Λογότυπο YouVersion
Εικονίδιο αναζήτησης

લૂક 15

15
ખોવાયેલું ઘેટું
(માથ. 18:12-14)
1એક વાર નાકાદારો અને સમાજમાંથી બહિષ્કૃત થયેલા માણસો ઈસુને સાંભળવા આવ્યા. 2ફરોશીઓ અને નિયમશાસ્ત્રના શિક્ષકો બબડવા લાગ્યા, “આ માણસ બહિષ્કૃત માણસોને આવકાર આપે છે અને તેમની સાથે જમે છે પણ ખરો!” 3તેથી ઈસુએ તેમને આ ઉદાહરણ આપ્યુ.
4“ધારો કે તમારામાંના કોઈની પાસે સો ઘેટાં હોય અને તેમાંનું એક ખોવાઈ જાય, તો તે શું કરશે? તે બાકીનાં નવ્વાણું ઘેટાંને ટેકરી પર ચરતાં મૂકીને પેલું ખોવાયેલું ઘેટું મળે ત્યાં સુધી તેની શોધ કરશે. 5જ્યારે તે તેને મળશે ત્યારે તેને એટલો આનંદ થશે કે તે તેને પોતાના ખભા પર ઊંચકીને ઘેર લાવશે. 6પછી તે પોતાના મિત્રોને અને પડોશીઓને એકઠા કરીને તેમને કહેશે, ‘મારું ખોવાયેલું ઘેટું મને પાછું મળ્યું છે તેથી મને ઘણો આનંદ થાય છે. તમે પણ મારી સાથે આનંદ કરો.’ 7એ જ પ્રમાણે હું તમને કહું છું કે જેમને પસ્તાવાની જરૂર જણાતી નથી, એવા નેકીવાન ગણાતા નવ્વાણું માણસો કરતાં પસ્તાવો કરતા એક પાપીને લીધે આકાશમાં વિશેષ આનંદ થશે.
ખોવાયેલો સિક્કો
8“અથવા, ધારો એક સ્ત્રી પાસે ચાંદીના દસ સિક્કા હોય અને તેમાંથી એક ખોવાઈ જાય, તો તે શું કરશે? તે દીવો સળગાવશે, પોતાનું ઘર સાફસૂફ કરશે અને તે મળે ત્યાં લગી તેની કાળજીપૂર્વક શોધ કરશે. 9જ્યારે તે તેને મળશે, ત્યારે તે પોતાની બહેનપણીઓને અને પડોશીઓને એકઠાં કરશે અને તેમને કહેશે, ‘મારો ખોવાઈ ગયેલો સિક્કો મને પાછો મળ્યો છે તેથી મને ઘણો આનંદ થાય છે. તમે પણ મારી સાથે આનંદ કરો.’ 10એ જ પ્રમાણે હું તમને કહું છું કે, “પસ્તાવો કરતા એક પાપીને લીધે ઈશ્વરના દૂતો આનંદ કરે છે.”
ખોવાયેલો પુત્ર
11ઈસુએ વધુમાં કહ્યું, “એક માણસને બે પુત્રો હતા. 12નાના પુત્રે તેને કહ્યું, ‘પિતાજી, મિલક્તનો મારો હિસ્સો હવે મને આપી દો.’ તેથી પેલા માણસે બે પુત્રો વચ્ચે મિલક્ત વહેંચી આપી. 13થોડા જ દિવસો પછી નાના પુત્રે મિલક્તનો પોતાનો ભાગ વેચી દીધો અને તેમાંથી મળેલા પૈસા લઈ ઘેરથી જતો રહ્યો. તે દૂર દેશમાં ચાલ્યો ગયો; અને ત્યાં ભોગવિલાસમાં પોતાના બધા પૈસા વેડફી માર્યા. 14તેની પાસે જે હતું તે બધું તેણે ખર્ચી નાખ્યું, પછી તે દેશમાં કારમો દુકાળ પડયો, અને તેની પાસે કંઈ રહ્યું નહિ. 15તેથી તે તે દેશના કોઈ એક નાગરિકને ત્યાં ક્મ કરવા રહ્યો. તેણે તેને ભૂંડોની દેખભાળ રાખવા પોતાના ખેતરમાં મોકલ્યો. 16જે શિંગો ભૂંડો ખાતાં હતાં તે ખાઈને પોતાનું પેટ ભરવાનું તેને મન થતું હતું, પણ કોઈ તેને કંઈ ખાવાનું આપતું નહિ. 