ઉત્પત્તિ 6

6
માનવીનો દુરાચાર
1પૃથ્વીના પટ પર માનવવસ્તી વધવા લાગી અને માણસોને પુત્રીઓ પણ થઈ#યોબ. 1:6; 2:1. 2ત્યારે ઈશ્વરના પુત્રોએ#6:2 ઈશ્વરના પુત્રોએ અથવા સ્વર્ગદૂતોએ જોયું કે માણસોની પુત્રીઓ સુંદર છે. તેથી તેમણે પોતાને મનપસંદ કન્યાઓ સાથે લગ્ન કર્યાં. 3ત્યારે પ્રભુએ કહ્યું, “મારો આત્મા માણસમાં સદા વાસો કરશે નહિ, કારણ, માણસ આખરે મર્ત્ય છે. હવે પછી માણસની આયુમર્યાદા માત્ર 120 વર્ષની રહેશે.” 4તે દિવસોમાં અને તે પછી પણ પૃથ્વી પર રાક્ષસી કદના માણસો વસતા હતા. તેઓ ઈશ્વરના પુત્રો અને માણસોની પુત્રીઓથી જન્મ્યા હતા. તેઓ પ્રાચીનકાળના શક્તિશાળી અને નામાંક્તિ વીરપુરુષો હતા.#ગણ. 13:13.
5પ્રભુએ જોયું કે સમગ્ર પૃથ્વી પર બધા માણસો અત્યંત દુરાચારી બની ગયા છે. તેમનાં મનનું વલણ સતત ભૂંડાઈ તરફ જ છે. 6ત્યારે પૃથ્વી પર માનવજાતને ઉત્પન્‍ન કરવા બદલ તે દિલગીર થયા અને તેમનાં અંતરમાં ભારે ખેદ થયો. 7તેથી તેમણે કહ્યું, “મેં ઉત્પન્‍ન કરેલ પૃથ્વી પરના સર્વ માણસોનો, પશુઓનો, પેટે ચાલનારાં પ્રાણીઓનો તેમ જ પક્ષીઓનો હું વિનાશ કરીશ; તેમનું સર્જન કરવા બદલ મને દિલગીરી થાય છે.” 8છતાં પ્રભુની દૃષ્ટિમાં નૂહ કૃપા પામ્યો.#માથ. 24:37; લૂક. 17:26; ૧ પિત. 3:20.
9આ નૂહની વાત છે: તે ઈશ્વરપરાયણ અને પોતાના જમાનામાં એકમાત્ર નિર્દોષ માણસ હતો.#૨ પિત. 2:5. 10તે ઈશ્વરની સંગતમાં ચાલતો. તેને ત્રણ પુત્રો હતા: શેમ, હામ અને યાફેથ.
11હવે પૃથ્વી ઈશ્વરની દૃષ્ટિમાં દુષ્ટ થઈ ગઈ હતી અને અત્યાચારથી ભરેલી હતી. 12ઈશ્વરે પૃથ્વી પર જોયું તો તેમાં નરી દુષ્ટતા હતી; કારણ, પૃથ્વી પરનાં બધાં માણસોએ દુષ્ટતાનો માર્ગ અપનાવ્યો હતો.
નૂહ વહાણ બનાવે છે
13ઈશ્વરે નૂહને કહ્યું, “મેં બધા લોકોનો અંત લાવી દેવાનો નિશ્ર્વય કર્યો છે. હું લોકોનો પૃથ્વી પરથી સંપૂર્ણ સંહાર કરીશ. કારણ, પૃથ્વી હિંસાખોરીથી ભરાઈ ગઈ છે. 14તો હવે તું તારે માટે ગોફેરવૃક્ષના લાકડામાંથી વહાણ બનાવ, તેમાં તું ઓરડીઓ બનાવ, વહાણને અંદર તેમ જ બહાર ડામર લગાવ. 15વહાણ આશરે 140 મીટર લાંબું, 23 મીટર પહોળું અને 13.5 મીટર ઊંચું બનાવ. 16વહાણની ઉપર છાપરું#6:16 ‘છાપરું’ અથવા બારી બનાવ, અને છાપરા તથા દીવાલો વચ્ચે આશરે 44 સેન્ટીમીટર જેટલી જગ્યા રાખ. વળી, વહાણ ત્રણ માળનું બનાવ, અને એક તરફ દરવાજો મૂક. 17આકાશ નીચેની તમામ જીવસૃષ્ટિનો નાશ કરવા માટે હું જળપ્રલય મોકલવાનો છું. તેનાથી જીવનનો શ્વાસ ધરાવનાર પ્રત્યેક પ્રાણીનો નાશ થશે. 18પરંતુ હું તારી સાથે મારો કરાર સ્થાપીશ. તું, તારી પત્ની, તારા પુત્રો તથા તેમની પત્નીઓએ વહાણમાં જવાનું છે. 19વળી, તારે તારી સાથે બધી જાતનાં પ્રાણીની જોડ એટલે એક નર અને એક માદા તેમને જીવતાં રાખવા માટે લેવાનાં છે. 20દરેક જાતનાં પક્ષી, દરેક જાતનાં પ્રાણીઓ અને પેટે ચાલનાર સજીવો એકએક જોડમાં તેમને જીવતાં રાખવા માટે વહાણમાં લેવાનાં છે. 21વળી, તારે માટે અને તેમને માટે તું હરેક પ્રકારના ખોરાકનો વહાણમાં સંગ્રહ કર. 22અને નૂહે બધું ઈશ્વરની આજ્ઞા પ્રમાણે કર્યું.#હિબ્રૂ. 11:7.

Markierung

Teilen

Kopieren

None

Möchtest du deine gespeicherten Markierungen auf allen deinen Geräten sehen? Erstelle ein kostenloses Konto oder melde dich an.

Video zu ઉત્પત્તિ 6