ઉત્પત્તિ 16

16
હાગાર અને ઇશ્માએલ
1અબ્રામની પત્ની સારાયને સંતાન થતાં નહોતાં. તેને હાગાર નામે એક ઇજિપ્તી દાસી હતી. 2સારાયે અબ્રામને કહ્યું, “પ્રભુએ મને નિ:સંતાન રાખી છે એટલે તમે મારી દાસી સાથે સમાગમ કરો. કદાચ, હું તેના દ્વારા બાળકો પામું.” 3અબ્રામે સારાયની વાત માન્ય રાખી એટલે અબ્રામની પત્ની સારાયે પોતાની ઇજિપ્તી દાસી હાગારને અબ્રામની ઉપપત્ની થવા સોંપી. તે સમયે અબ્રામને કનાન દેશમાં વસવાટ કર્યાને દશ વર્ષ થયાં હતાં. 4અબ્રામે હાગાર સાથે સમાગમ કર્યો અને તે ગર્ભવતી થઈ. પોતે ગર્ભવતી થઈ છે તેવી ખબર પડતાં હાગાર પોતાની શેઠાણીનો તિરસ્કાર કરવા લાગી. 5સારાયે અબ્રામને કહ્યું, “મને થયેલો અન્યાય તમારે શિર#16:5 “મને...શિર છે” અથવા “મારા પ્રત્યે થયેલા અન્યાયનો બદલો તમને મળો.” છે. મેં જ મારી દાસીને તમારી સોડમાં સોંપી હતી, પણ પોતે ગર્ભવતી થઈ છે એવી તેને ખબર પડતાં તે મારો તિરસ્કાર કરવા લાગી છે. પ્રભુ આપણા બે વચ્ચે ન્યાય કરો.” 6અબ્રામે સારાયને કહ્યું, “તે તારી દાસી છે અને તારા નિયંત્રણ નીચે છે. તને યોગ્ય લાગે તેમ કર.” પછી સારાય હાગારને દુ:ખ દેવા લાગી એટલે હાગાર તેની પાસેથી નાસી છૂટી.
7શૂર જવાને રસ્તે રણપ્રદેશમાં એક ઝરણા પાસે પ્રભુના દૂતે તેને જોઈ. 8દૂતે હાગારને કહ્યું, “સારાયની દાસી હાગાર, તું ક્યાંથી આવી અને કયાં જાય છે?” હાગારે કહ્યું, “હું મારી શેઠાણી સારાય પાસેથી નાસી જાઉં છું.” 9પ્રભુના દૂતે તેને કહ્યું, “તું તારી શેઠાણી પાસે પાછી જા, ને તેને આધીન રહે.” 10પછી દૂતે તેને કહ્યું, “હું તારો વંશ ઘણો વધારીશ અને તેની ગણતરી થઈ શકશે નહિ.” 11તેણે કહ્યું, “તું ગર્ભવતી છે, ને તને પુત્ર જનમશે. તું તેનું નામ ઇશ્માએલ [ઈશ્વર સાંભળે છે] પાડજે. કારણ, પ્રભુએ તારા દુ:ખનો પોકાર સાંભળ્યો છે. 12તે માણસો મધ્યે જંગલી ગધેડા જેવો થશે. તે બધા માણસોની વિરુદ્ધ પડશે અને બધા માણસો તેની વિરુદ્ધ પડશે. તે પોતાના બધાં કુટુંબીજનોની સામે પડીને અલગ વસવાટ કરશે.” 13હાગારે પોતાની સાથે વાત કરનાર પ્રભુનું નામ ‘એલ-રોઈ’ [જોનાર ઈશ્વર] પાડયું: કારણ, તેણે કહ્યું, “મને જોનાર ઈશ્વરનાં#16:13 ‘ઈશ્વરના’: ઈશ્વરની પીઠના. મને દર્શન થયાં છે! 14એ માટે તે કૂવાનું નામ ‘બેર-લાહાય રોઈ [જીવંત દષ્ટાનો કૂવો] પડયું. આજે પણ તે કાદેશ અને બેરેદ વચ્ચે આવેલો છે.
15અબ્રામને હાગારના પેટે પુત્ર જન્મ્યો. અબ્રામે હાગારને પેટે જન્મેલા પોતાના પુત્રનું નામ ઇશ્માએલ પાડયું.#ગલા. 4:22. 16હાગારે ઇશ્માએલને જન્મ આપ્યો ત્યારે અબ્રામ છયાસી વર્ષનો હતો.

הדגשה

שתף

העתק

None

רוצים לשמור את ההדגשות שלכם בכל המכשירים שלכם? הירשמו או היכנסו