Logo YouVersion
Eicon Chwilio

યોહાન 14

14
પિતા તરફ લઈ જતો માર્ગ
1ઈસુએ તેમને કહ્યું, “તમારાં હૃદયોને શોક્તુર થવા ન દો. ઈશ્વર પર વિશ્વાસ રાખો અને મારા ઉપર પણ વિશ્વાસ રાખો. 2મારા પિતાના ઘરમાં ઘણા ઓરડા છે, જો એમ ન હોત, તો મેં તમને તે પણ જણાવ્યું હોત. હું તમારે માટે જગ્યા તૈયાર કરવા જઉં છું.#14:2 વૈકલ્પિક અનુવાદ: મારા પિતાના ઘરમાં ઘણા ઓરડા છે. જો એમ ન હોત તો હું તમારે માટે જગ્યા તૈયાર કરવા જઉં છું એવું શા માટે કહેત? 3હું જઈશ અને જગ્યા તૈયાર કરીને પાછો આવીશ અને તમને મારી સાથે લઈ જઈશ; જેથી જ્યાં હું છું, ત્યાં તમે પણ રહો. 4હું જ્યાં જઉં છું તે સ્થળે જવાનો માર્ગ તમે જાણો છો.”
5થોમાએ કહ્યું, “પ્રભુ, તમે ક્યાં જઈ રહ્યા છો તે અમે જાણતા નથી. તો પછી ત્યાં પહોંચવાના માર્ગ વિષે અમને કેવી રીતે ખબર હોય?”
6ઈસુએ તેને જવાબ આપ્યો, “માર્ગ, સત્ય અને જીવન હું છું. મારા સિવાય પિતા પાસે જવાનો બીજો કોઈ માર્ગ નથી.” 7વળી તેમણે કહ્યું, “જો તમે મને ઓળખો, તો તમે મારા પિતાને પણ ઓળખશો, અને હવેથી તમે તેમને ઓળખો છો અને તમે તેમને જોયા છે.”
8ફિલિપે તેમને કહ્યું, “પ્રભુ, ત્યારે હવે અમને પિતાનાં દર્શન કરાવો, એટલે બસ!”
9ઈસુએ જવાબ આપ્યો, “ફિલિપ, ઘણા સમયથી હું તમારી સાથે છું, છતાં તું મને ઓળખતો નથી? જેણે મને જોયો છે, તેણે પિતાને જોયા છે, તો પછી તું શા માટે કહે છે કે, ‘અમને પિતાનાં દર્શન કરાવો?’ 10હું પિતામાં છું અને પિતા મારામાં છે એવું તું માનતો નથી?” ઈસુએ શિષ્યોને કહ્યું, “મેં જે સંદેશ તમને આપ્યો છે તે મારા પોતાના તરફથી નથી; મારામાં વાસ કરનાર પિતા પોતાનાં કાર્યો કર્યે જાય છે. 11મારું માનો, હું પિતામાં વસું છું અને પિતા મારામાં વસે છે. કંઈ નહિ તો મારાં કાર્યોને લીધે તો માનો! 12હું તમને સાચે જ કહું છું: જે કોઈ મારા પર વિશ્વાસ મૂકે છે તે હું કરું છું તેવાં કાર્ય કરશે. 13તમે મારે નામે જે કંઈ માગશો તે હું કરીશ; જેથી પિતાનો મહિમા પુત્ર દ્વારા પ્રગટ થાય. 14મારે નામે તમે જે કંઈ માગશો, તે હું કરીશ.”
પવિત્ર આત્માનું વરદાન
15“જો તમે મારા પર પ્રેમ કરતા હો, તો તમે મારી આજ્ઞાઓ પાળશો. 16હું પિતાને વિનંતી કરીશ; અને તે તમારી સાથે સદા વસવાને બીજો સહાયક, એટલે સત્યનો આત્મા મોકલી આપશે. 17દુનિયા તેને સ્વીકારી શક્તી નથી; કારણ, તે તેને જોઈ શક્તી નથી અને ઓળખતી નથી. પરંતુ તમે તેને ઓળખો છો, કારણ, તે તમારી સાથે રહે છે; અને તમારા અંતરમાં વસે છે.
