુ, જો તમે અહીં હોત, તો મારો ભાઈ મરત નહિ. 22અને હજુ પણ તમે ઈશ્વર પાસે જે કંઈ માગશો, તે ઈશ્વર તમને આપશે, એ હું જાણું છું” 23ઈસુ તેને કહે છે, “તારો ભાઈ પાછો ઊઠશે.” 24માર્થા તેમને કહે છે, “છેલ્લે દિવસે પુનરુત્થાનમાં તે પાછો ઊઠશે, એ હું જાણું છે.”
25ઈસુએ તેને કહ્યું, “પુનરુત્થાન તથા જીવન હું છું. જે મારા પર વિશ્વાસ કરે છે તે જો કે મરી જાય તોપણ જીવતો થશે, 26અને જે કોઈ જીવે છે, અને મારા પર વિશ્વાસ રાખે છે, તે કદી મરશે નહિ જ. તું શું એવો વિશ્વાસ રાખે છે?” 27તે તેમને કહે છે, “હા, પ્રભુ; મેં વિશ્વાસ રાખ્યો છે કે તમે ઈશ્વરના દીકરા, ખ્રિસ્ત, જે જગતમાં આવનાર છે તે જ છો.”
ઈસુ રડ્યા
28એમ કહીને તે ચાલી ગઈ, અને પોતાની બહેન મરિયમને છાની રીતે બોલાવીને કહ્યું, “ગુરુ આવ્યા છે, અને તને બોલાવે છે.” 29એ સાંભળીને તે જલદીથી ઊઠીને તેમની પાસે ગઈ. 30(ઈસુ તો હજી ગામમાં આવ્યા નહોતા, પણ જ્યાં માર્થા તેમને મળી હતી તે જગાએ હતા) 31ત્યારે જે યહૂદીઓ તેની સાથે ઘરમાં હતા અને તેને દિલાસો આપતા હતા, તેઓએ જોયું કે મરિયમ જલદી ઊઠીને બહાર ગઈ, ત્યારે તે કબર આગળ વિલાપ કરવાને જાય છે, એવું ધારીને તેઓ તેની પાછળ ગયા.
32જ્યાં ઈસુ હતા ત્યાં મરિયમે આવીને તેમને જોયા, ત્યારે તેણે તેમને પગે લાગીને તેમને કહ્યું, “પ્રભુ, જો તમે અહીં હોત તો મારો ભાઈ મરત નહિ.”
33ત્યારે તેને રડતી જોઈને, તથા જે યહૂદીઓ તેની સાથે આવ્યા હતા તેઓને પણ રડતા જોઈને, ઈસુએ મનમાં નિસાસો મૂક્યો, અને પોતે વ્યાકુળ થયા. 34તેમણે પૂછયું, “તમે તેને ક્યાં મૂક્યો છે?” તેઓ તેમને કહે છે, “પ્રભુ, આવીને જુઓ.” 35ઈસુ રડયા. 36[એ જોઈને] યહૂદીઓએ કહ્યું, “જુઓ, તે તેના પર કેટલો બધો પ્રેમ રાખતા હતા!” 37પણ તેઓમાંના કેટલાકે કહ્યું, “જેમણે આંધળાની આંખો ઉઘાડી, તેમનામાં શું આ માણસ ન મરે એવું પણ કરવાની શક્તિ ન હતી?”
લાજરસ સજીવન કરાયો
38તેથી ઈસુ ફરીથી નિસાસો મૂકીને કબર આગળ આવ્યા. તે તો ગુફા હતી, અને તેના પર એક પથ્થર મૂકેલો હતો. 39ઈસુ કહે છે, “પથ્થરને ખસેડો.” મરનારની બહેન માર્થા તેમને કહે છે, “પ્રભુ, હવે તો તે ગંધાતો હશે; કેમ કે આજે તેને ચાર દિવસ થયા.” 40ઈસુ તેને કહે છે, “જો તું વિશ્વાસ કરશે, તો તું ઈશ્વરનો મહિમા જોશે, એવું મેં તને નથી કહ્યું?” 41ત્યારે તેઓએ પથ્થર ખસેડયો. અને ઈસુએ નજર ઊંચી કરીને કહ્યું, “હે પિતા, તમે મારું સાંભળ્યું છે, માટે હું તમારો આભાર માનું છું. 