ઉત્પત્તિ 11

11
બેબિલોનનો બુરજ
1શરૂઆતમાં આખી પૃથ્વીના બધા લોકોની એક જ ભાષા હતી અને બોલીનું ઉચ્ચારણ પણ એકસરખું હતું. 2તેઓ પૂર્વ તરફ આગળ વધતા વધતા શિનઆરના સપાટ પ્રદેશમાં આવીને વસ્યા. 3તેમણે એકબીજાને કહ્યું, “ચાલો, આપણે ઈંટો પાડીએ અને તેમને પકવીએ.” તેમની પાસે બાંધકામ માટે પથ્થરને બદલે ઈંટો અને માટીના ગારાને બદલે ડામર હતાં. 4પછી તેમણે કહ્યું, “ચાલો, આપણે પોતાને માટે એક શહેર બાંધીએ અને જેની ટોચ આકાશ સુધી પહોંચે એવો બુરજ બાંધીએ, જેથી આપણી નામના થાય અને આપણે પૃથ્વી પર વિખેરાઈ ન જઈએ.”
5માણસોના પુત્રો આ જે શહેર અને બુરજ બાંધતા હતા તે જોવા પ્રભુ નીચે ઊતરી આવ્યા. 6તેમણે કહ્યું, “આ બધા લોકો એક છે અને તેઓ એક જ ભાષા બોલે છે. હવે તેમણે જે કાર્ય કરવાનું આયોજન કર્યું છે તેમાં રુકાવટ આવશે નહિ. 7ચાલો, આપણે નીચે જઈને તેમની ભાષા ગૂંચવી નાખીએ, જેથી તેઓ એકબીજાની ભાષા સમજે નહિ.” 8એમ પ્રભુએ તેમને આખી પૃથ્વી પર વિખેરી નાખ્યા. તેમણે શહેર બાંધવાનું પડતું મૂકાયું. 9તેથી એ શહેરનું નામ બેબિલોન [ગૂંચવણ] પડયું; કારણ, ત્યાં આગળ પ્રભુએ સમસ્ત પૃથ્વીની ભાષા ગૂંચવી નાખી અને અહીંથી પ્રભુએ તેમને સૌને આખી પૃથ્વી પર વિખેરી નાખ્યા.
શેમના વંશજો
(૧ કાળ. 1:24-27)
10જળપ્રલય થયા પછી બીજે વર્ષે જ્યારે શેમ 100 વર્ષનો હતો ત્યારે તેને આર્પાકશાદ થયો. 11આર્પાકશાદના જન્મ પછી શેમ બીજાં 500 વર્ષ જીવ્યો અને તેને બીજાં પુત્રોપુત્રીઓ થયાં.
12આર્પાકશાદ 35 વર્ષનો હતો ત્યારે તેને શેલા થયો. 13શેલાના જન્મ પછી આર્પાકશાદ બીજાં 403 વર્ષ જીવ્યો અને તેને બીજાં પુત્રોપુત્રીઓ થયાં.
14શેલા 30 વર્ષનો હતો ત્યારે તેને હેબેર થયો. 15હેબેરના જન્મ પછી શેલા બીજાં 403 વર્ષ જીવ્યો અને તેને બીજાં પુત્રોપુત્રીઓ થયાં.
16હેબેર 34 વર્ષનો હતો ત્યારે તેને પેલેગ થયો. 17પેલેગના જન્મ પછી હેબેર બીજાં 430 વર્ષ જીવ્યો, અને તેને બીજાં પુત્રોપુત્રીઓ થયાં.
18પેલેગ 30 વર્ષનો હતો ત્યારે તેને રેઉ થયો. 19રેઉનો જન્મ થયા પછી પેલેગ બીજાં 209 વર્ષ જીવ્યો, અને તેને બીજાં પુત્રોપુત્રીઓ થયાં.
20રેઉ 32 વર્ષનો હતો ત્યારે તેને સરૂગ થયો. 21સરૂગનો જન્મ થયા પછી રેઉ બીજાં 200 વર્ષ જીવ્યો, અને તેને બીજાં પુત્રોપુત્રીઓ થયાં.
22સરૂગ 30 વર્ષનો હતો ત્યારે તેને નાહોર થયો. 23નાહોરનો જન્મ થયા પછી સરૂગ બીજાં 207 વર્ષ જીવ્યો અને તેને બીજાં પુત્રોપુત્રીઓ થયાં.
24નાહોર 29 વર્ષનો હતો ત્યારે તેને તેરા થયો. 25તેરાના જન્મ પછી નાહોર 119 વર્ષ જીવ્યો અને તેને બીજાં પુત્રોપુત્રીઓ થયાં.
26તેરા 70 વર્ષનો થયો ત્યારે તેને અબ્રામ, નાહોર અને હારાન થયા.
તેરાના વંશજો
27તેરાના વંશજો આ પ્રમાણે છે: અબ્રામ, નાહોર અને હારાન. હારાનનો પુત્ર લોત હતો. 28હારાન પોતાના વતન ખાલદીઓના નગર ઉરમાં મૃત્યુ પામ્યો. તેના મૃત્યુ વખતે તેનો પિતા તેરા જીવતો હતો. 29અબ્રામે સારાય સાથે તથા નાહોરે મિલ્કા સાથે લગ્ન કર્યાં. મિલ્કા હારાનની પુત્રી હતી. હારાન યિસ્કાનો પણ પિતા હતો. 30સારાય નિ:સંતાન હતી; કારણ, તે વંધ્યા હતી.
31તેરા પોતાના પુત્ર અબ્રામને, પોતાના પુત્ર હારાનના પુત્ર લોતને, તથા પોતાની પુત્રવધૂ એટલે અબ્રામની પત્ની સારાયને લઈને ખાલદીઓના નગર ઉરમાંથી કનાન દેશમાં જવા ચાલી નીકળ્યો. તેઓ હારાનમાં આવી ઠરીઠામ થયાં. 32તેરા 205 વર્ષની ઉંમરે હારાનમાં મૃત્યુ પામ્યો.

Tällä hetkellä valittuna:

ઉત્પત્તિ 11: GUJCL-BSI

Korostus

Jaa

Kopioi

None

Haluatko, että korostuksesi tallennetaan kaikille laitteillesi? Rekisteröidy tai kirjaudu sisään