યોહાન 6

6
પાંચ હજારને જમાડયા
(માથ. ૧૪:૧૩-૨૧; માર્ક ૬:૩૦-૪૪; લૂ. ૯:૧૦-૧૭)
1એ પછી ગાલીલનો સમુદ્ર જે તિબેરિયસનો [કહેવાય] છે, તેને પેલે પાર ઈસુ ગયા. 2લોકોનો મોટો સમુદાય તેમની પાછળ ગયો; કેમ કે તેમણે માંદાઓ પર જે ચમત્કાર કર્યા હતા, તે તેઓએ જોયા હતા. 3ઈસુ પહાડ પર ગયા, અને ત્યાં તે પોતાના શિષ્યો સાથે બેઠા. 4હવે યહૂદીઓનું પાસ્ખાપર્વ પાસે આવ્યું હતું. 5માટે ઈસુ નજર ઊંચી કરીને પોતાની પાસે મોટો સમુદાય આવતો જોઈને ફિલિપને પૂછે છે, “તેમને ખાવાને માટે આપણે રોટલી ક્યાંથી વેચાતી લઈએ?” 6પણ તેમણે તેને પારખવા માટે એ પૂછયું; કેમ કે તે શું કરવાના હતા, તે તે પોતે જાણતા હતા.
7ફિલિપે તેમને ઉત્તર આપ્યો, “બસો દીનારની રોટલી તેઓને માટે બસ નથી કે, તેઓમાંના દરેકને થોડું થોડું મળે.”
8તેમના શિષ્યોમાંનો એક, એટલે સિમોન પિતરનો ભાઈ આન્દ્રિયા, તેમને કહે છે, 9“એક જુવાન અહીં છે, તેની પાસે જવની પાંચ રોટલી, અને બે માછલી છે; પણ તે આટલાં બધાંને કેમ પહોંચે?”
10ઈસુએ કહ્યું, “લોકોને બેસાડો.” હવે તે ઠેકાણે ઘણું ઘાસ હતું. તેઓ બેસી ગયા, અને પુરુષોની સંખ્યા આશરે પાંચેક હજારની હતી. 11ત્યારે ઈસુએ તે રોટલીઓ લીધી, અને સ્તુતિ કરીને બેઠેલાઓને પીરસી. માછલીઓમાંથી પણ જેટલું જોઈતું હતું તેટલું એ જ રીતે આપ્યું. 12તેઓ ધરાયા પછી તે પોતાના શિષ્યોને કહે છે, “કંઈ નકામું ન જાય માટે છાંડેલા કકડા એકઠા કરો” 13તે માટે તેઓએ તે એકઠા કર્યા, અને તે જવની પાંચ રોટલીમાંના જે છાંડેલા કકડા જમનારાઓએ રહેવા દીધા હતા, તેઓની બાર ટોપલી ભરી.
14માટે તે લોકોએ ઈસુએ કરેલો એ ચમત્કાર જોઈને કહ્યું, “જે પ્રબોધક જગતમાં આવનાર છે, તે ખરેખર આ જ છે.”
15લોકો આવીને મને રાજા કરવા માટે જબરદસ્તીથી પકડવાના છે, એ જાણીને ઈસુ બીજી વાર પહાડ પર એકલા ચાલ્યા ગયા.
ઈસુ પાણી પર ચાલ્યા
16સાંજ પડી ત્યારે તેમના શિષ્યો સમુદ્રકાંઠે ગયા. 17હોડીમાં બેસીને તેઓ કપર-નાહૂમ જવાને સમુદ્રને પેલે પાર જતા હતા. તે વખતે અંધારું થયું હતું, અને ઈસુ હજી તેઓની પાસે આવ્યા ન હતા. 18ભારે પવન વાયાથી સમુદ્ર ઊછળતો હતો. 19જ્યારે તેઓ હલેસાં મારીને આશરે ત્રણેક માઈલ ગયા, ત્યારે ઈસુને સમુદ્ર પર ચાલતા અને હોડીની પાસે આવતા દેખીને તેઓ બીધા. 20પણ તે તેઓને કહે છે, “એ તો હું છું; ગભરાશો નહિ.” 21ત્યારે આનંદથી તેઓએ તેમને હોડીમાં લીધા, અને તેઓ જયાં જતા હતા તે જગાએ હોડી તરત આવી પહોંચી.
