YouVersion Logo
Search Icon

માર્ક 4

4
બી વાવનાર એક ખેડૂત વિષેની વાર્તા
(માથ. 13:1-9; લૂ. 8:4-8)
1બીજી એક વખત ઈસુએ સરોવરની બાજુમાં ઉપદેશ શરૂ કર્યો. ઘણા બધા લોકો ઈસુની આજુબાજુ ભેગા થયા. તેથી તે હોડીમાં ચઢ્યો અને ત્યાં બેઠો. બધા જ લોકો પાણીની બાાજુમાં સમુદ્રને કાંઠે રહ્યાં. 2ઈસુએ હોડીમાંથી જ લોકોને ઉપદેશ આપ્યો. ઈસુએ તેઓને શીખવવા માટે ઘણી વાર્તાઓનો ઉપયોગ કર્યો. તેણે કહ્યું:
3“ધ્યાનથી સાંભળો! એક ખેડૂત તેના બી વાવવા માટે બહાર નીકળ્યો. 4જ્યારે ખેડૂત વાવતો હતો, કેટલાંક બી રસ્તાની બાજુએ પડ્યા. પક્ષીઓ આવ્યાં અને પેલાં બધા બી ખાઈ ગયાં. 5કેટલાંક બી ખડકાળ જમીન પર પડ્યાં. જ્યાં પૂરતી માટી ન હતી. ત્યાં બી ઘણા ઝડપથી ઊગ્યાં કારણ કે જમીન બહુ ઊંડી ન હતી. 6પણ સુર્ય ઊગ્યો ત્યારે તે છોડ કરમાઇ ગયો હતો. તે અંતે સુકાઇ ગયો. કારણ કે તેને ઊંડા મૂળિયાં ન હતા. 7બીજા કેટલાંક બી કાંટાળા જાળાંમા પડ્યાં. કાંટાના જાળાંએ સારા છોડને ઉગતાં અટકાવ્યા. તેથી તે છોડોએ ફળ ન આપ્યું. 8કેટલાંક બીજા બી સારી જમાન પર પડ્યાં. સારી જમીનમાં તે બી ઊગવા માંડ્યાં. તે ઊગ્યા અને ફળ આપ્યાં. કેટલાક છોડે ત્રીસગણાં, કેટલાક છોડોએ સાઠગણાં અને કેટલાક છોડોએ સોગણાં ફળ આપ્યાં.”
9પછી ઈસુએ કહ્યું, “તમે લોકો જે મને સાંભળો છો, ધ્યાનથી સાંભળો!”
ઈસુ કહે છે તે શા માટે વાર્તાઓનો ઉપયોગ કરે છે
(માથ. 13:10-17; લૂ. 8:9-10)
10જ્યારે ઈસુ એકાંતમાં હતો ત્યારે બાર પ્રેરિતો અને ઈસુના બીજા શિષ્યોએ તેને વાર્તાઓ વિષે પૂછયું.
11ઈસુએ કહ્યું, “તમે ફક્ત દેવના રાજ્ય વિષેનું સાચું રહસ્ય સમજી શકો. પણ બીજા લોકોનું હું બધી વસ્તુઓ વાર્તાઓનો ઉપયોગ કરી કહું છું. 12હું આ કરું છું તેથી,
‘તેઓ જોશે અને જોયા કરશે પરંતુ કદાપિ જોઈ શકશે નહિ;
તેઓ સાંભળશે અને સાંભળ્યાં કરશે, પણ કદાપિ સમજશે નહિ.
જો તેઓએ જોયું હોય અને સમજ્યા હોય તો, તેઓ પસ્તાવો કરે, ને તેઓને (પાપની) માફી મળે.’#યશા. 6:9-10.
બી વાવનારની વાર્તા ઈસુ સમજાવે છે
(માથ. 13:18-23; લૂ. 8:11-15)
