Logo de YouVersion
Icono de búsqueda

યોહાન 8

8
પહેલો પથ્થર કોણ મારે?
1 # 8:1 આ બનાવ મોટા ભાગની પ્રાચીન અને આધારભૂત હસ્તપ્રતોમાં નથી. પરંતુ આ બનાવમાં ઐતિહાસિક ઘટનાને લગતાં બધાં જ ચિહ્નો છે અને મૌખિક રીતે એનો પ્રચાર થયો હશે એવી ધારણા છે. આઠમા અયાયની પહેલી કલમનો પૂર્વાર્ધ ઘણી હસ્તપ્રતોમાં સાતમા અયાયની ત્રેપનમી કલમ છે. ત્યાર પછી તે બધા પોતપોતાને ઘેર ગયા; પરંતુ ઈસુ ઓલિવ પહાડ પર ગયા. 2બીજે દિવસે વહેલી સવારે તેઓ મંદિરમાં પાછા આવ્યા. બધા લોકો તેમની પાસે એકત્ર થયા, ત્યાં બેસીને ઈસુએ તેમને બોધ કર્યો. 3નિયમશાસ્ત્રના શિક્ષકો અને ફરોશીઓ વ્યભિચાર કરતાં પકડાયેલી એક સ્ત્રીને લઈ આવ્યા. અને તેને બધાની વચમાં ઊભી રાખી. 4તેમણે ઈસુને કહ્યું, “ગુરુજી, આ સ્ત્રી વ્યભિચાર કરતાં જ પકડાઈ છે. 5મોશેએ આપણને નિયમશાસ્ત્રમાં એવી આજ્ઞા આપી છે કે એવી સ્ત્રીને પથ્થરો મારીને મારી નાખવી. તો હવે તમે શું કહો છો?”
6આમ કરવાનો તેમનો હેતુ તો ઈસુની પરીક્ષા કરવાનો હતો; જેથી તેમની ઉપર આરોપ મૂકી શકાય. પરંતુ ઈસુ નીચા નમીને જમીન પર આંગળીથી લખવા લાગ્યા. 7તેઓ તેમની આસપાસ ઊભા રહી પ્રશ્ર્ન પૂછતા હતા. તેવામાં ઈસુએ ઊભા થઈને કહ્યું, “તમારામાંના જેણે એક પણ પાપ કર્યું ન હોય, તે પહેલો પથ્થર મારે.” 8તે ફરી નીચા નમીને જમીન પર લખવા લાગ્યા. 9એ સાંભળીને મોટેરાંઓથી માંડીને નાના સુધી એક પછી એક બધા ચાલ્યા ગયા. ઈસુ એકલા જ ત્યાં રહી ગયા; પેલી સ્ત્રી હજી ઊભી હતી. 10ઈસુએ ફરી ઊભા થઈને તે સ્ત્રીને કહ્યું, “બહેન, તેઓ ક્યાં ગયા? કોઈ તને સજાપાત્ર ઠરાવવા ન રહ્યું?”
11તેણે જવાબ આપ્યો, “કોઈ નહિ, પ્રભુ.” ઈસુએ જવાબ આપ્યો, “હું પણ તને સજાપાત્ર ઠરાવતો નથી. જા, હવેથી પાપ કરીશ નહિ.”
જગપ્રકાશ ઈસુ
12ઈસુએ ફરીથી તેમને કહ્યું, “હું દુનિયાનો પ્રકાશ છું. જે કોઈ મને અનુસરે છે તેની પાસે જીવનનો પ્રકાશ રહેશે અને તે કદી અંધકારમાં ચાલશે નહિ.”
13ફરોશીઓએ તેમને કહ્યું, “તમે પોતે જ પોતાને માટે સાક્ષી આપો છો. તમારી સાક્ષી વજૂદ વગરની છે.”
14ઈસુએ તેમને જવાબ આપતાં કહ્યું, “હું મારા પોતા વિશે સાક્ષી આપું છતાં પણ મારી સાક્ષી સાચી છે; કારણ, હું જાણું છું કે હું ક્યાંથી આવ્યો છું અને ક્યાં જવાનો છું. 15તમે માનવી ધોરણે જ તુલના કરો છો; જ્યારે હું કોઈનો ન્યાય કરતો નથી. 16પરંતુ જો હું ન્યાય કરું તો તે સાચો હશે; કારણ, ન્યાય કરનાર હું એકલો નથી, પણ મને મોકલનાર ઈશ્વરપિતા મારી સાથે છે. 17તમારા નિયમશાસ્ત્રમાં લખેલું છે કે બે વ્યક્તિની એક્સરખી સાક્ષી વજૂદવાળી ગણાય. 18હું મારા પોતા વિષે સાક્ષી આપું છું, અને મને મોકલનાર પિતા પણ મારે વિષે સાક્ષી આપે છે.”
19તેમણે પૂછયું, “તારો પિતા ક્યાં છે?”
ઈસુએ જવાબ આપ્યો, “તમે મને કે મારા પિતાને ઓળખતા નથી. જો તમે મને ઓળખતા હોત તો મારા પિતાને પણ ઓળખત.”