લોકો ઈસુને શોધે છે
22બીજે દિવસે જે લોકો સમુદ્રને પેલે પાર ઊભા રહ્યા હતા તેઓએ જોયું કે, એક હોડી વિના બીજી તે સ્થળે ન હતી, અને તે હોડી પર ઈસુ પોતાના શિષ્યો સાથે ચઢયા ન હતા, પણ એકલા તેમના શિષ્યો ગયા હતા. 23(તોપણ જ્યાં પ્રભુએ સ્તુતિ કર્યા પછી તેઓએ રોટલી ખાધી હતી, તે સ્થળ પાસેના તિબેરિયસથી [બીજી] હોડીઓ આવી.) 24માટે જ્યારે તે લોકોએ જોયું કે ઈસુ તેમ જ તેમના શિષ્યો તે સ્થળે નથી, ત્યારે તેઓ પોતે હોડીઓમાં બેસીને ઈસુની શોધ કરતા કરતા કપર-નાહૂમ આવ્યા.
ઈસુ જીવનની રોટલી
25પછી સમુદ્રને પેલે પાર તેઓએ તેમને મળીને તેમને પૂછયું, “રાબ્બી, તમે ક્યારે અહીં આવ્યા?”
26ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, “હું તમને ખચીત ખચીત કહું છું કે, તમે ચમત્કાર જોયા તે માટે તમે મને શોધતા નથી, પણ તમે રોટલી ખાઈને ઘરાયા તે માટે [શોધો છો]. 27જે અન્‍ન નાશવંત છે તેને માટે નહિ, પણ જે અન્‍ન અનંતજીવન સુધી ટકે છે, જે માણસનો દીકરો તમને આપશે, તેને માટે મહેનત કરો; કેમ કે ઈશ્વર પિતાએ તેના પર મહોર કરી છે.”
28ત્યારે તેઓએ તેમને પૂછયું, “અમે ઈશ્વરનાં કામ કરીએ તે માટે અમારે શું કરવું જોઈએ?” 29ઈસુએ તેઓને કહ્યું, “જેને તેમણે મોકલ્યો છે તેના પર તમે વિશ્વાસ કરો, એ જ ઈશ્વરનું કામ છે.” 30માટે તેઓએ તેમને કહ્યું, “તમે શો ચમત્કાર દેખાડો છો કે અમે તે જોઈને તમારા પર વિશ્વાસ કરીએ? તમે શું કામ કરો છો?
31 # નિ. ૧૬:૪,૧૫. અમારા પૂર્વજોએ તો અરણ્યમાં માન્‍ના ખાધું, જેમ લખેલું છે કે, #ગી.શા. ૭૮:૨૪. ‘તેમણે આકાશમાંથી તેઓને ખાવાની રોટલી આપી.’
32ત્યારે ઈસુએ તેઓને કહ્યું, “હું તમને ખચીત ખચીત કહું છું કે, તે રોટલી મૂસાએ આકાશમાંથી તમને આપી નથી. પણ આકાશમાંથી જે ખરી રોટલી [આવે] છે, તે મારા પિતા તમને આપે છે. 33કેમ કે આકાશમાંથી જે ઊતરીને જગતને જીવન આપે છે, તે ઈશ્વરની રોટલી છે.” 34ત્યારે તેઓએ તેમને કહ્યું, “પ્રભુ, તે રોટલી સદા અમને આપો.” 35ઈસુએ તેઓને કહ્યું, “જીવનની રોટલી હું છું; જે મારી પાસે આવે છે તેને ભૂખ નહિ જ લાગશે, અને જે મારા પર વિશ્વાસ કરે છે, તેને કદી તરસ નહિ જ લાગશે. 