યોહાન 2

2
કાના ગામમાં લગ્ન
1ત્રીજે દિવસે ગાલીલના કાનામાં લગ્ન હતું. ત્યાં ઈસુનાં મા હતાં. 2ઈસુને તથા તેમના શિષ્યોને પણ તે લગ્નમાં નોતર્યા હતા. 3દ્રાક્ષારસ ખૂટયો ત્યારે ઈસુનાં મા તેમને કહે છે, “તેઓની પાસે દ્રાક્ષારસ નથી.” 4ઈસુ તેમને કહે છે, “બાઈ, મારે ને તમારે શું? મારો સમય હજી આવ્યો નથી.” 5તેમની માતા ચાકરોને કહે છે, “જે કંઈ તે તમને કહે તે કરો.” 6હવે યહૂદીઓની શુદ્ધ કરવાની રીત પ્રમાણે દરેકમાં બબ્બે કે ત્રણ ત્રણ મણ પાણી માય એવાં પથ્થરનાં છ કુંડાં ત્યાં મૂકેલાં હતાં. 7ઈસુ તેઓને કહે છે, “તે કુંડાંમાં પાણી ભરો.” એટલે તેઓએ તેઓને છલાછલ ભર્યાં. 8પછી તે તેઓને કહે છે, “હવે કાઢીને જમણના કારભારી પાસે લઈ જાઓ.” તેઓ તે લઈ ગયા. 9જયારે જમણના કારભારીએ પાણીનો બનેલો દ્રાક્ષારસ ચાખ્યો, અને તે કયાંથી આવ્યો એ તે જાણતો નહોતો (પણ જે ચાકરોએ પાણી કાઢયું હતું તેઓ જાણતા હતા), ત્યારે જમણનો કારભારી વરને બોલાવીને 10કહે છે, “દરેક માણસ પહેલા સારો દ્રાક્ષારસ મૂકે છે. અને માણસોએ સારીપેઠે પીધા પછી હલકો. ૫ણ તમે અત્યાર સુધી સારો દ્રાક્ષારસ રાખ્યો છે.” 11ઈસુએ પોતાના ચમત્કારોનો આ આરંભ ગાલીલના કાનામાં કરીને પોતાનો મહિમા બતાવ્યો; અને તેમના શિષ્યોએ તેમના પર વિશ્વાસ કર્યો.
12એ પછી #માથ. ૪:૧૩. તે, તેમની મા, તેમના ભાઈઓ તથા તેમના શિષ્યો કપર-નાહૂમમાં ઊતરી આવ્યાં પણ ત્યાં તેઓ ઘણા દિવસ રહ્યાં નહિ.
મંદિરનું શુદ્ધિકરણ
(માથ. ૨૧:૧૨,૧૩; માર્ક ૧૧:૧૫-૧૭; લૂ. ૧૯:૪૫-૪૬)
13યહૂદીઓનું #નિ. ૧૨:૧-૨૭. પાસ્ખાપર્વ પાસે આવ્યું હતું, તેથી ઈસુ યરુશાલેમ ગયા. 14મંદિરમાં ગોધા, ઘેટાં તથા કબૂતર વેચનારાઓને તથા નાણાવટીઓને બેઠેલા તેમણે જોયા. 15ત્યારે તેમણે ઝીણી દોરીઓનો કોરડો બનાવીને તે સર્વને, ઘેટાં તથા ગોધા સહિત, મંદિરમાંથી કાઢી મૂકયાં. નાણાવટીઓનાં નાણાં વેરી નાખ્યાં અને બાજઠો ઊંધા વાળ્યા. 16અને કબૂતર વેચનારાઓને પણ તેમણે કહ્યું, “એ બધું અહીંથી લઈ જાઓ; મારા પિતાના ઘરને વેપારનું ઘર ન કરો.” 17તેમના શિષ્યોને યાદ આવ્યું કે એમ લખેલું છે કે, #ગી.શા. ૬૯:૯. “તારા ઘરની આસ્થા મને ખાઈ નાખે છે.” 18એ માટે યહૂદીઓએ તેમને પૂછયું, “તમે એ કામો કરો છો, તો અમને શી નિશાની બતાવો છો?” 19ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, #માથ. ૨૬:૬૧; ૨૭:૪૦; માર્ક ૧૪:૫૮; ૧૫:૨૯. “આ મંદિરને પાડી નાખો, તો હું એને ત્રણ દિવસમાં ઊભું કરીશ.” 20ત્યારે યહૂદીઓએ કહ્યું, “આ મંદિરને બાંધતાં છેંતાળીસ વર્ષ લાગ્યાં છે, અને શું તમે એને ત્રણ દિવસમાં ઊભું કરશો?” 21પણ તે તો પોતાના શરીરરૂપી મંદિર વિષે બોલ્યા હતા. 22તે માટે જ્યારે તેમને મરી ગયેલાંઓમાંથી ઉઠાડવામાં આવ્યા ત્યારે તેમના શિષ્યોને યાદ આવ્યું કે, તેમણે તેઓને એ કહ્યું હતું. અને તેઓએ લેખ પર તથા ઈસુના બોલેલા વચન પર વિશ્વાસ કર્યો.
લોકો વિષે ઈસુનું જ્ઞાન
23હવે પાસ્ખાપર્વને વખતે તે યરુશાલેમમાં હતા, ત્યારે જે ચમત્કારો તે કરતા હતા તે જોઈને ઘણાએ તેમના નામ પર વિશ્વાસ કર્યો, 24પણ ઈસુએ તેમનો વિશ્વાસ ન કર્યો, કેમ કે તે સર્વને જાણતા હતા, 25અને માણસ વિષે કોઈ સાક્ષી આપે એવી તેમને અગત્ય ન હતી; કેમ કે માણસમાં શું છે એ તે પોતે જાણતા હતા.

Zur Zeit ausgewählt:

યોહાન 2: GUJOVBSI

Markierung

Teilen

Kopieren

None

Möchtest du deine gespeicherten Markierungen auf allen deinen Geräten sehen? Erstelle ein kostenloses Konto oder melde dich an.