યોહાન 5
5
આડત્રીસ વર્ષથી માંદો માણસ સાજો થયો
1એ બિનાઓ બન્યા પછી યહૂદીઓનું એક પર્વ હતું. તે વખતે ઈસુ યરુશાલેમ ગયા. 2હવે યરુશાલેમમાં મેઢાંભાગળની પાસે એક કુંડ છે, તે હિબ્રૂ ભાષામાં બેથઝાથા કહેવાય છે. તેને [લગતી] પાંચ પરસાળ છે. 3તેઓમાં રોગી, આંધળા, લંગડા, સુકાઈ ગયેલાં અંગોવાળા, ઘણા માણસો પડી રહેલા હતા. [તેઓ પાણી હાલવાની રાહ જોતા હતા. 4કેમ કે કોઈ કોઈ સમયે એક દૂત તે કુંડમાં ઊતરીને પાણીને હલાવતો હતો; ત્યારે પાણી હલાવ્યા પછી જે કોઈ પહેલો તેમાં ઊતરતો, તેને જે કંઈ રોગ લાગેલો હોય તેથી તે નીરોગી થતો.] 5ત્યાં એક જણ હતો, તે આડત્રીસ વરસથી માંદો હતો. 6તેને પડેલો જોઈને તથા ઘણા સમયથી તે એવો જ છે, એ જાણીને ઈસુ તેને પૂછે છે, “શું તું સાજો થવા ચાહે છે?” 7તે માંદાએ તેમને ઉત્તર આપ્યો, “પ્રભુ, જે સમયે પાણી હાલે છે, તે સમયે મને કુંડમાં ઉતારવાને મારી પાસે કોઈ હોતું નથી. પણ હું ઊતરવા જાઉં છું, એટલામાં બીજો મારી અગાઉ ઊતરી પડે છે.”
8ઈસુ તેને કહે છે, “ઊઠ, તારું બિછાનું ઊંચકીને ચાલ.” 9તરત તે માણસ સાજો થઈને પોતાનું બિછાનું ઊંચકીને ચાલતો થયો.
હવે તે દિવસે વિશ્રામવાર હતો. 10તે માટે જેને સાજો કરવામાં આવ્યો હતો તેને યહૂદીઓએ કહ્યું, #નહે. ૧૩:૧૯; યર્મિ. ૧૭:૨૧. “આજે વિશ્રામવાર છે એટલે તારે બિછાનું ઊંચકવું વાજબી નથી.” 11પણ તેણે તેઓને એવો ઉત્તર આપ્યો, “જેમણે મને સાજો કર્યો તેમણે મને કહ્યું કે, તારું બિછાનું ઊંચકીને ચાલ.” 12તેઓએ તેને પૂછયું, “તને જેણે એમ કહ્યું કે, ‘બિછાનું ઊંચકીને ચાલ’, તે માણસ કોણ છે?” 13પણ તે કોણ છે, એ પેલો સાજો થયેલો માણસ જાણતો નહોતો; કેમ કે તે ઠેકાણે ભીડ હતી, માટે ઈસુ ત્યાંથી ખસી ગયા હતા. 14પછી મંદિરમાં તેને મળીને ઈસુએ કહ્યું, “જો, તું સાજો થયો છે; હવેથી પાપ ન કર, રખેને તારા પર વિશેષ [વિપત્તિ] આવી પડે.” 15તે માણસે જઈને યહૂદીઓને કહ્યું, જેમણે મને સાજો કર્યો તે ઈસુ છે.” 16એ કામો ઈસુએ વિશ્રામવારે કર્યાં હતાં, માટે યહૂદીઓ તેમની પાછળ લાગ્યા. 17પણ ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, “મારા પિતા અત્યાર સુધી કામ કરે છે, અને હું પણ કામ કરું છું.” 18તે માટે તેમને મારી નાખવાને યહૂદીઓએ વિશેષ પ્રયત્ન કર્યો, કેમ કે તેમણે વિશ્રામવાર ભંગ કર્યો એટલું જ નહિ, પણ ઈશ્વરને પોતાના પિતા કહીને પોતાને ઈશ્વર સમાન કર્યા.
દીકરાનો અધિકાર
19ત્યારે ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, “હું તમને ખચીત ખચીત કહું છું કે, દીકરો પિતાને જે કંઈ કરતા જુએ છે તે સિવાય પોતે કંઈ કરી નથી શકતો; કેમ કે તે જે જે કરે છે તે તે દીકરો પણ કરે છે. 20કેમ કે પિતા દિકરા પર પ્રેમ કરે છે, અને પોતે જે કંઈ કરે છે તે બધું તે તેને બતાવે છે; અને તે તેને એ કરતાં મોટાં કામ બતાવશે, એ માટે કે તમે આશ્ચર્ય પામો. 21કેમ કે જેમ પિતા મરી ગયેલાંઓને ઉઠાડીને તેમને સજીવન કરે છે, તેમ જ દીકરો પણ ચાહે તેઓને સજીવન કરે છે. 22કેમ કે પિતા કોઈનો ન્યાય ચૂકવતા નથી, પણ ન્યાય ચૂકવવાનું બધું કામ તેમણે દીકરાને સોંપ્યું છે. 23કે, જેમ બધા પિતાને માન આપે છે, તેમ દીકરાને પણ માન આપે, દીકરાને જે માન નથી આપતો, તે તેના મોકલનાર પિતાને પણ માન નથી આપતો.