36પણ મેં તમને કહ્યું કે, તમે મને જોયો છે, તોપણ વિશ્વાસ નથી કરતા. 37પિતા મને જે આપે છે તે સર્વ મારી પાસે આવશે, અને જે મારી પાસે આવે છે તેને હું કાઢી નહિ જ મૂકીશ. 38કેમ કે હું મારી પોતાની ઇચ્છા નહિ, પણ જેમણે મને મોકલ્યો છે તેમની ઇચ્છા પૂરી કરવાને આકાશથી ઊતર્યો છું. 39જેમણે મને મોકલ્યો છે તેમની ઇચ્છા એ છે કે, તેમણે મને જે આપ્યું છે, તે સર્વમાંથી હું કંઈ ખોઉં નહિ, પણ છેલ્લે દિવસે તેને પાછું ઉઠાડું. 40કેમ કે મારા પિતાની ઈચ્છા એ છે કે, જે કોઈ દીકરાને જોઈને તેના પર વિશ્વાસ કરશે, તેને અનંતજીવન મળશે; અને છેલ્લે દિવસે હું તેને પાછો ઉઠાડીશ.”
41એ માટે યહૂદીઓએ તેમને વિષે કચકચ કરી, કેમ કે તેમણે કહ્યું હતું, “આકાશમાંથી ઊતરેલી રોટલી હું છું.” 42તેઓએ કહ્યું, “યૂસફનો દીકરો, ઈસુ જેનાં માબાપને અમે ઓળખીએ છીએ, તે શું એ જ નથી? ત્યારે તે હમણાં એમ કેમ કહે છે કે, આકાશમાંથી હું ઊતર્યો છું?”
43ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, “તમે અંદરોઅંદર કચકચ ન કરો. 44જે મારા પિતાએ મને મોકલ્યો છે, તેમના ખેંચ્યા વિના કોઈ માણસ મારી પાસે આવી નથી શકતો. અને છેલ્લે દિવસે હું તેને પાછો ઉઠાડીશ. 45પ્રબોધક [નાં પુસ્તકો] માં એમ લખેલું છે કે, #યશા. ૫૪:૧૩. ‘તેઓ સર્વ ઈશ્વરથી શીખેલા થશે. જે કોઈ પિતાની પાસેથી સાંભળીને શીખ્યો છે, તે મારી પાસે આવે છે. 46કેમ કે કોઈ માણસે પિતાને જોયા નથી. ઈશ્વરની પાસેથી જે આવ્યો છે તેણે જ પિતાને જોયા છે. 47હું તમને ખચીત ખચીત કહું છું કે, જે વિશ્વાસ કરે છે, તેને અનંતજીવન છે. 48હું જીવનની રોટલી છું. 49તમારા પૂર્વજોએ અરણ્યમાં માન્‍ના ખાધું, અને તેઓ મરી ગયા. 50જે રોટલી આકાશમાંથી ઊતરે છે, તે એ જ છે કે જો કોઈ તે ખાય તો તે મરે નહિ. 51જે જીવતી રોટલી આકાશમાંથી ઊતરી છે તે હું છું. જો કોઈ એ રોટલી ખાય, તો તે સદા જીવતો રહેશે. વળી જે રોટલી હું આપીશ તે મારું માંસ છે, તે જગતના જીવનને માટે [હું આપીશ.]
52એ માટે યહૂદીઓએ અંદરોઅંદર વાદવિવાદ કરતાં કહ્યું, “એ માણસ પોતાનું માંસ આપણને ખાવાને શી રીતે આપી શકે?” 53ત્યારે ઈસુએ તેઓને કહ્યું, “હું તમને ખચીત ખચીત કહું છું કે, જો તમે માણસના દીકરાનું માંસ ન ખાઓ, અને તેનું લોહી ન પીઓ, તો તમારામાં જીવન નથી. 