ઉત્પત્તિ 23

23
સારાનું મૃત્યુ-ઇબ્રાહિમ દાટવાની જમીન ખરીદે છે
1અને સારાનું આયુષ્ય એક સો સત્તાવીસ વર્ષનું હતું. સારાના આયુષ્યનાં વર્ષ એટલાં જ હતાં. 2અને સારા કનાન દેશના કિર્યાથ-અર્બા (એટલે હેબ્રોન)માં મરી ગઈ; અને ઇબ્રાહિમ સારાને માટે શોક કરવાને તથા તેને માટે રડવાને આવ્યો.
3અને ઇબ્રાહિમ પોતાની મૃત પત્નીની આગળથી ઊઠીને હેથના દિકરાઓને કહેવા લાગ્યો, 4#હિબ. ૧૧:૯; ૧૩. “હું તમારી મધ્યે પરદેશી તથા પ્રવાસી છું. #પ્રે.કૃ. ૭:૧૬. મને તમારી મધ્યે કબરને માટે જગા કરી આપો કે હું મારી આગળથી મારી મૃત પત્નીને દાટું.” 5અને હેથના દિકરાઓએ ઇબ્રાહિમને ઉત્તર આપીને કહ્યું, 6“મારા સાહેબ, અમારું સાંભળો; અમારામાં તમે મોટા સરદાર છો; તમને પસંદ આવે ત્યાં અમારી કોઈ પણ કબરમાં તમારી મૃત પત્નીને દાટો; તમારી મૃત પત્નીને દાટવાને અમારામાંથી કોઈપણ તમારાથી પોતાની કબર પાછી નહિ રાખે.”
7અને ઇબ્રાહિમ ઊઠયો, ને તે દેશના લોકોને, એટલે હેથના દિકરાઓની આગળ, પ્રણામ કર્યાં. 8અને તેઓની સાથે વાતચીત કરીને કહ્યું, “હું મારી આગળથી મારી મૃત પત્નીને દાટું, એવી જો તમારી મરજી હોય, તો મારું સાંભળો, ને મારે માટે સોહારના દિકરા એફ્રોનને વિનંતી કરો કે, 9માખ્પેલાની ગુફા જે તેને કબજે છે, અને જે તેના ખેતરની હદ પર છે, તે પૂરી કિંમતે તમારી મધ્યે કબરને માટે મારે સ્વાધીન કરે.” 10અને એફ્રોન હેથના દિકરાઓ મધ્યે બેઠેલો હતો; અને પોતાના નગરના દરવાજામાં પેસનારા જે સર્વ હેથના દિકરા તેઓના સાંભળતાં એફ્રોન હિત્તીએ ઇબ્રાહિમને ઉત્તર આપીને કહ્યું, 11“મારા સાહેબ, એમ નહિ, મારું સાંભળો; ખેતર હું તમને આપું છું, મારા લોકના દિકરાઓના દેખતાં તે હું તમને આપું છું. તમારી મૃત પત્નીને દાટજો.” 12અને દેશના લોકની આગળ ઇબ્રાહિમે પ્રણામ કર્યાં. 13અને તેણે તે દેશના લોકોના સાંભળતાં એફ્રોનને કહ્યું, “જો તારી મરજી હોય તો કૃપા કરી મારું સાંભળ:તે ખેતરને માટે હું તને કિંમત આપીશ; તે મારી પાસેથી લે, તો ત્યાં હું મારી મૃત પત્નીને દાટું.” 14અને એફ્રોને ઇબ્રાહિમને ઉત્તર આપીને કહ્યું, 15“મારા સાહેબ, મારું સાંભળો; ચારસો શેકલ રૂપાની જમીન તે મારી ને તમારી વચ્ચે શા લેખામાં? માટે તમારી મૃત પત્નીને દાટજો.” 16અને ઇબ્રાહિમે એફ્રોનનું સાંભળ્યું; અને જેટલું તેણે હેથના દિકરાઓના સાંભળતાં કહ્યું હતું, તેટલું એટલે વેપારીઓમાં ચલણી [નાણાં પ્રમાણે] ચારસો શેકેલ રૂપું ઇબ્રાહિમે તોળીને એફ્રોનને આપ્યું.
17અને માખ્પેલામાં મામરેની આગળ એફ્રોનનું જે ખેતર તથા જે ગુફા તથા ખેતરની ચારે બાજુની હદની અંદર જે સર્વ વૃક્ષો તે, 18તેના નગરના દરવાજામાં સર્વ જનારાની આગળ હેથના દિકરાઓના જોતાં ઇબ્રાહિમને વતનને માટે સોંપવામાં આવ્યાં. 19અને તે પછી ઇબ્રાહિમે કનાન દેશનું મામરે જે હેબ્રોન છે, તેની આગળ, માખ્પેલાના ખેતરની ગુફામાં પોતાની પત્ની સારાને દાટી. 20અને હેથના દિકરાઓએ ઇબ્રાહિમને કબરસ્તાનને માટે, તે ખેતરનો તથા તેમાંની ગુફાનો કબજો નકકી કરી આપ્યો.

הדגשה

שתף

העתק

None

רוצים לשמור את ההדגשות שלכם בכל המכשירים שלכם? הירשמו או היכנסו