13પછી ઈસુએ શિષ્યોને કહ્યું, “તમે આ વાર્તા સમજ્યા? જો તમે ના સમજ્યા હોય તો પછી તમે બીજી કઈ વાર્તા સમજી શકશો? 14ખેડૂત એ એક વ્યક્તિ છે જે લોકોમાં દેવના વચનને વાવે છે. 15કેટલીક વાર તે વચન રસ્તા પર પડે છે. આ કેટલાક લોકો જેવું છે. તે લોકો દેવનું વચન સાંભળે છે. પરંતુ શેતાન આવે છે અને વચન લઈ જાય છે જે તેઓનામાં વવાયેલું હતું.
16“બીજા લોકો પથ્થરવાળી જમીનમાં વાવેલાં બીજ જેવા છે. તેઓ વચન સાંભળે છે અને તેનો આનંદથી તરત જ સ્વીકાર કરે છે. 17પણ આ લોકો વચનને તેમના જીવનમાં ઊંડા ઉતરવા દેતા નથી. તેઓ આ વચનને ફક્ત થોડી વાર માટે રાખે છે. જ્યારે મુશ્કેલી અથવા સતાવણી વચનને કારણે આવે છે ત્યારે તેઓ તરત ઠોકર ખાય છે.
18“બીજા કેટલાંક લોકો કાંટાળા જાળામાં વાવેલાં બીજ જેવા છે. આ લોકો વચન સાંભળે છે. 19પણ પછી તેમના જીવનમાં આવી બાબતો આવે છે. જેવી કે આ જીવનની ચિંતાઓ, ખૂબ પૈસાનો ખોટો મોહ, અને બીજી બધીજ જાતની વસ્તુઓની કામના. આ વસ્તુઓ વચનના વિકાસને અટકાવે છે. તેથી તે વચન તે લોકોના જીવનમાં ફળદાયી થતું નથી.
20“બીજા લોકો સારી જમાનમાં વાવેલાં બીજ જેવા છે. તેઓ ઉપદેશ સાંભળે છે, સ્વીકારે છે અને ફળ આપે છે. કેટલીક વાર ત્રીસગણાં, કેટલીક વાર સાઠગણાં અને કેટલીક વાર સોગણાં ફળ આપે છે.”
તમારી પાસે જે હોય તેનો ઉપયોગ કરવો જોઈએ
(લૂ. 8:16-18)
21પછી ઈસુએ તેઓને કહ્યું, “શું માપ તળે અથવા ખાટલા તળે મૂકવા સારું કોઈ દીવો રાખે છે? શું દીવી પર મૂકવા નહિ? 22જે બધું સંતાડેલું છે તે સ્પષ્ટ થશે. દરેક ગુપ્ત વસ્તુ પ્રગટ કરવામાં આવશે. 23તમે લોકો જે મને સાંભળો છો, ધ્યાનથી સાંભળો! 24તમે જે સાંભળો તે વિષે કાળજીપૂર્વક વિચારો. તમે જે માપથી આપશો તે માપથી દેવ તમને આપશે. પણ દેવ તમને, તમે જેટલું આપશો તેનાથી વધુ આપશે. 25જે વ્યક્તિ પાસે કાંઇક છે તે વધારે પ્રાપ્ત કરશે. પણ જે કઈ થોડું છે તે પણ ગુમાવશે.”
ઈસુની બીજની વાર્તાનો ઉપયોગ
26પછી ઈસુએ કહ્યું, “દેવનું રાજ્ય એક માણસ જમીનમાં બીજ વાવે છે તેના જેવું છે. 27બીજ ઊગવાની શરૂઆત કરે છે. તે રાત અને દિવસ ઊગે છે. તે મહત્વનું નથી કે માણસ ઊંઘે છે કે જાગે છે, છતા પણ બીજ તો ઊગે છે; પણ તે શી રીતે ઊગયું તે જાણતો નથી. 28કોઈ પણ જાતની મદદ વિના ભોંય અનાજ ઉગાડે છે. પ્રથમ છોડ ઊગે છે. પછી કણસલું અને ત્યાર બાદ કણસલામાં બધા દાણા ભરાય છે. 29જ્યારે દાણા તૈયાર થાય છે, ત્યારે માણસ તેને કાપે છે. આ સમય કાપણીનો છે.”