18“હું તમને અનાથ મૂકી દઈશ નહિ. હું તમારી પાસે પાછો આવીશ. 19થોડી વાર પછી દુનિયા મને જોશે નહિ, પરંતુ તમે મને જોશો, અને હું જીવંત છું માટે તમે પણ જીવશો. 20તે દિવસે તમને ખાતરી થશે કે હું મારા પિતામાં વસું છું અને હું તમારામાં વસું છું અને તમે મારામાં વસો છો.
21“જે કોઈ મારી આજ્ઞાઓ સ્વીકારીને તેમનું પાલન કરે છે, તે જ મારા પર પ્રેમ કરે છે. જે કોઈ મારા પર પ્રેમ રાખે છે તેના પર મારા પિતા પણ પ્રેમ કરે છે; હું પણ તેના પર પ્રેમ કરીશ અને તેની આગળ પોતાને પ્રગટ કરીશ.”
22યહૂદા, જે ઈશ્કારિયોત ન હતો તેણે કહ્યું, “પ્રભુ, તમે પોતાને દુનિયા આગળ નહિ, પણ અમારી આગળ પ્રગટ કરશો, તેનું કારણ શું?”
23ઈસુએ તેને જવાબ આપ્યો, “જે કોઈ મારા પર પ્રેમ કરે છે તે મારા કહ્યા પ્રમાણે ચાલશે, તેના પર મારા પિતા પ્રેમ કરશે, અને હું તથા પિતા તેની પાસે આવીશું અને તેનામાં વાસ કરીશું. 24જે મારા પર પ્રેમ કરતો નથી, તે મારા કહ્યા પ્રમાણે કરતો નથી. જે વચન તમે સાંભળ્યાં છે, તે મારાં નથી, પરંતુ મને મોકલનાર પિતાનાં છે.
25“હજી તો હું તમારી સાથે છું, ત્યારે જ આ બધું મેં તમને કહ્યું છે. 26સહાયક, એટલે કે પવિત્ર આત્મા જેને પિતા મારે નામે મોકલશે, તે તમને બધું સમજાવશે, અને મેં તમને જે જે કહ્યું તેની તમને યાદ દેવડાવશે.
27“હું તમને શાંતિ આપીને જઉં છું; મારી પોતાની શાંતિ હું તમને આપું છું. જેમ દુનિયા તમને શાંતિ આપે છે તેમ હું તમને આપતો નથી. ચિંતા કરશો નહિ, તેમ જ હિંમત પણ હારશો નહિ. 28હું જઉં છું પરંતુ હું તમારી પાસે પાછો આવીશ એવું જે મેં તમને કહ્યું છે તે તમે સાંભળ્યું છે. જો તમને મારા પર પ્રેમ હોય, તો હું પિતા પાસે જઉં છું તેથી તમને આનંદ થવો જોઈએ. કારણ, પિતા મારા કરતાં મોટા છે. 29એ બધું થાય તે પહેલાં મેં તમને કહી દીધું છે; જેથી તે બને ત્યારે તમે તે માની શકો. 30હું તમારી સાથે વધુ વાત કરીશ નહિ, કારણ, આ દુનિયાનો શાસક આવી રહ્યો છે; એને મારા પર કશી સત્તા નથી. 31પણ હું પિતા પર પ્રેમ કરું છું, અને તેમની આજ્ઞા પ્રમાણે હું ચાલું છું એની દુનિયાને ખબર પડવી જોઈએ. ચાલો, આપણે અહીંથી જઈએ.”

Uwcholeuo

Rhanna

Copi

None

Eisiau i'th uchafbwyntiau gael eu cadw ar draws dy holl ddyfeisiau? Cofrestra neu mewngofnoda