Logo YouVersion
Eicon Chwilio

ઉત્પ 12

12
ઇબ્રામને ઈશ્વરનું તેડું
1હવે ઈશ્વરે ઇબ્રામને કહ્યું, “તું તારો દેશ, તારા સગાંઓ#12:1 સગાંઓ જન્મભૂમિ અને તારા પિતાના કુટુંબને છોડીને, જે દેશ હું તને બતાવું ત્યાં જા. 2હું તારાથી એક મોટી જાતિ ઉત્પન્ન કરીશ, હું તને આશીર્વાદ દઈશ, તારું નામ મોટું કરીશ અને તું આશીર્વાદરૂપ થશે. 3જેઓ તને આશીર્વાદ આપશે, તેઓને હું આશીર્વાદ આપીશ અને જેઓ તને શાપ આપશે, તેઓને હું શાપ આપીશ. પૃથ્વીના સર્વ કુટુંબો તારી મારફતે આશીર્વાદિત થશે.
4તેથી ઈશ્વરે તેને જે પ્રમાણે કરવાનું કહ્યું હતું તે પ્રમાણે, ઇબ્રામ અને તેની સાથે તેનો ભત્રીજો લોત પણ ગયો. જયારે ઇબ્રામ હારાન દેશથી રવાના થયો ત્યારે તે પંચોતેર વર્ષનો હતો. 5ઇબ્રામે તેની પત્ની સારાયને તથા તેના ભત્રીજા લોતને તેઓએ મેળવેલી સર્વ સંપત્તિ, જાનવરો તથા જે દાસદાસીઓ તેમને હારાનમાં પ્રાપ્ત થયાં હતા તેઓને સાથે લીધાં. તેઓ કનાન દેશમાં પહોંચ્યા.
6ઇબ્રામ કનાન દેશમાં શખેમથી મુસાફરી કરતાં મોરેના એલોન વૃક્ષ પાસે આવ્યો. તે વખતે કનાનીઓ તે દેશમાં રહેતા હતા. 7ઈશ્વરે ઇબ્રામને દર્શન આપીને કહ્યું, “હું તારા વંશજોને આ દેશ આપીશ.” તેથી જેમણે તેને દર્શન આપ્યું હતું તે ઈશ્વરના સ્મરણમાં ઇબ્રામે ત્યાં વેદી બાંધી.
8ઇબ્રામે ત્યાંથી નીકળીને બેથેલની પૂર્વ તરફ જે પર્વતીય પ્રદેશ છે ત્યાં સ્થળાંતર કર્યું અને ત્યાં તંબુ ઊભો કર્યો. તેની પશ્ચિમે બેથેલ તથા પૂર્વે આય હતું. ત્યાં તેણે ઈશ્વરને નામે વેદી બાંધી અને ઈશ્વરને પ્રાર્થના કરી. 9પછી ઇબ્રામે નેગેબ તરફ જવા માટે મુસાફરી ચાલુ રાખી.
ઇબ્રામ અને સારાય મિસરમાં
10તે દેશમાં દુકાળ પડ્યો હતો. ભારે દુકાળ હોવાના કારણે ઇબ્રામ મિસરમાં રહેવા ગયો. 11જયારે તે મિસરમાં પ્રવેશ્યો ત્યારે તેણે તેની પત્ની સારાયને કહ્યું કે, “હું જાણું છું કે તું દેખાવે સુંદર સ્ત્રી છે. 12મિસરીઓ જયારે તને જોશે અને તેઓ કહેશે, ‘આ તેની પત્ની છે’ તેથી તેઓ મને મારી નાખશે, પણ તેઓ તને જીવતી રાખશે. 13તેથી તું કહેજે કે, હું તેની બહેન છું. એ માટે કે તારે લીધે મારું ભલું થાય અને મારો જીવ બચી જાય.”
14ઇબ્રામ જયારે મિસરમાં પ્રવેશ્યો ત્યારે મિસરીઓએ જોયું કે સારાય ઘણી સુંદર છે. 15ફારુનના સરદારોએ તેને જોઈ, તેઓએ ફારુનની આગળ તેની પ્રશંસા કરી અને સારાયને ફારુનના જનાનખાનામાં લઈ જવામાં આવી. 16ફારુને તેને લીધે ઇબ્રામ સાથે સારો વ્યવહાર કર્યો અને તેને ઘેટાં, બળદો, ગધેડાંઓ, દાસો, દાસીઓ તથા ઊંટોની ભેટ આપી.
17પણ ઈશ્વર દ્વારા ઇબ્રામની પત્ની સારાયને લીધે ફારુન તથા તેના ઘર પર મહામરકી સહિત આફત આવી. 18ફારુને ઇબ્રામને બોલાવ્યો અને કહ્યું કે, “આ તેં મારી સાથે શું કર્યું છે? તેં મને કેમ ન કહ્યું કે, તે તારી પત્ની છે? 19તેં શા માટે કહ્યું કે, ‘તે મારી બહેન છે?’ તેં એવું કર્યું એટલે મેં તેને મારી પત્ની કરી લીધી હતી. તો હવે, આ રહી તારી પત્ની. તેને લઈને તું તારે માર્ગે ચાલ્યો જા.” 20પછી ફારુને તેના સરદારોને તેઓ સંબંધી આજ્ઞા આપી. તેથી તેઓએ ઇબ્રામને, તેની પત્નીને અને તેઓની સાથે સર્વ સંપત્તિને દેશની બહાર મોકલી આપ્યાં.

Dewis Presennol:

ઉત્પ 12: IRVGuj

Uwcholeuo

Rhanna

Copi

None

Eisiau i'th uchafbwyntiau gael eu cadw ar draws dy holl ddyfeisiau? Cofrestra neu mewngofnoda