દેવનું રાજ્ય રાઈના દાણા જેવું છે
(માથ. 13:31-32, 34-35; લૂ. 13:18-19)
30પછી ઈસુએ કહ્યું, “દેવનું રાજ્ય શાના જેવું છે એ તમને બતાવવા હું શાનો ઉપયોગ કરી શકું? તે સમજાવવા માટે હું વાર્તાનો ઉપયોગ કરી શકું? 31દેવનું રાજ્ય એક રાઈના બી જેવું છે જે તમે જમીનમાં વાવો છે. તે સર્વ બી કરતાં નાનામાં નાનું બી છે. 32પણ જ્યારે તમે આ બી વાવો છો, તે ઊગે છે અને તમારા બાગના બધા જ છોડવાઓમાં સૌથી મોટો છોડ બને છે. તેને ખૂબ મોટી ડાળીઓ હોય છે. ત્યાં આકાશનાં પક્ષીઓ આવી શકે છે અને માળાઓ બનાવી શકે છે અને સૂર્યથી રક્ષણ મેળવી શકે છે.”
33ઈસુએ તેમને શીખવવા માટે આવી ઘણી વાર્તાઓનો ઉપયોગ કર્યો, જેથી તેઓ દરેક બાબત સમજી શકે. 34ઈસુ હંમેશા લોકોને શીખવવા માટે વાર્તાઓનો ઉપયોગ કરતો. પણ જ્યારે ઈસુ અને તેના શ્ષ્યો એકલા ભેગા થતા ત્યારે ઈસુ તેઓને દરેક વાતોનો ખુલાસો કરતો.
ઈસુનું તોફાનને અટકાવવું
(માથ. 8:23-27; લૂ. 8:22-25)
35તે દિવસે સાંજે ઈસુએ તેના શિષ્યોને કહ્યું, “ચાલો, આપણે સરોવરને પેલે પાર જઇએ.” 36ઈસુ અને શિષ્યોએ લોકોને ત્યાં છોડ્યા. ઈસુ જેમાં બેઠો હતો તે જ હોડીમાં તેઓ ગયા. ત્યાં તેની સાથે બીજી હોડીઓ પણ હતી. 37સરોવરમાં પવનનું મોટું તોફાન થયું. મોજાઓ ઉપરની બાજુઓ પર અને હોડીની અંદર આવવા લાગ્યાં. હોડી લગભગ પાણીથી ભરાઇ ગઈ હતી. 38ઈસુ હોડીના પાછલા ભાગમા ઓસીકા પર તેનું માથું ટેકવીને ઊંઘતો હતો. શિષ્યો તેની પાસે ગયા અને તેને જગાડીને કહ્યું, “ઉપદેશક, તને અમારી ચિંતા નથી? આપણે ડૂબી જઈશું!”
39ઈસુ ઊભો થયો અને પવનને અને મોંજાઓને અટકી જવા આજ્ઞા કરી, ઈસુએ કહ્યું, “છાનો રહે, શાંત થા!” પછી પવન અટકી ગયો અને સરોવર શાંત થઈ ગયું.
40ઈસુએ તેના શિષ્યોને કહ્યું, “તમે શા માટે ડરો છો? શું તમને હજુયે વિશ્વાસ નથી?”
41શિષ્યો ઘણા ડરી ગયા હતા અને એકબીજાને પૂછતા હતા કે, “આ માણસ કેવા પ્રકારનો છે કે પવન તથા સમુદ્ર પણ તેનું માને છે?”

Currently Selected:

માર્ક 4: GERV

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in