17પછી તેને ભાન થયું, અને તે બોલ્યો, ‘મારા પિતાજીના કેટલા બધા નોકરોને તેઓ ખાઈ શકે તે કરતાં વિશેષ મળે છે, અને અહીં હું ભૂખે મરવા પડયો છું!’ 18હું ઊઠીને મારા પિતાજી પાસે જઈશ અને તેમને કહીશ, “પિતાજી, મેં ઈશ્વર વિરુદ્ધ અને તમારી વિરુદ્ધ પાપ કર્યું છે. 19હવે હું તમારો પુત્ર કહેવડાવવાને યોગ્ય રહ્યો નથી; મને તમારા નોકરોમાંના એકના જેવો ગણો.’ 20પછી તે ઊઠીને પોતાના પિતાજીની પાસે જવા ઊપડયો.
હજુ તો તે ઘરથી દૂર હતો એવામાં તેના પિતાએ તેને જોયો; તેના પિતાનું હૃદય દયાથી ભરાઈ આવ્યું. તે દોડીને પોતાના પુત્રને ભેટી પડયો અને તેને ચુંબન કર્યું. 21પુત્રએ કહ્યું, ‘પિતાજી, મેં ઈશ્વર વિરુદ્ધ અને તમારી વિરુદ્ધ પાપ કર્યું છે. હવે હું તમારો પુત્ર કહેવડાવવાને યોગ્ય રહ્યો નથી.’ 22પણ પિતાએ પોતાના નોકરોને બોલાવીને કહ્યું, ‘જલદી કરો. સૌથી સુંદર ઝભ્ભો લાવીને તેને પહેરાવો. તેની આંગળીમાં વીંટી અને પગમાં બુટ પહેરાવો. 23પછી જઈને હૃષ્ટપુષ્ટ વાછરડો લાવીને કાપો. 24ચાલો, આપણે આનંદોત્સવ કરીએ. કારણ, આ મારો પુત્ર મરી ગયો હતો, પણ હવે તે જીવતો થયો છે; તે ખોવાઈ ગયો હતો, પણ હવે તે જડયો છે’ અને એમ તેઓ આનંદ કરવા લાગ્યા.
25આ વખતે મોટો પુત્ર ખેતરમાં હતો. પાછા વળતાં તે ઘરની નજીક આવ્યો તો તેણે સંગીત અને નૃત્યુનો અવાજ સાંભળ્યો. 26તેણે એક નોકરને બોલાવીને પૂછયું, ‘આ બધું શું ચાલે છે?’ 27નોકરે જવાબ આપ્યો, ‘તમારા ભાઈ ઘેર પાછા આવ્યા છે અને તે સહીસલામત પાછા મળ્યા હોવાથી તમારા પિતાજીએ હૃષ્ટપુષ્ટ વાછરડો કપાવ્યો છે.’ 28મોટો ભાઈ ગુસ્સે થઈ ગયો અને તે ઘરમાં પણ જવા માગતો ન હતો; તેથી તેના પિતાએ બહાર આવીને તેને અંદર જવા આજીજી કરી. 29તેણે તેના પિતાને જવાબ આપ્યો, ‘જુઓ, આ બધાં વર્ષો એક ગુલામની જેમ મેં તમારું ક્મ કર્યું છે, અને તમારી આજ્ઞાઓ કદી ઉથાપી નથી; છતાં મારા મિત્રો સાથે મિજબાની કરવા માટે તમે મને એક લવારું પણ આપ્યું નથી! 30પણ આ તમારા પુત્રે વેશ્યાઓની પાછળ તમારી બધી સંપત્તિ વેડફી નાખી, અને છતાં તે ઘેર પાછો ફર્યો છે, ત્યારે તમે તેને માટે ષ્ટપૃષ્ટ વાછરડો કપાવો છો!’ 31પિતાએ જવાબ આપ્યો, ‘બેટા, તું હરહંમેશ મારી સાથે જ છે, અને મારું જે છે તે તારું જ છે. 32પણ આપણે આનંદોત્સવ કરવો જોઈએ. કારણ, આ તારો ભાઈ મરી ગયો હતો, પણ હવે તે જીવતો થયો છે; ખોવાઈ ગયો હતો, પણ હવે તે પાછો મળ્યો છે.”

Επιλέχθηκαν προς το παρόν:

લૂક 15: GUJCL-BSI

Επισημάνσεις

Κοινοποίηση

Αντιγραφή

None

Θέλετε να αποθηκεύονται οι επισημάνσεις σας σε όλες τις συσκευές σας; Εγγραφείτε ή συνδεθείτε