યોહાન 3

3
ઈસુ અને નિકોદેમસ
1નિકોદેમસ નામે યહૂદીઓનો એક અધિકારી હતો. તે ફરોશીઓના પંથનો હતો. 2એક રાત્રે તે ઈસુની પાસે આવ્યો અને તેમને કહ્યું, “ગુરુજી, અમે જાણીએ છીએ કે તમે તો ઈશ્વરે મોકલેલા શિક્ષક છો. તમે જે અદ્‍ભુત કાર્યો કરો છો, તે કાર્યો કોઈ માણસ ઈશ્વર તેની સાથે ન હોય તો કરી શકે જ નહિ.”
3ઈસુએ જવાબ આપ્યો, “હું તમને સાચે જ કહું છું: નવેસરથી જન્મ પામ્યા વગર કોઈ માણસ ઈશ્વરનું રાજ જોઈ શક્તો નથી.”
4નિકોદેમસે પૂછયું, “માણસ વયોવૃદ્ધ થયા પછી કેવી રીતે ફરીથી જન્મ પામી શકે? તે પોતાની માના ગર્ભમાં પ્રવેશીને ફરીવાર તો જન્મ પામી શકે જ નહિ.”
5ઈસુએ જવાબ આપ્યો, “હું તમને સાચે જ કહું છું: પાણીથી તથા આત્માથી જન્મ પામ્યા વગર કોઈ માણસ ઈશ્વરના રાજમાં પ્રવેશી શક્તો નથી. 6શારીરિક માબાપ દ્વારા શારીરિક જન્મ થાય છે, પરંતુ આત્મિક જન્મ પવિત્ર આત્મા દ્વારા થાય છે. 7તમારે બધાએ ઉપરથી જન્મ પામવો જોઈએ એમ હું કહું છું તેથી આશ્ર્વર્ય પામશો નહિ. 8પવન#3:8 પવન: ગ્રીકમાં બે અર્થ શકાય છે : પવન અથવા આત્મા. જ્યાં ચાહે છે ત્યાં વાય છે. તમે તેનો અવાજ સાંભળો છો, પરંતુ તે ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે તેની તમને ખબર પડતી નથી. આત્માથી જન્મેલી પ્રત્યેક વ્યક્તિના સંબંધમાં પણ એવું જ છે.”
9નિકોદેમસે પૂછયું, “પણ એ કેવી રીતે બને?”
10ઈસુએ જવાબ આપ્યો, “તમે તો ઇઝરાયલના શિક્ષક છો અને છતાં તમને સમજ પડતી નથી? 11હું તમને સાચે જ કહું છું: અમે જે જાણીએ છીએ તે વિષે બોલીએ છીએ, અને જે નજરે જોયું છે તે વિષે સાક્ષી પૂરીએ છીએ. છતાં તમારામાંનો કોઈ અમારી સાક્ષી સ્વીકારવા તૈયાર નથી. 12આ પૃથ્વી પરની વાતો હું તમને કહું છું તોપણ તમે મારું માનતા નથી, તો જો હું સ્વર્ગની વાતો કહું તો તમે કેવી રીતે માનશો? 13સ્વર્ગમાં જ જેનો વાસ છે અને જે સ્વર્ગમાંથી ઊતરી આવેલ છે તે માનવપુત્ર સિવાય સ્વર્ગમાં કોઈ ચઢયું નથી.”
14જેમ મોશેએ વેરાન પ્રદેશમાં થાંભલા પર તાંબાના સાપને ઊંચો કર્યો હતો, તેમ માનવપુત્ર ઊંચો કરાય તે જરૂરી છે.#3:14 પ્રભુ ઈસુ ખ્રિસ્તના કારૂસ પરના મરણને તે સૂચવે છે. બાઇબલના જૂના કરારમાં આ વાત આવે છે: સાપનો ઉપદ્રવ વધી જવાથી પ્રભુની આજ્ઞા પ્રમાણે મોશેએ વેરાન પ્રદેશમાં તાંબાના સાપની પ્રતિમા થાંભલા પર ચઢાવી હતી. જેઓ તેને જોતા તે સર્પદંશના વિષથી બચી જતા. 15જેથી જે કોઈ તેમના પર વિશ્વાસ મૂકે તેને તેમના દ્વારા સાર્વકાલિક જીવન પ્રાપ્ત થાય. 16ઈશ્વરે દુનિયા પર એટલો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકનોએક પુત્ર આપી દીધો; જેથી જે કોઈ તેમના પર વિશ્વાસ મૂકે તે સાર્વકાલિક મરણ ન પામે, પરંતુ સાર્વકાલિક જીવન પ્રાપ્ત કરે. 17કારણ, દુનિયાનો ન્યાયાધીશ બનવા માટે નહિ, પરંતુ ઉદ્ધારક બનવા માટે ઈશ્વરે પોતાના પુત્રને દુનિયામાં મોકલ્યો છે.
