YouVersion Logo
Search Icon

માલાખી 2

2
યાજકો માટે નિયમો
1સૈન્યોનો દેવ યહોવા કહે છે, “હે યાજકો, હવે આ આજ્ઞા તમારા માટે છે તે સાંભળો: 2જો તમે તમારા માર્ગો નહિ બદલો અને મારા નામને મહિમા નહિ આપો તો હું તમને ભયંકર શિક્ષા મોકલીશ. હું તમને આશીર્વાદોને બદલે શાપ આપીશ. મેં તમને શાપ આપી જ દીધો છે, કારણકે મારી વાત તમે ધ્યાન પર લેતા નથી.” આ સૈન્યોનો દેવ યહોવાના વચન છે.
3“હું તમારા વંશજોને સજા કરીશ, તમારા મોઢા પર તમારાં યજ્ઞના પશુઓનું છાણ નાખીશ, અને તેઓની સાથે તમને પણ બાળી નાખવામાં આવશે. 4ત્યારે તમને ખબર પડશે કે મેં આ ચેતવણી તમને આપી છે, જેથી લેવીવંશી યાજકો સાથેનો મારો કરાર રદ ન થાય.” આ સૈન્યોનો દેવ યહોવાના વચન છે.
5“તેની સાથેનો મારો કરાર જીવન તથા શાંતિ આપવાનો હતો. અને તે મેં આપ્યાં. તેમણે મારા પ્રત્યે આદરભાવ રાખવાનો હતો અને પહેલાં તેઓ મારા નામનો ડર રાખીને ચાલતા હતા પણ ખરા. 6તેમનો ઉપદેશ સાચો હતો. અધર્મનો શબ્દ તેમના મુખમાંથી કદી નીકળ્યો ન હતો; તેઓ શાંતિ અને સત્યને માર્ગે મારી સાથે ચાલતા હતા અને ઘણાને પાપમાંથી પાછા વાળતા હતા. 7એટલે માણસો તેમની પાસે ઉપદેશની અપેક્ષા રાખે છે. કારણકે તેમના હોંઠ ઉપર હર સમયે જ્ઞાન હોવું જોઇએ અને તેઓ તો સૈન્યોનો દેવ યહોવાના સંદેશાવાહક છે.”
8“પણ તમે માર્ગમાંથી ભટકી ગયા છો; તમે ઘણા લોકોને માર્ગદર્શન આપીને ઠોકર ખવડાવીને પાપમાં નાખ્યાં છે. તમે લેવીના કરારનું અપમાન કર્યું છે.” એવું સૈન્યોનો દેવ યહોવા કહે છે. 9“મેં તમને લોકોની નજરમાં તિરસ્કારપાત્ર અને ઘૃણાપાત્ર બનાવી દીધા છે. કારણકે તમે મારા ઉપદેશને વળગી રહેતા નથી, અને જ્યારે તમે ન્યાય કરો છો ત્યારે પક્ષપાત કરો છો.”
યહૂદિયા દેવથી ખરું ના ઉતર્યું
10શું આપણા સર્વના પિતા એક જ નથી? શું એક જ દેવે આપણું સર્જન કર્યું નથી? તો પછી આપણા પિતૃઓના કરારનો ભંગ કરીને આપણે આ રીતે શા માટે એકબીજાનો વિશ્વાસઘાત કરીએ છીએ? 11યહૂદાએ વિશ્વાસઘાત કર્યો છે, અને ઇસ્રાએલમાં તથા યરૂશાલેમમાં ધિક્કારપાત્ર કૃત્ય કરવામાં આવ્યું છે; કારણકે યહોવાના પવિત્રસ્થાનને યહૂદાએ ષ્ટ કર્યું છે, અને તેણે એક વિદેશી દેવીની પૂજા કરવાનું શરૂ કર્યું છે. 12જે કોઇ એ પ્રમાણે કરે તે બધાનો યહોવા ઇસ્રાએલના સમાજમાંથી બહિષ્કાર કરો. પછી ભલે તેઓ સૈન્યોનો દેવ યહોવાને માટે અર્પણો લાવતા હોય. 13યહોવા તમારાં અર્પણો પ્રત્યે ધ્યાન આપતા નથી અને તમને તેમના તરફથી આશીર્વાદો મળતા નથી. તેથી તમે તમારાં આંસુઓથી યહોવાની વેદીને ભીંજવો છો.
14તમે પૂછો છો, “શા માટે?” કારણ, જેને તમે જુવાનીમાં દેવની સાક્ષીએ પત્ની તરીકે સ્વીકારી હતી તેને તમે બેવફા નીવડ્યા છો, જો કે કરાર મુજબ તે તમારી જીવનસંગીની અને ધર્મપત્ની હતી. 15શું દેવે તેને અને તમને એક દેહ અને એકાત્મા બનાવ્યાં નહોતાં? અને ધર્મસંતતિ સિવાય બીજા શાની તે અપેક્ષા રાખે છે? તમારા મન પર સંયમ રાખો અને તમારી જુવાનીની પત્નીને બેવફા ન બનો.
16કારણકે ઇસ્રાએલના યહોવા દેવ કહે છે કે, “છૂટાછેડાને અને ક્રૂર માણસોને તે ધિક્કારે છે. માટે તમારા દેહની લાગણીઓ પર સંયમ રાખો; તમારી પત્નીઓને તમે છૂટાછેડા ન આપો.”
ન્યાયનો વિશેષ સમય
17તમે તમારા શબ્દોથી યહોવાને કંટાળો ઉપજાવ્યો છે, તો પણ તમે પૂછો છો કે, શી રીતે અમે તમને કંટાળો ઉપજાવ્યો છે? તમે કહો છો, “દુષ્કર્મ કરનાર દરેક માણસ યહોવાની નજરમાં સારો છે, અને તેમનાથી તે પ્રસન્ન થાય છે; અથવા એમ પૂછીને કે, દેવનો ન્યાય ક્યાં છે?”

Currently Selected:

માલાખી 2: GERV

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in