42અને તમે નિત્ય મારું સાંભળો છો એ હું જાણું છું. પણ જે લોકો આસપાસ ઊભા રહેલા છે, તેઓ વિશ્વાસ કરે કે, તમે મને મોકલ્યો છે, માટે તેઓને લીધે મેં એ કહ્યું.” 43એમ બોલ્યા પછી તેમણે ઊંચે સ્વરે પોકાર્યું, “લાજરસ બહાર આવ.” 44ત્યારે જે મરી ગયેલો હતો તે કફનથી હાથે ને પગે વીંટાયેલો બહાર આવ્યો! અને તેનો મોં પર રૂમાલ બાંધેલો હતો. ઈસુએ તેઓને કહ્યું, “એનાં બંધન છોડી નાખો, અને તેને જવા દો.”
ઈસુની વિરુદ્ધ કાવતરું
(માથ. ૨૬:૧-૫; માર્ક ૧૪:૧-૨; લૂ. ૨૨:૧-૨)
45આથી જે યહૂદીઓ મરિયમની પાસે આવ્યા હતા, અને તેમણે જે કર્યું તે જોયું હતું, તેઓમાંના ઘણાએ તેમના પર વિશ્વાસ કર્યો. 46પણ તેઓમાંના કેટલાક ફરોશીઓની પાસે ગયા, અને ઈસુએ જે કામ કર્યાં હતાં, તે તેઓને કહી સંભળાવ્યાં.
47એ માટે મુખ્ય યાજકોએ તથા ફરોશીઓએ સભા બોલાવીને કહ્યું, “આપણે શું કરીએ? કેમ કે એ માણસ તો ઘણા ચમત્કારો કરે છે. 48જો આપણે તેને એમ ને એમ જ રહેવા દઈએ, તો સર્વ તેના પર વિશ્વાસ કરશે, અને રોમનો આવીને આપણું ઠામઠેકાણું તથા પ્રજાપણું લઈ લેશે.”
49પણ તેઓમાંનો એક કાયાફા નામે તે વરસે પ્રમુખ યાજક હતો, તેણે તેઓને કહ્યું, “તમે કંઈ જ જાણતા નથી, 50અને સમજતા નથી કે લોકની વતી એક માણસ મરે, ને આખી પ્રજા નાશ ન પામે, એ તમારે માટે લાભકારક છે. 51(આ તેણે પોતાના તરફથી કહ્યું ન હતું, પણ તે વરસમાં તે પ્રમુખ યાજક હોવાથી તેણે ભવિષ્ય કહ્યું કે, લોકની વતી ઈસુ મરશે. 52અને એકલા આ લોકની વતી નહિ, પણ ઈશ્વરનાં વિખેરાઈ ગયેલાં છોકરાંઓને પણ તે એકત્ર કરીને એક કરે તે માટે).” 53તેથી તે દિવસથી માંડીને તેઓ તેમને મારી નાખવાની વિચારણા કરવા લાગ્યા.
54તે માટે ત્યાર પછી યહૂદીઓમાં ઉઘાડી રીતે ઈસુ ફર્યા નહિ, પણ ત્યારથી અરણ્યની પાસેના પ્રાંતના એફ્રાઈમ નામના શહેરમાં ગયા; અને પોતાના શિષ્યો સાથે‍ ત્યાં રહ્યા. 55હવે યહૂદીઓનું પાસ્ખાપર્વ પાસે આવ્યું હતું, અને પાસ્ખા અગાઉ પોતાને શુદ્ધ કરવાને માટે ઘણા લોકો બહાર ગામથી યરુશાલેમ ગયા હતા. 56તેથી તેઓએ ઈસુની શોધ કરી અને મંદિરમાં ઊભા ઊભા અંદરોઅંદર પૂછવા લાગ્યા, “તમને શું લાગે છે? શું પર્વમાં તે આવવાના નથી?” 57હવે મુખ્ય યાજકોએ તથા ફરોશીઓએ એવો હુકમ કર્યો હતો કે, તે ક્યાં છે તેની જો કોઈ માણસને ખબર પડે તો તેણે ખબર આપવી, જેથી તેઓ તેમને પકડે.

वर्तमान में चयनित:

યોહાન 11: GUJOVBSI

हाइलाइट

शेयर

कॉपी

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in