20મંદિરમાં જયાં દાન-પેટીઓ હોય છે ત્યાં શિક્ષણ આપતાં ઈસુએ આ બધું કહ્યું. પરંતુ કોઈએ તેમને પકડયા નહિ, કારણ, તેમનો સમય આવ્યો ન હતો.
ચેતવણી
21ઈસુએ ફરીથી તેમને કહ્યું, “હું જાઉં છું અને તમે મને શોધશો, પરંતુ તમે તમારા પાપમાં મરશો. હું જાઉં છું ત્યાં તમે આવી શક્તા નથી.”
22ત્યારે યહૂદી અધિકારીઓ કહેવા લાગ્યા, “‘હું જઉં છું ત્યાં તમે આવી શક્તા નથી,’ એમ તે કહે છે, તો શું તે આપઘાત કરવાનો હશે?”
23ઈસુએ તેમને જવાબ આપ્યો, “તમે આ પૃથ્વી પરના છો, જ્યારે હું ઉપરથી આવ્યો છું. તમે આ દુનિયાના છો, પરંતુ હું આ દુનિયાનો નથી. 24એટલે જ મેં તમને કહ્યું કે તમે તમારા પાપમાં મરશો. હું તે જ છું એવો વિશ્વાસ તમે નહિ મૂકો, તો તમે તમારા પાપમાં જ મરશો.”
25ત્યારે તેમણે તેમને પૂછયું, “તું કોણ છે?”
ઈસુએ જવાબ આપ્યો, “તે તો હું તમને શરૂઆતથી જ કહેતો આવ્યો છું. 26તમારે વિષે તો મારે ઘણી બાબતો કહેવાની છે અને ન્યાય કરવાનો છે. છતાં મને મોકલનાર સાચા છે અને તેમની પાસેથી જે વાતો સાંભળી છે તે જ હું દુનિયાને સંભળાવું છું.”
27ઈસુ તેમને ઈશ્વરપિતા વિષે કહી રહ્યા હતા એવું તેઓ સમજી શક્યા નહિ. 28તેથી ઈસુએ તેમને કહ્યું, “જ્યારે તમે માનવપુત્રને ઊંચે ચઢાવશો ત્યારે તમે જાણશો કે હું તે જ છું. અને હું મારી પોતાની જાતે કશું જ કરતો નથી, પણ મારા પિતા જે શીખવે તે જ હું બોલું છું. 29મને મોકલનાર મારી સાથે છે. તેમણે મને એકલો મૂક્યો નથી; કારણ, તેમને જે ગમે છે તે જ હું હંમેશાં કરું છું.”
30ઈસુની આ વાતો સાંભળીને ઘણાએ તેમના પર વિશ્વાસ મૂક્યો.
સાચી અને કાયમી સ્વતંત્રતા
31તેથી તેમના પર વિશ્વાસ મૂકનાર યહૂદીઓને તેમણે કહ્યું, “જો તમે મારું શિક્ષણ પાળો તો જ તમે મારા ખરા શિષ્ય છો. 32તમે સત્યને જાણશો અને સત્ય તમને સ્વતંત્ર કરશે.”
33તેમણે જવાબ આપ્યો, “અમે અબ્રાહામના વંશજો છીએ. અમે કદી કોઈના ગુલામ બન્યા નથી. તો પછી ‘તમે સ્વતંત્ર થશો’ એમ તમે શા માટે કહો છો?”
34ઈસુએ તેમને કહ્યું, “હું તમને સાચે જ કહું છું: જે કોઈ પાપ કર્યા કરે છે તે પાપનો ગુલામ છે. 35ગુલામ ઘરમાં કાયમ રહેતો નથી, પરંતુ પુત્ર કાયમ રહે છે. 36તેથી જો પુત્ર તમને સ્વતંત્ર કરે તો તમે ખરેખર સ્વતંત્ર થશો. 37મને ખબર છે કે તમે અબ્રાહામના વંશજો છો. છતાં મારું શિક્ષણ નહિ સ્વીકારવાને લીધે તમે મને મારી નાખવા માગો છો. 38મારા પિતાએ મને જે દર્શાવ્યું છે તે હું કહી બતાવું છું, પણ તમે તમારા પિતાના કહ્યા પ્રમાણે કરો છો.”
39તેમણે જવાબ આપ્યો, “અબ્રાહામ અમારો આદિપિતા છે.”
ઈસુએ જવાબ આપ્યો, “જો તમે ખરેખર અબ્રાહામના વંશજો હોત, તો તેણે જેવાં કાર્ય કર્યાં એવાં તમે પણ કરત. 40મેં તો તમને ઈશ્વરપિતા પાસેથી સાંભળેલું સત્ય જ કહ્યું છે. છતાં તમે મને મારી નાખવા માગો છો. અબ્રાહામે આવું કશું કર્યું નહોતું! 41તમે તો તમારો પિતા જે કાર્ય કરતો હતો, તે જ કરો છો.”
તેમણે કહ્યું, “અમે વ્યભિચારથી જન્મેલાં સંતાનો નથી. એકલા ઈશ્વર જ અમારા પિતા છે.”