18પુત્ર ઉપર જે કોઈ વિશ્વાસ મૂકે છે તે સજાપાત્ર ઠરતો નથી, પરંતુ જે કોઈ વિશ્વાસ મૂક્તો નથી તે સજાપાત્ર ઠરી ચૂક્યો છે, કારણ, તેણે ઈશ્વરના એકનાએક પુત્ર પર વિશ્વાસ મૂક્યો નથી. 19ન્યાયચુકાદાનો આધાર આવો છે: પ્રકાશ દુનિયામાં આવ્યો છે, પરંતુ લોકોને પ્રકાશ કરતાં અંધકાર વધારે ગમે છે; કારણ, તેમનાં કાર્યો ભૂંડાં છે. 20જે કોઈ ભૂંડાં કાર્યો કરે છે તે પ્રકાશને ધિક્કારે છે, અને પ્રકાશ પાસે આવવા માગતો નથી, કારણ, તે પોતાનાં કાર્યો ખુલ્લાં પડી જાય તેવું ઇચ્છતો નથી. 21પરંતુ જે સત્ય પ્રમાણે આચરણ કરે છે તે પ્રકાશની નજીક આવે છે; જેથી તેનાં જે કાર્યો ઈશ્વરને આધીન રહીને કરાયાં છે તે પ્રકાશ દ્વારા જાહેર થાય.”
ઈસુ અને યોહાન
22પછી ઈસુ અને તેમના શિષ્યો યહૂદિયા પ્રદેશમાં ગયા. તેમણે થોડો સમય તેમની સાથે ગાળ્યો અને બાપ્તિસ્મા આપ્યાં. 23યોહાન પણ સાલીમની નજીક એનોનમાં બાપ્તિસ્મા આપતો હતો; કારણ, ત્યાં પુષ્કળ પાણી હતું. લોકો તેની પાસે આવતા અને તે તેમને બાપ્તિસ્મા આપતો. 24યોહાનને હજુ સુધી જેલમાં પૂરવામાં આવ્યો ન હતો.
25યોહાનના કેટલાએક શિષ્યોને એક યહૂદી સાથે ધાર્મિક શુદ્ધિકરણ સંબંધી ચર્ચા થઈ. 26તેથી તેઓ યોહાન પાસે જઈને કહે છે, “ગુરુજી, યર્દન નદીની સામે પાર જે માણસ તમારી સાથે હતો અને જેના વિષે તમે સાક્ષી પૂરતા હતા તે તમને યાદ છે? તે માણસ તો હવે બાપ્તિસ્મા આપે છે, અને બધાં તેની પાસે જાય છે!”
27યોહાને જવાબ આપ્યો, “ઈશ્વરના આપ્યા સિવાય કોઈ વ્યક્તિ કંઈ પામી શક્તી નથી. 28‘હું મસીહ નથી, પરંતુ મને તેમની આગળ મોકલવામાં આવ્યો છે,’ એવું જે મેં કહેલું તેના તમે સાક્ષી છો. 29જેને માટે કન્યા છે તે વરરાજા ગણાય છે. વરરાજાનો મિત્ર તેની બાજુમાં ઊભો રહીને તેનું સાંભળે છે અને વરરાજાની વાણી સાંભળીને તેને આનંદ થાય છે. મારો આનંદ એ જ રીતે પરિપૂર્ણ થયો છે. 30તેમનું મહત્ત્વ વધતું જાય અને મારું મહત્ત્વ ઘટતું જાય એ જરૂરી છે.”
સ્વર્ગથી ઊતરી આવનાર
31જે ઉપરથી ઊતરી આવે છે તે સૌથી મહાન છે. જે પૃથ્વી પરનો છે તે પૃથ્વીનો છે, અને પૃથ્વીની વાતો કહે છે. જે સ્વર્ગમાંથી આવે છે તે સર્વોપરી છે. 32તેણે જે જે જોયું છે અને સાંભળ્યું છે તે સંબંધી તે સાક્ષી પૂરે છે. પરંતુ કોઈ તેની સાક્ષી કબૂલ રાખતું નથી. 33જે કોઈ તેની સાક્ષી કબૂલ રાખે છે તે, ઈશ્વર સાચા છે તેમ પુરવાર કરે છે. 34જેને ઈશ્વરે મોકલ્યો છે તે ઈશ્વરની વાણી બોલે છે, કારણ, ઈશ્વર તેને પોતાનો આત્મા ભરપૂરીથી આપે છે. 35ઈશ્વરપિતા પોતાના પુત્ર પર પ્રેમ કરે છે અને તેમણે બધું તેમના અધિકાર નીચે મૂકાયું છે. 36જે કોઈ પુત્ર પર વિશ્વાસ મૂકે છે, તેને સાર્વકાલિક જીવન છે. જે કોઈ પુત્રને આધીન થતો નથી તેને જીવન મળતું નથી; એથી ઊલટું, ઈશ્વરનો કોપ તેના પર કાયમ રહે છે.

Zur Zeit ausgewählt:

યોહાન 3: GUJCL-BSI

Markierung

Teilen

Kopieren

None

Möchtest du deine gespeicherten Markierungen auf allen deinen Geräten sehen? Erstelle ein kostenloses Konto oder melde dich an.