24હું તમને ખચીત ખચીત કહું છું કે, જે મારાં વચન સાંભળે છે, અને મને મોકલનાર પર વિશ્વાસ કરે છે, તેને અનંતજીવન છે; તે અપરાધી નહિ ઠરશે, પણ મરણમાંથી નીકળીને જીવનમાં આવ્યો છે. 25હું તમને ખચીત ખચીત કહું છું કે, એવો સમય આવે છે, અને હમણાં આવી ચૂક્યો છે કે, જયારે મરી ગયેલાંઓ ઈશ્વરના દીકરાની વાણી સાંભળશે; અને સાંભળનારાં જીવતાં થશે. 26કેમ કે જેમ પિતાને પોતામાં જીવન છે, તેમ દીકરાને પણ પોતામાં જીવન રાખવાનું તેમણે આપ્યું. 27ન્યાય ચૂકવવાનો અધિકાર પણ તેમણે તેને આપ્યો, કેમ કે તે માણસનો દીકરો છે. 28એથી તમે આશ્ચર્ય ન પામો; કેમ કે એવો સમય આવે છે કે જયારે જેઓ કબરમાં છે તેઓ સર્વ તેની વાણી સાંભળશે. 29અને #દા. ૧૨:૨. જેઓએ સારાં કામ કર્યાં છે, તેઓ જીવનનું ઉત્થાન પામવા માટે, અને જેઓએ ભૂંડાં કામ કર્યાં છે, તેઓ દંડનું ઉત્થાન પામવા માટે નીકળી આવશે.
પ્રભુ ઈસુના સાક્ષીઓ
30હું મારી જાતે કંઈ કરી શકતો નથી; જે પ્રમાણે હું સાંભળું છું, તે પ્રમાણે ન્યાય ઠરાવું છું. અને મારો ન્યાય અદલ છે, કેમ કે હું મારી પોતાની ઇચ્છા નહિ, પણ જેમણે મને મોકલ્યો છે, તેમની ઇચ્છા પૂરી કરવા ચાહું છું.
31જો હું પોતાના વિષે સાક્ષી આપું તો મારી સાક્ષી ખરી નથી. 32મારા વિષે જે સાક્ષી આપે છે, તે બીજો છે; અને જે સાક્ષી મારા વિષે તે આપે છે, તે ખરી છે, એ હું જાણું છું. 33#યોહ. ૧:૧૯-૨૭; ૩:૨૭-૩૦. તમે યોહાન પાસે માણસ મોકલ્યા, તમને તેણે સત્ય વિષે સાક્ષી આપી છે. 34તોપણ જે સાક્ષી હું સ્વીકારું છું તે માણસો તરફથી નથી. પણ તમે તારણ પામો માટે હું એ વાતો કહું છું. 35તે સળગતો તથા પ્રકાશતો દીવો હતો! તેના અજવાળામાં ઘડીભર આનંદ કરવાને તમે રાજી હતા. 36પણ યોહાનની [સાક્ષી] કરતાં મારી પાસે મોટી સાક્ષી છે; કેમ કે જે કામો પિતાએ મને પૂરાં કરવાને આપ્યાં છે, એટલે જે કામો હું કરું છું, તે જ મારે વિષે સાક્ષી આપે છે કે પિતાએ મને મોકલ્યો છે. 37વળી #માથ. ૩:૧૭; માર્ક ૧:૧૧; લૂ. ૩:૨૨. પિતાએ મને મોકલ્યો છે, તેમણે પણ મારા વિશે સાક્ષી આપી છે. તમે કદી તેમની વાણી નથી સાંભળી, અને તેમનું રૂપ પણ જોયું નથી. 38તેમની વાત તમારામાં રહેલી નથી; કેમ કે જેને તેમણે મોકલ્યો, તેના પર તમે વિશ્વાસ નથી કરતા. 39તમે શાસ્ત્ર તપાસી જુઓ છો, કેમ કે તેઓથી તમને અનંતજીવન છે, એમ તમે ધારો છો. અને મારે વિષે સાક્ષી આપનાર તે એ જ છે. 40જીવન પામવા માટે તમે મારી પાસે આવવા ચાહતા નથી.
41હું માણસો તરફથી મહિમા લેતો નથી. 42પણ હું જાણું છું કે ઈશ્વર પરનો પ્રેમ તમારામાં નથી. 43હું મારા પિતાને નામે આવ્યો છું, પણ તમે મારો અંગીકાર કરતા નથી! જો કોઈ બીજો પોતાને નામે આવશે, તો તેનો તમે આવકાર કરશો. 44તમે એકબીજાથી માન પામો છો, પણ જે માન એકલા ઈશ્વરથી છે તે તમે શોધતા નથી, તો તમે વિશ્વાસ શી રીતે કરી શકો? 45હું પિતાની આગળ તમારા પર દોષ મૂકીશ, એમ ન ધારો. તમારા પર દોષ મૂકનાર એક, એટલે મૂસા છે, તેના પર તમે ભરોસો રાખો છો. 46કેમ કે જો તમે મૂસા પર વિશ્વાસ કર્યો હોત, તો તમે મારા પર પણ વિશ્વાસ કરત; કેમ કે તેણે મારા વિષે લખેલું છે. 47પણ જો તમે તેના લેખો પર વિશ્વાસ નથી કરતા, તો મારી વાતો પર તમે કેમ વિશ્વાસ કરશો?”
Currently Selected:
યોહાન 5: GUJOVBSI
Tõsta esile
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.