42ઈસુએ તેમને કહ્યું, “જો ઈશ્વર ખરેખર તમારા પિતા હોત, તો તમે મારા પર પ્રેમ કરત, કારણ, હું ઈશ્વર પાસેથી અહીં આવ્યો છું. 43હું મારી પોતાની મેળે આવ્યો નથી, પણ તેમણે મને મોકલ્યો છે. તમે શા માટે મારી વાત સમજતા નથી? એટલા જ માટે કે તમે મારો સંદેશ સહી શક્તા નથી. 44તમારો બાપ તો શેતાન છે. તમે તમારા બાપની દુર્વાસના પ્રમાણે ચાલો છો. તે આરંભથી જ મનુષ્યઘાતક હતો. તે સત્યને પક્ષે ઊભો રહ્યો નથી; કારણ, તેનામાં સત્ય છે જ નહિ. જૂઠું બોલવું તે તેને માટે સ્વાભાવિક છે, કારણ, તે જુઠ્ઠો છે અને જુઠ્ઠાનો બાપ છે. 45હું સત્ય કહું છું એટલે જ તમે મારું માનતા નથી. 46તમારામાંનો કોણ મારા પર પાપ પુરવાર કરી શકે તેમ છે? જો હું સત્ય કહું તો તમે મારું કેમ માનતા નથી? 47જે ઈશ્વરનો છે તે ઈશ્વરનું સાંભળે છે; પણ તમે ઈશ્વરના નથી એટલે જ મારું સાંભળતા નથી.”
48યહૂદીઓએ તેમને સંભળાવ્યું, “તું સમરૂની છે અને તને ભૂત વળગ્યું છે એમ અમે કહીએ છીએ તે શું સાચું નથી?”
49ઈસુએ જવાબ આપ્યો, “મને ભૂત વળગ્યું નથી. હું મારા પિતાને માન આપું છું, પરંતુ તમે મારું અપમાન કરો છો. 50હું મારું માન શોધતો નથી; એની ચિંતા કરનાર અને ન્યાય કરનાર તો બીજો છે. 51હું તમને સાચે જ કહું છું: જો કોઈ મારા સંદેશને આધીન થશે તો તે કદી પણ મરશે નહિ.”
52યહૂદીઓએ તેમને કહ્યું, “હવે અમે ખરેખર સમજી ગયા છીએ કે તને ભૂત વળગ્યું છે. અબ્રાહામ મરણ પામ્યો, ઈશ્વરના સંદેશવાહકો મરણ પામ્યા અને છતાં પણ તું કહે છે, ‘જો કોઈ મારા સંદેશને આધીન થશે તો તે કદી પણ મરશે નહિ?’ 53અમારા આદિપિતા અબ્રાહામ કરતાં શું તું મોટો હોવાનો દાવો કરે છે? તે મરી ગયો, અને ઈશ્વરના સંદેશવાહકો પણ મરી ગયા. તું પોતાને શું સમજે છે?”
54ઈસુએ જવાબ આપ્યો, “જો હું પોતાને માન આપું, તો એ માનનો કંઈ અર્થ નથી. મને માન આપનાર મારા પિતા, જેને તમે તમારા ઈશ્વર કહો છો, તે જ છે. 55તમે તેમને ઓળખ્યા નથી, પરંતુ હું તેમને ઓળખું છું. જો હું એમ કહું કે હું તેમને ઓળખતો નથી, તો તમારી જેમ હું પણ જૂઠો ઠરું. પરંતુ હું તેમને ઓળખું છું અને તેમના સંદેશ અનુસાર વર્તુ છું. 56મારો સમય જોવાનો મળશે એવી આશાથી તમારો પિતા અબ્રાહામ હરખાયો. તે સમય તેણે જોયો અને તેને આનંદ થયો.”
57યહૂદીઓએ તેમને કહ્યું, “હજી તો તું પચાસ વર્ષનો પણ થયો નથી તો તેં#8:57 અથવા “...તો તને અબ્રાહામે કેવી રીતે જોયો?” અબ્રાહામને કેવી રીતે જોયો?”
58ઈસુએ જવાબ આપ્યો, “હું તમને સાચે જ કહું છું: ‘અબ્રાહામના જન્મ પહેલાંનો હું છું.’
59ત્યારે તેમણે તેમને મારવા પથ્થરો લીધા, પરંતુ ઈસુ સંતાઈ જઈને મંદિરમાંથી બહાર નીકળી ગયા.

Actualmente seleccionado:

યોહાન 8: GUJCL-BSI

Destacar

Compartir

Copiar

None

¿Quieres tener guardados todos tus destacados en todos tus dispositivos? Regístrate o inicia sesión