ઉત્પત્તિ 21
21
ઇસ્હાકનો જન્મ
1પ્રભુએ પોતાના કહેવા મુજબ સારા પર કૃપાદૃષ્ટિ કરી અને પોતાના વચન પ્રમાણે સારાના હક્કમાં કર્યું; 2એટલે કે સારા ગર્ભવતી થઈ અને ઈશ્વરે જે સમય જણાવ્યો હતો તે સમયે તેણે અબ્રાહામની વૃદ્ધાવસ્થામાં તેના પુત્રને જન્મ આપ્યો.#હિબ્રૂ. 11:11. 3અબ્રાહામે સારાથી જન્મેલા પોતાના પુત્રનું નામ ઇસ્હાક (અથાત્ ‘તે હસે છે’) પાડયું. 4ઇસ્હાક આઠ દિવસનો થયો ત્યારે ઈશ્વરની આજ્ઞા મુજબ અબ્રાહામે તેની સુન્નત કરી.#ઉત. 17:12; પ્રે.કા. 7:8. 5ઇસ્હાક જન્મ્યો ત્યારે અબ્રાહામની ઉંમર સો વર્ષની થઈ હતી. 6સારાએ કહ્યું, “ઈશ્વરે મને હસવાનો પ્રસંગ આપ્યો છે. મારી આ વાત સાંભળનાર સૌ કોઈ હસશે.” 7વળી, તેણે કહ્યું, “અબ્રાહામને કોણે કહ્યું હોત કે સારા બાળકને ધવડાવશે? છતાં તેની વૃદ્ધાવસ્થામાં મેં પુત્રને જન્મ આપ્યો છે.”
8બાળક મોટો થયો અને તેને ધાવણ છોડાવવામાં આવ્યું. ઇસ્હાકે ધાવણ છોડયું તે દિવસે અબ્રાહામે મોટું જમણ આપ્યું.
હાગાર અને ઇશ્માએલનો ગૃહત્યાગ
9એક વખતે સારાએ ઇજિપ્તી હાગારથી થયેલા અબ્રાહામના પુત્ર ઇશ્માએલને ઇસ્હાકને ચીડવતો જોયો. 10તેથી તેણે અબ્રાહામને કહ્યું, “આ દાસીને તથા તેના પુત્રને કાઢી મૂકો, કારણ, એ દાસીનો પુત્ર મારા પુત્ર ઇસ્હાક સાથે વારસ થઈ શકે નહિ.”#ગલા. 4:29-30. 11અબ્રાહામને એ વાતથી ઘણું દુ:ખ થયું, કારણ, ઇશ્માએલ પણ તેનો પુત્ર હતો. 12પણ ઈશ્વરે અબ્રાહામને કહ્યું, “તારા પુત્ર તથા તારી દાસીને લીધે તું દુ:ખી થઈશ નહિ, પણ સારાના કહેવા પ્રમાણે કર. કારણ, તારો વંશ ઇસ્હાકથી ચાલુ રહેશે.#રોમ. 9:7; હિબ્રૂ. 11:18. 13વળી, હું એ દાસીના પુત્રથી પણ એક પ્રજા ઊભી કરીશ; કારણ, એ પણ તારો પુત્ર છે.”
14અબ્રાહામ વહેલી સવારે ઊઠયો. તેણે રોટલી તથા મશક લઈને હાગારને ખભે મૂકાવ્યાં. તેનો છોકરો પણ તેને સોંપ્યો અને તેને વિદાય કરી. હાગાર ત્યાંથી નીકળીને બેરશેબાના રણપ્રદેશમાં ભટકવા લાગી. 15મશકમાંનું પાણી ખૂટી ગયું એટલે તેણે છોકરાને એક છોડવા નીચે મૂકી દીધો. 16અને તીર ફેંકી શકાય તેટલે દૂર જઈને તે પોતાનું મોં ફેરવીને બેઠી અને બોલી, “મારે છોકરાને મરતો જોવો નથી.” પછી તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી.