54જે કોઈ મારું માંસ ખાય છે અને મારું લોહી પીએ છે, તેને અનંતજીવન છે. અને છેલ્લે દિવસે હું તેને પાછો ઉઠાડીશ. 55કેમ કે મારું માંસ ખરેખરું ખાવાનું છે, અને મારું લોહી ખરેખરું પીવાનું છે. 56જે મારું માંસ ખાય છે અને મારું લોહી પીએ છે, તે મારામાં રહે છે અને હું તેનામાં રહું છું. 57જેમ જીવંત પિતાએ મને મોકલ્યો છે, અને હું પિતાને આશરે જીવું છું; તેમ જે મને ખાય છે, તે પણ મારે આશરે જીવશે. 58જે રોટલી આકાશમાંથી ઊતરી તે એ જ છે. જેમ [તમારા] પૂર્વજો ખાઈને મરી ગયા તેવી એ નથી. આ રોટલી જે ખાય છે તે સદા જીવતો રહેશે.” 59તેમણે કપર-નાહૂમના સભાસ્થાનમાં બોધ કરતાં એ વાતો કહી.
અનંતજીવનના શબ્દો
60એ માટે તેમના શિષ્યોમાંના ઘણાએ એ સાંભળીને કહ્યું, “આ કઠણ વાત છે, એ કોણ સાંભળી શકે?” 61પણ મારા શિષ્યો એ વિષે કચકચ કરે છે એ ઈસુએ પોતાના મનમાં જાણી લઈને તેઓને કહ્યું, “શું એ તમને ઠોકર ખવડાવે છે? 62ત્યારે માણસનો દીકરો જ્યાં પહેલાં હતો ત્યાં જો તેને પાછો ચઢતાં તમે જુઓ તો કેમ? 63જે જિવાડે છે તે આત્મા છે. માંસથી કંઈ લાભ થતો નથી. જે વાતો મેં તમને કહી છે, તે આત્મા તથા જીવન છે. 64પણ તમારામાંના કેટલાક અવિશ્વાસીઓ છે.” કેમ કે કોણ અવિશ્વાસીઓ છે, અને કોણ તેમને પરસ્વાધીન કરવાનો છે, એ ઈસુ પ્રથમથી જાણતા હતા. 65તેમણે કહ્યું, “મેં એ જ કારણથી તમને કહ્યું હતું કે, પિતા તરફથી તેને આપવામાં આવ્યું ન હોય તો કોઈ મારી પાસે આવી શકતો નથી.”
66આ સાંભળીને તેમના શિષ્યોમાંના ઘણાક પાછા જઈને ત્યાર પછી તેમની સાથે ચાલ્યા નહિ. 67તે માટે ઈસુએ બાર [શિષ્યો] ને પૂછયું, “શું તમે પણ જતા રહેવા ચાહો છો?”
68 # માથ. ૧૬:૧૬; માર્ક ૮:૨૯; લૂ. ૯:૨૦. સિમોન પિતરે તેમને ઉત્તર આપ્યો, “પ્રભુ, અમે કોની પાસે જઈએ? અનંતજીવનની વાતો તો તમારી પાસે છે. 69અમે વિશ્વાસ કર્યો છે અને જાણીએ છીએ કે, ઈશ્વરના પવિત્ર તે તમે જ છો.”
70ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, “શું મેં તમ બારને પસંદ નહોતા કર્યા? પણ તમારામાંનો એક જણ તો શેતાન છે.” 71તેમણે તો સિમોનના [દીકરા] યહૂદા ઇશ્કરિયોત વિષે તે કહ્યું; કેમ કે એ, બારમાંનો એક છતાં, તેમને પરસ્વાધીન કરનાર હતો.

נבחרו כעת:

યોહાન 6: GUJOVBSI

הדגשה

שתף

העתק

None

רוצים לשמור את ההדגשות שלכם בכל המכשירים שלכם? הירשמו או היכנסו