17ઈશ્વરે એ છોકરાનો અવાજ સાંભળ્યો. ઈશ્વરના દૂતે આકાશમાંથી હાંક મારીને કહ્યું, “હાગાર, તને શું થયું છે? ગભરાઈશ નહિ. કારણ, છોકરો જ્યાં છે ત્યાંથી ઈશ્વરે તેનો અવાજ સાંભળ્યો છે. 18ઊઠ, છોકરાને ઊંચકી લે અને તેને તારા હાથમાં સંભાળી લે. કારણ, હું તેનાથી એક મોટી પ્રજા ઊભી કરીશ.” 19પછી ઈશ્વરે તેની આંખો ઉઘાડી અને તેણે પાણીનો એક કૂવો જોયો. ત્યાં જઈને તેણે મશકમાં પાણી ભરી લીધું અને છોકરાને પીવડાવ્યું. 20ઈશ્વર એ છોકરાની સાથે હતા ને તે મોટો થયો. રણપ્રદેશમાં રહીને તે તીરંદાજ બન્યો. તે પારાનના રણપ્રદેશમાં રહેતો. 21અને તેની માતાએ તેને ઇજિપ્તમાંથી પત્ની લાવી આપી.
અબ્રાહામ અને અબિમેલેખ વચ્ચે કરાર
22એ અરસામાં અબિમેલેખ અને તેના સેનાપતિ ફિકોલે અબ્રાહામ પાસે જઈને તેને કહ્યું, “ તારાં સર્વ કાર્યોમાં ઈશ્વર તારી સાથે છે.#ઉત. 26:26. 23એટલે અત્યારે તું મારી સમક્ષ ઈશ્વરના સોગંદ લે કે તું મારી સાથે, મારા સંતાન સાથે તથા મારા વંશજો સાથે દગો નહિ કરે, પણ હું તારી સાથે વફાદારીપૂર્વક વર્ત્યો છું તેમ તું પણ મારી સાથે તથા જે દેશમાં તું રહે છે તેના વતનીઓ સાથે વર્તશે. 24ત્યારે અબ્રાહામે કહ્યું, “હું એવા સોગંદ લઉં છું.”
25હવે અબિમેલેખના નોકરોએ બળજબરીથી જે કૂવો પચાવી પાડયો હતો તે વિષે અબ્રાહામે અબિમેલેખને ફરિયાદ કરી. 26ત્યારે અબિમેલેખે કહ્યું, “એવું કોણે કર્યું છે તેની મને ખબર નથી. વળી, તેં પણ મને તે વિષે જણાવ્યું નથી. મને તો આજે જ તેની જાણ થાય છે.” 27પછી અબ્રાહામે ઘેટાં અને આખલા લાવીને અબિમેલેખને આપ્યાં અને તે બન્ને જણે કરાર કર્યો. 28અબ્રાહામે ટોળામાંથી સાત ઘેટીઓ અલગ પાડી. 29અબિમેલેખે તેને પૂછયું, “તેં આ સાત ઘેટીઓ અલગ પાડી તેનો શો અર્થ છે?” 30ત્યારે અબ્રાહામે કહ્યું, “આ સાત ઘેટીઓ તારે મારી પાસેથી લેવાની છે અને આ કૂવો મેં ખોદ્યો છે એની એ સાબિતી થશે.” 31તેથી તે સ્થળનું નામ ‘બેરશેબા’ એટલે સમનો કૂવો પડયું. કારણ, એ બન્નેએ ત્યાં સોગંદ ખાધા હતા. 32આમ, તેમણે બેરશેબામાં કરાર કર્યો. ત્યાર પછી અબિમેલેખ અને તેનો સેનાપતિ ફિકોલ ત્યાંથી પલિસ્તીયામાં પાછા ગયા.
33અબ્રાહામે બેરશેબામાં પ્રાંસનું વૃક્ષ રોપ્યું અને ત્યાં સાર્વકાલિક ઈશ્વર યાહવેને નામે ભજન કર્યું. 34અબ્રાહામ પલિસ્તીઓના દેશમાં ઘણા દિવસ રહ્યો.
נבחרו כעת:
ઉત્પત્તિ 21: GUJCL-BSI
הדגשה
שתף
העתק

רוצים לשמור את ההדגשות שלכם בכל המכשירים שלכם? הירשמו או היכנסו
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide